ગુજરાત તને સાચવશે નીલુ (પ્રકરણ : 9) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 9

વિજય ઍસ્ટેટ એક નીચલા મધ્યમવર્ગની કૉલોની હતી. જોકે એ સમયે સમાજનો મોટો વર્ગ મધ્યમ અને નીચલા મધ્યમવર્ગનો જ હતો. એમાં કોઈ સંકોચ કે શરમ ન હતા. કન્ઝ્યુમરીઝમનો પગપેસારો પણ ક્યાંથી હોય! મલ્ટીનેશનલ કંપનીની અઢળક પ્રૉડક્ટ્‌સ માર્કેટમાં ઠલવાઈ નહોતી, કારણ કે હજી શોધાઈ જ નહોતી! સાદાઈ એ જ જીવનમંત્ર. દુનિયાનાં દ્વાર સજ્જડ વાસેલા હતા. ક્યારેક હિંદી-અંગ્રેજી ફિલ્મોમાં રાચરચીલાથી સજાવેલું ઘર જોઈએ તો અહોભાવથી જોઈ રહેતા.

એવી કેટલીયે વસ્તુઓ છે જેનો આવિષ્કાર થતો અમે જોયો. જીવનમાં પ્રથમવાર પ્રવેશી એની લાં…બી યાદી થાય. એ વાંચીને તમને જરૂર થાય ઓ રિયલી! યસ રિયલી.

એ સમયે ઘર લગભગ કેવા હતા! આ રહ્યું નાનું રેખાચિત્ર. મનમાં દોરી જુઓ.

બહારનાં ઓરડામાં તારીખનાં ડટ્ટાવાળું કૅલેન્ડર દીવાલની અપૂર્વ શોભા. રોજ સવારે બાવળનું લીલુંછમ્મ દાતણ કરી પહેલું કામ તારીખિયાનું પાનું ફાડી નવા દિવસનાં આગમનની છડી પોકારવાની. દર દિવાળીએ ડટ્ટાઓની આવરદા પૂરી પણ કૈલાસ પર બિરાજમાન મહાદેવ, લાડુ આરોગતા દૂંદાળા દેવ અને સરસ્વતીનું વીણાવાદન તો ગુંજતું રહેતું. દીવાલો પર દેવી-દેવતાઓનાં ફોટા સાથે ઘણાં ઘરોમાં ગાંધીજીનો પણ ફોટો શોભતો. ગાંધીજી પર આરોપો મૂકવાનો ટ્રેન્ડ  શરૂ થવાને હજી થોડાં વર્ષોની વાર હતી. ઘણાં ઘરોમાં ચાદર પડદાં પણ ખાદીનાં હતાં.

બાપુની હત્યા થઈ એ સમયે ઇલસ્ટ્રેટેડ વિકલી (The Illustrated Weekly)નાં કવરપેજ પર બાપુની રંગીન તસ્વીર પ્રગટ થઈ હતી. શિશીરભાઈએ કાળજીથી કાપી સરસ ફ્રેમ કરાવી એના અમદાવાદના ઘરની દીવાલે રાખેલી. ભાઈએ બિલાડી કરતાં વધુ ઘર બદલ્યા હતા, પણ બાપુ તો ભાઈની સાથે ને સાથે જ.

અસંખ્ય લોકોની જેમ અમારું ઘર પણ સાવ સાદું. બહારના રૂમમાં એક પલંગ (અમારો જૂનો લોખંડનો), નાનું લાકડાનું ટેબલ અને બે ખુરશી.

ચિત્રકાર: રાજા રવિ વર્મા

દીવાલ પર રાજા રવિ વર્માની ગંગાજી ઝીલતા મહાદેવજી અને સરસ્વતીની ફ્રૅમ કરેલી પ્રિન્ટ, લાકડાની નાની અભેરાઈ પર મર્ફી રેડિયો, ઉપર ભરત ભરેલો રૂમાલ. પ્રાઇડ ઑફ ધ હાઉસ.

