ચંદાનું વેકેશન (વાર્તા) ~ વાર્તાસંગ્રહ : ડૂબકીખોર ~ લે: રઈશ મનીઆર

(આજના ગુજરાતી સાહિત્યજગતમાં રઈશ મનીઆર ઔપચારિક પરિચયના મોહતાજ નથી. એમનો નવો વાર્તાસંગ્રહ “ડૂબકીખોર” તાજેતરમાં જ પ્રગટ થયો છે. આમ તો એમાંની દરેક વાર્તાઓ વિષય વૈવિધ્ય અને આલેખનની ગુણવત્તાથી વાચકનું ધ્યાન આકર્ષિત તો કરે જ છે પણ, વાંચ્યા પછી મનમાં વસી પણ જાય છે. આજે એમના આ નવા વાર્તાસંગ્રહમાંથી એમને ગમતી વાર્તા માણીએ. – જયશ્રી મરચંટ)

“આપણું આંગણું”ના મિત્રોને રઈશ મનીઆરના નમસ્કાર. જયશ્રીબેને નિમંત્રણ આપ્યું. મારી એક મનગમતી વાર્તા પસંદ કરી આપની સામે પ્રસ્તુત કરવાનું. આમ તો “ડૂબકીખોર”ની તમામ વાર્તાઓ મને ગમે છે અને હું ઈચ્છું છું કે દેશવિદેશના સુજ્ઞ ભાવકો આ તમામ વાર્તાઓ વાંચે.

‘ડૂબકીખોર’ પુસ્તકની એક ઝલક તરીકે પ્રસ્તુત કરેલી આ વાર્તાની શાનમાં એટલું જ કહેવાનું કે મારી મોટેભાગની વાર્તાઓની જેમ આ વાર્તાને પણ ગુજરાતના એક પ્રતિષ્ઠિત સામાયિકે રિજેક્ટ કરી હતી. કારણ એમ આપ્યું હતું કે વાર્તાનો વિષય અમારા વાચકોની રુચિને અનુકૂળ નથી. એટલે આપની પ્રેમાળ અદાલતના આંગણામાં આ વાર્તાને સાબિત કરવાનો જોશ થોડો વધારે છે. વાંચીને પ્રતિભાવ આપશો તો ગમશે. મારો ઈમેલ amiraeesh@yahoo.co.in

“ડૂબકીખોર” વાર્તાસંગ્રહની હાર્ડકોપી મંગાવવા માટેની લિન્ક  https://rrsheth.com/shop/short-stories/doobkikhor/

અત્યારે ડિજિટલ વર્ઝન ઉપલબ્ધ નથી.

તો પ્રસ્તુત છે, મારા નવા વાર્તાસંગ્રહ, “ડૂબકીખોર” માંથી મારી પ્રિય વાર્તા   – “ચંદાનું વેકેશન”   આશા છે કે આપ સૌને પણ આ વાર્તા ગમશે.– રઈશ મનીઆર

_________________________________________________

ચંદાનું વેકેશન ~ વાર્તા

“ચંદાનું વેકેશન પૂરું થયું?”

કમ્મુ માસીએ ગલોફામાં પાન દબાવીને સવાલ પૂછનાર સામે જોયું, “શું ચંદા ચંદા કરે છે? બાઈઓ તો બધી સરખી જ હોય!”

દાસ આહિર હસ્યો, “એવું હોય તો માણસ બહાર શું કામ જાય? એક બાઈ તો ઘરે ય છે!”

સુરતનું ચકલાબજાર ધ્વસ્ત થયા પછીય કમ્મુ માસીએ મહામુસીબતે પોતાનો ધંધો, પોતાના ઘરાકો, પોતાના દલાલો અને પોતાને ત્યાં કામ કરતી બાઈઓને ટકાવી રાખી હતી. નિમ્ન મધ્યમવર્ગની ચાલીમાં ધંધો સેટ કર્યો હતો. અલગઅલગ પ્રકારના ઘરાકો આવતા. ‘કોઈ પણ ચાલે’થી લઈને ‘આ જ જોઈએ’ એવા તમામ નવાજૂના ઘરાકોને સાચવવામાં કમ્મુ માસી માહેર હતી.

“આવી ગઈ છે તારી ચંદા, જા!” માસીએ દાસ આહિરને કોટડી તરફ દોર્યો. દાસ આહિર રાજી થઈ ગયો.

ચંદા બે-ચાર દિવસમાં ગામથી આવવાનું કહીને આજે 14 દિવસ પછી આવી હતી. એના ખાસ ઘરાકો આજે વેઈટીંગમાં હોવાથી ચંદાની રાત સાંજે શરૂ થઈ વહેલી સવાર સુધી ચાલવાની હતી.

દાસ આહિર ચંદાની કોટડીમાં ગયો અને રમઝુ દલ્લા સાથે માસી વાતે વળગી, “પરણેતર હોય એય મહિનો પિયર ન જાય! આ ધંધાવાળીને 14 દિવસની રજા પોષાય?”

