|

પાંચીકા ~ લલિત નિબંધ ~ દર્શના વ્યાસ ‘દર્શ’ (ભરૂચ)

પરિચય : 
દર્શના વ્યાસ ‘દર્શ’.
લેખિકા, કવિયત્રી. મૂળ દીવ, હાલ ભરૂચ. ”રિમી – ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન’ નવલકથા ગુજરાતી તેમ જ અંગ્રેજી ભાષામાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.

પાંચીકા (લલિત નિબંધ)

પાંચીકા.. એ પહેલાં તો સાવ પથ્થરો જ હશે ને..!!! નદી કિનારે દૂર ઠેબે ચડતાં હશે. જયારે અષાઢી આભલી મન મુકીને વરસે ત્યારે ખુશીથી થનગનતી નદી પણ બે કાંઠા છલકાવતી હોય, એવી જ કોઈ મેઘલી પળે આ પથ્થરો સાવ તણાઈને નદીની લગોલગ આવ્યાં હશે. બસ, પછી શું એક પછી એક લહેર માની જેમ થાબડતી રહીને ગોળ, લિસ્સા, ચમકતાં મજાનાં ઘાટ ઘડતી ગઈ. નદીની ભીનાશ ઊતરીને પથ્થરોમાં એવી તો સુવાંળપ ઊગી જાણે કે તે સૌંદર્યગૃહમાં જઈને  મસાજ કરાવી ન આવ્યા હોય તેમ ઘાટીલા શ્યામ રંગમાં ઓપે.

સૂરજનું કિરણ પડતાવેંત તે ચમકી ઉઠે ત્યારે તો કોઈ તપ કરતાં મુનિનું તેજ જ જોઈ લ્યો, ને ગરમીમાં ધગે ત્યારે ક્રોધી મુનિ જેમ પગને બાળી દે. પથ્થરો છે એમ કંઈ ભીનાશથી પીગળી તેનું નક્કર પણું થોડું મૂકે! નક્કરતાની અક્કડ તો જાણે અભિમાની પુરુષ જેવી..! સ્ત્રીનો ઋજુ સંગ ગમે તેટલો તેને પલાળે પણ તેની કઠોરતા ન મૂકે. રેતીની વચમાં એવા તો દબાઈને બેઠા હોય કે પગ મૂકતા તો કાચબો જેમ મોઢું અંદર નાખે તેમ રેતીમાં પથ્થર સરી જાય.

મા તો કહે “કંકર-કંકર શંકર.”

પણ મારે મન તો કુકા..ગોળ, લિસ્સા બહુ વાગે નહિ તેવા એક એક શોધી શોધીને વીણ્યાં. રેતીમાં બેસીને ઊંચા ઉછાળીને જોયા. એ ય ધ્યાન રાખ્યું કે બધી બહેનપણીઓ કરતાં મારા કુકા સૌથી સરસ હોય. પાંચ કુકા જ્યારે શોધીને ભેગા થયાં ત્યારે મારા પાંચીકા બન્યાં. ખોબામાં પાંચીકા ઘરીને બેઠી ત્યારે તો લાગ્યું જાણે કુબેરનો ખજાનો મારા ખોબામાં સમાયો. એ વખતે મન ગાઈ રહ્યું..

‘હું તો આંગણાની જુઈ સખી રી..
મીંઢળથી વહાલા પાંચીકા સખી રી..’

ફાટેલા રેશમી ફરાકનાં ગજવાને કાપી દોરી, આભલા ટાંકી નાનો બટવો માએ મારા પાંચીકા મુકવા બનાવ્યો ત્યારે તો હું હેતે માને બાઝી જ પડી. પાંચીકા એટલે મારી મોંઘી જણસ.

પાંચીકાની રમત એટલે  હાથની ગતિ સાથે નજરના તાલનો સમન્વય. એક, બે, ત્રણ, ચાર, પાંચ પાંચીકાની ગણતરી સાથે હવામાં ઉછાળતાં સીધી અને ઊંધી હથેળીએ ઝીલવાનું કામ એકાગ્રતાની કસોટી કરતાં બાજ જેવી ચપળતાં પણ માગી લે. આંખના પલકારા જેટલા સમયમાં હવામાં એકથી વધુ ઝીલાતાં પાંચીકાઓ વચ્ચે તાળી પણ પાડી, મહારથી સાબિત કરનાર લાગે પણ હું એમ ક્યાં પાછી પડું!

પાંચીકાની રમત જીવનમાં સમતુલાનો, સમન્વય, એકાગ્રતાનો અને પળભરનાં સમયનું પણ  મહત્વ ઓછું નથી તેમ મારા આજ્ઞાત મનને સમજાવતું હશે. ખરું કહું તો પાંચીકાની રમત મારા બાળપણમાં પ્રાણ પૂરતી રમત. ‘મારી એ રમતની મમત તમને પણ રમવા ખેંચી લાવે તો રમવા આવજો ખૂબ રમીશું.. અને નદીકાંઠેથી કુકા શોધી તમને પણ પાંચીકા ભેટ આપીશ.. તો આવો છો ને..?’

~ દર્શના વ્યાસ ‘દર્શ’

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. સુ શ્રી દર્શના વ્યાસ ‘દર્શ’ નો પાંચીકા સ રસ લલિત નિબંધ ~
    ‘પાંચીકાની રમત જીવનમાં સમતુલાનો, સમન્વય, એકાગ્રતાનો અને પળભરનાં સમયનું પણ મહત્વ ઓછું નથી તેમ મારા આજ્ઞાત મનને સમજાવતું હશે.’ ખૂબ સ રસ અનુભવેલી વાત
    મનમા ગુંજે – મુકેશ જોષીની રચના
    પાંચીકા રમતી’તી ,દોરડાઓ કુદતી’તી
    ઝૂલતી’તી આંબાની ડાળે
    ગામને પાદરીયે જાન એક આવી
    ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

    મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
    લખતી’તી દાદાને ચિઠ્ઠી
    લખવાનું લખિતંગ બાકી હતું,
    ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
    આંગણામાં ઓકળીયું પાડતા બે હાથ
    લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
    ……..મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

    પાનેતર પહેરીને પંખી ઉદાસ ,
    છતાં મલકાતાં મામા ને કાકી
    બાપુના હુક્કામાં તમાકુ ભરવાનું
    બાને કહેવાનું હતું બાકી
    પાણીડાં ભરતી એ ગામની નદી
    મારા બાપુના ચશ્માં પલાળે
    …….મારું બચપણ ખોવાયું એ જ દાડે

    ઢોલ અને શરણાઈ શેરીમાં વાગિયાં
    ને ગામ મને પરણાવી રાજી
    લીલીછમ મ્હોરવાની આશામાં ઊગેલી
    કૂંપળ તોડી એક તાજી
    ગોરમાને પાંચ પાંચ વરસોથી પૂજ્યા
    ને ગોરમા જ નાવને ડુબાડે
    ……મારું બચપણ ખોવાયું એ જ દાડે

  2. તમે તો એક પળમાં ફ્લેશબેકમાં લઇ ગયા ને”પાંચિકા રમતી તી…યાદ આવી ગયું..સરસ.