વો દિન ભી ક્યા દિન થે! (પ્રકરણ : 10) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ: 10

હું ચર્ચિલને તો ઓળખતી નહોતી, પણ એનો જીવનમંત્ર અમારો જીવનમંત્ર હતો, નૅવર વૅસ્ટ અ ગૂડ ક્રાઇસીસ.

રૅસકૉર્સ પર બંદૂક ફૂટતાં જ જાતવાન રેસનાં ઘોડા ફાટફાટ ફોયણે દોડવા લાગે એમ અમે પણ મુંબઈની તેજ રફતારમાં સામેલ થઈ ગયાં.

ભાઈ ફર્સ્ટ ઇયરમાં પ્રથમ વર્ગમાં પ્રથમ. બંને ડિવિઝનમાં. છેક બી.કોમ. સુધી. ઈલા પણ અભ્યાસમાં અગ્રેસર. બિંદુબહેનને સિતાર-સંગીત ગમે. રહી એક હું. મારું ઉંટનગારું. હું છેવાડે જ હોઉં. પણ બા-પપ્પા કદી ઠપકો ન આપે, ભાઈબહેનો સાથે સરખામણી નહીં. એટલે મને ચિંતા જ નહીં. અમારી કાઠિયાવાડી ભાષામાં, મૂળાને પાંદડે લહેર.

અમારી કૉલોનીમાં દસબાર છોકરીઓ એટલે અમારી ટોળી જામી. મેટ્રિક પછી એ બધા ગુજરાતી ઢબે સાડલો પહેરી ભરતગૂંથણનાં ક્લાસ ભરે. બિંદુબહેન એમની સાથે. આખું ટોળું બપોરે ઉપડે ઘાટકોપરથી લોકલમાં બોરીબંદર-સીએસટી સ્ટેશન. ત્યાંથી હિંદુ કોટ સ્ત્રીમંડળ. નવરાત્રિમાં ગરબા લઈએ, સ્ટાર સિંગર અમારા બિંદુબહેન. સહુ કંપાઉન્ડમાં ખાટલા ઢાળીને બેસે. મોડી રાત સુધી ગરબા ગાઈયે. સમૂહજીવનની લાગણી થતી.

આ પણ ચાલી કલ્ચર જેવું કૉમ્યુનીટી લિવિંગ. એ સમયે 15 ઑગસ્ટ, શરદપૂર્ણિમા વગેરેની સહુને શું હોંશ! આખું મુંબઈ રમણે ચડતું, હજી હવામાં સ્વાતંત્ર્ય  અને દેશભક્તિની લહેર હતી. ઘરો પણ શણગારાતાં. મુંબઈ દુલ્હનની જેમ શૃંગાર સજતી. ચોતરફ ધજાપતાકા અને દેશભક્તિનાં ગીતો ગુંજતા. અમે દિવસો અગાઉથી પ્રતિક્ષા કરતા, તૈયારી કરતા.

ત્યારે એટલો ઉત્સાહ કે મુંબઈમાં પ્રથા હતી કે ટ્રક ભાડે કરી, નાસ્તાપાણી લઈ રાત્રે મુંબઈમાં રંગબેરંગી લાઇટોનાં નજારા જોવા હજારો લોકો ટ્રક, જીપ, કારમાં નીકળી પડતા. અમે પણ ટ્રક ભાડે કરી નાસ્તાપાણીનો સરંજામ લઈ નીકળી પડતાં. (ટ્રક ભાડે કરવા દિવસો અગાઉથી બુકિંગ કરવું પડતું.) ઓહ પંદરમી ઑગસ્ટ તો ઉત્સવનો દિવસ! સહુ ઘરને, શેરીને શણગારતા. અમારા ઘેર ફીક્સ્ડ મેનુ, શ્રીખંડ, પૂરી અને બટેટાનું શાક.

વો દિન ભી ક્યા દિન થે!
* * *
અચાનક મારા જીવનમાં રોડ સાઇન વિનાનો એક વળાંક આવ્યો.

પપ્પાએ કહ્યું, વસુ, આજે સાંજે તને સ્કૂલમાં હની છાયા તેડવા આવશે. ઓપેરાહાઉસ દેવધર હૉલ લઈ આવશે. આપણે ‘રંગભૂમિ’નાં નાટક ‘સુમંગલા’માં તારે રોલ કરવાનો છે.

