રે માલમ… (ગીત) ~ મનુ વી. ઠાકોર ‘મનન’ ~ પ્રાથમિક શિક્ષક (તા: સુઇગામ, જિ: બનાસકાંઠા)

કવિ પરિચય:
મનુભાઈ વિરમભાઈ ઠાકોર ‘મનન’. વતન – ભદ્રાડા, તા-સમી જિ-પાટણ. પ્રાથમિક શિક્ષક (ડાભી પ્રાથમિક શાળા તા- સુઇગામ જિ- બનાસકાંઠા). વઢિયાર પ્રદેશના ઠાકોર સમાજનાં લોકગીત પર પીએચ.ડી કરી રહ્યા છે.
——————
(ગીત)

રે માલમ…
મુને લઈ જાને દરિયાના દેશમાં.

દૂર દૂર જાવું છે જોવા મઝધાર મારે,
કાંઠાના કામણ બહુ દીઠા;
ખારવાની દુનિયામાં કરવા ખેડાણ હવે
જોવા મલક જે અદીઠા.

ભીના આ વાયરાની સંગે લઈ ચાલ કોઈ એવા અજાણ્યા પ્રદેશમાં.
રે માલમ મુને લઈ જાને દરિયાના દેશમાં.

મધદરિયે મ્હાલવું છે માછલીની જેમ,
શંખ-છીપલાંની જોવી અજાયબી;
હોડી-હલેસાંની, ખારવા – ખલાસીની
મોંઘામૂલી છે કેવી સાયબી?

મોંઘેરા મોતીની વેણી ગૂંથીને મારે બાંધવી છે ખુલ્લા આ કેશમાં,
રે માલમ… મુને લઈ જાને દરિયાના દેશમાં.

~ મનુ વી. ઠાકોર ‘મનન’

ભદ્રાડા, તા-સમી, જિ-પાટણ
મો: 7874283930

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. કવિમિત્ર મનનનું આ ગીત મારું ગમતું ગીત છે….
  ખૂબસરસ
  ખૂબ ખૂબ આભાર સાહેબ…


 2. કવિશ્રી મનુ વી. ઠાકોર ‘મનન’નુ રે માલમ મધુરું ગીત
  મોંઘેરા મોતીની વેણી ગૂંથીને મારે બાંધવી છે ખુલ્લા આ કેશમાં,
  રે માલમ… મુને લઈ જાને દરિયાના દેશમાં.
  સ રસ અભિવ્યક્તી ં આવુ પણ બની શકે
  શમણાંમાં મેં જીવતર જોયું, પ્રીતિનું પાનેતર જોયું
  આશાની મેં ગૂંથી વેણી
  આશાની મેં ગૂંથી વેણી, ત્યાં ફૂલ કરમાઈ ગયાં
  શમણાંઓ વિખાઈ ગયાં
  આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં
  શમણાંઓ વિખાઈ ગયાં
  તેને માટે કવિશ્રી નાથાલાલ દવેની સટિક વાત
  કામ કરે ઇ જીતે રે માલમ !
  કામ કરે ઇ જીતે.

  આવડો મોટો મલક આપણો
  બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે

  ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
  બાંધો રે નદીયુંના નીર ;
  માગે છે દેશ આજ મહેનત મજિયારી,
  હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે

  હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
  વેળા અમોલી આ વીતે;
  આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
  ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે