ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – ૨) ~ પાકિસ્તાનના ટ્વીન સિસ્ટર સિટીઝ ~ પૂર્વી મોદી મલકાણ

જેમ અમેરિકામાં એક સમયે ટ્વીન ટાવર હતાં તેમ પાકિસ્તાનમાં આવેલા છે ટ્વીન સિસ્ટર સિટીઝ. જેને આજે આપણે રાવલ પિંડી અને ઇસ્લામાબાદ તરીકે ઓળખીએ છીએ. આ બંને ટ્વીન સિસ્ટર સિટીઝ વિષે એક સમયે રાજકીય ઇતિહાસ હતો, પણ આજે આમાંથી કેવળ એકનો આજે રાજકીય વર્તમાન છે, પણ બીજાનું યે મહત્ત્વ ઓછું આંકી શકાય તેમ નથી કારણ કે આ બીજા સિટીનું નામ એ ભારતમાંથી અહીં પહોંચેલી એક જાતિ ઉપરથી નામ પડ્યું છે અને તે છે રાવલપિંડી.

પાકના પંજાબ પ્રાંતમાં ઇસ્લામાબાદ પહોંચતા પહેલાં આવેલ છે રાવલપિંડી શહેર. આ શહેરની સ્થાપના વિષે બે માન્યતા છે, એક માન્યતા કહે છે કે અહીં હિન્દુઓની રાવલભાટ જાતિ અને તેમનાં પરિવારો રહેતાં હતાં, સાથે અહીં તેમની કૂળદેવી રાવલદેવીનું મંદિર પણ હતું. જેથી કરીને આ ગામનું નામ રાવલ આવ્યું.

બીજી માન્યતા એ છે કે આ રાવલ ગામની સ્થાપના એ બાપ્પા રાવલે કરેલી જેઓ મેવાડનાં રાજપૂત હતાં. આ રાજપૂતોનાં આરાધ્ય શિવ હતાં તેથી ગામથી થોડે દૂર શુભ સ્થળમાં તેઓએ શિવની પિંડીની સ્થાપના કરેલી. શરૂઆતનાં દિવસોમાં પિંડી મંદિર રાવલ ગામથી દૂર હતું. લગભગ ૧૭૬૧માં આ બંને ભાગને એક કરી રાવલપિંડી એક નામ અપાયું.

પાર્ટીશન પહેલાં અહીં ઘણાં હિન્દુઓ રહેતાં હતાં અને તેમણે અહીં ઘણાં મંદિરો બનાવેલાં. પણ પાર્ટીશન પછી હિન્દુઓ આ જગ્યાને છોડી ગયાં, ને હિન્દુ મંદિરોમાંથી અમુક સચવાયાં તો અમુક ન સચવાયાં, જ્યારે અમુક મંદિરોની ઇમારતો હિન્દુઓનાં નામ પર રાખી મૂકવામાં આવી પણ આ ઇમારતોનું સંચાલન હિન્દુઓને આપ્યું જ નહીં. આ મંદિરોમાંથી આજે રાવલદેવીનું મંદિર જેને રાવલધામ કહે છે તે જ એવું સ્થળ છે જેનું નામ ખાતર સંચાલન હિન્દુઓને સોંપવામાં આપ્યું હોય..

રાવલધામ મંદિર અને પિંડી મંદિર – રાવલપિંડી

ચાલો, હવે ઇસ્લામાબાદ પહોંચીએ અને તેની ટૂર કરીએ. ઇસ્લામાબાદની મેરીએટમાં પગ મૂક્યાં પછી અમુક જ કલાકોમાં ઓસામા બિન લાદેનનાં સમાચારે અમારા મનમાં થોડું તોફાન લાવી દીધેલું પણ બીજા દિવસથી અમારે ક્યાંય એકલા ફરવાનું નથી એ યાદ રાખીને હું ફરી પ્રવાસી મૂડમાં આવી ગઈ તે સમયે અમારા રૂમની સામે રહેલ Jacaranda  (જકરંદા)ના વૃક્ષો પરનાં જાંબલી રંગના ફૂલો તેમનાં દેશમાં આવેલાં આ નવા મહેમાનોનાં ઉત્સાહને જોઈ ખુશીમાં ફૂલ્યાંફાલ્યાં હતાં.

ઇસ્લામાબાદની સિટી ટૂર અમે મી. અને મિસીસ માઝદ સાથે કરી હતી. ૧૯૪૭નાં વિભાજન બાદ પાકિસ્તાનમાં શરૂઆતની રાજધાનીનું માન કરાંચીને મળ્યું, પણ કરાંચીની વધતી જતી વસ્તીને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો.

૧૯૫૮માં એ સમયના પાકિસ્તાનના જનરલ મુહમ્મદ અયુબખાને રાવલપિંડી નજીક રહેલી આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મ દીધો. તે સમયે હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીત કરાઇ, પણ રાવલપિંડીથી લગભગ દોઢ કલાક દૂર ૪ મરગલાની પહાડી (પર્શિયનમાં મર એટ્લે સાપ અને ગલા એટ્લે ટોળું) વચ્ચે લગભગ ૧૯૬૦ – ૧૯૬૮માં સત્તાવાર રીતે નવી રાજધાની ઇસ્લામાબાદ બાંધવામાં આવી.