રમઝુ દલ્લાએ એની આશ્રયદાતા માસીની ‘હા’માં ‘હા’ કરી.

“આ નેપાળી અને ઉડિયા છોકરીઓ કદી ગામ જતી નથી. ને આ ચંદાને સુરતથી અમલનેરની સીધી બસ મળે ને એટલે વારે તહેવારે અમલનેર ઉપડી જાય છે. ઘરાકોની ચિંતા નહીં, કમાણીની ચિંતા નહીં. મારે કેટલું નુકસાન થાય?”

રમઝુ ધીમેથી બોલ્યો, “પણ 60 ટકા તારા અને 40 ટકા એના. રજા પાડે તો નુકસાન તો એનેય થાય ને!”

“અરે લાખ રુપિયામાં ખરીદીને એને કોઠે બેસાડી છે. તે વસૂલ કરવાના કે નહીં?” પાંચ વરસ જૂના આ મૂડીરોકાણની આ વાત માસી વારંવાર કરતી.  

રમઝુ દલ્લાએ ખખડધજ કોઠાના બીજા માળેથી કોઈ નવાસવા દેખાતા શેઠિયાને શેરીમાં પ્રવેશતો જોયો અને બીજા કોઈ દલાલ એને ઝડપી લે, એ પહેલા એ દોડ્યો. રમઝુ દલ્લાના દીકરાનો મૂંગોબહેરો દીકરો ફઝલુ એક-બે રુપિયાની આશામાં એના દાદાની પાછળ દોડ્યો. રમઝુએ એક ભૂંડી ગાળ આપી એને ભગાવ્યો. 

ધંધાનો સમય જામ્યો હતો. માસી ચંદાની કોટડીની બહાર સાંકળ ખખડાવી આવી, “ઉતાવળ રાખજે!” એણે આ વાત દાસ આહિરને કહી કે ચંદાને, એ ખબર નહીં પણ બન્નેએ અંદરથી ‘એ હા!’ એવો જવાબ આપ્યો. નવા ગ્રાહકને પહેલો અનુભવ સારો થાય એ માટે માસીની ફર્સ્ટ ચોઈસ ચંદા હતી. શેઠિયા જેવો દેખાતો નવો ગ્રાહક દૂરથી જોઈ એણે એના માટે ચંદાને જલ્દી ફ્રી કરવાનું વિચાર્યું.   

એક તો બહુ દિવસે મળી અને ઉપરથી ઉતાવળ કરવાની હતી એટલે દાસ આહિરે ચંદાને ઠપકો આપ્યો, “આટલા દિવસ કંઈ ગામ રહેવાનું હોય? બે મહિના પહેલા પણ ગઈ હતી! ગામમાં કોઈ યાર રાખ્યો છે કે શું?”

ચંદા કંઈ ન બોલી. દાસ આહિર પાંચ વરસથી એનો નિયમિત ગ્રાહક હતો. સાવ નવીસવી હતી ત્યારથી એને ઓળખતી. ચંદા સિવાય બીજી બાઈ પાસે એ ન જાય, એવું એ કહેતો.

ચંદા પાસે બીજા ગ્રાહકો આવે એય એને ન ગમે, પણ ચંદાને રખાત રાખવા માટે માસી પાસેથી છોડાવવી પડે અને આજની તારીખે તો એના પાંચ લાખ આપવા પડે અને વળી એને લઈ જવી ક્યાં? નાનું ઘર ભાડે લેવું પડે. એ શક્ય નહોતું એટલે એ અઠવાડિયે બે વાર, ખાસ કરીને એના ટેમ્પોમાં વિદેશી દારૂની સફળ ખેપ મારી હોય એ દિવસે અહીં આવતો. લોકોના નશાનો જોગ કર્યા પછી એનો પોતાનો નશો સંતોષવા એ અહીં ચંદા પાસે આવતો.

આમ એની બીજી કોઈ માથાકૂટ નહોતી પણ ચંદાએ એના બે સવાલોના જવાબ ‘ના’માં આપવા પડતા. પહેલો સવાલ એનો એ રહેતો, “તારો બીજો કોઈ પણ ઘરાક મારા કરતાં સારો છે?” ‘સારો’ના અનેક અર્થ થાય. પણ એવું સર્ટીફિકેટ આપવામાં ચંદાને વાંધો નહોતો. એનો બીજો સવાલ એ રહેતો, “તારો ગામમાં બીજો કોઈ યાર નથી ને?” આનો જવાબ પણ ચંદાએ ‘ના’માં આપવાનો થતો. એટલાથી એ ખુશ રહેતો અને સોની વધારાની એક-બે નોટ મૂકી જતો.

