દિવાલનો ચહેરો (રહસ્યકથા) ~ માના વ્યાસ

સાયલી આજે જ મુંબઈથી દેવલાલી આવી હતી. બારમાની પરીક્ષા પતી, પછી મમ્મી-પપ્પા સાથે યુરોપ જવાનો પ્રોગ્રામ હતો. પણ એ તો હજી મે મહિનામાં જવાનું હતું. માતા-પિતા બેઉ નોકરી અર્થે જતાં રહે એટલે થોડા દિવસ નાના-નાની સાથે રહેવા આવી હતી. આમેય નાનુ સાથે ચેસ ગેમ રમવાની. પછી બન્ને સાથે કેરમ અને દેવલાલીની માર્કેટમાં ફ્રેશ જ્યુસ પીવા જવાનું. બસ મજા આવી જાય.

સત્તર વર્ષની સાયલી સ્માર્ટ અને સ્વતંત્ર મિજાજની હતી. હરિયાળા દેવલાલીમાં નાનાજીનો સોસાયટીમાં છેવાડે બેઠા ઘાટનો બંગલો હતો. ફરતે મોટા કંપાઉન્ડમાં જાતજાતનાં ફૂલઝાડ શોભતાં હતાં. બંગલો હવે થોડો જૂનો થયો હતો, છતાં સુંદર લાગતો હતો. જ્યારે નાનાજી મુંબઈ થઈ અહીં શિફ્ટ થયા ત્યારે સાવ વેરાન જેવી જગ્યા હતી. પરંતુ નાના-નાનીના અથાગ પ્રયત્નો અને કાળજી થકી સરસ બગીચો બનાવ્યો હતો. બગીચામાં ઘટાદાર વૃક્ષ સાથે સાથે સુગંધી સફેદ ફૂલોની ક્યારીઓ હતી. નાનીને સફેદ ફૂલો ખૂબ ગમે. વળી નાનીને ફૂલો તોડવા ન ગમે. એ તો છોડ પર જ સુંદર લાગે એમ નાની કહે.

“તારો સ્પેશ્યલ રૂમ અમે સાફ કરાવીને તૈયાર રાખ્યો છે. ખુશ ! ઉપરના માળે આવેલા ત્રણ બેડરૂમમાંથી એક સાયલીનો સરસ હવા-ઉજાસવાળો રૂમ હતો. ઊંચી સિલિંગને કારણે રૂમ મોટો લાગતો હતો. નાના-નાની સાયલીનાં આવવાથી ખૂબ ખુશ હતાં. ઓકે નાનુ, થેંક્સ.

મમ્મી-પપ્પા તો સવારે વહેલાં જતાં રહેવાનાં હતાં. સાયલી તો સવારે આરામથી ઊઠી. કમાલ છે ને મુંબઈની ફાસ્ટ લાઇફમાં સવાર જલદી પડી જાય. અહીં તો હજી બધું શાંત છે.

સાયલી પલંગમાં સૂતા સૂતા કમરાનું નિરીક્ષણ કરવા લાગી. ઘણી જગ્યાએ દિવાલમાં પોપડા નીકળી ગયા હતા. કદાચ વરસાદનું પાણી લીક થઈ ઊતરતું હશે. પલંગની બન્ને તરફની દિવાલ પર જૂના ફેમિલી ફોટા અને દેવ-દેવીનાં કૅલેન્ડર લગાડેલાં હતાં. ઘણા ફોટા હવે પીળા પડી ગયા હતા, પણ હજી કેટલીય સુંદર યાદો સાચવી રહ્યાં હતાં.

સાયલીની મમ્મીનો સ્કૂલ યુનિફોર્મનો ફોટો એને ખૂબ ગમતો. વચ્ચોવચ આવેલો ફેન કૅલેન્ડરનાં પાનાંને ફરફર ઉડાવી રહ્યો હતો. સામેની દિવાલ પર વધુ ગળતર હશે. જરા ધ્યાનથી જોતાં એની નજર ચોંટી ગઈ. એ ફરી ફરીને જોવા લાગી.

