આપણે, પિતા-પુત્રી ~ મનીષા જોષી ~ આસ્વાદ: જયશ્રી વિનુ મરચંટ

મેં વારસામાં મેળવી છે,
આ ઉદાસી,
તમારી પાસેથી.
ભરપૂર જીવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને, જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે, પિતા-પુત્રી,
પોતપોતાના એકાંતમાં અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ, એમ,
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ.
લૂછી નાખતા હોઇએ.
ઘણી વખત
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતા આપણે,
જાણીએ છીએ,
આ અજંપો, ઘર કરી ગયો છે શરીરમાં.
તમે ઘણી વાર જોઇ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
હું ઘણી વાર જોઇ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ.
પછી એકવાર તમે કહ્યું હતું, ઇશ્વર નથી.
ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,
લોહી કરતા પણ સાચો,
આપણો સંબંધ છે,
ઉદાસીનો.
~ મનીષા જોષી
*

આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

કહેવાય છે કે પિતા અને દીકરી વચ્ચે એક અનોખો વ્હાલનો નાતો હોય છે. આ સંબંધનું ઉદગમ માત્ર લોહીના સગપણનું જ નથી હોતું. એ સાચું છે કે માતા-પિતા તરફથી વારસામાં જે મળે છે એના પર આપણું નિયંત્રણ નથી હોતું. કવયિત્રી કોઈ પણ છોછ વિના, કવિતાનો ઉઘાડ કરતાં, આગળ-પાછળની કોઈ પણ પળોજણમાં પડ્યા વિના, સીધી જ વાત માંડે છે કે, એને એના જન્મદાતા પાસેથી ઉદાસી વારસામાં મળી છે.

અહીં પિતા-પુત્રીના  અસ્તિત્વને જોડતું એક સાદું વિધાન કવયિત્રી સ્વીકારી લે છે.  સંબંધના સમીકરણને સાબિત કરવાના તર્કમાં અટવાયા વિના જ, કવયિત્રી સમીકરણના અર્કને ઘોષિત કરી દે છે. વ્હાલના ઉછળતા દરિયા જેવી દીકરી પિતાને કહે છે કે એના અંતરમનમાં ઘર કરી ગયેલી ઉદાસી એને એના પિતા તરફથી વારસામાં મળી છે, પણ, આ “Bold”- સાહસિક કથન કરતી દીકરી પિતા પર તહોમતનામું નથી મૂકતી, પણ, ભરપૂર જીવાતી જિંદગી, “ફેસ્ટીવિટીસ”-ઉત્સવ- બનાવીને ભલે મ્હાલે પણ ઉદાસીની ટીસ એક પ્રકારે છાની રીસ બનીને પ્રગટ થવા દે છે.

આ સાથે આ હકીકત પણ છે કે ઉદાસીનો અજંપો તો રોમરોમમાં ઘર કરી ગયો છે, જેને અવગણી શકાય એમ પણ નથી. પિતા-પુત્રી એમના એકાંતમાં પાંગરતા આ અજંપાને સંતાડવાની કોશિશ કરે છે કે જેથી એકલતા અને એમાંથી છલકાતી ઉદાસી પિતા-પુત્રી જિગરની આરપાર જોઈ ન લે. બસ, એટલે જ એકબીજા સાથે નજર મેળવતાં નથી.  અને, કદાચ, આ જ લોહીનું સગપણ છે એવી પ્રતીતિ કરાવે છે કે દુનિયા જાણે ન જાણે પણ પિતા-પુત્રી તો અણબોલાયેલા શબ્દોના અર્થને આત્મસાત કરી ચૂક્યા છે. આ ઉદાસીના અજંપાની અવગણના કરવાની પ્રક્રિયાનું આલેખન કરતાં કવયિત્રી “Raw”- સદંતર પ્રાકૃતિક રૂપક, “જાણે ઊંઘમાં, મોંમાંથી બહાર આવી જતી લાળ લૂછી નાખતા હોઈએ” યોજે છે જેની નૈસર્ગિકતા એને જિંદગીના શ્વાસો જેટલું સહજ બનાવી દે છે.

આખી કવિતાનો ઉપાડ, પહેલી નજરે સાવ સાધારણ લાગતી, પણ આ “Brilliant” – તેજસ્વી પંક્તિઓમાં કવયિત્રી કરે છે.

