એ દૃશ્ય આજેય મનમાં અકબંધ સચવાયું છે (પ્રકરણ : 11) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
પ્રકરણ : 11
પપ્પાની સડસડાટ ચાલતી કલમ સાથે અમે પણ એટલી જ ઝડપથી વ્યસ્ત થઈ ગયાં હતાં.
ભાઈ સતત ફર્સ્ટક્લાસ ફર્સ્ટ, બંને ડિવિઝનમાં. સાથે સાથે ટ્યૂશન પણ કરે. ઈલાએ પણ ટ્યૂશન કરેલું અને આ બંને ટ્યૂશન વિદ્યાર્થીઓએ સામે ચાલીને માગેલા. લગ્ન પછી બિંદુબહેન રાજકોટ રહેતાં હતાં અને પ્રથમ પ્રસૂતિ માટે ઘરે આવેલાં. અમે ઘેલાં ઘેલાં થઈ ગયાં હતાં. ઈલા મુંબઈની અને ગુજરાતની કૉલેજોમાં વક્તૃત્વ સ્પર્ધાઓમાં આગળ.
એ સમયે છોકરીઓ કોઈ પ્રવૃત્તિઓ કરે તો લોકો શું વિચારતા એનો એક પ્રસંગ.
આંતરરાજ્ય વક્તૃત્વસ્પર્ધા માટે પપ્પા અને ઈલા અમદાવાદ શંભુકાકાને ઘરે હતાં. બપોરે એક મહિલા મહેમાન આવી. ઈલાને જોઈ નિસાસો નાંખીને કહે, અરરે! કેવી રૂપાળીબહેન! અને ભરજુવાનીમાં એને રંડાપો! ઈલા સ્તબ્ધ થઈ ગઈ. પછી ખ્યાલ આવ્યો કે ઈલાએ ચાંદલો નહોતો કર્યો અને બંગડી હાથમાં નહોતી. ઈલા કુંવારિકા છે અને છેક મુંબઈથી બોલવા આવી છે એ જાણી આઘાત પામવાનો એ બહેનનો વારો હતો.
એવું મારાં નાટકો માટે પણ થતું. મારી ‘રંગભૂમિ’ સંસ્થા અમદાવાદ નાટકો લઈ જાય ત્યારે હું શંભુકાકાને ત્યાં રોકાઈ જતી. ત્યારે પણ આવો અનુભવ થયો હતો. આચાર્યસાહેબની દીકરી નાટકમાં કામ કરે છે અને ગ્રુપ સાથે ટ્રાવેલ પણ કરે! શાળામાં પણ મારા ક્લાસની ઘણી છોકરીઓને નવાઈ લાગતી.
હું શાળામાં ગણિતમાં નાપાસ થતી, પણ આગળનાં વર્ષમાં જતી, પણ શિક્ષિકાબહેનોનો ઠપકો નહીં, મેટ્રિકમાં તો હું સિવિક્સ લેવાની જ હતી અને ગણિતને અલવિદા.
પણ મારી નાટ્યપ્રવૃત્તિ હોંશભેર ચાલુ હતી. જેમ પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ‘ખાલી જગ્યા પૂરો’ પ્રશ્ન હોય એમ ‘રંગભૂમિ’નાં નાટકોમાં નાની નાની ભૂમિકાઓ કરતી હતી. હું નાટકમાં ન હોઉં તો પણ અમે ‘રંગભૂમિ’ના નાટકો જોતાં. અને જો કોઈ ન આવ્યું કે ખાલી જગ્યા હોય તો હું પૂરતી હતી. ઘાટકોપરથી ગ્રાંટરોડની મુસાફરીઓ કોઠે પડવા માંડી હતી. એને લીધે માર્ક્સ ઓછા આવે તો પણ પપ્પાબાનું કોઈ દબાણ નહીં. ‘તને ગમે છે તે કર, પાસ થઈ જા એટલે બસ.’