અંદરની રૂમમાં ગાદલાં-ગોદડાંનો ડામચિયો. ફીંડલું વાળી ખૂણામાં ઊભી મૂકેલી ચટ્ટાઈ. મહેમાન આવે ત્યારે પાથરવાની. લોખંડનો એક કબાટ, ભૂતા નિવાસની જાહોજલાલીની એક માત્ર નિશાની. જેની પર પપ્પાએ પ્રેમથી નૅમપ્લૅટ મુકાવેલી, નીલા ગુણવંતરાય આચાર્ય.

રસોડામાં અભેરાઈ પર પિત્તળનાં ઝગમગતાં વાસણો, સગડી, પ્રાઇમસ, કૂંડી ધોકો, નાનો બે ખાનાંનો જાળીવાળો કબાટ. એમાં દૂધ, દહીં, રાંધેલું ખાવાનું મુકાતું. ઘરમાં દાખલ થતાં જે ચાલીનો નાનો ટુકડો હતો ત્યાં કોલસાની બે ગુણ, બાવળનાં અને બદામી.

આખા ઘરનો આ અસબાબ. માટુંગાનાં ઘરને બારસાખે તોરણમાં ટહુકતા મોર, પોપટ, અનેક સુંદર શો પીસથી શોભતો બાનો કબાટ, મૂર્તિઓ, કાચનાં નાજુક ફ્લાવરવાઝ, હાથીદાંતનાં રમકડાં. અહીં કશું નહોતું. હતી માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ. પણ એ એક ઘર હતું અને અમે યુદ્ધકટિબદ્ધ છ લોકો.

અમારો મંત્ર અપના હાથ જગન્નાથ.
* * *
ઘાટકોપર સ્ટેશનથી ઘરનો રસ્તો બહુ જ લાં…બો. છેક છેવાડે. અમારાથી આગળ રાજાવાડી હૉસ્પિટલ. બસ એ છેલ્લો પડાવ. પછી લાંબો નિર્જન પટ. કોરોધાકોર. રિક્ષા, બસ હજી વહારે ધાયાં નહોતાં. ટૅક્સી તો ભાળી જ નહોતી! સુખી ઘરનાં લોકો પાસે જ એકાદી કાર. પદયાત્રા સહજ. ફિટનેસનો કન્સેપ્ટ, મૉર્નિંગ-ઇવનિંગવૉકનું ચલણ શરૂ નહોતું થયું. અમારી કૉલોનીમાં અમારી સામેની વાડીનાં ઘરોમાં કોઈ જ પાસે કાર નહોતી.

સ્ટેશનથી નીકળતાં લાંબો બજારનો રસ્તો. બંને તરફ જીવન જરૂરિયાતની નાની દુકાનો. રસ્તા પર ટ્રાફિક તો હોય જ ક્યાંથી! એ લાંબો રસ્તો ચાલીને એક ગલીમાં વળવાનું. પાછી એય લાંબી ગલી. ત્યાંથી પાણીનાં વિશાળકાય જમ્બો બે સમાંતર પાઇપ પસાર થાય. એનાં પગથિયાં આરોહણ. બીજી તરફ ઊતરી ફીર સે કુચકદમ. નાની અને છેલ્લી ગલી. એક તરફ અમારું વિજય ઍસ્ટેટ અને સામેની બાજુમાં બેઠાં ઘાટનાં નાનાં નાનાં સામાન્ય ઘર, ચાલી, ઓરડીઓ અને શેરીને છેવાડે ગુજરાત ક્લબ લોજ. ધ ડૅડ ઍન્ડ.

આ લાંબું વર્ણન એટલે કે કશે પણ જવા ઘર બહાર પગ મૂકો, પછી કોથમીર જોઈતી હોય કે મરીન લાઇન્સ સુધી રેડિયો સ્ટેશન જવું હોય – આટલું તો ચાલવું જ પડે. છૂટકો જ નહીં. પણ એ અજુગતું ન લાગતું. ચાલવું એ જીવનનો જ એક હિસ્સો. યહ જો હૈ જિંદગી. બહોત ખટ્ટી, થોડી મિઠ્ઠી.
* * *
અમને ઘાટકોપર હજી અમારું લાગતું ન હતું. અમારો થોડોઘણો પણ સામાન ગોઠવાયો પણ અમે હજી ગોઠવાતા ન હતા. ઘાટકોપર પાધરું જોયું પણ નહોતું.