નાટક! મારે નાટક કરવાનું છે! હું તો હરખઘેલી. હું ત્યારે તેરચૌદની હોઈશ.

સુમંગલા’ નાટકની ટીમ

એ સમયે મને જે ઇતિહાસની ખબર નહોતી એ લાંબો અને ભાતીગળ હતો.

બીજા વિશ્વયુદ્ધનો ઘેરો ઓછાયો, ભારતમાં ભયંકર દુષ્કાળમાં અગણિત લોકોનાં મૃત્યુ અને ક્વિટ ઇન્ડિયા મૂવમૅન્ટ – આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. બ્રિટિશરાજે દમનનો કોરડો અત્યંત ક્રૂરતાથી વીંઝવા માંડ્યો હતો.

IPTA Postal Stamp

આવા માહોલમાં મુંબઈમાં ઑલ ઇન્ડિયા પીપલ્સ થિયેટર કૉન્ફરન્સ યોજાઈ. થિયેટર દ્વારા લોક જાગૃતિ આણવા પૃથ્વીરાજ કપૂર, કે. એ. અબ્બાસ, બલરાજ સહાની, દીના ગાંધી, વગેરે અનેકોએ મળી ‘ઇપ્ટા’ થિયેટરની સ્થાપના કરી 1943માં.

‘ઇપ્ટા’ સાથે ગુજરાતી નાટ્યકારો પણ જોડાયા હતા. ગુણવંતરાય આચાર્ય, પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા ઝરીવાલા, ચંદ્રિકા-લાલુ શાહ, સુમંત વ્યાસ અને બીજા પણ. સ્વાતંત્ર્યસંગ્રામની રણભેરી ફૂંકવા પપ્પા પાસે ખાસ 1857ની ક્રાંતિની એક ચિનગારી લઈ નાટક લખાવ્યું. દ્વારકાના વાઘેરો બ્રિટિશ સામ્રાજ્ય સામે ઝઝૂમ્યા અને ખપી ગયા એ સત્યઘટનાત્મક કથાવસ્તુ, નાટ્યાત્મક વળાંકો અને જોશીલા સંવાદો – નાટકનો એક લાંબો તેજસ્વી ઇતિહાસ છે. ‘ઇપ્ટા’એ ભજવ્યું હતું, બલરાજ સહાનીએ ભૂમિકા કરી હતી.

1943-44ની આસપાસ એ નાટક ઇપ્ટામાં અને બીજી અનેક જગ્યાએ, અનેક લોકોએ ભજવ્યું. બ્રિટિશરોએ રોક લગાવી તો દીનાબહેને મને કહ્યું હતું કે ગાડામાં ઘાસ નીચે છુપાઈ અમે ચૌરેચોટે લોકજાગૃતિ માટે ભજવેલું.

વર્ષો વીત્યાં. હું અને મહેન્દ્ર બલરાજ સહાનીનું નાટક જોવાં ગયાં હતાં. એ ગાલિબની ભૂમિકા કરતા હતા, અદ્ભુત અભિનય.

બલરાજ સહાની

શો પછી હું સંકોચ પામતી ગ્રીનરૂમમાં એમને મળવા ગઈ. અચકાતાં મેં કહ્યું, હું ગુણવંતરાય આચાર્યની દીકરી. એ સ્તબ્ધ બની મને જોઈ રહ્યા. પછી ભાવવિભોર! મને કહે, અલ્લાબેલી ભારતના દસ શ્રેષ્ઠ નાટકોમાંનું એક છે. મારી આંખમાં પાણી આવી ગયા. મને વહાલથી બાથમાં લીધી, બેટી મિલતે રહના. પછી મારા વિષે પણ વાતો કરી.

