બખિયામાં ટાંકે ટાંકે અમે કંઈક સપનાં ગૂંથતાં (પ્રકરણ : 15) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 15

પલ્લવીનો પૂરબહારમાં ચાલતો શો લઈ અમે ગુજરાતના એક જાણીતા શહેરમાં ગયાં હતાં.

એ શોમાં હું ફૅશનેબલ રાગિણી હતી અને ચિત્રા પલ્લવી.

“પલ્લવી પરણી ગઇ” ની રાગિણી

મમ્મી મારે માટે એક સસ્તો ચળકતો હાર ખરીદી લાવી હતી. મેં જાંબલી રંગની પ્લાસ્ટિકની બુટ્ટી (રોકડા રૂપિયા 2ની) લીધી હતી. એ પહેરી હું ખુશ હતી. માથામાં ફૂલ નાંખી મેં ઠઠારો કર્યો હતો.

ઓપનમાં સ્ટેજ બાંધેલું. ઝૂલવાળા મંડપમાં ખુરશીઓ મૂકેલી અને આગળ લાલ મખમલનો સોફા, શહેરની ખાસ સેલિબ્રિટી માટે. એક જૂના રજવાડાંનો, એ જ યુગમાં જીવતો માણસ. રેશમી અચકન, ચાંદીની મૂઠવાળી લાકડી સાથે સામે બિરાજમાન. પવનમાં શ્વેત દાઢી ફરફરે. મિજાજ પણ રાજવી.

સાંજનો સમય. બત્તીઓ ઝગમગી ઊઠી. શહેરીજનો હોંશે હોંશે આવેલા. પડદો ખૂલ્યો. અમારી તો ધમાકેદાર કૉમેડી અને અમે હંમેશની જેમ મસ્ત પર્ફોર્મન્સ કર્યો. ફૂલગુલાબી કૉમેડીથી લોકો ખુશ થઈ ખૂબ તાળીઓથી અમને બિરદાવે. પણ અમારે તો શો પછી ટ્રેન માટે ભાગવાનું હોય! હું અને ચિત્રા બેકસ્ટેજમાં પડદો નાંખી કપડાં બદલતાં હતાં. સેટ જલ્દી ઉતારવાની વ્યવસ્થા પર દેખરેખ રાખતા અમરભાઈ ઊભા હતા.

ત્યાં પેલા મુખ્ય મહેમાન અમરભાઈ પાસે આવ્યા, અભિનંદન આપ્યા પછી હળવેથી વાત મૂકી. પેલી છોકરી રાગિણી બને છે એનું નામ વર્ષા ને! એનો બાપ ક્યાં છે? મારે મળવું છે.

આવી તોછડી ભાષાથી અમરભાઈ રોષે ભરાયા, સાવધ થઈ ગયા. `તમારે એના પિતાનું શું કામ છે?’

પેલા ‘સજ્જને’ લાકડી ગોળ ઘુમાવતા સહજતાથી કહ્યું : `એવું છે ને. એ છોકરી મને ગમી ગઈ છે, મારે રાખી લેવી છે. એના બાપા આવ્યા હોય તો હમણાં જ લેવડદેવડની વાટાઘાટ થઈ જાય. ક્યાં છે બાપા!’

હાર્ટઍટેક આવ્યો હોય એમ અમરભાઈ અમળાઈ ગયા. એને એક જોરદાર થપ્પડ ઝીંકવાનું મન થઈ ગયું. પછી થયું, વાતનો ફંફેરો થશે. લોક ભેગું થશે. પરાણે સંયમથી કહ્યું : `ના. એના પિતા નથી આવ્યા. અહીં હોય તોય એ તમારી વાત ન જ સાંભળે.’

એ જરાય વિચલિત ન થયા.

`તો એમ કરોને સાહેબ, તમે વચ્ચે રહીને આની જોડે ગોઠવી દ્યો. હું તમનેય રાજી કરીશ.’