સુવિધાઓ વિનાનું સાદું જીવન એ સમયે સહુને સ્વાભાવિક હતું, કારણ કે એ સિવાય બીજું પણ જીવન હોઈ શકે એવી કલ્પના પણ ન હતી. લોકલ ટ્રેનની ભીડ, બસની લાઇનમાં ઊભા રહેવું, ટ્રામમાં મુસાફરી અને ચાલવાનું તો ખરું જ, પુલોની ચડઊતર એ સહુના જીવનનો હિસ્સો હતા. ત્યારે પણ અને આજે પણ મુંબઈગરો આ જીવન જીવે છે. વર્કિંગ વુમનને તો શ્રવણની જેમ ઘર અને બહારની કાવડ ખભે જ હોય. દૂર દૂર નોકરી કરી, લોકલ ટ્રેનની ભીડમાં ભીંસાઈ (રોજના 75 લાખ લોકો લોકલમાં મુસાફરી કરે છે) સ્ટેશને ઊતરી, શાકપાંદડું ખરીદી ચાલતાં ચાલતાં દૂરના ઘરે જવાનું હોય છે. હા, હવે તો ઓટો છે, પણ રોજ એમાં જવાનું ઘણાને પરવડતું નથી.
નાટકના રિહર્સલ્સ, રીડિંગ એ બધું જ સાંજથી રાત સુધી. દિવસે તો સહુને નોકરીધંધો હોય. રાત્રે અમે ઘાટકોપર સ્ટેશને ઊતરીએ ત્યારે સહુ અંધારપછેડો ઓઢી ઘેરીનીંદરમાં. રેડિયો પર ડીમેલોનાં ઘેરા અવાજમાં નવ વાગ્યે સમાચાર સાંભળી લો એટલે દિવસ પૂરો થઈ જતો.
કોઈ વાર ગમ્મત થતી.
જાતજાતની મુસાફરી કરી, ક્યાં ક્યાંથી રાત્રે દેવધર હૉલ સહુ પહોંચે ત્યાં ખબર પડે આજે રીડિંગ કે રિહર્સલ્સ કૅન્સલ છે! એટલે એબાઉટ ટર્ન કરી પરત ફરવાનું. ઘરે પહોંચતા તો થાકીને લોથ. એ સમયે ટી.વી., કમ્પ્યૂટર, મોબાઇલ તો નહોતા, લેન્ડલાઇન ફોન પણ નહીં. ફોન કરવો હોય તો બજારમાં કરિયાણાની દુકાને કે કોઈ મોટા સ્ટોરમાં હોય. તાળુ મારેલું હોય. ફોનના પૈસાનું બાજુમાં બૉક્સ. કોઈ પરભવનાં પુણ્યશાળીને ઘરે જ ફોન હોય ત્યારે શું અહોભાવ થતો! એટલે રિહર્સલ કૅન્સલ થયું છે એની ખબર જ ન પડે! કેટલાય નાટ્યકર્મીઓ આ રીતે અવેતન રંગભૂમિને સમર્પિત હતા.
ત્યારે પત્રયુગ ચાલતો હતો. ઓહો! પત્રનાં કેટકેટલાં અવતાર! ટેલિગ્રામ, પોસ્ટકાર્ડ, ઍક્સપ્રેસ ડિલિવરી, અંતર્દેશીય પત્ર, સાદા અંતર્દેશીય અને સાદા કવરો…
સ્વજનોનાં પત્રની વ્યાકુળતાથી પ્રતિક્ષા કરવાની એક લિજ્જત હતી. પત્રયુગે વિશ્વને ઉત્તમ સાહિત્ય આપ્યું છે. ખેર, આ વિષય તો પીએચ.ડી.ને લાયક. એટલો વ્યાપક.
બધાને ત્યાં પત્રો આવે પણ અમારે ત્યાં તો ઢગલો! પપ્પા પર ખૂબ પત્રો આવે, વાચકો ગામેગામના. ઘણાં પપ્પાની ઐતિહાસિક નવલકથા વાંચી માહિતી મંગાવે, કોઈ પ્રશ્નો પૂછે તો ઘણા દરિયાઈ કથાઓના ચાહક. અત્યારના વૉટ્સઍપ એપનાં કંજૂસિયા મૅસેજીસ જેવા ટચૂકડા આ પત્રો ન હોય. (અમે ભાઈબહેનો પણ લગ્ન પછી છૂટા પડ્યાં અને લાંબા ઇમોશનલ પત્રો લખતા.)