 ચંદાએ માસીને કહ્યું નહોતું કે એ ચૌદ દિવસ ગામમાં કેમ ગઈ હતી. માસીને ખબર હતી કે ચંદાની રુખી ફોઈનો ફોન આવતો ત્યારે થોડો ઉપાડ લઈ ચંદા ગામ જતી, બે દિવસમાં આવી જતી. પણ આ વખતે બે અઠવાડિયા થયા.

દાસ આહિર બે અઠવાડિયાના વિરામ પછી મળેલો લહાવો લેવા ઉતાવળો હતો. ચંદાએ પણ દાસ આહિરને ગમે એવો મૂડ બનાવવાની કોશિષ કરી. પણ પંદર દિવસના અંતરાલમાં એ મૂડ ગાયબ થઈ ગયો હતો. ચંદાને થયું કે ફરી કોઈ દિવસ દાસ આહિરને બમણો સંતોષ આપીશ, આજે દાસ આહિર સાથે પહેલાં થોડી વાત કરું. વાત કરવાની આવી તાતી જરૂર એને પોતાનેય સમજાતી નહોતી.

એણે વિચાર્યું, વાત તો સ્વજન સાથે થાય, ઘરાક સાથે નહીં, પછી થયું કે જે એને રખાત તરીકે રાખવા માંગતો હોય પણ પૈસાની મજબૂરીને કારણે ન રાખી શકતો હોય, એ તો સ્વજન જ કહેવાય ને?

ચંદાના સ્વજનમાં એના પપ્પા-મમ્મી તો ભાઈ-ભાભી સાથે નાગપુર રહેતા હતા. વતન અમલનેરમાં તો બસ એક વિધવા ફોઈ રુખી રહેતી. રુખીય હવે તો સાવ બહેરી જેવી થઈ ગઈ હતી. બોલબોલ કરે ખરી, પણ સાંભળે નહીં. 

એણે દાસ આહિરને કહ્યું, “મારે તમને કંઈ કહેવું છે.”

ઉતાવળથી બેબાકળા થયેલા દાસે કહ્યું, “પછી!”

પંદર મિનિટ પછી ચંદાએ થાકેલા આહિરને પાણીનો ગ્લાસ આપી વાત શરૂ કરવાની કોશીશ કરી, “ગામમાં..”

દાસે ઘડિયાળ જોઈ કહ્યું, “આજે ઉતાવળ છે, માલ પહોંચાડવાનો છે, કાલે પાછો આવીશ!”

ચંદાએ કહ્યું, “પાંચ મિનિટ રોકાઈ જાઓ!”

“અરે ના ઉતાવળ છે!” એમ કહી એ પહેરણ પહેરવા લાગ્યો.

પછી અચાનક કહેવા લાગ્યો, “ઓલો ગમલો મારી ભેગો કામ કરે છે ને એ કહેતો હતો કે આપણે માસીને પાંચ લાખ આપી દઈ ચંદાને લઈ જઈએ અને એની પાસે ધંધો કરાવીએ તો.. આવકની આવક અને સગવડની સગવડ. બે વરસમાં તો પાંચ લાખ નીકળી જાય!”

જે પાંચ મિનિટ ચંદાએ માંગી એ દાસ પાસે ન હતી, પણ એનો આ તુક્કો એણે પાંચ મિનિટ સુધી સંભળાવ્યો. ચંદાને ખબર હતી કે કોઈ પણ સંજોગોમાં એની પાસે પાંચ લાખ આવે નહીં અને એનો તુક્કો ફળે નહીં. તોય એણે ‘હા…હા’ કરી. માસીએ સાંકળ ખખડાવી અને દાસ આહિર પણ તરત રવાના થયો. ઘડીક બેઠોય નહીં. જોકે ચંદાને એ વાતની નવાઈ નહોતી. એને બરાબર અનુભવ હતો કે પુરુષની ઉત્તેજના શમે પછી થોડા કલાકો સુધી એને સ્ત્રીઓથી ચીડ આવે છે. ફરી ઊભરો ન આવે ત્યાં સુધી તેઓ સ્ત્રીથી દૂર છટકવાની કોશીશમાં જ હોય!

દાસ આહિર ગયો. પાંચ લાખમાં એ એને ખરીદીને ધંધો કરાવવા માંગતો હતો. ચંદા વિચારવા લાગી, “છટ્‌! પ્રાઈવેટ કમ પબ્લિક પ્રોપર્ટી તરીકે એની સાથે રહેવા કરતાં આ કમ્મુ માસી શું ખોટી હતી? ટોટલી પ્રોફેશનલ. પાંચ વરસ થઈ ગયા અહીં. બીજા ધંધા જેવો જ આ ધંધો હતો. બીજી કોઈ તકલીફ નહોતી. પાંચ વરસ પહેલા એનો પ્રેમી ગગન પંજાબી એને વેચી ગયો હતો. અઢી લાખ માંગ્યા હતા માસી પાસે. માસીની પારખુ નજરે જોઈ લીધું હતું કે ચંદા બેજીવી હતી.