પછી આવી એ નિર્ણાયક ક્ષણ.

એક સમય હતો જ્યારે મૃત્યુશૈયા પર સૂતેલા પતિ સામે એક રાત્રે બાએ અમને પિતાનાં અંતિમ દર્શન માટે ઊભાં રાખ્યાં હતાં.

આજે અમે ફરી ઊભાં હતાં પપ્પા સામે, પણ નવજીવનનાં સપનાં લઈને, મુંબઈથી જામનગર, રાજકોટ અને ફરી મુંબઈ એ ચક્રાકારી મુસાફરી પછી અમે પપ્પાને સાંભળવાં આતુર હતાં. પપ્પા સ્વસ્થ હતા. હવે શું!

જુઓ, આપણે સૌરાષ્ટ્ર છોડી ફરી મુંબઈ સેટલ થયા છીએ. હવે અહીં જ રહીશું. થનાર થઈ ગયું. હું અકિંચન બ્રાહ્મણ. મારો ધર્મ છે તમને વિદ્યા આપવાનો. હું લખીશ, દિવસરાત લખીશ ત્યારે મારી સામે ન જોશો. તમે બધાં અભ્યાસ કરો, તમારી જે પણ મનગમતી પ્રવૃત્તિ હોય તે કરો, હું અને તમારી બા તમારી પડખે જ ઊભાં છીએ.

ભાઈ તો બધું સમજતો હતો એટલે પોતાની મેળે જ મેડિકલનો અભ્યાસ છોડી નોકરી કરતો હતો. બિંદુબહેન તો અમારાથી પાંચેક વર્ષ મોટાં અને પપ્પાની ચાકરીમાં બાની જોડાજોડ હતાં. એ માંડ મેટ્રિક પાસ થયેલાં. હું બારેકની, ઈલા મારાંથી બે વર્ષ મોટી.

એ ક્ષણ અને એ શબ્દો.

અમે એક જ ક્ષણમાં જાણે વર્ષોની ખાઈ કુદાવી અને સમજણ નામનાં લીલાછમ્મ પ્રદેશમાં પહોંચી ગયાં. વીજળીને ચમકારે ઝીણાં મોતી પરોવી લેવાના હોય એમ અમને પલકવારમાં જીવનનું પરમ સત્ય લાધી ગયું. એ શબ્દોમાં મૂકતાં નહીં આવડ્યું હોય, પણ અમને એટલી તો ખબર પડી જ કે સંસારસાગરમાં પોતાના જ તૂંબડે હવે તરવાનું છે. નહીં કોઈ દાદ, ફરિયાદ કે માંગણી.

વર્ષો પછી કૉલેજમાં બી.એ. ગુજરાતી વિષય સાથે હું ભણતી હતી ત્યારે યાજ્ઞિકસાહેબે નર્મદની વાત જુસ્સાભેર માંડી હતી. કલમ હું તારે ખોળે છઉં. એ સાંભળતાં હું ક્લાસમાં સ્તબ્ધ બેસી રહેલી.

પપ્પા : 1942ની એક તસવીર

મારી નજર સામે મારા પિતાનું દૃશ્ય તાદૃશ થઈ ગયું. નાના ઓરડામાં, બારી પાસે આરામખુરશીમાં ગોઠણ વાળી, પીળા ન્યૂઝપ્રિન્ટનાં કાગળોનાં પેડ નીચે લાકડાનું બૉર્ડ ગોઠવી એ અવિરત લખતા. વહેલી સવારથી છેક સાંજના પાંચ છ વાગ્યા સુધી ભૂખ્યા. માત્ર ચા ભેર. વરસનાં ત્રણસો પાંસઠ દિવસ. એક પછી એક નવલકથા, વાર્તા, લેખ, કૉલમ, રેડિયો નાટક, ફિલ્મોનાં સંવાદ…

મને યાદ છે ગૂર્જરનાં શંભુકાકાનો દર મહિને નિયમિત 400/500 રૂપિયાનો મનીઑર્ડર આવતો. કૉલમ, વાર્તાનાં આવે તે. એ સમયે મોટે ભાગે રોકડાનો જ વ્યવહાર. એમાં અમારો આખો મહિનો, નાકમાંથી નાળિયેર કાઢવાની જેમ બા ઘર ચલાવતી.