અમરભાઈનું માથું ફાટફાટ થતું હતું. તરત સ્ટેજ પર ચડી સામાનની સૂચના આપતા હોય એમ બોલતાં ઉતાવળે બેકસ્ટેજ આવ્યા. હું અને ચિત્રા ફ્રોક પહેરી, મેઇકઅપ ઉતારતાં હસીગમ્મત કરતાં હતાં. અમરભાઈએ કોઈને સૂચના આપી. વર્ષા ચિત્રાને લઈ અહીં પાછળથી હમણાં જ સ્ટેશને જતા રહો, જલ્દી. અમને નવાઈ લાગી. બધા જોડે જઈશું ને! આમ એકલા…

અમરભાઈએ અમને તતડાવ્યા. નો આર્ગ્યુમૅન્ટ્સ. જસ્ટ ગો. ‘રંગભૂમિ’માં શિસ્ત. મોટા કહે તેમ કરવાનું. અમે કોઈની સાથે સ્ટેશન પહોંચી ગયાં. ત્યાં બેન્ચ પર બેસી અમે વિચારતાં રહ્યાં થયું છે શું? મુંબઈ આવ્યાં પછી અમરભાઈએ ઘરે આવી પપ્પાને બધી વાત કરેલી. એ સમયે અમે ઘાટકોપરથી મુંબઈ મેટ્રો થિયેટર પાસે ગુલબહારમાં રહેવા આવી ગયાં હતાં.

આખા મકાનમાં અમારા સામેના ફ્લેટનાં પાડોશી મલકાનીને ત્યાં એક માત્ર ફોન. ભલો જીવ. અમારા પર કોઈનો ફોન આવે કે તરત બોલાવે. એ વખતે કાળો ડબ્બો લક્ઝરી આઇટમ. સહેજે સાતઆઠ વર્ષનું વેઇટિંગ લીસ્ટ. ભાગ્યશાળીને ત્યાં ફોન હોય.

એક દિવસ મારા માટે ફોન આવ્યો. મારી ડોરબેલ રણકી એટલે હું ફોન લેવા ત્યાં ગઈ. મેં ફોન લીધો અને હું ચમકી ગઈ. એ તો પેલો જ માણસ! એણે ઓળખાણ આપી અને પછી કંઈ કંઈ બોલવા લાગ્યો. એની પહોંચ કેવી અને કેટલી હશે! મારું સરનામું અને પાડોશીનો નંબર સુધ્ધાં ખોળી કાઢ્યો! મેં પપ્પાને બોલાવ્યા. પપ્પાએ મને ઘરે મોકલી અને કોણ જાણે શું વાત કરી કે મારો પીછો છૂટ્યો.

પછીથી વિષ્ણુભાઈનો અફર નિયમ. મુંબઈ બહાર શો હોય એટલે શો પછી અમારી વિશિષ્ટ ઓળખાણ આપે, આ વર્ષા આચાર્ય, પ્રસિદ્ધ લેખક ગુણવંતરાય આચાર્યના પુત્રી, ચિત્રા કવિ કાન્તના દોહિત્રી, વિષ્ણુભાઈ કૉલેજ પ્રોફેસર, લીલાબહેન આદરણીય અભિનેત્રી…

1958-59ની આસપાસ હજી નાના શહેર, ગામોમાં મહિલા કલાકારોની છબી ઘણાં લોકોનાં મનમાં કેવી હશે! પરંતુ આવા કડવા અનુભવ પછી પણ મારાં માતાપિતાએ કદી મારી પ્રવૃત્તિઓ પર રોક ન લગાવી કે મને શિખામણનાં બે શબ્દ કહ્યા, ન ઘરમાં કદી વાત થઈ. જાણે કશું બન્યું જ નથી!

1970માં પ્રખ્યાત સિલાઈ સંચાની ઍડ આવતી હતી, માતા-પુત્રી સાથે ઍડમાં હતા જેની ટેગલાઇન હતી, ટ્રેન હર ટુ બી એન આઇડિયલ હાઉસવાઇફ. તો બીજી બ્રાન્ડની ટેગલાઇન હતી, ગિફ્ટ ઑફ લવ ઑન વૅડિંગ ડે. સપનાંઓને સીવી નાંખવાનાં સિલાઈ મશીન દીકરીઓ માટે ઉત્તમ ભેટ ગણાતી હોય ત્યાં એને કલાકાર તો કોણ બનવા દે!
* * *
મારી ગાડી નાટક અને કૉલેજનાં સમાંતર પાટાઓ પર દોડી રહી હતી. ગણિત નામનું સ્પીડબ્રેકર હટી ગયું હતું, પછી પાસ થવું અઘરું નહોતું.