સામ્યવાદી વિચારધારાને લીધે કેટલાક લોકો ઇપ્ટામાંથી છુટ્ટા થયા અને ઓપેરાહાઉસની સામે દેવધર મ્યુઝિક હૉલમાં ‘રંગભૂમિ’ નાટ્યસંસ્થાની સ્થાપના કરી. સામે ચાલી ફકીરી વહોરી લેનારાની લાંબી યાદી છે. હા, ફકીરી. કારણ કે ‘ઇપ્ટા’ સંસ્થાએ નામના કમાઈ, એ કલાકારોને હિંદી ફિલ્મોમાં નામ, દામ અને કામ મળ્યા પણ જે નીકળી ગયા, પપ્પા, પ્રતાપ ઓઝા, વિષ્ણુભાઈ વ્યાસ, લીલા ઝરીવાલા, ચંદ્રિકા-લાલુ શાહ, સુમંત વ્યાસ અને અન્ય લોકોએ ગાંઠનું ગોપીચંદન કર્યું.

‘રંગભૂમિ’ના આજીવન પ્રમુખ મુંબઈના ગવર્નર મંગળદાસ પકવાસા, ઉપપ્રમુખ ગુણવંતરાય આચાર્ય, સેક્રેટરી-આયોજક અમર ઝરીવાલા. બાકી બધા જ સભ્યો. સર્વે એક સમાન. ચૂંટણી નહીં, હોંસાતોંસી નહીં. સમાન ધ્યેય, ક્લાસિક સરસ નાટકો કરવા. એમાં સમાધાન નહીં.

‘રંગભૂમિ’ સંસ્થાના કેટલાક સભ્યો

ચાલો, સંસ્થા તો સ્થાપી. વિચાર ઉત્તમ, પણ પૈસાનું ભંડોળ! શૂન્ય. સંપૂર્ણ અવેતન. કોઈને કશી અપેક્ષા નહીં. નહીં પૈસા કે પબ્લિસિટીની.

હું પણ ‘રંગભૂમિ’ની આ ફકીરી ટોળીમાં ઊલટભેર સામેલ થઈ ગઈ.

પપ્પા કહે, તને આજે હનીભાઈ સાંજે સ્કૂલ પર તેડવા આવશે. સ્કૂલમાં મારું મન ન લાગે, કોણ હની છાયા? ક્યાં જવાનું હશે! સ્કૂલનો સમય પૂરો થયો અને હનીભાઈ આવી ગયા. દૂબળું ઊંચું શરીર, સુક્કો ચહેરો. મોકળાશથી હસે ત્યારે આંખો ચમકી ઊઠે. (પછી એ સંબંધ આજીવન રહ્યો અને અમે ઘણું સાથે કામ કર્યું.) હનીભાઈ દૂરના પરામાં રહે. છેક ત્યાંથી મને લેવા ઘાટકોપર આવ્યા અને ત્યાંથી અમે ગ્રાંટરોડ ગયાં.

દફતર સોંપ્યું બહેનપણીને અને હું થનગનતી ચાલી. સ્કૂલમાં વાત ફેલાઈ ગઈ, વર્ષા નાટકમાં કામ કરવા કોઈ સાથે જઈ રહી છે. હા, ધરતીકંપ તો થાય. હજી ઘણી છોકરીઓને સાંજે કર્ફ્યુ હતો. 6 વાગે ઘરે આવી જ જવાનું અને હું સાંજે કોઈ સાથે નીકળી તે પણ નાટક માટે!

સાંજે લોકલ ટ્રેનમાં દાખલ થવું, મુસાફરી કરવી એટલે શું એ મુંબઈગરા સિવાય કોને સમજાય! અ ટ્રુ લોકલ ટ્રેન ઍક્સ્પીરિયન્સ.

હું અને હનીભાઈ ચાલતા ઘાટકોપર સ્ટેશને, લાઇનમાં ઊભા રહી ટિકિટ લેવાની, સાંજની ગિરદીમાં જનરલ કમ્પાર્ટમૅન્ટમાં એમની સાથે મુસાફરી, લૅડીઝ ડબ્બામાં નહીં. દાદર સ્ટેશને માંડ ઊતરવાનું. દાદર સ્ટેશન તો કાયમ ભરચક્ક. પુલ ચડીને એક લાં…બા ભીડભર્યા બ્રિજ પર થઈને બીજી તરફ ઊતરીને ફરી બીજી લોકલ પકડવાની. ગ્રાંટરોડ સ્ટેશને ઊતરી ફરી ચલતે ચલો છેક દેવધર હૉલ સુધી. દિવસે અહીં મ્યુઝિક ક્લાસીસ અને રાત્રે રિહર્સલ માટે નોમિનલ ભાડાથી રંગભૂમિને હૉલ આપેલો. અહીં ચાનાસ્તો તો હોય નહીં. સંસ્થાને ન પરવડે અને નાટકના રસિયા લોકો, આખો દિવસની નોકરી પછી અહીં આવનજાવન કરે.