યાજ્ઞિકસાહેબ કલમ, હું તારે ખોળે છઉં બોલતાં હતા ત્યારે મને સમજાયું કે એનો અર્થ શો થાય છે! હું નીચું જોઈ સાંભળતી રહી અને આંખમાંથી ટપટપ આંસુ.
* * *
આજે કોઈને સમજાશે કે જીવન સરળ બનાવતા એક પણ, યસ એક પણ સાધન વિનાનું જીવન કેવું હતું! દા.ત. એક કપ ચા. એ માટે સગડી તો સળગાવાય નહીં, પ્રાઇમસ પેટાવવો પડે. એની લાંબી વિધિ.

સ્પિરીટની બાટલીમાં કાકડો બોળી. પ્રાઇમસમાં મૂકી પેટાવવાનો. એનાં ભડકામાં બર્નર ગરમ થાય એટલે પંપ જોરદાર મારી હવા ભરવાની. જો પંપનું રબ્બરનું વાયસર ઘસાઈ કે ફાટી ગયું હોય તો પ્રાઇમસ દુકાને લઈ જવાનો. બર્નરમાંથી હવા નીકળે એ નાનું છિદ્ર હોય, રાઈના દાણા જેટલું. એમાં કોઈવાર કચરો ભરાઈ જાય. એમાં પીન ભરાવવાની. પીનનો વાળ જેવો પાતળો વાયર એમાં ભરાઈ જાય તો મોટી ઉપાધિ. પાછો પ્રાઇમસ થેલામાં નાંખી દુકાને. ઘાસલેટનો મોટો ડબ્બો રાખવાનો. પંપથી ઘાસલેટ કાઢી પ્રાઇમસમાં ભરવાનું… હૈ ના લંબી કહાની! અને હા, એટલી બધી રેસ્ટોરન્ટ્‌સ, ચાની રેંકડીઓ તો હતી નહીં કે દોડીને પહોંચી જવાય! આમ પણ ઘરબહાર ખાવાપીવાનું લગભગ નહીંવત્.

સ્પિરીટ, ઘાસલેટ અને પ્રાઇમસની જ્વાળા ક્યારેક ભડકો થઈ જતી તેથી દાઝવાનું જોખમ પણ રહેતું. એ સમયે પણ પુત્રવધૂઓની હત્યાના કિસ્સા બનતા. એમાં પ્રાઇમસ વિલન નંબર વન બનતો. કારણ એમ અપાતું કે પ્રાઇમસ ફાટ્યો અને એ દાઝીને મરણ પામી, પણ પુત્રવધૂ વખતે જ કેમ પ્રાઇમસ ફાટતો એનો જવાબ નહોતો.
* * *
એ દિવસે, એ ક્ષણે પિતાએ જીવન જીવવાની કૂંચી અમારા હાથમાં આપી દીધી. જેના વડે અમારા નવજીવનનાં દ્વાર અમારે જ ખોલવાનાં હતાં. આજ સુધી એ કૂંચી મેં મારી ભીતર સાચવીને રાખી છે. જ્યારે પણ કોઈ બંધ ખંડમાં પુરાયાની ગૂંગળામણ થાય ત્યારે એ કૂંચી વડે મેં દ્વાર ખોલી મુક્ત હવામાં શ્વાસ લીધો છે.

હવે શરૂ થયું અમારું નવજીવનનું સહિયારું અભિયાન.

અમૃતલાલ યાજ્ઞિક

અમારી વિદ્યાભ્યાસની ગાડી પાટે ચડાવવાની હતી. પ્રો. અમૃતલાલ યાજ્ઞિક પપ્પાનાં માટુંગા વખતના મિત્ર. એમણે શિશીરભાઈને માટુંગાની પોદાર કૉમર્સ કૉલેજમાં પ્રવેશ આપ્યો. ભાઈ અભ્યાસમાં તો અત્યંત તેજસ્વી અને ત્યારે ઍડમિશનની કોઈ રામાયણ નહોતી.