એ સમયે ઘરમાં એક પત્રખીંટી રહેતી, જેમાં પત્રો માટેનો જ ખાસ એક એલ્યુમિનિયમનો સળિયો લટકતો રહેતો. કાગળ વંચાઈ જાય, ઉત્તર આપી દેવાય પછી એ સળિયામાં ભરાવી દેવાનો. મહિનામાં તો સળિયો ભરાઈ જાય. એક રવિવારની સવારે પપ્પા એ સળિયાને ઉતારે, કાગળો જોઈ લે, કોઈ કામનો હોય, સરનામું લખી લેવાનું હોય તે બાજુ પર રાખી બાકીના પત્રોને વિદાય.
પત્રયુગ આથમતા કેટકેટલી લાગણીઓ વણકહી રહી ગઈ! ડિજિટલ યુગના મોબાઇલે આપણને કેટકેટલું આપ્યું અને કેટકેટલું છીનવી લીધું! માત્ર કામનો જ ટૂંકમાં મૅસેજ, ઇમોજીથી કામ ચાલે તો એમ. પત્રોમાં તો હૃદયનો ધબકાર સંભળાતો.
* * *
મુંબઈમાં મેટ્રો સિનેમાની સામેની બાજુ પ્રખ્યાત ઝેવિયર્સ કૉલેજ છે, એની બાજુમાં વિશાળ ઓપન થિયેટર હતું રંગઉપવન (રંગભવન). આમ તો હજી છે, પણ હવે એ બંધ છે.
એક સમયે એનો ભારે દબદબો. આંતરરાજ્ય નાટ્યસ્પર્ધાઓ રંગઉપવનમાં યોજાતી. રીતસર નાટ્યમેળો જામતો. ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય એટલે ગુજરાત અને મુંબઈના દિગ્ગજ કલાકારો, ધરખમ નાટકો લઈ મેદાનમાં ઊતરતા. જોઈને હૈયું હરખાય એટલી ગિરદી. આઠદસ દિવસ આ ડ્રામા કાર્નિવલ ચાલે. પપ્પા પહેલેથી સિઝન પાસ અમારા માટે ખરીદી લેતા. આંગણે લગ્ન હોય એમ પ્રેક્ષકો અત્યંત ઉત્સાહથી અને બનીઠનીને આવતા. હું, ઈલા અને બા અમે પણ રેશમની જરીની સાડીઓ, આભૂષણો, મઘમઘતી વેણી અંબોડે પહેરતાં. (હજી સલવારકમીઝનું ઘોડાપુર આવ્યું નહોતું.) પંચરંગી લહેરિયા, સુગંધી પાલવ હવામાં લહેરાતા. દિવસો પહેલાંથી આ સ્પર્ધાની અમે પ્રતિક્ષા કરતા.
સીએસટી-વી.ટી. સ્ટેશન નજીક. રાત્રે એક અને દસની છેલ્લી ટ્રેન. એ ટ્રેન પકડી શકાય એ જ રીતે નાટકના શોનો સમય રખાતો. થિયેટરની બહારની ગલીમાં ખાણીપીણીની રેંકડીઓ ન રહેતી. બિસલેરી તો હતી જ ક્યાં! ઘણાં સાથે નાસ્તો લાવતા અને ઇન્ટરવલમાં જયાફત થતી. અમે પણ મૂઠિયાં ઇન્ટરવલમાં ઝાપટ્યાં છે. સહુ આવા નાટકના ઘોયા.
નાટકનો શો પૂરો થતાં સહુ લોકલ ટ્રેન પકડવા ઉતાવળાં થાય. અમે વી.ટી. તરફ ચાલતા થઈએ. મોડી રાત્રે લગભગ ખાલી ટ્રેનમાં અમે વાતો કરતાં, ગાતાં, ઝોકાં ખાતાં જઈએ. પણ ત્યારે ડર ન હતો. ખાસ્સી સલામતી હતી.

વેણીભાઈ પુરોહિત ત્યારે ઘાટકોપર રહેતા. એ પણ અમારી સાથે હોય. પપ્પા, વેણીભાઈ અને વિષ્ણુભાઈ (વિષ્ણુકુમાર વ્યાસ), વાતોના ખજાનાના પટારા ખૂલી જતા.