કમ્મુ માસીએ ગગનને કહ્યું, “આનો નિકાલ કરીશ, પછી ક્યારે ધંધે લાગશે અને ક્યારે આ કમાતી થશે?”

કસીકસીને કમ્મુ માસીએ એક લાખમાં સોદો કર્યો હતો.

ગગન પંજાબી જતાંજતાં ચંદાને કહી ગયો હતો, “હું તને પાછો લઈ જઈશ!” એ એવી રીતે બોલ્યો હતો કે જાણે એને પોતાને પણ એ શબ્દોમાં વિશ્વાસ નહોતો. ત્યારથી એ અહીં હતી. ગગન કદી પાછો આવ્યો નહોતો અને ચંદાએ એની રાહ પણ નહોતી જોઈ. 

માસી એને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે કહ્યું, છઠ્ઠો મહિનો ચાલે છે, પડાવાય નહીં.

માસીએ થોડા પૈસા આપી એને અમલનેર મોકલી. સાથે શોભાને મોકલી. ચંદાની રુખી ફોઈએ સુવાવડ કરાવી. એવી સુ-વાવડ જેમાં કોઈ સારા વાવડની અપેક્ષા નહોતી! ત્રણ મહિના પછી ચંદા પાછી આવી. શોભાએ આવીને માસીને સમાચાર આપ્યા, “દીકરી હતી. દૂધ પીતી કરી!” પંદર દિવસમાં તો ચંદા કામે લાગી ગઈ.

ચંદા ભૂતકાળના વિચારમાં હતી, ત્યાં તો માસી એની કોટડીમાં આવી. માસી કોઠો ચલાવતી કોઠાસૂઝવાળી બાઈ હતી. એ ભાગ્યે જ ગુસ્સે થતી. માસીની એ ખાસિયત હતી. ઉશ્કેરાયેલા ઘરાકો અને મૂંઝાયેલી બાઈઓને ટેકલ કરવાની એની આવડતને કારણે એ આ ધંધામાં સફળ હતી. ચંદાએ એની આગળ દિલ ખોલવાનું નક્કી કર્યું. પાંચ વરસનો સંબંધ હતો. ભલે વ્યાવસાયિક સંબંધ હતો, થોડી લાગણી તો બંધાઈ જ જાય!

એણે કહ્યું, “માસી! એક વાત છે..”

માસીએ કહ્યું, “અરે હમણા નહીં, જો સાંભળ એક નવો ઘરાક આવ્યો છે. પહેલી વાર આવ્યો છે, પણ મોટી પાર્ટી છે. ગળામાં સોનાની ચેન, હાથમાં હીરાની વીંટી અને ખિસ્સામાં ગુલાબી નોટનો થોકડો. કોઈ નવી છોકરી પાસે મારે એને મોકલવો નથી. તું જ એને.. કાયમનો ઘરાક થઈ જવો જોઈએ! સમજી?”

ત્યાં તો રમઝુ પેલા મધ્યવયના શેઠિયાને અંદર લઈ આવ્યો.

ચંદા સાથે કોટડીમાં એને એકલો મૂકીને બન્ને બહાર ગયા.

પલંગના ખૂણે બેસી પેલો સૂકું થૂંક ગળતો હોય એમ બોલ્યો, “જુઓ હું ધાર્મિક માણસ છું. જાપ-તપ-પૂજા..”

મનની સ્થિતિ સારી હોત તો ચંદા ખડખડાટ હસી પડી હોત. એણે પાંચ વરસની કારકિર્દીમાં દરેક ધર્મના ચોળા શબ્દશ: ઉતરતાં જોયા હતા.

“નજીકના શહેરથી આવ્યો છું. પહેલીવાર. મારી પત્ની ગુજરી ગઈ એની વરસી થઈ ગઈકાલે.” એનો અવાજ ગળગળો થયો.

ચંદાને પાણી આપવાનું મન થયું, પછી વિચાર આવ્યો કે મરજાદી હશે તો પાણી નહીં અડકે. પાણી ભલે ન અડકે જે કામ કરવા આવ્યો એમાં ચંદાને તો અડકવી પડે. એટલી હિંમત એ એકઠી કરે એની રાહ જોતાં ચંદાએ વિવેક કર્યો, “ઠંડું મંગાવુ?”  

શેઠિયાના હાથપગમાં પરસેવો વળી રહ્યો હતો, “અહીં આવીને પસ્તાવો થાય છે.”

આ વાક્ય પણ ચંદા માટે નવું ન નહોતું. મહિને બે-ચાર તો આવા આવી જ ચડતા.

“પણ કોટડીમાંથી એકદમ જલ્દી બહાર નીકળી જઈશ તો બધા હસશે!” એ વાત પણ સાચી હતી.

ચંદાએ કહ્યું, “વાંધો નહીં, આજે અડધો કલાક ખાલી વાતો કરીએ. બાકી બીજી વાર..”