અમારા ઘરેથી પાઇપ લાઇન પર ચાલતાં ચાલતાં બહાર રસ્તા પર આવીએ ત્યાં જ અમારી સ્કૂલ, રત્નચંદ્રજી જૈન કન્યાશાળા. પ્રિન્સીપાલ યશોદાબહેન સંસ્કૃતનાં વિદ્વાન. અમને પ્રવેશ આપી ખુશ થયા, ઓહો! ગુણવંતરાય આચાર્યની પુત્રીઓ અમારી સ્કૂલમાં! બિંદુબહેનને સંગીતમાં રસ એટલે એ દાદરના સિતારના વર્ગમાં દાખલ થયા.

ઘર અને ભણવાનું ગોઠવાઈ ગયું અને પપ્પાએ પેન હાથમાં લીધી તે છેક 1965નાં નવેમ્બરની 24મીની સાંજ સુધી છેલ્લી નવલકથાનું (“સરમત સંઘાર”) છેલ્લું પ્રકરણ લખ્યું અને એ જ રાત્રે વિદાય લીધી. ઇચ્છામૃત્યુ નહીં તો બીજું શું! હંમેશાં કહેતા કે કોઈને મારી ચાકરી ન કરવી પડે. મારા હાથમાં પેન હોય અને હું શાંતિથી તરત વિદાય લઉં. બરાબર એ જ રીતે એ ચાલી ગયા.

પપ્પાએ લખ્યું. અવિરત. વણથંભ્યું. અમે હંમેશાં એમને વિચારતાં ઘરમાં આંટા મારતા અને લખતા જોયા છે. એક વાર પેન હાથમાં લે (મોબ્લાં) અને લખવાનું શરૂ કરે. પેન ચાલે સડસડાટ. પાનું ફર્યું તે ફર્યું. આજે થાય છે તેમને ખલેલ નહીં પહોંચી હોય! નાનું ઘર એટલે અવરજવર તો હોય, બારી બહારનો રસ્તો ને સામેની બાજુ ગગન ગાજતી લોકલ દોડતી રહે. કૉલોનીનાં કંપાઉન્ડમાં બાળકો રમતાં હોય પણ પપ્પા દરિયાનાં કોઈ નિર્જન ટાપુ પર હોય એમ એમની દુનિયામાં. અમે કોઈ ચાનો પ્યાલો આપીએ તો લઈ લે, સામે જુએ, પણ અમને ઓળખે નહીં.

અમે સાંજે ભણી, રમી, ફરીને આવીએ છેક ત્યારે આરામખુરશીમાંથી ઊભા થાય, મૅટર પૅક કરી દે. સવારની રસોઈ તપેલામાં પિંજરામાં ઢાંકી હોય તે ઢાંકેલા તપેલા લઈ, હાથમાં પુસ્તક લઈ રસોડામાં નીચે બેસી વાંચતા જમે. એને ગરમ કરવાનું, સામે બેસી જમાડવાનાં એવી કોઈ જ વિધિ નહીં. એકદમ ઓલિયા ફકીર. જે તપેલામાં હાથ પડે એ મોંમાં. અમે એ દૃશ્ય દૂરથી જોઈએ. સામે બેસી તાજી ગરમ રસોઈ જમાડવાની બાની ઇચ્છા મનમાં જ રહી.

અમે બધાં ભણ્યાં, સંસારમાં ગોઠવાયાં એની છેલ્લી ઘડી સુધી લખ્યું. ત્રણેય ભાઈબહેન પોતાનાં સંસારમાં વ્યસ્ત થઈ ગયાં હતાં, હું છેલ્લી. ત્યારે કહે મારી બધી જવાબદારી પૂરી થઈ. હવે મને તેડું આવે તો વાંધો નથી. તું ચિંતા નહીં કરતી. મારા પુસ્તકો તને જીવાડશે. ગુજરાત તને સાચવશે નીલુ.

શું ઘનઘોર જંગલમાં કે દુર્ગમ પહાડોની ગુફામાં બેસીને જ તપશ્ચર્યા થાય એવું થોડું છે!
* * *
અમારી વિદ્યાયાત્રાનો શુભારંભ.