સિલિંગ અને દિવાલના સાંધાથી  શરૂ થઈ એક ચહેરો આકાર પામતો હતો. આબાદ જાણે કોઈએ ચિત્ર સ્કૅચ કર્યું હોય એમ! માથા પર ફેલ્ટ હેટ ઊંડી આંખો પર જાડી ભ્રમર, સ્હેજ વાંકું નાક, જાડી મૂછ નીચે દબાઈ જતા હોઠ. દાઢીને એમાં વચ્ચે ખાડો. કાઉબોય જેવું દેખાતું આપમેળે આકાર પામેલાં એવાં ચિત્રને જોઈ સાયલી જરા ચોંકી ગઈ. એને લાગ્યું કે ચહેરો એને ઘૂરી રહ્યો છે. એણે નજર હટાવી બીજે જોવાની કોશિશ કરી. થોડીવાર પછી પણ જાણે એ દિવાલનો ચહેરો સતત એને તાકી રહ્યો હતો.

રૂમમાંથી બહાર આવી દાદર પર ઊભી હતી. ત્યાં જ નાનાજીએ કહ્યું ‘સાયલી.. માય લવલી ડૉલ.. ચાલ માર્કેટમાં જઈએ… નાની આપણા પેટ પર કંઇ એક્સપરીમેન્ટ કરવા માગે છે. તે માટે જરૂરી વસ્તુઓ લઈ આવીએ.. અને હા, મને જરા સફેદ પેઇન્ટ લેવાનું યાદ કરાવજે ને.. કાલે આપણે બે મળીને કંપાઉન્ડ વોલને રંગી દઈશું.

સાયલી તૈયાર થઈ ગઈ. જતાં જતાં એની નજર ફરી દિવાલ પર ગઈ.. એ જ ચહેરો જાણે એની સામે એકીટશે જોઈ રહ્યો હતો. 

દેવલાલીની માર્કેટ નાની હતી, પણ ભાતભાતનાં શાક અને ફળોથી ભરપૂર હતી. લીલોતરી શાક અને ફળો લઈને બન્ને કાર પાસે આવ્યાં. નાનાજીને સિગારેટ પીવી ગમતી. એટલે સાયલીને કારમાં બેસવાનું કહી સામે પાનવાળા પાસે ગયા. 

ખાસ્સી વાર થઈ એટલે સાયલી બારીમાંથી ડોકું કાઢી નાનાજીને બૂમ મારવા ગઈ, પણ અવાજ ગળામાં જ અટકી ગયો. નાનાજી જેની સાથે વાત કરતા હતા, એ અદ્દલ એ જ માણસ હતો, જેનો ચહેરો એણે સવારે જોયો, જે એના રૂમની દિવાલ પર ઊભરી આવ્યો હતો. 

સાયલી અચંબિત થઈ ઊઠી. કેવી રીતે શક્ય છે?  ફાટી આંખે એ વ્યક્તિને જોતી રહી, એને જાણવું હતું કે એ માણસ નાનુ સાથે શું વાત કરી રહ્યો હતો? પરંતુ આખા રસ્તે સાયલી ચૂપચાપ બેસી રહી. કોણ હતી એ વ્યક્તિ? આટલું બધું સામ્ય? not possible..

ઘરે આવીને એ કમરામાં જવા ડરતી હતી. અચાનક ચહેરો જીવંત થઈ જાય તો..! પણ એ ગઈ. એ ડૅડ કા બહાદુર બચ્ચા હતી. ક્યાંય સુધી એણે દિવાલની સામે જોવાનું ટાળ્યું.

એક જૂનું ફિલ્મ મૅગેઝિન લઈ એ વાંચવા બેઠી. અનાયાસે જ ખોલેલાં મૅગેઝિનનાં સેંટર પેજને જોતાં જ એ ધ્રૂજી ઊઠી. આખા પેજ પર આવેલી જાહેરાતમાં એ જ ચહેરો હતો, જે એને અપાર્થિવ નજરે જોઈ રહ્યો હતો.. એકીટશે. એના હાથમાંથી મૅગેઝિન છટકીને નીચે પડી ગયું. આખરે નહોતું જોવું તે, છતાં એની નજર દિવાલ પર પડી.. એ જ ચહેરો..એ જ અપાર્થિવ આંખો.. એ ત્યાં વધુ બેસી ન શકી.