શેઠિયાને હિંમત આવી, “હા બીજીવાર તો.. બીક નહીં લાગે!”

ચંદાને થયું, ઘણીવાર અજાણ્યાની સાથેય સ્વજનની જેમ વાત કરી શકાય. ખાસ કરીને જેની પત્ની વરસ પહેલા મરી ગઈ હોય, એની સાથે તો ચોક્ક્સ થોડી અંગત વાત કરી શકાય.  

ચંદા કંઈ બોલવા જાય એ પહેલા શેઠિયાએ એની વાત શરૂ કરી, આ એક વરસમાં પત્નીના વિરહમાં જાગેલી ઈચ્છાઓ ડામવા શું કર્યું એની વાત. અડધો કલાક પછી માસીએ દરવાજો ખખડાવ્યો ત્યાં સુધી એ સફાઈ આપતો રહ્યો. કદાચ એ એક વેશ્યાની કોટડીમાં બેસીને પોતાની જાત આગળ જ એમ સાબિત કરવા માંગતો હતો કે આ એનું પતન નથી.

યુદ્ધ જીતીને નીકળ્યો હોવાનો દેખાવ કરી બહાર નીકળી રહેલા શેઠિયાના હાવભાવ જોઈ માસીની ચકોર આંખ પારખી ગઈ કે જેને માટે પૈસા ચૂકવાયા, એ ઘટના ઘટી નથી. વળી એની અગાઉ કદાચ દાસ આહિર પણ ફરિયાદ કરી ગયો હતો કે આજે ચંદા મૂડમાં નહોતી. એટલે માસીએ ચંદા સાથે વાત કરવાનું નક્કી કર્યું.

રમઝુ દલ્લા સાથે શેઠિયો બહાર ગયો કે તરત માસી ચંદા પર વરસી પડી, “ચૌદ દિવસની રજા પાડી, ને તો ય કામમાં મન નથી? મારા ઘરાકો ઉતરેલા મોઢે પાછા જાય એ મને નહીં ચાલે!” કમ્મુ માસીએ કોઠા પર ભલે લખ્યું નહોતું કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ. પણ એ દિલથી એ વાત માનતી. શેઠિયાને વળાવી રમઝુ પાછો આવ્યો.

ચંદાએ કહ્યું, “પણ મને સાંભળો તો ખરા..!”

“હવે એમ ના કહેતી કે મા મરી ગઈ કે બાપ બીમાર છે! વેશ્યાને વળી કેવો પરિવાર? રમઝુ સમજાવ આને!”

રમઝુનો પૌત્ર ફઝલુ મોટાઓની વાતમાં કોઈ બાળસહજ આનંદ શોધી રહ્યો હતો, એને બાવડેથી ઊંચકી માસી લઈ ગઈ.

ચંદાની ઝળઝળ આંખ જોઈ રમઝુ કહેવા લાગ્યો, “ગગન પંજાબી યાદ આવે છે?”

ચંદા લગભગ એને ભૂલી ગઈ હતી. ગગન પંજાબી એના ગામમાં બ્યુટીપાર્લરમાં નોકરી કરવા આવેલો, ત્યાં બન્નેની આંખો મળેલી. બન્ને ભાગીને મુંબઈ ગયાં. મુંબઈમાં અથડાઈ અટવાઈ સુરત આવ્યાં. પહેલા પૈસા ખૂટી ગયા કે પહેલા પ્રેમ ઓસરી ગયો એ હવે ચંદાને યાદ નહોતું પણ ત્યારે ગગને જ સમજાવી-પટાવી ચંદા પાસે ધંધો શરૂ કરાવ્યો એ યાદ હતું. કુશળતાનો અભાવ અને વ્યસન, આ બેને કારણે ગગન ધંધો જમાવી ન શક્યો. ન સારો પ્રેમી બની શક્યો, ન સારો દલાલ. અંતે ગગન એક લાખમાં એને વેચીને પંજાબ ભાગી ગયો હતો.

ચંદાએ કહ્યું, “ગગનને ભૂલી ગઈ છું હું.”

રમઝુએ સમચાર આપ્યા, “કાલથી ગગન આ એરિયામાં દેખાય છે. કાલે કોઠે આવ્યો હતો, તને મળવા, પણ માસીએ ધમકાવીને કાઢ્યો! માસી તો સાલી પૈસાની જ ભાષા સમજે છે.”

રમઝુનેય ચંદા પાંચ વરસથી ઓળખતી. એનો દીકરો ટી.બીથી ગુજરી ગયો પછી પંચાવન વરસની ઉમરના આ વિધુરને ઘર ચલાવવા માટે આ દલાલીનો ધંધો કરવો પડતો હતો. એક બહેરામૂંગા પૌત્ર અને વહુની સાથે એ પણ માસીએ આપેલી એક કોટડીમાં જ રહેતો. માસી કોઈ દલાલને કોટડી આપે? કોટડી દલાલની વહુને મળી હતી. સાંજે વહુનો ધંધાનો સમય એટલે દાદા બેઘરની જેમ બહાર અટવાતા. પાંચ વરસનો ફઝલુ તો બહેરામૂંગાની સ્કૂલમાં જ રહેતો, પણ અત્યારે ફઝલુનું વેકેશન હતું, એટલે એ પણ દાદાની પાછળ અટવાતો.  