અમે બધાં જ ફિલ્મનાં રસિયા. ઘોયા જ. નાનપણથી બનીઠની ફિલ્મો જોવા જતાં. ઘાટકોપરમાં એક જ થિયેટર, ઉદય ટોકીઝ. માથે પતરાં તપે અને પગ નીચેથી ઉંદર દોડી જાય. તોય ત્યાં સરસ ફિલ્મ આવે એટલે ઊપડીએ.

ઇરોઝ

હું અને ઈલા ઇરોઝ, રીગલ જેવા એલીગન્ટ થિયેટરમાં અંગ્રેજી ફિલ્મો જોવા જતા. શોમાંથી છૂટીને લોકલમાં ઘાટકોપર પહોંચતા રાત પડી જતી. લોકલમાંથી ઊતરીએ કે પપ્પા અમને સ્ટેશને લેવા આવ્યા હોય, શાંતિથી અમારી પ્રતિક્ષા કરતા હોય. ઘર તો છેક છેવાડે! દીવો બળે એટલે. પપ્પા સ્ટેશન પર ઊકળતી ચાનો રગડો પીતા રાહ જોતા હોય. અમને જોઈને ઊઠે, ચાલો બેટા! કેવી હતી ફિલ્મ? ગમી?

આખો દિવસ ગોઠણભેર લખીને, દૂર સુધી ચાલતા આવ્યા હોય, એટલું જ પાછું જવાનું, પણ કદી ના ન પાડે. અમે કૉલેજની લાઇબ્રેરીમાં જ પરીક્ષાનું વાંચીને સાંજે આવતા. બપોરે માટુંગાની લોજમાં લંચનાં પાસ અપાવી દે. રાત્રે સ્ટેશને લેવા આવે ત્યારે પાછા ફરતાં હંમેશની જેમ ગંગાલહરી, મેઘદૂત, શંકરાચાર્યનાં શ્લોક ગાતા અમે રસ્તો ખુટાડીએ. છૂપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમ અંકે તો ફેવરીટ.

કૉલેજનાં ચાર વર્ષમાં ઇન્ટર અઘરું કહેવાતું. ‘ઉત્તરરામચરિત’, ‘મેઘદૂત’ વગેરે મારા અભ્યાસક્રમમાં. મને શી ફિકર! બબ્બે ગુરુ. પપ્પા અને ઈલા. ઈન્ટરમાં પાસ થઈ ગઈ. ભાઈ છેક બી.કોમ. સુધી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ. ઈલા યુનિ.માં ફર્સ્ટ. ચાલો, આપણા રામ પાસ તો થયા.
* * *
અમારી પાસે બહુ બધાં કપડાં ન હતાં. રેડીમેઇડ અને ફૅશન એ બે શબ્દો હજી ચલણમાં ન હતા. કૉલેજમાં ઘણી વિદ્યાર્થિનીઓ સાડી પહેરતી હતી. ફ્રૉક અને સ્કર્ટ બ્લાઉઝ ઘરે સિવડાવીને પહેરવાના. સ્વાતંત્ર્‌ય ચળવળ વખતે પંજાબી ડ્રેસ જાણે નેશનલ ડ્રેસ બની ગયો હતો. તે ખબર નહીં કેમ પણ સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયો હતો. જીન્સની હજી એન્ટ્રી થઈ નહોતી.

વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોમાંથી અગત્યની વ્યક્તિ તે દરજી, બાપુની ભાષામાં ટેભો. ભારતીય નારીના બહુ ઓછા પુરુષ સાથેના સંબંધો સમાજે માન્ય રાખ્યા છે તેમાં સ્ત્રી અને દરજીનો નજીકનો સંબંધ છતાં શંકાથી પર. એવા એક ગુણીજન, ફૅમિલી ડૉક્ટરની જેમ અમારા ફૅમિલી દરજી હતા ગોરધનભાઈ. વર્ષમાં એક વાર ઘરે દરજી બેસાડવાની ટ્રેડીશન. સબ બંદર કે વેપારીની જેમ સ્ત્રીપુરુષ બાળકો બધાનાં કપડાં સીવે. લગભગ વીસપચ્ચીસ દિવસ સંચો ધણધણે.

અમારા ઉનાળુ વૅકેશનમાં બા સહુનાં કપડાંનું સ્ટોકટેકિંગ કરે. શું ખૂટે છે? શું ખરીદવાનું? પછી બા વિધિસરની જાહેરાત કરે કે ગોરધનભાઈને ઘરે બેસાડવાનો સમય થઈ ગયો છે, ત્યારે અમે કંકોત્રી લખાતી હોય એમ હરખાઈ જતાં. તમે મળી જાઓનું પોસ્ટકાર્ડ લખાય, એ મળવા આવે. એમનાં બીજા શેડ્યુલમાંથી તારીખ આપે એટલે અમારે તો આજની ઘડી રળિયામણી.

હું, ઈલા અને બાની ત્રિપુટી મુંબઈ સ્વદેશી માર્કેટમાં કપડું ખરીદવા જતાં, ત્યારે પરાંઓમાં આવી દુકાનો નહોતી. અમારા ફ્રૉક, સ્કર્ટ, પપ્પાનાં ઝભ્ભા, ભાઈના ખમીસ, બાના સાડીબ્લાઉઝનું કપડું ખરીદી, લોકલમાં હાલારહુલર ઘાટકોપર સ્ટેશને ઊતરતા, પપ્પા કે ભાઈ લેવા આવ્યા હોય. પછી વાજતે ગાજતે થાય ગોરધનભાઈની પધરામણી.

આગલે દિવસે સંચો મુકાવી જાય. બીજે દિવસે સવારે નવથી સાંજનાં છ સુધીની શિફ્ટ શરૂ થાય. ગોરધનભાઈ મશીનને ચાંદલો કરી પગે લાગે. અમે આતુરતાથી પોટકાં ખોલીએ. અમારા કપડાં પહેલાં સિવાય તેની હોંશ. ખૂબ સંકોચથી એ અમારું માપ લે. પછી કપડું પાથરે. અમારી મૂંઝવણ એ કે મનગમતાં કપડાં એમની પાસે સિવડાવવા કઈ રીતે! ફૅશન ડિઝાઇનિંગ જેવો શબ્દનો હજી જન્મ નહોતો થયો.

અમે ભેજું લડાવી કાગળ પર ડિઝાઈન ચીતરી હોય તે આપીએ પણ ગોરધનભાઈ તો આઘાતથી સ્તબ્ધ! બહેન, ફ્રૉક ટૂંકા ન પહેરાય. એ ન શોભે. એ અમારી મર્યાદાના રખેવાળ હોય એમ યુદ્ધનો પાંચજન્ય શંખ ફૂંકે. સામસામી દલીલો પછી તમારું રહ્યું અને મારું એમ સમાધાનની શરતો નક્કી થાય.

સંચો અશ્વની જેમ હણહણાટી બોલાવતો ધમધમાટ ચાલે. નાની જગ્યામાં પપ્પા બારી પાસે બેસી આટલા અવાજોમાં પણ શાંતિથી લખતા હોય. સડસડાટ ચાલતી કલમ અને સંચો વચ્ચે જુગલબંધી! નાના ખંડમાંથી એ સાત સમંદરની સફરે નીકળી પડ્યા હોય, ઇતિહાસનાં અનેક કાળખંડોમાં ઘૂમી વળતા હોય!

