પાંચ ગઝલ ~ માધવ આસ્તિક ~ આસિસ્ટન્ટ પ્રોફેસર (અંગ્રેજી) – નડિયાદ

કવિ પરિચય:
માધવ આસ્તિક | મૂળ વતન: સોનગઢ, જિલ્લો: ભાવનગર. હાલ : આણંદ. જન્મ: 19/12/1989. અભ્યાસ: એમ.એ. એમ.ફીલ. પી.એચ.ડી. (અંગ્રેજી સાહિત્ય). વ્યવસાય: આસિસ્ટન્ટ પ્રોફેસર (અંગ્રેજી), ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ.
૧. પણ

મૌન છું, પડઘાઉં પણ,
શૂન્ય છું, સર્જાઉં પણ.

આમ તો હું સુન્ન છું,
ઝણઝણાટી થાઉં પણ.

વિશ્વ મુખમાં લઇ ફરું,
કાંખમાં તેડાઉં પણ.

બિંદુ છું બ્રહ્માંડનું,
બ્રહ્મ લગ લંબાઉં પણ.

છું-નથી વચ્ચે જ તે,
ક્યાંક હું દેખાઉં પણ.

તું વિવેચન છોડ તો,
હું તને વંચાઉં પણ.

ક્રૃષ્ણ છું બસ એ સમજ,
રોજ ના સમજાઉં પણ.

૨. જાગતો રાખે મને

લ્હાય, પીડા ‘ને આ કળતર જાગતો રાખે મને,

આણનું અણિયાળું બિસ્તર જાગતો રાખે મને.

હા ઇલાજો પણ ઘણી વેળા બની બેસે દરદ,
ફૂંકથી કાઢેલું કસ્તર, જાગતો રાખે મને.

ના, મને આ કાળજા પર સહેજ પણ શંકા નથી,
ભેટમાં આવેલું બખ્તર જાગતો રાખે મને.

‘જાગવું છે… જાગવું છે…’ એક ઊંડી ઊંઘથી,
આ રટણની લત નિરંતર જાગતો રાખે મને.

‘કાલ કેવી છે?’- નથી જે જાણતા એ સુઈ ગયા,
ને ભવિષ જાણ્યાનું ભણતર જાગતો રાખે મને.

કૈં યુગોથી આંખમાં થીજેલ છે બરછટ સ્મરણ,
પાંપણો વચ્ચે આ નડતર જાગતો રાખે મને.

આ નિરવતાને હવે ભેટી અને સુઈ જઈશ હું,
ક્યાં સુધી ઝીણું શું જંતર જાગતો રાખે મને?

૩. કરીશું

એ રીતે ખુદને અમે સધ્ધર કરીશું.

હસ્તરેખામાં જ એની ઘર કરીશું,

હો નિલામી આપણા ભૂતકાળની તો,
જાત વેચી આંગળી અધ્ધર કરીશું.

પથ્થરોમાંથી બનાવ્યો છે તને પણ,
ભુલશે તું, તો ફરી પથ્થર કરીશું.

એ હદે ચાહક બનાવટના છીએ કે,
ફૂલ ઊગે કે તરત અત્તર કરીશું.

ખુદ ઉઠીને બીજે ચાલી જાય એ પણ,
એમ પીડાને અમે પગભર કરીશું.

શાંતિનો સંદેશ આપી ‘એ’ ગયા છે,
આજથી આ કાળજું બખ્તર કરીશું.

૪. કિરદારને

એટલે ભજવી શકયો ના એકપણ કિરદારને,
છેતરી શકતો નથી હું મારા એકાકારને.

એટલે ઘૃણા ન થાતી આપને ઇતિહાસથી,
શૌર્યરસ નીચે દબાવ્યા કૈંક નરસંહારને.

કોઇ ચોખંડી જગામાં લહેર ના લાવી શક્યા,
સ્થિર જળમાંથી ફકત નીચવી શક્યા’તા ક્ષારને.

બેઉ બાજુ છે નકુચા બેઉને એ જાણ છે,
કોઈથી ખોલી શકાયું ના અહમના દ્વારને.

લાવ તું દરિયો છતાં ભીનાશ ના લાવી શકે,
તો અગરિયા જેમ કેવળ સાચવીશું ક્ષારને.

તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું,
જે રીતે જોયા કરે છે સાધુ આ સંસારને.

૫. વચ્ચે

આવી ઊભા છે બે જણ કેવા પડાવ વચ્ચે,
સળગે છે એક દરિયો બંનેની નાવ વચ્ચે.

ત્યારે તટસ્થતાનો દાવો કરી શકું હું,
હું ‘હું’ રહી શકું જો તારા પ્રભાવ વચ્ચે.

જાગ્યા મને અભરખા દરિયો બની જવાના,
ખારાશ મેળવી મેં મીઠા તળાવ વચ્ચે.

મૃગજળમાં પાણી ભરવા જેવી જ છે આ ઘટના,
આવી શકે અગર તું તારા અભાવ વચ્ચે.

અમને ખબર છે કે તું રાખે છે સાથ અમને,
કાળા ટીકાની માફક તારા ઉઠાવ વચ્ચે.

થોડા દિવસ પછી તો નહિ ઓળખી શકે તું,
હું ‘તું’ બની રહયો છું તારા લગાવ વચ્ચે.

મારી બધી સમસ્યાનું એ નિરાકરણ છે,
આપો નવી સમસ્યા એના સુઝાવ વચ્ચે.

~માધવ આસ્તિક
(Mo. 97370 70809)

Dr. Madhav Astik
Assistant Professor (Ad-hoc) in English
Dharmsinh Desai University. Nadiad

 

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. માધવભાઈ, અદ્ભુત ગઝલો! ઉમદા વિચારોને ગઝલના માળખામાં પરોવીને થતી સશક્ત રજુઆત વાંચીને મઝા પડી ગઈ. ખૂબ અભિનંદન! અનેક શુભકામનાઓ. 🌹🌹🌹

  2. વાહ… સુંદર અને નવીન કલ્પનોથી સભર ગઝલો…