કહેવાય છે કે એક સમયે આ હિલ્સ પર ઘણા સર્પો ખૂબ જોવા મળતાં હોવાથી આ પહાડીનું નામ મરગલા પડ્યું. આ મરગલાની પહાડીની પછી હિમાલયની પર્વતમાળાની શરૂઆત થાય છે. આજનાં ઇસ્લામાબાદની મુખ્ય પ્રજામાંથી ૬૦ ટકા લોકો પંજાબી અને ૪૦ ટકા લોકો ઉર્દુ બોલે છે. આ ઉપરાંત પશ્તુ, સૂનતી અને અંગ્રેજી ભાષા પણ જોવા મળે છે.

A to Z ની સાઇન, સેક્ટરો તથા પેટા સેક્ટરોની વચ્ચે વહેંચાયેલું આ શહેર અમને સુંદર લાગ્યું. એમાં યે પાંચ નંબરના સેકટરમાં આવેલ અમારી મેરીએટ હોટેલની ગેલેરીમાંથી દેખાતાં પાર્લામેન્ટ હાઉસ, પ્રેસિડેન્ટ હાઉસ, પાકિસ્તાન ટીવી ઓફિસ, ફૈસલ મોસ્ક, દામન-એ-કોહ વગેરેની વાત જ અલગ હતી, પણ એક ગૃહિણી તરીકે મને રસ હતો પાકિસ્તાની ગૃહિણીઓનાં ઘર અને તેમની રહેણીકરણી જોવામાં. જે મને જોવા મળી ઇસ્લામાબાદના Residential એરિયામાં.

મને ઇસ્લામાબાદની મોટાભાગની પ્રજા રૂઢિચુસ્ત લાગી, ખાસ કરીને સ્ત્રીઓ માટે ઘણા જ નિયમો જોવા મળ્યાં. અહીં ફરતાં મને અહીં બહુમાળી એપાર્ટમેંટ કોમ્પલેક્સ બહુ જ ઓછા અને બંગલાઓ વધુ દેખાયાં હતાં. એમાયે આ બંગલાઓની વાત તો અલગ જ હતી.

રૂઢિચુસ્તતાને કારણે મોટાભાગનાં બંગલાઓમાં દિવાલ અને દરવાજાઓ એટલાં ઊંચા હતાં કે, રસ્તામાંથી પસાર થનાર કોઈપણ વ્યક્તિ કે વાહનમાં બેસેલ વ્યક્તિઓ આસાનીથી અંદર જોઈ ન શકે, જ્યારે અમુક બંગલાઓનાં વરંડાઓની અંદર મોટી ગ્રીલ હતી. આ ગ્રીલની અંદર જતાં ઘરમાં જવાનો મુખ્ય દરવાજો મળે. ઘરની મુખ્ય વ્યક્તિ ઘરની બહાર જાય કે તરત જ ઘરની બીબીઓ ગ્રીલને અંદરથી તાળું લગાવી દે છે. તે ગ્રીલની બહાર અને મુખ્ય ગેઇટની વચ્ચે એક બેલ રાખી હોય જ્યારે બેલ વાગે ત્યારપછી ગૃહનારી દરવાજો ખોલીને ચેક કરે અને ત્યારપછી તે તાળું ખોલી આપે.

બહારની કોઈ વ્યક્તિઓ કે પોસ્ટમેન આવે તો બીબીઓ ગ્રીલ સુધી જ આવે છે પણ તાળું ખોલાતું નથી. ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ માથું દુપટ્ટા વડે ઢાંકીને રાખે છે. જ્યારે મોટાભાગની સ્ત્રીઓ અબાયા, નિકાબ અને હિજાબ પહેરે છે જેમાં સ્ત્રીઓનું આખું શરીર ઢંકાઈ જાય છે. અબાયા અને હિજાબની ડિઝાઇન પરથી સામાન્ય રીતે ખબર પડી જાય છે કે આ સ્ત્રીઓ કેવા ફેમિલીમાંથી આવે છે.

ઇસ્લામાબાદમાં અમે જેટલાં લોકોને મળ્યાં તે તમામ લોકો અમને જોઈ આશ્ચર્ય ચકિત થયેલાં તે તમામનું કહેવું હતું કે; એક પાકિસ્તાની નાગરિક ઈન્ડિયામાં જઈ બેધડક ફરી શકે છે પણ કોઈ ઇન્ડિયન ખાસ કરીને અહીં આવતા નથી એવા સમયમાં આપ યુ.એસ.એથી ભલે આવ્યા, પણ ભારતીય મૂળની એક સદસ્ય અમારે આંગણે આટલા ઉત્સાહથી પાકિસ્તાન ફરવા માટે આવી છે તેનો આનંદ અમને અધિક છે. આમાં યે ખાસ વાત એ છે કે જ્યારે કોઈ ભારતીય પુરુષ અહીં ફરવા આવવા માટે કતરાતો હોય ત્યાં ભારતીય સ્ત્રીની વાત તો થઈ જ ન શકે, પણ તમે અહીં આવવાની હિંમત કરી તે બહુ મોટી વાત છે.

અગર સિટી ટૂરની વાત કરું તો ઇસ્લામાબાદ અને પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતની અમારી સફર હજુ ચાલુ થઈ હતી તેથી આગળ અમને પાક સંસ્કૃતિ, તેનો ઇતિહાસ અને ત્યાંનાં લોકજીવનની અનેક નવી કહાણીઓ અમારી નજર પાસેથી પસાર થવાની જ હતી, અને તેને માટે હું ખૂબ ઉત્સાહિત હતી.

પાકિસ્તાનની બીજા નંબરની મોટી મસ્જિદ – ફૈઝલ મોસ્ક – ઇસ્લામાબાદ

© પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..