મહોતું ~ લલિત નિબંધ સ્પર્ધામાં વિજેતા નિબંધ ~ વિવેકકુમાર શાંતિલાલ બગથળિયા (ઉંમર: ૨૨ વર્ષ)
લેખક પરિચય:
વિવેકકુમાર શાંતિલાલ બગથળિયા. ગામ: વલારડી, તા: બાબરા, જિ: અમરેલી. અભ્યાસ : B.Sc, B.Ed. હાલ માઈક્રોબયોલોજીમાં M.Sc ચાલુ છે. સુરત એક સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત. ગણિત, વિજ્ઞાન ભણાવે છે. મહેંદી આર્ટિસ્ટ અને યોગ ટ્રેનર પણ છે.
મહોતું (નિબંધ)
સુમસાન દોરી પર એકલું ઝૂલે છે. જેમ નિર્વાણના સમયનો અલગ જ આનંદ હોય તેમ. ધાણીફૂટ તડકાનો હવે સંગ થઈ ગયો છે, નહિતર રે’વાય કેમ? સૂકા પીપળાનાં પાનમાં ઠેકઠેકાણે જાળી પડી હોય તેમ દેહ હવે અમુક જગ્યાએ છિદ્રાળુ થયો છે. થાય પણ ખરો, વર્ષો ઘણાય વીત્યા ને. દોરી દીવાલને લગોલગ બાંધી છે. એટલે હર્ષ-ઉલ્લાસ કે ઉદાસીનતા વખતે મહોતું દીવાલ સાથે અથડાય છે. જાણે દીવાલને તાળી નો આપતું હોય.
જોઈએ તો સહેજે દયા આવે ને અમુક રીતે તો પારાવાર આનંદ એની સહાનુભૂતિનો થાય.
પણ આ બધું તો હવે ની વાત છે, લ્યોને થોડું પહેલેથી કહું.
મોટી બહેનના લગ્ન વખતની વાત છે. ઘર આખુંય પુરજોશથી તૈયારીઓ કરે. ખરીદીના સમયે ત્રણ ચાર દુકાનો ફર્યા પછી એક જગ્યાએ આ ટીશર્ટ ગમ્યું. પહેરતા જ મન માની ગયું ને જોડી તૈયાર કરાવી. ઘેર આવ્યા પછીય બે વાર પહેરીને જોઈ લીધા. લગ્નમાં પણ બે ત્રણ જણાએ અમથા વખાણેલા. ત્યારે થતું કે બાકી લાવ્યા હો! પણ ત્યારે એમ થતું કે લુગડાથી દેહ રૂપાળો લાગે છે. એ વખતે મનમાં વ્યાખ્યા ખોટી હતી.
લગ્ન પછી ઘણાં પ્રસંગોમાં એ ટીશર્ટ શોભ્યું ને રે’તા રે’તા એના પર ‘જૂના’નું લેબલ લાગ્યું. ખૂબ સાબુ-સોડા ખાધા, તોય દેહમાં ઝાંખપ તો આવી જ. સમય વીત્યો ને ઉપયોગ ઘટ્યો. એક દિવસ બાએ કીધું “નો પહેરવું હોય તો મહોતું કરી નાખું”. ભરજુવાનીના કાળાભમ્મર વાળમાં બે-ત્રણ ધોળા વાળ એકસાથે ઊગી નીકળે ને જીવ કળીએ કળીએ કપાય એવી હાલત ટીશર્ટની થઈ હશે. પણ મહોતાનું સજીવારોપણ થયા પછી સ્વીકાર એ જ છેલ્લું હથિયાર.
ધારદાર કાતર વડે નીચેના ભાગેથી કાપ મૂકયો. પૂરતું બળ લગાડી સડડ કરતા બે ભાગ કર્યા. એક ખોળિયેથી બે જીવ છૂટા પડે એમ બે મહોતાં અવતર્યા. ત્યારથી લઇ આજ સુધી એ જ અવતારે રહ્યા છે.
જેમ જુડવા બાળકોમાં સાથે જન્મ છતાં, રહેણી કહેણી, ઉછેર અને વિચારોની ભિન્નતા જોવા મળે, એમ આ બંને મહોતાંનો પ્રવાસ પણ જુદો. એક પપ્પાના બાઈકની ડીકીમાં ને બીજું ઘરે મલ્ટીપર્પસ વર્કર તરીકે.