ચાર ચોપડી ભણેલો દરજી સાંજે ઘરે જવા નીકળે ત્યારે પુસ્તકો, મૅગેઝિન્સ બધું વાંચવા લઈ જાય. બેત્રણ દિવસમાં તો વાંચીને પરત. એણે પપ્પાનાં કેટલાં પુસ્તકો વાંચેલા! ડાયરીમાં રોજ હિસાબ લખાતો, સીવેલા કપડાંની થપ્પી થતી. હું અને બિંદુબહેન રેડિયો મૂકી કપડાં લઈને બેસીએ. બટન, હૂક, બખિયો ફટાફટ લઈએ. (આજે પણ હું સરસ ઝીણો બખિયો લઈ શકું છું.)

કોલેજના દિવસોમાં

બખિયામાં ટાંકે ટાંકે અમે કંઈક સપનાં ગૂંથતાં.

આજે પણ વસ્ત્રોનો એટલો જ શોખ છે. જાતભાતનાં, દેશપરદેશનાં કપડાંથી મારો વૉર્ડરોબ ભરચક્ક છે. માધવીએ ફૅશન ડિઝાઇનર તરીકે ઘણી ફિલ્મોનાં ફૅશનેબલ વસ્ત્રો તૈયાર કર્યાં. પણ એ દિવસોમાં થોડાં કપડાં ઘરે સિવડાવી, ઘડી કરી સહિયારા કબાટમાં ગોઠવાતાં જે હરખ થતો એની તે શી વાત! આજે પણ કબાટ ખોલું છું ત્યારે થાય છે હા, આ બધા વિના પણ અમે એકવાર જીવી શક્યાં હતાં અને આજે પણ હું જીવી શકું છું.

થોડાં કપડાંઓ વારાફરતી પહેરવામાં અમને બહેનોને કશો સંકોચ ન હતો. અમારી અનેકવિધ પ્રવૃત્તિઓથી કૉલેજમાં અમારી ઓળખ હતી. પ્રોફેસર્સમાં પણ અમારું નામ હતું. ત્યારે સહજતાથી એક શીખ મળી હતી, બાહ્ય વસ્તુઓથી માણસ નથી ઓળખાતો.

અભાવોમાં વેઠ્યાની વેદના કરતાં પામ્યાનું મૂલ કેટલું અઢળક હોય છે!
* * *
આચાર્યપરિવારની તપશ્ચર્યાથી મા સરસ્વતી પ્રસન્ન હતી. તથાસ્તુનાં આશીર્વાદ આપ્યાં હતાં. શિશીરભાઈ સી.એ.માં સમગ્ર ભારતમાં પ્રથમ આવ્યો હતો. રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલો. પણ ત્યારે આટલા ડમડમ ન વાગતા. ન કૉર્પોરેટ હાઉસ તાસકમાં નોકરી લઈ સામૈયું કરતા. ઈલાની જ્વલંત કારકિર્દી. હું એક એકથી ચડિયાતા નાટકોમાં વ્યસ્ત.

વિદ્યા જ ફરી અમારી વહારે આવી. પપ્પાની લેખિની અમને ફરી ક્યાં લઈ ગઈ! ફરી એક યોગાનુયોગ કે પછી ચમત્કાર થવાનો હતો અને અમે અજાણ હતાં.

સસ્તુ સાહિત્ય ટ્રસ્ટનાં મનુ સુબેદારનાં ઘર અને ઑફિસ મરીન લાઇન્સ, લિબર્ટી થિયેટરની બાજુમાં. સસ્તુ સાહિત્યની મુંબઈમાં પ્રોપર્ટીઝ હતી. સુબેદાર પપ્પાના મિત્ર અને એમની કલમનાં પરમ ચાહક. સસ્તુ સાહિત્યનાં સામયિક ‘અખંડ આનંદ’માં પપ્પા નિયમિત લખતા. સુબેદાર અવારનવાર પપ્પાને મુંબઈ બોલાવવા ઘાટકોપર કાર મોકલે. પછી નાસ્તા સાથે મોડે સુધી વાતો ચાલે, રાત્રે કાર પપ્પાને મૂકવા આવે.

પપ્પા તો સતત લખતા. આજે ઐતિહાસિક નવલકથાનું અગિયારમું પ્રકરણ, બીજે દિવસે સાગરકથાનું વીસમું પ્રકરણ, રેડિયો પ્લે, ફિલ્મના સંવાદો, કૉલમ એવું ચાલે ત્યાં ફરી ઐતિહાસિક નવલકથાનું બારમું પ્રકરણ આવીને ઊભું રહે.