નાટકનાં રિહર્સલ પછી એ જ રીતે રાત્રે વળતી મુસાફરી પણ આ વખતે વિષ્ણુભાઈ અને ઘાટકોપરનાં બીજાં બેચાર નાટકનાં ઘોયાં સાથે હોય. અમારા જીવનમાં બધું યોગાનુયોગ જ! વિષ્ણુભાઈ અને પપ્પા ઇપ્ટાના દિવસોથી પરમ મિત્રો, અને ઘાટકોપરમાં પણ અમે સાખ પાડોશી. અમારા ઘરની સાવ જ સામે એમનું ઘર. મુંબઈ જેવા શહેરમાં સાવ જ અનાયાસ સામે જ ઘર મળી જાય! વિષ્ણુભાઈ મુંબઈની કૉલેજમાં પ્રોફેસર. લેક્ચર્સ પતાવી એ દેવધર હૉલ આવે અને અમે સાથે પાછા ફરીએ.

રાત્રે અમે થાકેલા હોઈએ. (ભૂખ્યા પણ!) દેવધર હૉલથી કૂચકદમ ગ્રાંટ રોડ, સ્વર્ગસેતુ જેવો લાંબો પુલ. દાદર સ્ટેશન પહોંચી ઘાટકોપર લોકલની પ્રતિક્ષામાં ઝોકાં ખાતાં બાંકડે બેસીએ. લોકલ સવાર થઈ ઘાટકોપર ઊતરીએ. વાતો કરતાં વિજય ઍસ્ટેટનો લાંબો રસ્તો માંડ ખૂટાડીએ. ઘરનું બારણું ખખડાવું (હજી ડોરબેલ નહોતી) બા ખોલે. બા ઢાંકી રાખેલું જમાડે કે સીધી પથારીમાં.

પછી દેવધર હૉલ સુધીની આવનજાવનની આ મુસાફરી મારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગઈ. ક્યારેક તો બે જ દૃશ્યનું રિહર્સલ! તોય ચારેક કલાકની લોકલ મુસાફરી પણ સહજ લાગતી.

પહેલી વાર હનીભાઈ સાથે દેવધર હૉલમાં પગ મૂક્યો ત્યારે હૈયામાં હરખ અને થોડી સહમી પણ ગયેલી. પ્રતાપભાઈ, વિષ્ણુભાઈ, લીલાબહેન, લાલુ-ચંદ્રિકાબહેન જેવા દિગ્ગજ કલાકારો મારાથી વય અને અનુભવે ઘણાં મોટાં. મારી પાસે સિલકમાં એક જ રાજકોટ નાટક, જૂની રંગભૂમિનું ‘જાગતા રેજો’. શિવકુમાર જોષી નાટ્યલેખક. ‘સુમંગલા’ના શો થઈ ગયા હતા. કોઈ બહેન હવે આવવાના નહોતા અને પપ્પાએ મને રિપ્લેસમૅન્ટમાં મોકલી હતી.

જેમ એ લોકોને જોઈ હું ઓઝપાઈ હતી એમ એ લોકો પણ કદાચ નિરાશ થયા હશે. શાળામાં ભણતી આ દુબળી પાતળી કિશોરી મૅચ્યોર વુમનનો રોલ કઈ રીતે કરશે! પાંચછ દિવસમાં તો શો હતો. ચંદ્રિકાબહેને મને પાસે બેસાડી હાવભાવ અને મોડ્યુલેશન સાથે મારા સંવાદો વાંચી સંભળાવ્યાં. ટૂંકમાં, નાટકની થીમ કહી દીધી. મેં ચંદ્રિકાબહેનની જેમ સંવાદો વાંચી સંભળાવ્યાં. થોડું આગળપાછળ તો હશે જ, પણ એમને મારું પર્ફોર્મન્સ ગમ્યું હશે, કારણ કે એમણે મને બાથમાં લઈ લીધેલી એવું ઝાંખું યાદ છે.