ઘાટકોપર સ્ટેશને અડધી રાત્રે અમે ઊતરીએ ત્યારે મોટું ટોળું થઈ ગયું હોય. એક રાત્રે પપ્પા અને વિષ્ણુભાઈને થયું. ઓહો! આટલા બધા લોકોને નાટકમાં રસ છે! તો પછી અહીં જ ઘાટકોપરમાં એક નાટ્યસંસ્થાનાં શ્રીગણેશ કરીએ તો! કેટલાય નાટ્યપ્રેમીને ઘરઆંગણે જ ટ્રેનિંગ મળશે અને પ્લૅટફૉર્મ પણ. યસ, વ્હાય નોટ!
* * *
વિષ્ણુભાઈ, હું અને બીજાં થોડાં જોડાયાં. મારી પાસે સાદડીનું ભૂંગળું, એક શ્રીફળ અને રામજી આશર શાળામાં આવ્યા. મેં શ્રીફળ વધેર્યું, સાદડી પાથરી. અમે સહુ હરખાતાં બેઠાં. પપ્પા કહે, આ આપણી જ, ઘાટકોપરની નાટ્યસંસ્થા ‘રંગમંચ’. સહુને આમંત્રણ.
ઔર કારવાં બનતા ગયાની જેમ હોંશે હોંશે ઘાટકોપરનાં યુવાનો, વયસ્કો પણ રંગમંચમાં આવવા લાગ્યા. શાળાએ અમને વગર ભાડે હૉલ આપી દીધો હતો. ઘાટકોપરમાં કાનોકાન વાત વહેતી થઈ હતી, નવી નાટ્યસંસ્થા શરૂ થઈ છે. કોઈ પણ એમાં જોડાઈ શકે છે. એક પ્લૅટફૉર્મ ઊભું થયું.
અમે પૂરી નિસબતથી અને ઊભરાતા ઉત્સાહથી ‘રંગમંચ’નો કુંભ મૂક્યો, મેં સાથિયો પાડ્યો, પણ એ સાથિયામાં રંગ પૂરવા કેવાં કપરાં ચડાણ ચડવાં પડશે એની અમને નવા નિશાળિયાઓને ખબર નહોતી. હું હજી શાળામાં હતી.
મને મારી શાળાના વાતાવરણ પરથી અને ‘રંગભૂમિ’ના અનુભવ પરથી એક વાત બધે સરખી લાગતી હતી. નાની મોટી કોઈ પણ વયની છોકરીઓની કમી રહેતી. હરખપદુડી અમે બે. હું અને રશ્મિ સાંગાણી. સરખી વયની અને ઉત્સાહી. નાટ્યપ્રવૃત્તિ તો સાંજ પછી જ હોય. તેમાંય અહીં તો પુરુષો જ વધારે. જ્યાં ઘણી છોકરીઓ મેટ્રિકથી જ સાડી પહેરતી હોય, ઘણાંની સગાઈ થઈ ગઈ હોય ત્યાં માબાપ રાત્રે દીકરીઓને નાટક કરવા શી રીતે મોકલે! નાટક નવાઈની વાત હતી.
‘રંગમંચ’ અમારે મન એક અદ્ભુત ઘટના હતી. અમારા ઘટમાં ઘોડા થનગનતા હતા. આજે સમજાય છે, એ માત્ર નાટકની નહીં જીવનની પણ તાલિમ હતી.

પપ્પા અને વિષ્ણુભાઈએ ‘રંગમંચ’માં જીવ રેડી દીધો હતો. જેને નાટક વિશે કશી જ ખબર નહોતી, પણ હોંશ હતી એ લોકો ધીરે ધીરે આવવા લાગ્યા હતા. વર્કશૉપ, સેમિનાર એ શબ્દો હજી તદ્દન અપરિચિત. જેણે તખ્તા પર પગ જ ન મૂક્યો હોય એ લોકો ફૂલલેન્થ નાટકોમાં શી રીતે ટકી શકે! ઉપરાંત ફૂલલેન્થ-ત્રિઅંકી નાટકો કરવાનો ખર્ચ, સમય, તાલીમ બધું જ ઉધારખાતે! અને હા, પ્રેક્ષકો પણ.