નસીબદાર શબ્દને પાર ઉતરે એવું વ્યક્તિત્વ એટલે ડીકીનું મહોતું. બહુ કામ રહે નહીં. મોટાભાગે નવરાશની પળો માણે. ગામેગામ અને શહેરોમાં ફરે. સવારે આઠ વાગ્યે બાઈક સાફ કરવાનું થાય ત્યારે જાગે. લથબથ ધૂળથી નાહે. પછી પોતાના મૂળસ્થાને ઝંપલાવે. સવારની ઠંડી, તડકો કે વરસાદ બંધ ઢાંકણે ભાળે નહીં, પણ અનુભવે અચૂક. રાત્રે ઘરે પાછા ફરતી વેળા મોલ, દુકાનો, ઝળહળતી લાઈટો, બાગબગીચા કંઈ કેટલાય દ્રશ્યો ને જુદા જુદા અવાજોની કિકિયારીઓ સાંભળે ને અનુભવે. કોઈ મિત્ર મળે એટલે બાઈક ઊભી રહે. એ બે મિત્રોનો સંવાદ પણ પચાવે. અચાનક ઘરેથી ફોન આવે કે ફલાણી વસ્તુ લેતા આવજો. યાદ પણ રાખે. ઘણીવાર પપ્પા ભૂલે. પણ પોતે કહે પણ કઈ રીતે? ઘરે જતાં ઘણી વસ્તુઓ ખરીદીને ડીકીમાં મુકાય. મહોતું બધા જોડે ભળે, વાતો કરે ને મઝા લૂંટે.
અઠવાડિયે નાહવાનો વારો આવે. ત્યારે બહારના જગતને જુએ. સ્વીકાર કરતાં ધિક્કાર વધુ અનુભવે. મેલું થાય ત્યાં સુધી બાઇકને ઉજળી રાખે. પછી તો સીધો ઘા ચોકડીમાં થાય. લઘુતાગ્રંથિથી પીડાવા કરતા પોતાના અસ્તિત્વને વધુ સ્વીકારે. પેન્ટ, શર્ટ, સલવાર, ગાઉન, નાઈટ શૂટ, નેપકીન, ઓછાડ, મોજા કેટકેટલાય લોકોને અઠવાડિયા પછી જુવે. પણ મળી ન શકે. બધાથી દૂર રાખેલ હોય. એ બધા શાહુકારોને અલગ મજાના ટબમાં ડિટર્જન્ટયુક્ત આરક્ષિત પાત્રમાં નાહવા મળે. આને તો અલગ ડોલમાં ટ્રીટમેન્ટ મળે. ધોકા પણ વધુ ખાવા પડે. લાંબી ધુલાઈ પછી સવારના કુમળા તડકાને હોંશે હોંશે પામે. રેશમી દોરી પર ચીપટા વડે જડી દેવામાં આવે. ખુલ્લો પવન, હુંફાળો તડકો ને નશીલા ખુલ્લા આભને મનભરીને માણે. અઠવાડિયાની મજા એક અડધા દિવસમાં લૂંટે.