“તમે ઘણી વાર જોઇ રહેતા, એક જૂના ફોટામાં દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
 હું ઘણી વાર જોઇ રહેતી, ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા નાનીમાના હાથ”       
                                 

એક ચમત્કાર, કવયિત્રી આ પંક્તિઓમાં કરે છે. જાણે કહેતી હોય કે, “બોસ, તમારી આ ઉદાસીનું મૂળ મને પણ ખબર છે! એ તમને દાદીમા પાસેથી મળી છે, જે હું સમજી શકી છું. દાદીમાના લાચાર લકવાગ્રસ્ત ચહેરાને જોઈને એક ઝનૂનથી તમે ઈશ્વરના હોવાપણાને નકારી શકો છો. પણ  એ સાથે મને અપૂર્વ શ્રધ્ધાથી, ભગવાનની મૂર્તિ ઘસીને સાફ કરતાં, નાનીમાના બેઉ હાથમાંથી નીતરતી ભક્તિ આજે પણ યાદ છે! અહીં આપણે પિતા-પુત્રી અલગ પડીએ છીએ. કારણ, મને માતૃપક્ષ તરફથી એક સુષુપ્ત શ્રદ્ધા પણ વારસામાં મળી હશે જ.” દેખીતી રીતે તો માતૃપક્ષ અને પિતૃપક્ષ તરફથી મળેલા ૫0/૫૦ ડીએનએ વચ્ચેનો Paradoxial – વિરોધાભાસી તફાવત લાગે પણ આ વિરોધાભાસનો અછડતો ઉલ્લેખ જ અધ્યાહારમાં વિહરતી કવિતાના ફલકને ખુલ્લું કરે છે.

આ સાથે, કવયિત્રી પોતે ઈશ્વરની હયાતી બાબતે પિતાથી જુદી પડે છે એ તરફ સહેજ ઈશારો કરે છે, પણ, ખુલાસો તો સંદિગ્ધ રાખે છે. ઈશ્વરનું એ પરમ તત્ત્વ તો આપણામાં જન્મ સાથે વણાઈ ગયું છે, આપણા “નાળ”ના સંબંધરૂપે. અહીં “ગાલિબ” યાદ આવે છે-

“જબ કુછ ન થા તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!
ડૂબોયા મુઝ કો હોનીને, ‘ગર મૈં ન હોતા, તો ક્યા હોતા?”

કવયિત્રી એમના પિતા સાથે આ અજંપાભરી ઉદાસીની નાળ સાથેની પોતાની આગવી ઓળખને સ્વીકારી લે છે, નીચેની આ કાવ્યપંક્તિઓમાંઃ

“ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી, એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,
લોહી કરતા પણ સાચો, આપણો સંબંધ છે, ઉદાસીનો.”

આખી કવિતા અહીં એક અદભૂત ઓપ પામે છે, એટલું જ નહીં, વાચકને પણ પોતાના માતાપિતા પાસેથી જે સ્વાભાવિક ડીએનએ મળ્યા છે, એ સ્વીકાર કરવા માટે નૂતન દ્રષ્ટિ પણ આપે છે.

ક્લોઝ અપઃ
રેઈનર મરિયા રિલ્કેની “ઓટમ ડે” કવિતાની છેલ્લી પાંચ પંક્તિઓના સંપુટનો ભાવાનુવાદઃ જયશ્રી મરચંટ

“હજી સુધી જેની પાસે ઘર નથી, એ હવે કદી બાંધી શકવાના નથી,
જે હજી સુધી એકાંતવાસી અને એકલા છે, એ છેવટ સુધી,
એકલા જ રહેશે, જાગશે, વાંચશે, અને લાંબા લાંબા પત્રો લખશે, (કદાચ પોતાને જ)
અને, આ એકાંતની ઉદાસ ગલીઓમાં ઉપર નીચે, નીચે ઉપર સતત કર્યા જ કરશે, છેવટ સુધી,
આમ જ અજંપાના ઉદાસ કોશેટામાં, જ્યાં સુધી જીવનનું છેલ્લું પર્ણ છૂટું ન પડે!”

“Autumn Day” – Last Stanza
“Who has no house now – he will never build.
 Whoever is alone now, long will so remain;
 will stay awake, and read, and write long letters
 and wander these alleys up and down,
 restless, as the leaves are drifting.”

~ Rainer Maria Rilke

આપનો પ્રતિભાવ આપો..

4 Comments


 1. ‘આપણે, પિતા-પુત્રી’ કવયિત્રી મનીષા જોષીની સુંદર રચના
  ~સુ શ્રી: જયશ્રી વિનુ મરચંટ દ્વારા સ રસ આસ્વાદ
  તેમા ‘ઈશ્વરનું એ પરમ તત્ત્વ તો આપણામાં જન્મ સાથે વણાઈ ગયું છે, આપણા “નાળ”ના સંબંધરૂપે. અહીં “ગાલિબ” યાદ આવે છે-

  “જબ કુછ ન થા તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!
  ડૂબોયા મુઝ કો હોનીને, ‘ગર મૈં ન હોતા, તો ક્યા હોતા?”’ આ વાત ખૂબ ગમી

  તેમા અદ્ભુત વાત અને આ સટિક વાત– however, a change of subject suddenly takes place: We leave the prayer between the poet and God and turn to self-reflection about autumn. Rilke himself is restless (underlined by the break of the meter in “restless”) wandering around in the world. However, he does not see this as a negative, but uses it as an opportunity to e.g. B. reading books or writing letters. In contrast to this is perhaps Walter Hinck’s thesis, which rather provides a depressed and self-contained interpretation of the closing verses. He also draws specific parallels to the autumn theme at Trakl and Nietzsche .