તો શું કરવું! કોઈ બાત નહીં. એકાંકીઓ ભજવીએ. લેખક હાજરાહજૂર પપ્પા. નાટ્યગુરુ, અભિનેતા અને દિગ્દર્શક વિષ્ણુભાઈ. પપ્પાએ ‘અલ્લાબેલી’, ‘આપઘાત’ જેવાં અદ્ભુત નીવડેલાં નાટકો રંગભૂમિ માટે લખ્યાં હતાં. એમણે પોતાના રોજિંદા લેખનમાંથી સમય કાઢીને એકાંકીઓ લખવા માંડ્યા. (મારી પાસે એમાંની એક પણ સ્ક્રીપ્ટ નથી.)
અમે રાત્રે હૉલમાં ભેગાં થઈએ. સ્ક્રીપ્ટ વાંચનમાં જ કેટલી ધીરજ અને કેટલો સમય જોઈએ! પપ્પા નાટકની થીમ સમજાવે, પછી વિષ્ણુભાઈ વૉઇસ મોડ્યુલેશન, બ્રેથ કંટ્રોલ, ઉચ્ચાર શુદ્ધિ બધું વાંચતા જાય અને શીખવતા જાય. (અભિનય, દિગ્દર્શન, લાઇટિંગ વગેરેના કોર્સની અત્યારે લાખો રૂપિયાની ફી છે.)

માટીનો લોંદો ચાકડે ચડાવી દેવાથી થોડો ઘાટ ઘડાઈ જાય! બાવડામાં બળ પૂરી. ચાકડો ઘૂમતો રાખવો પડે, આકાર આપવો પડે, નિંભાંડે તપાવવો પડે. એક લાંબી ધીરજથી કસોટી કરતી પ્રક્રિયા. પપ્પા અને વિષ્ણુભાઈએ અથાક મહેનત કરી હતી. સાધનો ટાંચાં. ના, નહિવત્ જ. માણસો ઓછા અને પ્રેક્ષકો તો ઉદાસીન અખાડાના જાણે સાધક!
એક વખત ઘણી મહેનતે બે એકાંકી તૈયાર કર્યાં હતાં. વિષ્ણુભાઈ અને પપ્પાનાં પરિશ્રમ અને પ્રોત્સાહનથી ટીમ સજ્જ થઈ તોય એક સ્ત્રીપાત્ર ઓછું પડતું હતું. અભિનય, બેકસ્ટેજ, પ્રોપર્ટી વગેરે માટે અહીંના જ લોકોને જોડ્યા હતા. કોઈ સ્ત્રી પાત્ર ન મળ્યું, પછી ઈલાને પરાણે એ એકાંકી માટે લાવેલાં.
પણ ખાટલે મોટી ખોડ. પ્રેક્ષકો? એ ક્યાંથી લાવવા! ટિકિટ રોકડા રૂપિયા બે. જાહેરખબર, ઍડવાન્સ કે કરંટ બુકિંગ જેવું તો કંઈ હતું નહીં. મેં અને રશ્મિએ કમ્મર કસી. નો પ્રૉબ્લેમ. લોકો નથી આવતા? તો આપણે એમની પાસે જઈએ. હું અને રશ્મિ ઘરે ઘરે ટિકિટ વેચવા ફર્યાં. કોઈ વાર તો વાત પૂરી કરીએ એ પહેલાં મોં પર બારણું બંધ! તો કોઈ ‘બિચારી’ કહી દયાથી ટિકિટ ખરીદે.
નાટકની આ કવાયતમાંથી નાટકના જુદા જુદા વિભાગ માટે હોંશીલા લોકો તૈયાર થવા લાગ્યા હતા. વિષ્ણુભાઈ, નારાયણ રાજગોર, બીજા પણ ક્યારેક ટપકી પડે અને અમારે ત્યાં રવિવારે સવારે સાંકડમોકડ ડાયરો જામે. ચાનાં તપેલાં ઊકળતા હોય, ક્યારેક ગાંઠિયાની લિજ્જત.

નારાયણભાઈ જબરા મિમિક અને ખૂબ ટૅલેન્ટેડ. નાટકમાંથી પછી સીધી છલાંગ લગાવી હતી ગુજરાતી ફિલ્મોમાં અને ખ્યાતિ પ્રશંસા બંને ભરપૂર મળ્યા હતા.