બીજે દિવસે સ્કૂલમાં તો હું હીરોઇન બની ગઈ! રિસેસમાં છોકરીઓ મને ઘેરી વળી. હું એટલી ખુશ! ચાલો, અભ્યાસમાં નહીં તો બીજી રીતે તો મારો વટ છે ને!

એ સમયે આજના જેવું ફ્લરીશિંગ કૉમર્શિયલ થિયેટર તો હતું નહીં કે જાહેરખબરનો ધમધમાટ અને હાઉસફૂલનાં ઝૂલતાં પાટિયાં. હલકું કે વજનદાર કવર પણ ક્યાં હતું!

આમ ઘાટકોપર ગ્રાંટરોડની આવનજાવનમાં રવિવાર આવી પૂગ્યો. ‘સુમંગલા’નો શો ભારતીય વિદ્યાભવનમાં. પપ્પા-મમ્મી સાથે હું ભવનમાં પહોંચી. નાટકનું થિયેટર પહેલી વાર જોયું. ઘરનો સેટ, પ્રૉફેશનલ મૅઇકઅપ, લાઇટિંગ એ બધું જોઈ હું રૂંવેરૂંવે ફરકી ઊઠી. એકદમ સંમોહિત! ચંદ્રિકાબહેન મારા માટે એમની સાડી, પેટીકોટ લાવેલા. મારી પાસે તો બ્લાઉઝ ક્યાંથી હોય! એમના બ્લાઉઝને અંતરસેવો ભરી મને પહેરાવી દીધું. ‘જાગતા રેજો’ની સાડી નીકળી ગયેલી ઘટના મેં એમને કહેલી એટલે ઘણી સેફ્ટીપીન અને બ્રોચ ભરાવી દીધા. કોઈએ મારા ઘૂંટણ સુધીના જથ્થાદાર વાળનો અંબોડો વાળી દીધો અને મૅઇકઅપમેન તામ્હાણેએ એવો મૅઇકઅપ કરી દીધો કે હું કિશોરીમાંથી યુવતી બની ગઈ.

પ્રાર્થના થઈ, નાળિયેર ફૂટ્યું, મનમાં થયું મારી નાટ્યયાત્રાના શુભારંભનાં આ તો શુકન! અભિનયની દુનિયામાં જાણે મારું વિધિવત્ પદાર્પણ. પડદો ખૂલ્યો. સ્ટેજ ફ્રાઇટ તો હતી નહીં અને જાજરમાન કલાકારો સાથે નાની પણ ભૂમિકા આત્મવિશ્વાસથી ભજવી. શો પૂરો થતાં બધાં ખુશ. ચાલો, કાફલામાં એક કલાકાર ભળ્યો અને તેય આપણા ગુરુજીની જ દીકરી!

પપ્પા અને બાનાં પ્રોત્સાહનથી એ શક્ય બન્યું. નહીં તો હજી શાળામાં ભણતી દીકરીને આટલે દૂર બબ્બે ગાડીઓ બદલીને નાટકના રિહર્સલ અને શોમાં કયા માબાપ મોકલે તેય 1953-54નાં અરસામાં! તે પણ ઘણી વાર ભૂખ્યાં તરસ્યાં! (ત્યારે ગલીએ ગલીએ પાણીની બૉટલ વેચાતી ન હતી. ન રસ્તા પર સૅન્ડવિચ-સમોસાની રેંકડીઓ.)

નાની વયે નાટકના એક દ્રશ્યમાં

પછી તો એ નાટ્યયાત્રામાં ઘણાં પડાવ આવ્યા. ટૂંકી નોટિસે ભારેખમ નાટકો પણ કર્યા અને સંકટ સમયની સાંકળનું બિરુદ પણ પામી. એવી જ કોઈ ક્ષણથી જાણે અજાણે અભ્યાસને બદલે નાટક મારું લક્ષ્ય બન્યું જાણે અર્જુનને દેખાતી પક્ષીની આંખ!