સવારે ભાઈ કૉલેજ જતો. બિંદુબહેન સિતાર સંગીતનાં વર્ગોમાં. લોકલનો પાસ કઢાવી એ લોકોની ટીપિકલ મુંબઈગરાની જેમ રોજની લોકલ ટ્રેનની મુસાફરીઓ શરૂ થઈ ગઈ.

હું અને ઈલા દસ સાડાદસે પાઇપ લાઇન પર ચાલતાં સ્કૂલે જતાં. પાંચ વાગ્યે એ જ રસ્તે ઘરભેગાં. હું ક્લાસમાં ગુમસૂમ એકલી બેસી રહેતી. બીજી વિદ્યાર્થિનીઓ પહેલેથી જ આ સ્કૂલમાં અને ઘાટકોપરમાં જ રહેતી હતી. એ લોકોમાં એક પ્રકારનું બૉન્ડિંગ. એક હું જ અધવચ્ચેથી અને બહારગામથી આવેલી.

એક તો જામનગર રાજકોટનાં પરંપરાગત માહોલથી અમે અહીં મોકળાશભર્યા વાતાવરણમાં આવ્યાં અને અહીં શિક્ષણનું સ્તર ઊંચું. લેસન, હોમવર્ક વગેરે માટે શિસ્તપાલન. અંગ્રેજી, સંસ્કૃત પણ સૌરાષ્ટ્રમાં હતું નહીં. બીજું, એક ગણિત. ભલે આખા વિશ્વનું અર્થતંત્ર ગણિત પર ટક્યું છે પણ મારે વર્લ્ડ ઇકોનોમિક્સ સાથે લેવાદેવા શી! ગણિત મને અરઘે જ નહીં. એનાં ટ્વીન બ્રધર્સ ઍલ્જીબ્રા-જૉમેટ્રી પણ મને હેરાન કરે. આ બધા વિષયો મગર જેવા વિકરાળ જડબા ખોલી મને ડરાવે.

માર્ક ટ્‌વેઇને લખ્યું છે, આઇ કેન નેવર ફરગીવ ગૉડ ફોર ઇન્વેટિંગ ફ્રેંચ. મારી પણ ગણિતમાં ઈશ્વર સામે ગંભીર ફરિયાદ. એક તો ચકરડી, ભમરડી ફરતા અહીં આવ્યાં, એમાં ક્લાસમાં પણ આઉટક્લાસ. મને સમજાઈ ગયું કે જે તુંબડે મારી મેળે તરવાની હોંશ હતી એ તુંબડીમાં જ છિદ્રો!

શાહબુદ્દીન રાઠોડની ભાષામાં જે વિદ્યા અમને આપવા બા-પપ્પાએ કમ્મર કસી હતી ઇ ભણતરની લેઇન મારી નંઈ. મને થયું બેસ્ટ વે આઉટ કે ભણવું જ નહીં! એક સાંજે સ્કૂલેથી આવી મેં એલાન કર્યું, મારે ભણવું નથી. આંગળી ગોળ ફેરવતાં કહ્યું, જેમ કૃષ્ણે સુદામાચક્રથી રાક્ષસ ખતમ કર્યો એમ… ભાઈ ખડખડાટ હસી પડ્યો. સુદામાચક્ર નહીં, સુદર્શનચક્ર. ભલે એમ. કૃષ્ણ ભગવાનને એમના અસ્ત્રશસ્ત્રની ચિંતા. મને શું! પણ હું ભણવાની નથી.

અમારે ત્યાં ગુસ્સે થવાનો, વઢવાનો પહેલેથી જ રિવાજ નહીં. પપ્પાએ પ્રેમથી મને પાસે બેસાડી રોજ ભણાવવા માંડ્યું. વાર્તા-જોક્સ જોડેજોડે કહેતા જાય.

