પાંચ ગઝલ ~ વિકી ત્રિવેદી ~ વતન: ધાનેરા (બનાસકાંઠા) ~ નવલકથાકાર, વાર્તાકાર

કવિ પરિચય: 
વિકી ત્રિવેદી.
જન્મ: 24-06-1993. વતન: ધાનેરા (બનાસકાંઠા). અભ્યાસ: B.com. 2017થી સાહિત્યમાં પગલાં. 10 નવલકથાઓ અને એક વાર્તાસંગ્રહનું સર્જન. છેલ્લા 2 વર્ષથી ગઝલલેખન.
ગુજરાતી નવલકથાઓ: અંતર આગ, ખેલ, શિકાર, નક્ષત્ર, મુહૂર્ત, સ્વસ્તિક, શમણાંની શોધમાં, સંધ્યા સૂરજ, ધ ફેન
અંગ્રેજી નવલકથા: Kaliyuga : age of darkness
વાર્તાસંગ્રહ : એક દુજે કે લિયે.

***************
૧. જીવન રમકડું છે
પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો,
હતું જીવન રમકડામાં હવે જીવન રમકડું છે!

સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ તણખલું છે.

પ્રભુ મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે એ કરે છે એ છમકલું છે.

જે આવે છે એ મોટા ભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?

તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.

જરા ચાલું અને સાલું મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.

ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે વિકી તો પણ હજુ આ દિલ ધબકતું છે!

૨. ના કરે
આમ જોકે એ ડરીને પાછીપાની ના કરે,
પણ ખરા પ્રેમી કદી પણ છેડખાની ના કરે.

દોસ્ત આવે તો કદી હું “આવને” કહેતો નથી,
ફૂલનું સ્વાગત ભલા કંઈ ફૂલદાની ના કરે.

માનજે કે એને તુજથી પ્રેમ જેવું કંઈ નથી,
ચોપડો લઈ જાય ને જો કંઈ નિશાની ના કરે.

ગઈ વખતની સરભરા એને બહુ સ્પર્શી હશે,
વેદના નહિતર ઉતાવળ આવવાની ના કરે.

બાળપણના હાથમાં છે જિંદગી તારું સુકાન,
આટલી ભૂલો ભલા મારી જવાની ના કરે.

3. જોઈએ
ના બહારો જોઈએ ના તો સવારો જોઈએ,
હામમાં કિન્તુ મને હરદમ વધારો જોઈએ.

સુખ તો કેવળ એક તરફા દૃશ્ય દેખાડી શકે,
જિંદગીને જાણવા દુઃખથી પનારો જોઈએ.

એ જગાએ મારે મારું નામ કાફી હોય છે,
આપને જ્યાં સાત પેઢીનો ઉતારો જોઈએ.

છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.

એક મુજથી તો જગત સુંદર બને નહિ ઓ ખુદા,
મારા જેવા વિશ્વમાં બીજા હજારો જોઈએ.

જો જીવન સાગર છે તો અશ્રુ જરૂરી છે વિકી,
જળ ઉપર તરવાય ખુદ જળનો સહારો જોઈએ.

૪. ન ગમતા પ્રસંગને
અવકાશ ક્યાંથી મળશે ખુશી કે ઉમંગને?
જીવન તો સાચવે છે ન ગમતા પ્રસંગને.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

જાણે એ મારું પારણું સંતાડનાર હો,
એવી રીતે હું પ્રશ્ન પૂછું છું પલંગને.

દુનિયાય એક વાતમાં નાદાન નીકળી,
એ શાયરી ગણે છે કવિઓના વ્યંગને.

મહેનતને પૂછવાના જે પ્રશ્નો હતા વિકી,
પૂછી રહ્યો છે એ બધું વીંટીના નંગને!

૫. ક્યાં જવાનું હોય છે
એ જ સમજાતું નથી કે ક્યાં જવાનું હોય છે,
એટલે ચાલ્યા વગર પણ થાકવાનું હોય છે.

એટલે એમાં મળી હર કોઈને થોડી સજા,
પ્રેમ યાને કે હૃદયને ચોરવાનું હોય છે.

કામ લાગી આંખ તો સામાન્ય ચીજો દેખવા,
ખાસ તો બસ બંધ આંખે દેખવાનું હોય છે.

ફક્ત દાબીને ખભો તે તો વધુ દુઃખી કર્યો,
જે પ્રસંગે કચકચાવી ભેટવાનું હોય છે.

પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.

એટલું સમજ્યા પછી જે પણ લખો એ શેર છે,
એ લખો જે ના કશે પણ બોલવાનું હોય છે.

હે પ્રભુ બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને “કેમ છો” એમ પૂછવાનું હોય છે.

ત્યાં જ જો વૈરાગ્ય જાગી જાય તો કેવી મજા!?
જ્યાં ‘વિકી’ પાનું હૂકમનું ફેંકવાનું હોય છે.

~ વિકી ત્રિવેદી
M) +91 9725358502
vinodtrivedi21@gmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

 1. વાહહહહ, ખૂબ ઉત્તમ ગઝલો, વાહહહ

 2. તાજગીભરી ગઝલો. ગઝલક્ષેત્રમાં નવો અવાજ. વિકીને અભિનંદન અને હિતેનભાઈને આભાર.
  .

 3. ખૂબ સુંદર ગઝલો. કવિ વિકી ત્રિવેદીને અભિનંદન.
  ખૂબ સુંદર પસંદગી બદલ હિતેનભાઈને ધન્યવાદ.

 4. પાંચે ય ગઝલ લાજવાબ…
  અઢળક શુભેચ્છાઓ વિકિભાઈ… 💐

 5. આ પાંચેય ગઝલો ગમી. દરેક શેરમાં કોઈ ને કોઈ ચમત્કૃતિ અથવા વિચારનો સ્ફુલ્લિંગ કે નૂતન કલ્પનાનો આવિષ્કાર છે. ખૂબ ખૂબ અભિનંદન કવિને.