સતત, રોજનું રોજ લખવામાં મુંબઈ આવવા જવામાં અડધો દિવસ ચાલી જાય! વાતવાતમાં એક દિવસ કહેવાઈ ગયું, મનુભાઈ! અવારનવાર મળવાનું તો કેમ બને! મારો આવવાજવામાં બહુ સમય જાય છે.

ભલે. વાત પૂરી થઈ. મુંબઈથી ઓછાં તેડાં આવવાં લાગ્યાં. પણ એક દિવસ ડ્રાઇવર આવીને ઊભો રહ્યો, `સા’બ બુલાતા હૈ. અર્જંટ કામ હૈ.’ પપ્પાને થયું, આવો મૅસેજ પહેલીવાર છે. નક્કી ખાસ કામ હશે. પપ્પા ઑફિસમાં આવ્યા.

ચા અને સમોસા આવ્યા. હંમેશની જેમ વાતો થઈ. પપ્પા કહે, તમે અર્જંટ સંદેશો મોકલ્યો, અર્જંટ શું છે એ તો કહો. હું ટેન્સ છું.

સુબેદારે પપ્પા સામે ચાવી ધરી, અર્જંટમાં તો આ ચાવી.

ચાવી? શેની?

તમારા નવા ઘરની. મારી બાજુમાં. `ગુલબહાર’ સસ્તુ સાહિત્ય ટ્રસ્ટનું મકાન છે, તમે મારી બાજુમાં રહેવા આવો છો, પહેલે માળે. પાઘડીની ચિંતા ન કરતા.

મુંબઈમાં ઘર એક પ્રાણપ્રશ્ન. ત્યારે બબ્બે ઘર સામે ચાલીને પાઘડી વિના જ મળ્યા એ ઘટના ચમત્કાર જ ને! તે પણ આગ્રહથી. પપ્પાની કલમનો આ જાદુ.

એ સમયે પપ્પાને શી લાગણી થઈ હશે અમને કહ્યું નથી પણ જરૂર હૈયું આદ્ર બની ગયું હશે, આંખો ભીની. મજબૂત સીનો, કદાવર દેહ, કોઈ પણ વ્યક્તિ હારણ થઈ જાય એવા અનુભવોમાંથી પસાર થયા ત્યારેય એમને ભાંગી પડતાં જોયા નથી. પણ હા, બીજાને તકલીફમાં જોઈ ભીની આંખ જોઈ છે અને વહારે દોડી જતા જોયા છે.

પણ આ તો ઘર. પરિવારનું છત્ર. `ઘર’ શબ્દમાંથી ઉઠતાં આંદોલનો એમને નક્કી ઘેરી વળ્યા હશે.

ઘરે આવી. અમારા સહુ સામે ચાવી ધરી.

નીલુ, છોકરાંઓ, લો આ આપણા નવા ઘરની ચાવી.

નવા ઘરની ચાવી? બીજું ઘર?

હા, બે બૅડરૂમનો સરસ મોટો ફ્લૅટ. પ્રાઇમ લોકેશન. સારા પાડોશીઓ. બીઝી ઍરિયા છે પણ મુખ્ય રસ્તાથી થોડું અંદર, એટલે શાંતિ છે. પણ એક વાત છે.

અમારો શ્વાસ અદ્ધર. શી વાત છે?

વાત એમ છે કે, `ગુલબહાર’ની પાછળ જ કબ્રસ્તાન છે, આપણી બારી એમાં જ પડે. પણ જૂનું બ્રિટીશરનાં વખતનું છે એટલે વર્ષોથી બંધ છે, વપરાશમાં નથી. ઉલટાનું એમાં સરસ બગીચો છે. ખૂબ હરિયાળીમાં શાંતિથી ચિરનિદ્રામાં સૈનિકો પોઢેલા છે. આપણને પણ શાંતિ. એ લોકો શું નડે! રોજ કબ્રદર્શનનો મને વાંધો નથી, તમને છે!