સાંજ નાના-નાની સાથે પત્તા રમવામાં નીકળી ગઈ. નાનાજીએ ડીનર માટે સાયલીના ફેવરીટ ડોમીનોઝ પીઝા મંગાવ્યા. 20 મિનિટે બેલ વાગી.

સાયલીએ દરવાજો ખોલ્યો…’પીઝા ફૉર યુ મેમ’… સાયલી આઘાતથી મૂઢ થઈ ગઈ. ફરી એ જ ચહેરો.. ફેલ્ટ હેટ.  ઊંડી આંખો.. વાકું નાક જાડી મૂછ..

શું થયું સાયલી? પૈસા આપી દે.. કહેતા નાના દરવાજા પાસે આવ્યા.. પૈસા ચૂકવી,  થેંક્યુ કહી દરવાજો બંધ કર્યો. શું થયું સાયલી? સવારે પણ તું આ ડિલીવરી બોયને જોઈને ચોંકી ગઈ હતી? 

સાયલીએ નાનાનો હાથ પકડ્યો અને લગભગ ઘસડતી પોતાના કમરામાં લઈ ગઈ. આંગળી ચીંધીને એણે નાનાજીને દિવાલ બતાવી. નાનાજી પાંચ મિનિટ સુધી દિવાલ સામું જોતાં રહ્યાં.. ઓહ… આ તો આ તો.. એ જ.. ઓહ માય ગૉડ.. બન્ને જણાં ભયભીત, આતંકિત દશામાં નીચે આવ્યાં અને સોફા પર ફસડાઈ ગયાં. સાયલીએ ધીમે રહી નાનીને પણ આ વિચિત્ર ઘટના કહી. નાની પાછાં હાર્ટપેશંટ.. પણ નાની બહાદુર. ત્રણે જણાંએ મળી નક્કી કર્યું કે ઇન્સપેક્ટર મોરેને જણાવવું.

ઇન્સપેકટર નાનાજીના ખાસ મિત્ર અને આર્મીમેન સુનીલ મોરેનો દીકરો હતો. નાનાજીએ ફોન લગાડ્યો, પણ લાગ્યો નહિ. હવે શું કરીશું!! નાનીએ સૂચવ્યું, હવે એકલા નથી રહેવું. પાડોશમાં કોઈને કહીશું તો ગાંડા ગણશે. ત્રણે સાથે પોલીસસ્ટેશન જવા નીકળ્યા.

દસ મિનિટે ત્યાં પહોંચી ગયા પછી ઉતાવળે અંદર જઈ એકસાથે ફરિયાદ લખાવવા માંડ્યા. ત્રણે જણ વારાફરતી કહેવા લાગ્યા, દિવાલ, ચહેરો, માર્કેટ, પીઝા…. તેમની વાતોમાં ગભરાટ વધુ ને સ્પષ્ટતા ઓછી હતી… ઇન્સપેક્ટર નીચું જોઈ કંઈ લખી રહ્યો હતો. અચાનક એણે ઊંચું જોયું. ઓહ ત્રણેયનાં મોંમાંથી એક સિસકારો નીકળી ગયો. ઇન્સપેકટરનાં સ્વાંગમાં પણ એ જ હતો… એ જ દિવાલનો ચહેરો.. એણે વંકાયલ સ્મિત કર્યું. 

ત્રણે જણાં પાછળ જોયા વિના ભાગ્યા અને કારમાં બેસી ગયા. થોડે દૂર જઈ કાર ઊભી રાખી, નાનાએ મોરેને ફોન લગાડયો. ‘અંકલ મિ બોલાયલા વિસરલો.. અમે પોલીસ સ્ટેશન હમણાં બીજે ખસેડ્યું છે… જૂના અભી તોડ દિયા હૈ… કાય ઝાલા?’

નાનાજીએ મોરેને બધી વાત કરી. મોરે હતપ્રભ બની સાંભળી રહ્યો… થોડી વાર સાંભળી, એણે કહ્યું.. હું ઘરે આવું છું, તમે ઘરે જ જાવ.