ચંદા કોઈ અકથ્ય ભારથી ફાટફાટ થતી હતી. બસમાં રાતભરની મુસાફરી કરીને આવી. સવારે શાક વગેરે ખરીદી કરી બપોરે શોભા સાથે વાત કરવા ગઈ, પણ બાઈઓનો બપોરે તો ઊંઘવાનો સમય! ચંદાએ આખરે રમઝુને પોતાના મનની વાત કહેવાનું નક્કી કર્યું. પુત્ર અને પત્ની વગરનો, વહુ પાસે મજબૂરીથી ધંધો કરાવતો પુરુષ દલાલ હોય તોય છીછરો તો ન જ હોય. આવા વિચારો કરીને ચંદા બોલી, “રમઝુભાઈ, તમને ખબર છે, હું કેમ ગામ ગઈ હતી?..”

ત્યાં જ મૌસી આવી, “ઘરાક છે!”

રમઝુ બહાર નીકળ્યો, દરવાજાની બહાર ઊભેલા ઘરાકને જોઈ રમઝુની આંખ ચોંકી, એ ચંદાએ જોયું.

માસીએ કહ્યું, “ઘરાક એ માત્ર ઘરાક છે. એણે પૈસા ચૂકવ્યા છે, આપણે એનું વળતર આપવાનું છે, બીજી કોઈ લાંબી લપ્પનછપ્પન ન જોઈએ.” માસી આવું કેમ બોલી રહી હતી એ અચરજ ઘરાકને જોઈને શમ્યું.

ઘરાક આવ્યો. એ ઘરાક ગગન પંજાબી હતો.

કાલે માસીએ એને પાછો કાઢ્યો હતો એટલે આજે માત્ર પોતાનું સ્વમાન જાળવવા એ પૈસા લઈને ઘરાક તરીકે આવ્યો હતો.

રમઝુ અને માસી ગયા પછી ચંદાએ સ્ટોપર બંધ કરી અને ગગનને જોરથી એક લાફો મારી દીધો પછી એને ભેટી પડી અને જોરથી હીબકાં ભરી રડવા લાગી! 

“ગગન! આપણું બાળક મરી ગયું! મારો સૂરજ મરી ગયો. પંદર દિવસ થયા. આજ હાથે એને દાટીને આવી. પોણા પાંચ વરસનો થઈને મારો સૂરજ મરી ગયો!”

ગગન બોલ્યો, “કોણ સૂરજ?”

ચંદા બોલી, “આપણો દીકરો. તું મને વેચીને ગયો પછી હું ભારેપગી ગામ ગઈ હતી.”

ગગન બોલ્યો, “જૂઠ્ઠાડી! મને ખબર છે, દીકરી થયેલી એને તમે દૂધ પીતી કરી હતી!”

“શોભાને પૂછી જોજે, અમે ત્યારે જૂઠું બોલેલા! માસીએ કહેલું કે વેશ્યાને ઔલાદની માયા ન જોઈએ એટલે. દીકરો જન્મેલો. સૂરજ. એને ગામમાં રુખી ફોઈ રાખતાં હતાં. હું એને માટે પૈસા મોકલતી હતી.”

“ઠીક છે, એનું શું છે?”

“મેલેરિયા કે ટાઈફોઈડ કે લૂ ખબર નહીં શું એને ભરખી ગયું! એ મરી ગયો, ગગન! મારો દીકરો મરી ગયો!”

ગગનનો મૂડ આવી કોઈ વાત સાંભળવાનો હતો નહીં. બસ, માસી પરનો ગુસ્સો ચંદા પર બળપ્રયોગ કરીને ઉતારવાની એની મંછા હતી.

ચંદાએ જોયું કે પોતાની હૃદય વલોવાઈ જાય એવી વાત સાંભળીને ગગન પર કંઈ અસર થઈ નથી તેથી એની સૂકી આંખો પર એકેય આંસુ ન આવ્યું. એનું હૃદય વધુને ને વધુ ભીંસાવા લાગ્યું. એણે વાત અટકાવવાનું નક્કી કર્યું, પણ તોય એનાથી એટલું તો બોલાઈ જ ગયું, “આપણું બચ્ચું મરી ગયું એનાથી તને કોઈ ફરક નથી પડતો?” 

અંદર આવી કોઈ મેલોડ્રામાવાળી સ્ટોરી સાંભળવી પડશે એવી ગગનને કલ્પના નહોતી, “ઠીક છે, જે થયું તે! એક વેશ્યાના દીકરાનું આમ પણ શું ફ્યુચર?”