અમે એકી અવાજે જયઘોષ કર્યો,

ના, અમને બિલકુલ વાંધો નથી.

અમે હરખાઈ ઊઠ્યા. મુંબઈના હૃદયસમા વિસ્તારમાં મોટું ઘર! ન સ્ટેશન સુધીનો લાંબો રસ્તો કાપવાનો, ન પુલની ચડઊતર અને લોકલ ટ્રેન તો ભાગ્યે જ!

ચાલો, સંસાર સમેટીએ. મમ્મીને પણ હવે સ્મૃતિ નહીં હોય કે કેટલામી વાર! એક શહેરથી બીજું શહેર. એક ઘરથી બીજું ઘર. એક ગૃહિણી તરીકે એને પોતાના ઘરની, હૈયું ઠરે ત્યાં રહેવાની કેટલી ઝંખના હશે! એણે તો કદી કહ્યું નથી. અમે મોટા થયા અને સખીઓ બની ગયા ત્યારે પણ નહીં. એ સદા નદીની જેમ કલકલ નિનાદે વહેતી રહી, જ્યાં જળપથ મળે એ તરફ. આસપાસની જમીનને હરિયાળી કરતી, તૃષા છિપાવતી.

હવે ઘરને સમેટી લેવામાં ઝાઝા હાથ રળિયામણા. કીમતી અને સુંદર ચીજવસ્તુઓથી અમારું ભૂતાનિવાસનું ઘર અમને પૅલેસ લાગતું. ફરતાં ફરતાં સામાન છૂટતો ગયો હતો. આ ઘરમાં જીવન જરૂરિયાતની જ વસ્તુઓ હતી. મુંબઈ જઈએ છીએ. ખબર પડતા પાડોશીઓ મળવા આવતા. એક શિખામણ ભારપૂર્વક આપવામાં આવી. આચાર્યભાઈ, અમારું માનો, ભાડાચિઠ્ઠી તમારા નામની છે. ઘર બારોબાર વેચી નાંખો નહીં તો ખાલી કરવાના પૈસા માગી લો. વ્યવહાર આમ જ થાય. પણ પપ્પા એવું કરે!

પપ્પાએ છોટુભાઈનો આભાર માની, એમના હાથમાં ચાવી મૂકી દીધી. ત્યારે છોટુભાઈએ કહ્યું, મારો કોઠો ટાઢો હતો. મને વિશ્વાસ હતો કે તમે મને ઘર પાછું આપશો. પછીથી તો મુંબઈ નગરી રાજકુંવરીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધે અને વાઇસઅવર્સા. વિજય ઍસ્ટેટ હાઇરાઇઝ કોલોની બની, એના ફ્લૅટ કરોડોનાં દામે વેચાયા. અન્ય પરાંની જેમ ઘાટકોપર પણ સમૃદ્ધ પરું બની ગયું છે હવે.

આખરે અમે વિજય ઍસ્ટેટ છોડ્યું. એક વખત એનાં પ્રથમ દર્શને નિરાશ થયા હતા, મન કાઠું કરીને ત્યાં પગ મૂક્યો હતો. આજે ત્યાંથી નીકળતા હૈયું ભારે થઈ ગયું. જ્યારે આપણે કોઈ સ્થળ છોડીએ છીએ તો શું ખરેખર એ સ્થળ છૂટી જાય છે! સામાન તો સમેટી લઈએ તોય કશુંક તો ત્યાં રહી જ જતું હોય છે. એ શું છે તેની જાણ આપણને જાણ હોતી નથી. જે રહી ગયું તેનાં બદલામાં અમે કેટકેટલું પામ્યા હતા!

ટ્રક ભરાઈ અને સામાન ગયો. અલવિદા આશ્રયદાતાને!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. આ પ્રકરણમાં એક અત્યંત આઘાતજનક પ્રસંગ અને બીજો એકદમ આનંદદાયક પ્રસંગ બંને સાથે જ વણાયેલ છે. ઘર વારંવાર બદલાવવાની ગૃહિણીની પીડા પણ એક જ વાકયમાં છતાં અસરકારક રીતે કહેવાઈ છે.