ડુંગરા (ગીત) ~ ઉશનસ્ (જન્મદિનઃ ૨૮ સપ્ટેમ્બર)

કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ.
કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ.

કે ડુંગરાયે ક્હે છે, શ્હેર નથી દીઠું, કે ગાડીએ બેઠા નથી રે લોલ,
કે ડુંગરાને ભલું તે મહુડાનું પીઠું, કે વાડીએ પેઠા નથી રે લોલ.

કે ડુંગરા – ક્હે છે કે – કોક વાર રાતે સીમ લગી ઢૂંકતા રે લોલ,
કે ડુંગરા જોયા છે કોઈ દી પ્રભાતે, કે પગલાં મૂકી જતા રે લોલ.

કે ડુંગરા ઊઠે છે રાતના પ્હોરે, કે ઘૂડની પાંખો ફૂટે રે લોલ,
કે ડુંગરા અઘોરી આખો દી ઘોરે, ને રાતના મોડા ઊઠે રે લોલ.

કે ડુંગરા કોક દી સાવજના વેશે, દીઠા મેં નદી પીતા રે લોલ,
કે ડુંગરા દવમાં દાઝતા કેશે કે દીપડા દીપતા રે લોલ.

કે ડુંગરા કઠિયારા થૈ કાંધે, કે વગડે ટચકા કરે રે લોલ,
કે ડુંગરા સાંજના ભારોડો બાંધે ને કેડીઉં ઊતરે રે લોલ.

કે ડુંગરા કોક વાર ધૂણે છે ઘેલા, ધણેણતા ધરતી બધી રે લોલ,
કે ડુંગરા કોક વાર ભરતા મેળા, કે માથેથી તળિયા સુધી રે લોલ.

કે ડુંગરા આજેય એકલું પ્હેરે લંગોટડીનું ચીંથરું રે લોલ,
કે ડુંગરા મળતા સાંકડી નેળે કે કામઠું ખંભે ધર્યું રે લોલ.

કે ડુંગરા ભડકે છે શ્હેરથી નાસી, કે સીમથી પાછા વળે રે લોલ,
કે ડુંગરા અસલના આદિવાસી કે મંનની વાટે મળે રે લોલ.

કર્તા પરિચય:
નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘આરણ્યક’, ‘ઉશનસ્’ (૨૮-૯-૧૯૨૦ / ૬-૧૧-૨૦૧૧): કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી-ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨માં મ.સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગાર્ડા કોલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કોલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

પાંચમા દાયકાથી આરંભાયેલું ઉશનસનું કાવ્યસર્જન અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાથે ગાંધીયુગીન ચિંતન-ભાવનાની કવિતાના લક્ષણો તેમ જ એની ય પૂર્વની બ.ક.ઠાકોરની સમાસઘન પદાવલિવાળી સોનેટકવિતા પણ જોવા મળે છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃત્તિ, પ્રણય અને પ્રવાસ તેમના કાવ્યવિષયો છે. મનુષ્યચેતનાનાં ઊંડાણોમાં ઊતરી શકતી, પ્રબળ વેગવાળી સર્ગશક્તિને કારણે ઉશનસે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિતા સંપડાવી છે. કવિ ઉપરાંત વિવેચક તરીકે ઉશનસનું નોંધપાત્ર પ્રદાન છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યવિચાર એમના વિવેચનોને આગવું બળ આપે છે. તેમની પાસેથી ચરિત્ર, નવલકથા, નાટક પણ મળે છે. (પરિચય સૌજન્ય: ગુજરાતી સાહિત્ય પરિષદ)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments


 1. મા‘ઉશનસ્ ની સ્મરણાંજલી
  મા‘ઉશનસ્ નો જન્મ ભલે સાવલીમા થયો પણ તેમના જીવનનો વધુમા વધુ સમય અમારી જેમ આદિવાદીઓ વચ્ચે રહ્યા તેથી–
  કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ.
  કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ.જેવા મધુરા ગીત દ્વારા અમે પણ અનુભવેલી વાતો માણી
  અમે પણ શહેરમા જતા ત્યારે વનવાસી કે આદિવાસીને બદલે જંગલી કહી રમુજ કરતા !

 2. વાહ વાહ, બહુ જ સરસ કાવ્ય ગીત. ઉશનસ જેવા કવિ ની કલમ
  ખરેખર વાહ બોલાવી દે. અભિનંદન આપનું આંગણું