“અરે એના માટે તો હું પૈસા એકઠા કરતી હતી. બે વરસમાં હું નાનો ફ્લેટ લેવાની હતી. એને ભણાવવાની હતી. મારા બધા સપનાં..”

ચંદા પાસે બચત છે એ સાંભળી ગગનની આંખ ચમકી, “ચંદા, નવા ધંધા માટે મને પૈસાની જરૂર છે! ના.. મફત નહીં, ઉધાર. વ્યાજ સાથે પાછા આપીશ!”

હવે ચંદાએ કચકચાવીને એને લાફો માર્યો. ગગનના હોઠના ખૂણેથી લોહી નીકળી આવ્યું!

“નાલાયક! દીકરાના મોત પર સારવા માટે એક આંસુ પણ નથી તારી પાસે? અને પૈસા જોઈએ છે?”

“કોનો દીકરો? કેવો દીકરો? છીનાળ! ત્યારે પણ તું ધંધો કરતી હતી. ખબર નહીં કોનો દીકરો હશે! મારો દીકરો તો પંજાબમાં છે, દોઢ વરસનો છે!”

ગગન બહાર નીકળી ગયો.

બે દિવસ પહેલા જ એ દીકરાનું તેરમું કરીને આવી હતી. એણે કોઈને કહેવું હતું કે મારો દીકરો મરી ગયો.

કારજ સરી ગયું હતું, શોક ઉતારવાનો હજુ બાકી જ હતો. ડૂમાઓ ડૂસકાં બની હજુ બહાર નહોતા આવ્યા.

સૂરજના મોતની નાગપુર ખબર કરી હોત તોય કોઈ આવ્યું ન હોત. ગામમાં રુખી ફોઈ હતી. એ સૂરજના મોત પર રડી નહીં. રુખી ફોઈ કદાચ ચંચળ સૂરજની પાછળ દોડીદોડીને થાકી હતી. પાસપડોશની ફરિયાદોથી અકળાયેલી રુખી ફોઈ વિચારતી કે ચંદા ક્યારે એને શહેર લઈ જાય! ઉમરની સાથે કોણ જાણે કેમ એ ડોશી લાગણીહીન થઈ ગઈ હતી. સૂરજના મોત પર ન એણે આંસુ સાર્યું ન ચંદાને ખભે એણે હાથ મૂક્યો.

અમલનેરથી તેરમું પતાવીને બસમાં આવી, ત્યારે બાજુવાળી સ્ત્રીએ એને આઠ કલાકની મુસાફરીમાં કંઈ ન ખાતી જોઈને સુખડી ધરી. ચંદાએ કહ્યું, “ઘરમાં મરણ થયું છે એટલે મીઠું ન ખવાય!” એક અજાણી સ્ત્રીએ એને અન્નનું પૂછ્યું એટલે ચંદાનું હૃદય દ્વવવા માંડ્યું. એ સ્ત્રી જરા રસ બતાવે તો ચંદા બધી વાત એને કહી દેવાની તત્પર થઈ. પણ એ સ્ત્રી તો તરત ઝોકાં ખાવા માંડી.

ચંદાએ એ સહપ્રવાસી પછી શોભા, દાસ આહિર, માસી, શેઠિયો, રમઝુ, ગગન સહુને વાત કરવા ચાહી. એણે એટલું જ કહેવું હતું, “મારો પોણા પાંચ વરસનો દીકરો મરી ગયો. હું એનું કારજ કરીને આવી!” પણ આ ચંદા નામની વેશ્યામાં સહુને અલગઅલગ પ્રકારે રસ હતો, પણ કોઈને વેશ્યાના દીકરામાં રસ નહોતો.

આજે બે અઠવાડિયાં થયાં. હજુ ચંદાની આંખમાંથી આંસુ સર્યું નહોતું. બે જ વાક્યોનો ભાર હતો એની છાતી પર. ‘ચંદા નામની વેશ્યાને એક બાળક છે’ એ વાત ભલે એણે અહીંના જગતથી છુપાવી. કદાચ એમાં જ એના ધંધાનું હિત હતું. પણ ‘હવે મારું એ બાળક મરી ગયું છે!’ એમ એણે રડીરડીને કહેવું હતું. આંસુઓની ધાર વહાવીને કોઈનો ખભો ભીનો કરવો હતો.

બહાર એલફેલ ગાળો બકીને ગગન પંજાબી ગયો એટલે માસી અંદર આવ્યા. કંઈ બોલવાને બદલે આગ વરસાવતી આંખોથી ચંદા સામે બે ઘડી તાક્યા કર્યું, પછી એક પ્રેક્ટીકલ વિધાન કર્યું, “આજે તારું ધંધામાં મન નથી. એક દિવસ.. બસ એક આજનો દિવસ રજા પાડી લે! મારે કાલથી કોઈ નાટક ન જોઈએ!”

