ચાર ગઝલ ~ તખ્તસિંહ પી. સોલંકી (આચાર્ય – માધ્યમિક ઉ. મા. શાળા પાનેલાવ, તા-હાલોલ, પંચમહાલ)
1. મને તો ટેવ છે
જાત સાથે વાત કરવાની મને તો ટેવ છે.
છેક ઊંડે શ્વાસ ભરવાની મને તો ટેવ છે.
હું કવચ કુંડળ નહીં આપી શકું તો શું થયું?
જિંદગીનું દાન કરવાની મને તો ટેવ છે.
ચાલ તારો દાવ તું જે પણ કરે એ હાલ કર,
શ્વાસ ચાલે તોય મરવાની મને તો ટેવ છે.
ચાંદ તારા એકલા માગી લઉં પણ શું કરું?
આંખમાં લઈ આભ ફરવાની મને તો ટેવ છે.
રાજકણોની આ બધી મૂર્તિ હટાવી લો ‘તખ્ત’
પહાડ સામે ધ્યાન ધરવાની મને તો ટેવ છે.
2. વિચારી શકે તો
હજી પણ સમય છે વિચારી શકે તો,
ઘણી શક્યતા છે તું ધારી શકે તો.
ગઝલ જેવું જીવન બની જાય કિન્તુ,
પ્રસંગો જરા તું મઠારી શકે તો.
ભૂંસીને લખી દે બધું સારું સારું,
લખ્યા લેખને જો સુધારી શકે તો.
રૂપાળા સંબંધો મને યાદ છે પણ,
ભલે ના કહી દે નકારી શકે તો.
નદી જેવું સુંદર મળે નામ જળને,
પહાડો જો પાણી નિતારી શકે તો.
3. કોઈ ઉપાય છે?
આ ઉદાસી દૂર કરવાનો કોઈ ઉપાય છે?
આમ કંઈ ગમતું ન હો એવું તને પણ થાય છે?
સાંજ ટાણે આથમે જ્યાં સૂર્ય તારી આંખમાં,
એ ઘડી સાચું કહે તું ગીત કોના ગાય છે?
કો’ક આવીને તને પૂછે અમસ્તું કેમ છો ?
બસ મજામાં! એ બધું દિલથી હજી બોલાય છે?
વિશ્વમાં સચ્ચાઈ જીવતી છે ફકત માતા રૂપે
સાવ સાચ્ચું બોલવા કોની કસમ તું ખાય છે?
આમ ખુલ્લી હોય તો સામે કશું હોતું નથી.
બંધ આંખોની તિરાડે ‘તખ્ત’ શું ડોકાય છે?
4. કોઈ પણ મુદ્દો નથી
કહી દો વાત કરવા કોઈ પણ મુદ્દો નથી,
કશી વાતે ઝઘડવા કોઈ પણ મુદ્દો નથી.
તમે બસ ચૂપ બેસીને બધું જોયા કરો,
સળગશે, જે સળગવા કોઈ પણ મુદ્દો નથી.
ભલે અફવા હશે એ પણ હવે તો ચાલશે,
હવે અખબાર ભરવા કોઈ પણ મુદ્દો નથી.
કમિટી શોધવા બેઠી, હકીકત શું હતી,
થયું‘તું શું સમજવા કોઈ પણ મુદ્દો નથી.
બધા દોડ્યા કરે છે ‘તખ્ત‘ કોને શોધવા?
સમયને તો પકડવા કોઈ પણ મુદ્દો નથી.
~ તખ્તસિંહ પી. સોલંકી
(આચાર્ય – માધ્યમિક ઉ. મા. શાળા પાનેલાવ, તા-હાલોલ, પંચમહાલ)
સરનામું: ડી-9/301 શ્રીજી સમૃધ્ધિ ફ્લેટ્સ, ગોત્રી, વડોદરા-21
મો: 9979152881
બધી જ ગઝલો અર્થસભર અને ચોટદાર લાગી મને. અનેક શુભેચ્છાઓ અને અભિનંદન.
Thank you ☺️