એક ખોળિયાનો બીજો દેહ એટલે મલ્ટીપર્પઝ વર્કર. બે ત્રણ પ્રકારના મહોતાંનું કામ એકલા હાથે કરે. પારાવાર સહાનુભૂતિ. જીવનને એકદમ ઘસાઈને જુએ. ફરિયાદો કરતા જે મળ્યું એનો સ્વીકાર. મોટાભાગે રસોડાની ચાર દીવાલની અંદર તપ ધરે. કેટકેટલાય સ્વાદ મેળવે. શાક સમારવા ટાણે ટામેટા, દૂધી, ભીંડો, બધાને લૂછે. ભીનું થયું હોય તો ચપ્પુને પણ કોરું કરે.. અરે કરે શું ? કરાવડાવે… ભોજનની વેળાએ બધા વાસણો ઉપર ભાર દઈને આંટો મારે. ડાઘા, ઓઘરા, ભેજ બધાને આરોગે. કૂકરમાં શાકનો વધાર થાય પછી ચમચો ફેરવવા મહોતું ગોતાય. પછી ગરમાગરમ હાથા ઉપર લપેટાઈને અસહ્ય સહકા લાગે. હળદર, મરચું, હિંગ, મીઠું, ખાંડ, તજ, લવિંગ, જીરું આ બધા સ્વાદો તો હવે રોજના થઈ પડ્યા એટલે કોઈ હાથ લૂછે ત્યારે નવાઈ નહિ. માખીઓ પણ કેટલી અદેખાઈવાળી છે, ફ્રીઝની રંગીન સપાટીએ શૌચક્રિયા કરે ને સાફસફાઈ દાઝભર્યા હાથે મહોતાં વડે થાય. જમતી વેળા બાળક છાશ ઢોળે એટલે તરત જ પાટોડા ઉપર સહજતાથી મહોતું મૂકી દેવાય. તરબોળ ખાટાશ વેઠ્યા પછીયે થાય તો સીધો ઘા જ. પછી શું, ચોકડીમાં બેઠા બેઠા વિલાપ. પણ આ બધું હોવા છતાં ઉપયોગી થયાનો આનંદ પણ ખરો, ફરિયાદ નહિ.
પ્રભુની ઈચ્છા હોય ત્યારે બંને મહોતાં ક્યારેક એકસાથે ચોકડીમાં પડે, ત્યારે માત્ર સુખની જ પ્રતિતિ થાય. અલકમલકની વાતો કરે. સાથે ન્હાય. બન્ને બાજુબાજુમાં રેશમની દોરીએ ઝૂલે. એકમેકમાં ભળી જાય. પવનને જોરે એકબીજાથી અથડાય. સ્પર્શ પણ દુર્લભ લાગે. ઘણીવાર આ વેળા સ્વને પણ ભૂલી જાય ને પેલા શાહુકાર કપડાની ચાડી કરવાનીય ફુરસદ ન રહે એટલી વાતો કરે. એકબીજાને ભીતરથી સમજે. ત્યારે ‘ બેફામ’ની પંક્તિ અચૂક યાદ આવે કે,
“આમ તો હાલત અમારા બેયની સરખી જ છે.
મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને.”
~ વિવેકકુમાર શાંતિલાલ બગથળિયા
વાહ… ખૂબ સરસ…. મહોતા જેવા વિષય ઉપર લાગણીશીલ થઈ જવાય એટલો સરસ નિબંધ… ખૂબ શુભેચ્છાઓ..
વાહ. સરસ. મહોતાને ખાળમાં ફેંકી દઈને મહોતું વાંચવાની મજા પડી.
વિવેક આપે તો આ વાર્તા માં આપની સચોટ નિરીક્ષણ શક્તિ નો પરિચય કરાવ્યો. ખુબજ સુંદર વાર્તા.
હવે રોજે રસોડા માં તમે અચૂક યાદ આવશો.☺️
સામાન્ય રીતે મહોતાના સંપર્કમાં ઘરની સ્ત્રીઓ રહે, તે પણ વિચારી ના શકે તેટલી ઝીણવટથી તમે આ વિષય પર લખ્યું! તમારી અવલોકન શક્તિ, કલ્પનાશક્તિ અને લેખનશક્તિ અદ્ભુત છે. All the best for future. 👍
Wah wah! આફરીન! અદ્ભુત લખાણ 👌👌👌👌👌
વાહ વિવેક ભાઈ, બહુ જ સરસ લખ્યો છે નિબંધ તમે.
તમારી બળકટ કલમની આ કૃતિને અઢળક અભિનંદન.
સરસ નિબંધ
યાદ આવે-રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ જેમા સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ
રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. ૨૧ મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી…એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં….. સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!
વાહ અદભૂત એક kholiya ના જીવ બે મહોતા કેટલું સરસ !!
સૌથી સરસ નિબંધ !
અપ્રતિમ, અદ્ભુત નિબંધ વિવેકભાઈ.તમારી નજરે મહોતાને નવી દ્રષ્ટિથી નિહાળ્યું. લખતા રહો અને અમને પીરસતા રહો.