માસીએ નીકળતી વખતે ગુસ્સામાં દરવાજાના જાળિયા પર જોર અજામાવ્યું. માસીને ખ્યાલ નહોતો કે બહાર ફઝલુ દરવાજા પાસે અટવાઈ રહ્યો હતો, એના માથા સાથે દરવાજો ભટકાયો. માસી ધમધમ કરતી નીકળી ગઈ. જે ધંધાથી એને કમાણી થતી હતી, એ જ ઘટનાની પેદાશ જેવા બાળકો એને ગમતાં નહોતાં.

ચંદાએ ફઝલુને ઉઠાવી લીધો. રડતાં બાળકને એની માને સોંપવા માટે એ રમઝુની કોટડી તરફ આગળ વધી. રમઝુની કોટડીના બારીના પડદામાથી અંદર નજર પડી તો ખ્યાલ આવ્યો કે માસીએ પૈસા ચૂકવીને અસંતુષ્ટ રહેલા ગગન પંજાબીને ફઝલુની માની કોટડીમાં મોકલ્યો હતો.  

ચંદા નછૂટકે ફઝલુને પોતાની કોટડીમાં લઈ ગઈ. એણે જોયું કે ફઝલુને માથે ઢીમું થઈ ગયું હતું. ચંદા એને માથે હાથ ઘસવા લાગી. સૂરજને માથે હાથ ઘસવાની સરખી તક પણ ક્યાં મળી હતી? વહાલ કરવાનો અનુભવ નહોતો પણ ચંદાએ આજે કોઈ પુરુષની પીઠ પસવારવાની ન હતી. એટલે ચંદા આ પાંચ વરસના બહેરામૂંગા બાળકને છાતીસરસો ચાંપીને આવડે એ રીતે એની પીઠ પસવારવા લાગી.

આજે ફઝલુનોય દિવસ રોજ કરતાં વધુ ખરાબ હતો. દાદાની ભૂંડી ગાળ, પછી મમ્મીનો માર, પછી માસીની ડાંટ અને છેલ્લે દરવાજાની ઠોકર.. આટલું બધું દર્દ એક ઢીમામાં ન સચવાયું ત્યારે ફઝલુની આંખથી આંસુ વહી રહ્યા. ફઝલુના આંસુથી ચંદાની પીઠ ભીની થઈ. પણ ફઝલુના રડવાનો અવાજ કેમે કરી બંધ થતો નહોતો.

ચંદા વિચારવા લાગી. આ બાળકને શાંત પાડવા ગીત ગાઉં કે પછી કોઈ વાર્તા ગાઉં? ને આ બાળક તો વળી મૂંગુ બહેરું હતું. અચાનક એ વાત ભૂલીને ચંદા બોલવા લાગી. એ ફઝલુની પીઠ પસવારતી રહી અને સાવ સુધબુધ ન હોય એમ બોલવા લાગી, “ફઝલુ, તારા જેવું જ મને પણ એક બાળક હતું. એ પણ તારી જેમ રુખી ફોઈના ઘરમાં દોડતું હશે. એને પણ બધા ખિજાતા હશે, ગાળો આપતા હશે! નહીં?”

બહેરો ફઝલુ શું સાંભળે. પણ છાતી પર અવાજની ધ્રુજારી અનુભવાતાં એ ચંદાની આંખમાં જોવા લાગ્યો. ચંદા બોલી, “ફઝલુ! મારો દીકરો મરી ગયો! ફઝલુ! મારી દીકરો મરી ગયો.”

ચંદાના રોકાયેલા આંસુનો પ્રવાહ વહી નીકળ્યો, ડૂમા ઓગળ્યા. જરા હળવાશ થઈ એટલે એને ખ્યાલ આવ્યો કે કાલથી એનું અને ફઝલુનું બન્નેનું વેકેશન પૂરું થવાનું હતું. આંસુનો પ્રવાહ ધીમો પડ્યો ત્યાં સુધીમાં ફઝલુના ગાલ પર કયા આંસુ કોનાં, એ ભેદ ન સમજાય એ રીતે, ભીનાશ વ્યાપી રહી. આંસુઓના એ પ્રયાગમાં સૂરજનું શ્રાદ્ધ થયું.

~ રઈશ મનીઆર

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. ‘આ વાર્તાને ગુજરાતના એક પ્રતિષ્ઠિત સામાયિકે રિજેક્ટ કરી હતી. કારણ એમ આપ્યું હતું કે વાર્તાનો વિષય અમારા વાચકોની રુચિને અનુકૂળ નથી’ – આશ્ચર્ય! એ સામયિક વાચકોના મોબાઈલ કે ગુગલ સર્ચની હિસ્ટ્રી જુએ તો રુચિ જાણવા મળે’. સંસારની હકીકત ઉજાગર કરતી વાર્તા. શ્રી મણીયાર સાહેબનું સાહિત્ય વાંચવું મને ગમે છે.