જોકે ગણિત મને પલ્લે ન જ પડ્યું, તે ન જ પડ્યું. ભલું થજો એ સમયના શિક્ષણપ્રધાનનું કે મેટ્રિકમાં (11મું, ધોરણ. એને માટલી ફોડી પણ કહેવાતું.) ગણિત ઑપ્શનલ હતું. સિવિક્સ ઍડ્‌મિનિસ્ટ્રેશન લઈ શકાય. એટલે સિવિક્સ લઈ મેં મેટ્રિકમાં માટલી ફોડી.
* * *
મારા ક્લાસની થોડી છોકરીઓએ જોયું હું એકલી પડું છું, ભણવામાં પણ પાછળ પડું છું એટલે સહુથી પહેલાં ક્લાસની સૌથી તેજસ્વી વિદ્યાર્થિનીની બાજુમાં મને બેસાડી દીધી, રીસેસમાં ગપ્પાગોષ્ઠીમાં મને ભેળવી દીધી. જામનગર, રાજકોટ વિષે પૂછતી રહી. અમે જ્યાં જ્યાં ફરવા ગયાં હતાં એ સ્થળોની વાતો ખૂબ રસપૂર્વક સાંભળતી. ઈલા તો સ્કૂલમાં સારી રીતે ગોઠવાઈ હતી. મારી પહેલાં નીકળી પણ ગઈ હતી અને માટુંગાની રૂઈયા કૉલેજમાં આર્ટ્સમાં ઍડમિશન લઈ લીધું હતું.

ઘાટકોપર બાલકનજી બારીની પિકનિકમાં સખી સાથે

હવે સ્કૂલે જવા મારા પગ હોંશે હોંશે ઊપડતા. ક્લાસમાં એક હું જ હતી જે બહારથી આવી હતી, જેણે નાનામોટા અનેક પ્રવાસો કર્યા હતા. નૃત્યનો શોખ હતો, ઘરમાં મોકળાશભર્યા વાતાવરણમાં હું શ્વાસ લેતી હતી. પિતા લેખક હતા અને જાણીતા હતા. આ બધાનો સરવાળો એ હતો કે અમે ભળી ગયાં હતાં. રિસેસમાં ક્લાસના દરવાજા બંધ કરીને અમે બેઠક જમાવીયે. ક્લાસમાં મારું વિશિષ્ટ સ્થાન નક્કી થઈ ગયું.

મને તો નાનપણથી જ નૃત્ય કરવું ગમતું. (અહીં નૃત્ય માનવાચક શબ્દ સમજવો) અને બાએ ગ્રામોફોન રૅકોર્ડ પર ઘણા ડાન્સ કરાવેલા. એ સમયે ‘નાગિન’ અને ‘બૈજુબાવરા’ ફિલ્મનાં ગીતો ખૂબ લોકપ્રિય હતાં. બેત્રણ છોકરીઓ ધીમા સાદે ગાય, કોઈ પાટલી પર થાપ આપે અને શરૂ થાય અમારો ડાન્સ રિયાલિટી શો. વૈજ્યંતિમાલાની ઍક્ટિંગ કરતાં મને શું પોરસ ચડતો!

મીનાકુમારી (બૈજુબાવરા – 1962)

બૈજુબાવરાનું ગીત, મોહે ભૂલ ગયે સાંવરિયામાં તો ડાન્સબાન્સ નહીં માત્ર મીનાકુમારીનો કરુણ અભિનય અને ‘નાગિન’માં રોમાન્સના ભાવ!

આ હતી મારી સ્વયંસંચાલિત ડ્રામા વર્કશૉપ. ત્યારે મને ખબર ન હતી કે હું મારી નાટ્યયાત્રાના પહેલા પડાવે ઊભી હતી.
* * *
એકવાર રાણીની જેમ સજીધજીને એવી જિંદગી જીવેલી બા, હવે આ સાદાસીધા મહેનતકશ જીવનમાં એવી ઓતપ્રોત હતી કે એ જાણે હંમેશ અહીં જ, આ જ રીતે જીવતી હતી! કોઈ પણ સંજોગોમાં એ ક્યારે પાછી પડી હતી!