‘રંગમંચ’નું પહેલું ત્રિઅંકી રણજીત આથાનું ‘ઝેરનાં પારખાં’. રિહર્સલમાં નિયમિત રાત્રે જાઉં, પણ મારે યોગ્ય કોઈ ભૂમિકા નહીં. કૉલેજમાં ભણતી એક યુવતી ઉત્સાહથી એના ભાઈ સાથે આવતી, એનું મુખ્ય પાત્ર. ચાલો એક યુવતી સામે ચાલીને આવી એટલે અમે ખુશ. શોને થોડા દિવસની જ વાર અને પ્રથમ ગ્રાસે મક્ષિકા તેય મોટી માખી! એ બહેન આવીને ધડ કરીને ના પાડીને ચાલતા, મારી સગાઈ થઈ ગઈ છે. એટલે ઘરેથી ના પાડે છે, હવે તારાથી સ્ટેજ પર ન જવાય.
ધરતીકંપથી માંડ ત્રિઅંકીનો ઊભો કરેલો માંચડો કડડભૂસ! એક તો સ્ત્રીપાત્રોની અછત એમાં છેલ્લી ઘડીએ કોણ મળે! આ નાટક કરવા તો અમે બધાં જ કટિબદ્ધ. કરેંગે યા મરેંગેનો એટીટ્યૂડ. ગવર્નર પકવાસા અને ‘રંગભૂમિ’નાં કલાકારો અને બીજી સેલિબ્રિટીઝને પપ્પાએ આમંત્રેલા. હવે? કંઈ વાંધો નહીં, ચડાવો શૂળીએ જાડા નરને જોઈ.
આ કિસ્સામાં જાડો નર એટલે હું, શાળામાં ભણતી દૂબળીપાતળી કિશોરી. ત્રણ બાળકોની માનું પાત્ર. છેલ્લે કંઈક પાગલપનની અસર એવું ઝાંખું યાદ છે, એક માત્ર ફોટો પરથી. ત્યારથી બિરુદ મળ્યું ‘સંકટ સમયની સાંકળ’. હું ગભરાઈ ગઈ. પપ્પા અને વિષ્ણુભાઈ કહે, થઈ જશે. તું કરી શકીશ. સ્ક્રીપ્ટ યાદ છે અને મેઇકઅપ સાડીથી મોટી દેખાઈશ. ચિંતા ન કરીશ, પણ એ જ ચિંતા! સાડી. પણ હું થઈ ગઈ તૈયાર.
સંવાદો ગોખી જીભનાં કુટ્ચા કર્યાં. બાએ સાડલો પહેરાવી સેફ્ટીપીનથી મઢી દીધી. હોંશ તો હતી, પણ મેઇકઅપમેને વાળમાં સફેદીની છાંટ નાંખી તો રડવું આવી ગયું. તોય આખરે ભજવ્યું, વાર્તા યાદ નથી. બા સામે બેસવાને બદલે વિંગમાં ઊભી રહી. મારી સાથે ને સાથે. પ્રોમ્પટર હાજર. શો થયો. તાળી મળી હતી. એટલું જ યાદ છે. એ નાટકનો એક જ ફોટો હજી મારી પાસે છે.
પપ્પા અને વિષ્ણુભાઈએ નિષ્ઠા અને પરિશ્રમથી બીજ વાવ્યાં તે લીલાછમ તૃણાંકુર બની લહેરાઈ ઊઠ્યા હતા. ‘રંગમંચ’માં બધી રીતે ઘણાં ઘડાયા. અમને કોઈ કામની નાનમ નહીં. પ્રોડક્શનનાં બધાં કામ બધાનાં. એ પણ ઘરની ખીચડી ખાઈને. ત્યારે પૈસા, પબ્લિસિટી નહોતી. અત્યારની જેમ દેશવિદેશની ટૂરોનું તો સપનુંય નહીં! ઘણાં કામ પરથી સીધા જ હૉલ પર આવે. થાક્યાપાક્યા હોય, ઘણીવાર ભૂખ્યાં હોય, ઊલટાનું ઘણાને ઘરમાં નાટકિયો ગાળની જેમ માથે ઠોકાય.