એનું શ્રેય બા અને પપ્પાને અને મારા ભાઈબહેનોનો મને સદા સાથ. એ કેમ ભુલાય!
* * *
પિતાના ખોળામાં અખૂટ વિશ્વાસથી બાળક રમતું હોય એમ અફાટ, શાંત મહાસાગર પર વહાણ ધરપતથી વહી જતું હોય ત્યાં અચાનક પાતાળથી ઘડો ફાટે કે ખડક સાથે અથડાઈ વહાણમાં પાણી ભરાવા લાગે ત્યારે સહુ ખલાસી અને છડિયાં જીવ પર આવી વહાણમાં ભરી રાખેલો માલ દરિયામાં ફેંકી દઈ પાણી ઉલેચવા લાગે એમ અમે બધાં જ અમારા સંસારની નાવ તરતી રાખવા દિવસરાત મચી પડ્યાં હતાં.

અમે ભાઈબહેનો અભ્યાસ અને પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત. બંબાવાળાઓની જેમ દોડાદોડ કરતાં. જીવનનો ધ્રૂવમંત્ર મળી ગયો હતો.

ભાઈ રે આપણાં દુઃખનું કેટલું જોર!
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર.

ત્યારે રાજેન્દ્ર શાહની આ કાવ્યપંક્તિઓની મને ખબર નહોતી, પણ પરોઢના પહેલા ઉજાસમાં સાક્ષીભાવે આજે લખી રહી છું ત્યારે અમારા જીવનનાં સંઘર્ષનાં અનેક દૃશ્યો તાદશ થઈ ઊઠે છે અને ગર્વ થાય છે. હા, અમે આ ભરપૂર જીવન જીવ્યા હતા. સ્મૃતિમંજૂષામાં સચવાયેલાં સૂર્યકિરણો એવાં તો ઝગમગે છે કે મારી આંખો અંજાઈ જાય છે.

એ પણ ખરું કે એક સમયે અમે ઠાઠમાઠથી જીવ્યા હતા. નવા કપડાં, જ્વેલરી અને શૂઝ, સરસ શણગારેલાં ઘરો. આંગણે અંબાડીવાળો હાથી ઝૂલતો હોય એવી એ સમયે લક્ઝરી કહેવાય એવી શોફરડ્રીવન કાર, ભાંગવાડી, ઓપેરા હાઉસમાં નાટકોમાં આગલી હરોળની બેઠક, અનેક પ્રવાસો, ફૂલ ટાઇમ સર્વન્ટ સખારામ…

હુડીનીની જાદુઈ છડી ઘુમાવો કે તત્ક્ષણ સઘળું અદૃશ્ય થઈ જાય એમ અમારી દુનિયા પાતાળપ્રવેશ કરી ગઈ હતી. પણ અમને કોઈ દાદફરિયાદ નહોતી.

એટલી અગવડો અને અભાવો વચ્ચે અમે કેટકેટલું પામ્યાં હતાં! કદાચ એટલે જ અમે પામ્યાં હતાં. અમારે માટે દસેય દિશાઓ ખૂલી ગઈ હતી. કેટકેટલી મનગમતી પ્રવૃત્તિઓ સાથે અમે સંકળાયાં! એ સમયે એવું સ્વાતંત્ર્ય અને તક કેટલી ઓછી છોકરીઓને મળતી હતી!
* * *
પપ્પાએ અમને બંને બહેનોને મુંબઈ આકાશવાણીમાં આર્ટીસ્ટ તરીકે રજિસ્ટર કરેલા. રેડિયોસ્ટેશન અમે ઘાટકોપર રહીએ ત્યાંથી છેક બીજે છેડે મરીનલાઇન્સ પર. વર્ષો પછી નરીમાન પૉઇન્ટ પાસે આકાશવાણી ભવન બંધાયું.

રૅકોર્ડિંગ સ્ટુડિયો ઓછા. એક જ મકાનમાં કેટલા બધા ડિપાર્ટમૅન્ટ્સ. એટલે નાટકો લાઇવ બ્રોડકાસ્ટ થાય, રૅકોર્ડિંગ નહીં. એટલે નાટકના સમયે જ રેડિયો પર જવું પડતું અને નાટકો તો રાત્રે જ હોય. અમને નાટકનો કૉન્ટ્રેક્ટ આવે, 15 રૂપિયા. એક કલાકનું હોય તો ત્રીસેક રૂપિયાનો. પપ્પા અમને લઈ ઘાટકોપર સ્ટેશને લાઇનમાં ઊભા રહી ટિકિટ ખરીદે. (ઘાટકોપરથી વી.ટી. સ્ટેશન સાડા દસ આના રીટર્ન ટિકિટ) છેક છેલ્લે સ્ટેશને અમે ઊતરીએ. ત્યાંથી ટન્‌ન્‌ન્ કરતી ટ્રામમાં મેટ્રો થિયેટર, ધોબીતળાવ આવીએ. ત્યાંથી ચાલતા રેડિયોસ્ટેશન.

