૬ કાવ્ય (અછાંદસ) ~ હરેશ કાનાણી (મુ. તા. ગીર ગઢડા, જિલ્લો: ગીર સોમનાથ)

[1] ”નામ”
એક
દિવસ તું અને હું
જંગલમાં ગયા હતા
અને
એક વૃક્ષના થડમાં
તે મારું નામ કોતર્યું  ને મેં તારું
તને ને મને ગમે તેવું.

પછી
સમયની લહેર સાથે આપણે
આગળ જવા લાગ્યા
ઘણી વખત
એ જ થડ પાસે જઈને
તે નામને ઘૂંટતા…

અચાનક એક દિવસ
આપણા બન્ને વચ્ચે મોટું
વાવાઝોડું આવી ગયું
અને
આપણે મૂળસોતા ઊખડી ગયા!!
પરંતુ–
આ વાવાઝોડાની અસર
પેલા–
વૃક્ષનાં થડમાં કોતરેલા
નામને થઈ હશે ?!

[2]
જંગલના
છેવાડાના નેસડામાં જાઉં છું
તેના શરીર પરના ચિતરામણ એકદમ વિચિત્ર
તે નેસ કન્યા પર મારી નજર ફરી વળે છે
મારી આંખો એમની ભાષા બોલવા લાગે છે
તેમના કાચા પાકા મકાનની દિવાલો પર દોરેલ
કોઈ વૃક્ષ ડાળ પરથી
હું ઊડી જાઉં છું
ઘોર જંગલમાં.
ને આ નેસકન્યા
હજી રાહ જોઈ રહી છે
મારા પાછા ફરવાની.

[3]
એક
અણુબોમ્બમાં
અંદાજે
કેટલા
આંસુઓ
સમાયેલા હશે ??

[4]
તને રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ તો ક્યારેક ઘોડો !
પણ
અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને
તું
છોડી આવીશ
બળબળતા રેગીસ્તાનમાં….

[5]
બાળકોને વિશ્વાસ છે
તૂટેલો દાંત લઈ જશે ચકલી
અને આગલા મહિને-
ભગવાન ચાંદીનો નવો દાંત
મોકલશે….
વૃક્ષને ભરોસો છે
મૂળમાં સમાયેલ પાણી
બદલાઈ જશે ફળોના રસમાં….
પરંતુ મને વિશ્વાસ કેમ નથી
સવાર તરફ સરકતી આ રાતમાં
– ગાઢ નિંદર હોવા છતાં
કોઈ સુંદર સ્વપ્ન આવવાની…?

[6]
પંખીને
જોઈને એક બાળકને થયું
હું પણ
ઊડું આકાશમાં
માછલીને
તરતા જોઈને થયું
હું પણ તરું
પાણીમાં
હરણને
ઊછળતા- કૂદતા જોઈને થયું
હું પણ દોડું જમીન ઉપર
-ઊડી પણ ગયો
-તરી પણ ગયો
-દોડી પણ ગયો
નાનો બાળક …
સુંદર કલ્પનાની પાંખ લગાડીને –
પળવારમાં …

~ હરેશ કાનાણી
hareshkanani2@gmail.com
M) +91 99138 87816

 

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. -.
    ઘણી જ સુંદર રચનાઓ અને કલ્પનાઓ.
    ખાસ તો ચોથી રચના આજના ઘરડાઘરમાં વધતી જતી વસ્તી
    પરનો વેધક કટાક્ષ ઘણો જ તીક્ષ્ણ છે.