ચાર અભ્યાસ કરતાં સંતાનો, રસોઈ, બાઈ છૂટું કામ કરીને જાય પછીનાં ઘરનાં ઝીણાં ઝીણાં કામ, અમારા સહુનાં આવવા-જવાના, જુદા જુદા ક્લાસનાં અને પરીક્ષાઓના સમય, સ્થળ અલગ અલગ. એમાં ઘરેથી આવવા જવામાં અને લોકલની મુસાફરીઓમાં જ અમારો ખાસ્સો સમય જતો એટલે બાને બહુ મદદ ન કરી શકતાં. તોય થઈ શકે ત્યારે પપ્પા-ભાઈ પણ બાને ઘરકામમાં અચૂક મદદ કરતા. ગમે તેટલી જવાબદારીઓ હોય બા ઘરમાં બંધાઈને ન જીવી શકે અને પપ્પાને પણ એ ન જ ગમે.

બાએ ઘાટકોપરમાં મહિલામંડળ શોધી કાઢ્યું અને એમાં જોડાઈ ગઈ. મળતાવડો સ્વભાવ અને અનુભવથી એને તરત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. મંડળની પ્રવૃત્તિઓનાં આયોજનમાં બા આગળ જ હોય. ગીત, સંગીત, ગરબાની સ્પર્ધાઓમાં ઘણી યુવતીઓ ભાગ લેતી. વ્રતનાં આખી રાતનાં જાગરણ મોટા હૉલમાં ગોઠવાતા અને અમે વ્રત વિના જાગરણમાં ધમાચકડી મચાવતાં ખૂબ મજા કરતાં. ક્લબની લાખો રૂપિયાની ફી ભરીને પણ આવી નિર્દોષ આનંદની રસલહાણ આજે કોઈએ ભાગ્યે લૂંટી હશે.

બા

બા પાસે પોતાની ઘરઘરાઉ યુનિવર્સિટીની એમ.બી.એ. ડિગ્રી હતી, ટાઇમ મૅનેજમૅન્ટની. ઘરના અને બહારનાં કામો એ કુશળતાથી કરતી. હા, પપ્પા અને ભાઈનો પૂરો સપોર્ટ અને પપ્પાનો તો આગ્રહ, બાએ બહારની પ્રવૃત્તિઓ તો કરવાની જ. અમારામાં પણ આપોઆપ આ સંસ્કાર સિંચાયા. કોઈ ઉપદેશ કે સલાહ નહીં. આને જ ગળથૂથી કહેતા હશે ને!

શરૂઆતમાં નારાજીથી, પછીથી ધીમે ધીમે અમે ઘાટકોપરને અપનાવ્યું. મન ઠરવા લાગ્યું. ઘરમાં જાહોજલાલી નહોતી, પૈસે પૈસાની કરકસર, પણ અમે ખૂબ જ લહેર કરી. સાથે બેસીને જમતા, પપ્પાની બાપુની જોક્સ પર મન મૂકીને હસતાં.

આનાથી વિશેષ જીવનમાં કંઈ હોય એવી અમને ખબર નહોતી, જરૂર પણ નહોતી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

 1. આ આત્મકથા અમને ત્રણે બહેનોને nostalgic બનાવે છે, એવું લાગે છે જાણે આ અમારાં સંભારણા લખાઇ રહયા છે.

 2. કોઈ ડ્રોનમાં બેસી તમારા ભૂતકાળ ઉપર ઊડતા હોઈએ એવું લાગે છે.

 3. વર્ષાબેનને ઘરે માત્ર એક વખત મળવાનું બન્યું છે પણ આ જીવનકથા વાંચતા હોય ત્યારે જાણે તેમના પરિવાર સાથે આપણે પણ એ સમયમાં વિહાર કરી તેમની સાથે જોડાયેલ હોય તેમ લાગ્યા કરે.

 4. અદ્ભુત .
  સંઘર્ષનું સ રસ લેખન .
  આવા અનુભવથી આપ જેવા લેખકનો જન્મ થાય છે.
  આ સમય દરમિયાનનો મુંબઇ ની સ્થિતીનો અમને પણ અનુભવ થયો છે
  તેથી જુની વાતો ફરીથી તાજી થાય છે
  ધન્યવાદ

 5. Such a wonderful writing of struggle and enriching of experience to set the foundation for a great writer. I look forward for the next chapter to walk with the author to experience that time and place and feel like I am also relieving that time of struggle yet also the time of enriching experiences of life.
  Many thanks Vershaben to open the window to your journey.