કોઈ વાર પંદર મિનિટનું નાટક અને ચાર કલાક આવવા-જવાના, પગ, લોકલ અને ટ્રામની ત્રિવિધ રીતે મુસાફરી. આખો દિવસ ભૂખ્યા પેટે લખીને આવી મુસાફરી! પપ્પાને કેટલો થાક લાગતો હશે! એમને કેટલી ખેવના પણ હશે એમના વચનની પ્રતિબદ્ધતાની! જ્યાં પણ ગયા હોઈએ રાત્રે પાછા ફરતાં પગ એકી બેકી રમે. રાત્રે ગામ સૂતું હોય અને પપ્પા મેઘદૂત, ગંગાલહરી કે મહિમ્નસ્ત્રોત ગાતા સાથે ચાલતા અમે બાપદીકરી રસ્તો ખુટાડીએ.

ઈલાએ એક પ્રસંગ લખ્યો હતો, મુંબઈનું ભરપૂર ચોમાસું. અનરાધાર વરસાદ. પપ્પા અને ઈલા સાંજે રેડિયો નાટક માટે ઘાટકોપરથી નીકળ્યાં. સીએસટી સ્ટેશનથી ટ્રામમાં અને છત્રી રેઇનકોટમાં પણ નીતરતા શરીરે રેડિયોસ્ટેશન પહોંચ્યાં.

અદી મર્ઝબાન

અદી મર્ઝબાનનાં નાટકનું લાઇવ બ્રોડકાસ્ટ. આચાર્ય આવ્યા છે ખબર પડતા અદી વેઇટિંગ રૂમમાં આવ્યા. સૂટેડબૂટેડ અદી તરબોળ પિતાપુત્રીને જોઈ રહ્યા. પપ્પા-અદી હસી પડ્યા. અદી વાંકી ડોકે પૂછે, આંય બાપદીકરી સ્વિમિંગપુલમાં તરીને આયાં કે શું?

આવા તો કંઈ કેટલાય નાનામોટાં પ્રસંગો છે. આજે થાય છે પૅરન્ટિંગ પર અનેક પુસ્તકો લખાય છે, કાઉન્સિલિંગની ધરખમ ફી હોય છે. ટી.વી. પર જાહેરાતો જોઉં છું, જેમાં અત્યંત સમૃદ્ધ ઘરના સેટ્સ પર યુવાન પિતા તેના બચૂકડા સંતાનને મોંઘુંદાટ ડાયપર પહેરાવતા બતાવે, એક પિતા ગરમ બ્રાન્ડેડ કૉફીના કપ સાથે પુત્રને ફૉરેન યુનિ.નો ઍડમિશન લૅટર આપે છે તો અમિતાભ બચ્ચન નાનાં (અને દેખાવડાં) પણ સ્માર્ટ બાળકોને (શ્રીમંત ઘરનાં સ્તો!) હજારોનાં મૂલનાં ટચૂકડાં વસ્ત્રો વેચે છે, યાદી ઘણી લાંબી થતી જાય છે.

આમાં ક્યાંય પિતા કે સંતાનને પક્ષે સંજોગોથી ઉપર ઊઠવાની કે પરિશ્રમનો મહિમા કરવાની શીખ જ નથી. કેટલા પિતાઓએ આખો દિવસ શ્રમપૂર્વક પોતાનું કામ કરી (ઝીરો બૅકબૅલેન્સ સાથે), દીકરીઓને દૂર સુધી તેડવા મૂકવાના ધક્કા ખાધા હશે, તેય પ્રવૃત્તિઓ માટે! ભલે, એવા વીરલા છે, હશે જ, પણ હું તો એટલું જાણું કે આવા મારા પિતા હોવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું હતું. મારાં જીવનની આ મહામોંઘી અમીરાત.

બા નાના ગામની, બે અક્ષર ભણેલી, પણ પપ્પા જેવા પત્રકાર-લેખકની સાથે ખભેખભા મિલાવી જીવનના અનેક ચડાવઉતારમાં અડીખમ ઊભી રહી.

સંતાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે મારાં માતાપિતાએ અમારા સંસ્કારોમાં ઇનવેસ્ટમૅન્ટ કર્યું. અમારે માટે એવી જીવન વીમા પૉલિસી લીધી કે એ જ્યારે મૅચ્યોર થઈ ત્યારે સોનામહોરના ચરુ જેવો દલ્લો અમારે હાથ લાગ્યો. અમે માલામાલ થઈ ગયા. યસ, વ્હોટ અ જેકપોટ! મીરાંનાં રામરતનધનની જેમ અમારું ધન ન ખૂટે, ન કોઈ લૂંટે એમ સવાયું થતું રહ્યું.

વર્ષોથી આ ઇનવેસ્ટમૅન્ટ પર અમને ધરખમ વ્યાજ મળતું રહ્યું છે.

– હું લખતાં અટકી જાઉં છું. બત્તી ચાલી ગઈ. અચાનક પ્રકાશમાંથી અંધકાર. બારી પાસે ઊભી છું. ગોરંભાયેલા આકાશમાંથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

કાલે જન્માષ્ટમી છે. રાત્રે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થશે. દેવકીમા પ્રસૂતિની પીડામાં હશે અને ભયભીત પણ. જન્મ સાથે જ સંતાનનું મૃત્યુ નિશ્ચિત છે. પણ જે કારાગૃહમાં બંદીવાન છે તે જ છે મુક્તિદાતા. અત્યારે કોવિડનાં લોકડાઉનના કારાગૃહમાં આ વસુંધરા પણ પીડાઈ રહી છે. પ્રાર્થના કરું છું. ફરી એક વાર દિવ્ય સંતાનનો જન્મ થાય અને મુક્તિદાતાનું પ્રાગટ્ય થાય.

અંદર બહાર બધે જ છે કેવળ અંધકાર. આખું આકાશ પીગળીને વરસી રહ્યું છે. મુંબઈ એક વિરાટકાય આગબોટની જેમ પાણીમાં તરી રહ્યું છે. હું મીણબત્તી પેટાવું છું, એના શાંત, સ્થિર પ્રકાશમાં હું શીતળ ફોરાં ઝીલું છું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. Superb medam, ખૂબ સુંદર લાગો છો તમે, અને તમારા વાળ….ahaaa !! beautiful!

 2. ‘વો દિન ભી ક્યા દિન થે! ‘મા રંગભૂમિ’ની આ ફકીરી ટોળીની વાતો માણવાની મજા આવી.
  પણ ‘અંદર બહાર બધે જ છે કેવળ અંધકાર. આખું આકાશ પીગળીને વરસી રહ્યું છે. મુંબઈ એક વિરાટકાય આગબોટની જેમ પાણીમાં તરી રહ્યું છે. હું મીણબત્તી પેટાવું છું, એના શાંત, સ્થિર પ્રકાશમાં હું શીતળ ફોરાં ઝીલું છું.’ વાતે કોઇ મુવી/નાટકની વાત યાદ આવે
  “કુછના કુછ તો છુટેગા હી બની,
  ઇસલીયે જહાં હૈ વહીં ઉસીકા મઝા લેતે હૈ”!
  નોસ્ટેલ્જીયા એટલે ભુતકાળની કોઈ સમયગાળા સાથે જોડાયેલી આપણી સ્મૃતિ. મૂળભૂત રીતે નોસ્ટેલજીયા શબ્દ જ પીડા સાથે જોડાયેલો છે.એટલે હમણાં ઘરે બેઠા બેઠા લોકોને ભુતકાળની યાદો સતાવી રહી છે.નૉસ્ટેલ્જીક ફિલિંગ એ સ્થળ સાથે તમારું જોડાણ એટલું ભાવનાત્મક હોય!
  You’ll never have a regret of anything if you remember one sentence for rest of the life, “I’ll never have this moment again”
  હંમણા તો મનમા પડઘાય – છિછોરેનુ ગીત વો દિન..