તો પણ ઘણાં ટકી ગયા. કોઈ સારા અભિનેતા બન્યા, લેખક, લાઇટિંગ ડિઝાઇનર અને બેકસ્ટેજ સંભાળવામાં પણ ઍક્સપર્ટ બન્યા. લગભગ 1958ની આસપાસ અમે ઘાટકોપર છોડ્યું, ત્યારે ‘રંગમંચ’ સંસ્થા સ્થિર થઈ ગઈ હતી અને લોકો નાના ડાયરામાંથી નીકળીને મોટા ફલક પર કામ કરતા થયા. નામ અને દામ પણ કમાયા. હા, ‘રંગમંચ’ની આ અવેતન સંઘર્ષ નાટ્યયાત્રાનાં સાક્ષી છે. ભવનના કાર્યક્રમ સંયોજક લલિત શાહ. પ્રખ્યાત નાટ્યકાર ઘાટકોપર નિવાસી પ્રવીણ સોલંકી પણ પાછળથી થોડો સમય હતા.
પણ રવિવારની એ સવાર, ચટ્ટાઈ પાથરી બેસવું, આ આપણી ‘રંગમંચ’ નાટ્યસંસ્થા બોલતાં એક કિશોરીએ શ્રીફળ વધેર્યું એ દૃશ્ય આજેય મનમાં અકબંધ સચવાયું છે. જીવનમાં એવું ક્યારેક બને છે કે કાળનો પ્રલંબ પટ વિસરાઈ જાય છે, પણ એની ક્ષણશૃંખલામાંથી છૂટી પડેલી કોઈ ક્ષણ, ગ્રહમાળાના ગ્રહોમાંથી છુટ્ટા પડી ગયેલા ગ્રહની જેમ મનના અવકાશમાં સતત ઘુમરાતી રહે છે.
* * *
અમે બહેનો પ્રવૃત્તિઓ અને અભ્યાસમાં મગ્ન. બા હવે મમ્મી બની ગઈ હતી. એ ઘરનો મોરચો સંભાળે. અમે ગમે ત્યારે વહેલામોડા ઘરે આવીએ. (અડધો સમય તો આવનજાવનની મુસાફરીમાં) પણ અમારી પર કદી કરફ્યુ નહીં, ચોકી કે પ્રશ્નોની ઝડી તો કદી નહીં. મમ્મીએ ક્યારેય ભૂલેચૂકે એ સમયનું અને ઘણાં ઘરોમાં આજે પણ બોલાતું પ્રખ્યાત વાક્ય અમને કહ્યું નથી. રસોઈ-ઘરકામ નહીં આવડે તો સાસરે જઈ શું કરશો? અમને કહ્યું નથી. કદી નહીં.
પપ્પા કહેતા, નહીં આવડે તો કંઈ નહીં! ઇટ ઇઝ ધેર પ્રૉબ્લેમ. નોટ અવર્સ. આમ હું અને ઈલા રસોડામાંથી છૂટી ગયાં. વર્ષો પછી હું ધીમે ધીમે જાતે શીખી. દરેક સ્ત્રીએ અન્નપૂર્ણાનો અવતાર બનવું જ એવું જરૂરી નથી. તૈયાર ભાણુંય અમને સ્ત્રીઓને ગમે.
નાનું ઘર. કિચન ગેઝેટ્સનો રસોડાપ્રવેશ હજી થયો નહોતો. રસોડાની શોભા એટલે ખાયણી દસ્તો. કૂંડી ધોકો, લીંપેલીગૂંપેલી સગડી, પ્રાઇમસ, સૂપડું, ચટણી કરવી હોય, વડાંની દાળ વાટવી હોય એટલે પગ વચ્ચે પથ્થરની કૂંડી ગોઠવી, લાકડાના ધોકાથી ખાંડી પછી ઝડપથી ગોળ ફેરવી પીસીને વાટવાનું. નાગરમાં નાનોનો સિદ્ધાંત લાગું પાડવામાં આવેલો, બીજું કોણ? હું જ પોતે! વાટવા કૂટવાનું મારે ભાગે. એવી કઈ વાનગી કરવાની હોય એટલે કૂંડી ધોકો લઈ બે કલાક હું કૂટે રાખું. આજ ક્રમ વર્ષો સુધી.
1965માં મેં સંસાર માંડ્યો.