સાયલી, નાનાજી અને નાની બહારથી સહજ હોવાનો ડોળ કરી રહ્યાં હતાં, પરંતુ અંદરથી ફફડી રહ્યાં હતાં. દાદીની સ્વાદિષ્ટ આલ્મન્ડ કેક ચાખ્યા વિનાની પડી રહી હતી. સાયલીએ બધી બારીઓ અને કિચનનો પાછલો દરવાજો બરાબર બંધ કરી દીધો.

ટ્રીં…ગ.. બેલ વાગી.. ત્રણે જણાં એક બીજા સામું જોવા લાગ્યા… ક..દા..ચ.. મોરે હશે… સાયલી દરવાજો ખોલવા ઊભી થઈ. પણ નાનાજીએ ઈશારો કરીને બેસી જવા કહ્યું..

એમણે કી-હૉલમાંથી જોવાની કોશિશ કરી, પણ કંઈ બરાબર કળાયું નહીં. બહારથી મોરે જેવો અવાજ આવ્યો.. ‘હું છું અંકલ, દરવાજો ખોલો… નાનાજીએ દરવાજો ખોલ્યો અને એ જ દિવાલવાળો ચહેરો અંદર ધસી આવ્યો…

એનું વંકાયેલ સ્મિત ભયાનક લાગતું હતું.. એની અપાર્થિવ  આંખો સાયલી પર મંડાયેલી હતી, એ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. નાનાજીએ એને પાછળથી પકડી લીધો… કોણ છે તું? શું જોઈએ છે તને…?

એ કંઈ બોલ્યા વગર સાયલી તરફ આગળ  વધવા ગયો, પણ  નાનાજીએ એને ધક્કો મારી પાડી નાખ્યો. નાના અને નાની મળી એને જમીન સાથે  જડી દીધો… પણ સાયલીને ખબર હતી, તેઓ વધુ વાર ઝાલી નહીં રાખી શકશે.. એને કંઈક વિચાર આવ્યો અને એ પોતાના કમરા તરફ ભાગી.  સાયલીએ કિચનમાંથી સવારે લાવેલા સફેદ રંગના પેઇન્ટનો ડબ્બો કાઢ્યો અને દિવાલ તરફ ભાગી…

નીચેથી પેલા માણસની ચીસો આવી રહી હતી… સાયલીએ પેઇન્ટનો પહેલો લસરકો દિવાલના ચહેરા પર માર્યો.. ‘નો….’  નીચેથી માણસની મરણચીસ સંભળાઈ..’નો નો નો..’ નીચેથી એકસરખી બૂમો આવી રહી હતી.. સાયલીએ ઝનૂનપૂર્વક આખા ચહેરા અને એની આજુબાજુ બધે સફેદો મારી દીધો. હવે નીચેથી ચીસો આવતી બંધ થઈ ગઈ હતી, એ નીચે આવી. ‘કાય ઝાલા… શું ગરબડ છે? આટલો બધો અવાજ??…’ ઇન્સપેક્ટર મોરે અંદર આવી પૂછી રહ્યો હતો.

ત્રણે જણાં ફાટી આંખે નીચે પડેલી ફેલ્ટ હેટને જોઈ રહ્યા હતા…

~ માના વ્યાસ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ખૂબ સરસ વાર્તા છે. માત્ર રહસ્યકથાને બદલે તેમાં માનસશાસ્ત્ર અને પરાવાસ્તવિક કલ્પનાઓ પણ છે. ડર?,ફોબીયા?મનની ભ્રમણા.સભર ગતિ?કંઈ પણ ચોક્કસ ન કહી શકો અને તેમ છતાં વાર્તારસ પણ જળવાઇ રહે એ સિદ્ધિ નોંધપાત્ર છે.

  2. માના વ્યાસનો દિવાલનો ચહેરો સ રસ રહસ્યકથા
    એવી ઘટનાઓ જેના રહસ્યને સમજવું અશક્ય લાગે છે.
    ધન્યવાદ

  3. અંગ્રેજી સાહિત્યમાંની એક વાર્તા “Face on the wall” જો ક્યાંયથી પ્રાપ્ય હોય તો વાંચવા જેવી ખરી! આ વાર્તા પણ રહસ્યને અકબંધ જાળવી રાખે છે. ધન્યવાદ.