1969માં માધવી, 1970માં શિવાનીનો જન્મ. સાઉથ ઇન્ડિયન પાડોશીને ત્યાં બંને ઈડલી ખાય અને બહુ ભાવે. ત્યારે ખીરું તૈયાર કરવા બહુ ધોકો કૂંડીમાં કૂટ્યો છે. મહેન્દ્રનાં મિત્રોય ઈડલી ખાવા ધામા નાંખે.
શિશીરભાઈનું બે વર્ષનું પોસ્ટિંગ લંડનમાં થયું. ત્યાંથી ક્રિસમસમાં ગિફ્ટની યોજનામાં ત્રણેય બહેનોને એણે મૌલિનેક્સ મિક્સર મોકલ્યા. એ પાર્સલ ખોલી મિક્સર હાથમાં લીધું ત્યારે મારી આંખમાં હરખનાં આંસુ આવી ગયા હતા. સાથેની સૂચના બહુ ધ્યાનથી વાંચી. કદી જોયેલું નહીં તો ક્યાંથી વાપર્યું હોય! મહેન્દ્રે સોકેટમાં પ્લગ ભરાવ્યો, કશુંક વાટવા સ્વીચ ઑન કરી, વાઉ! વ્હોટ અ ફિલિંગ! બીજે જ દિવસે કૂંડી ધોકોને મેં ભાવભરી વિદાય આપી. કેટલાં વર્ષો એણે મને સરસ વાનગીઓ ખવડાવી હતી અને મહેનતનો મહિમા સમજાવ્યો હતો!
મારી શાકવાળી બાઈ હોંશે હોંશે લઈ ગઈ. મને કહે, આજ સુધી મારી અને દેરાણી વચ્ચે એક જ કુંડી હતી, ઝઘડો થઈ જતો હતો, હાશ મને આજે મારી પથ્થરની કુંડી મળી ગઈ. માઝી સ્વતાચી. પાટ નાહીં તો કુંડી. મહારાષ્ટ્રિયનો પથ્થરની પાટ પર પથ્થરથી વાટીને લસોટે છે. તોય ગુજરાતી કુંડીથી એ ખુશ થઈ ગઈ. જેમ મિક્સર મળતા મને આનંદ થયો હતો, એટલો એને પણ થયો હશે ને!
ખૂન ખૂબ સુંદર વર્ણન, વાંચી ને અમારો ભૂતકાળ યાદ આવેછે, really vo din bhi kya din the…..love your all writing ❤
આપના જીવનમાં આવેલી તકો અને સંઘર્ષ નું તાદ્રશ્ય વર્ણન વાંચવાની મઝા આવી
વર્ષાબેનની આત્મકથાના પ્રકરણોની પ્રતીક્ષા રહે જ છે. નાની છોકરીને ત્રણ બાળકોની માતાનું પાત્ર નાટકમાં ભજવવું પડે એ પ્રસંગ વર્ષાબેન માટે એ સમયે કરુણ પ્રસંગ પણ અત્યારે આપણે વાંચીએ તો હસવું આવે. દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે! વર્ષાબેન વીતેલા સમયને આંખ સામે પ્રત્યક્ષ કરાવીને સ્મરણોનો સાદ પાડી આહ્લાદક અનુભવ આપે છે.
વર્ષા અડાલજા,એટલે ગુજરાતી સાહિત્ય નું એક મોરપીંછ–આત્મકથા ના પ્રકરણ વાંચતા એમજ લાગે કે સાંભળી રહ્યા છીએ
જેવા પિતા એવી પુત્રી,. ગુજરાતી ભાષા ના રત્નો
વર્કિંગ વુમનને તો શ્રવણની જેમ ઘર અને બહારની કાવડ ખભે જ હોય.
જીવનમાં એવું ક્યારેક બને છે કે કાળનો પ્રલંબ પટ વિસરાઈ જાય છે, પણ એની ક્ષણશૃંખલામાંથી છૂટી પડેલી કોઈ ક્ષણ, ગ્રહમાળાના ગ્રહોમાંથી છુટ્ટા પડી ગયેલા ગ્રહની જેમ મનના અવકાશમાં સતત ઘુમરાતી રહે છે.
Such beautiful language and imagination !!!