ચૂંટેલા શેર ~ ચિનુ મોદી “ઈર્શાદ” ~ ૮૩મો જન્મદિન, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧
શ્વાસના આવાસમાં અંધાર છે
કોઈ આવી સ્વિચ તો ચાલુ કરો
*
તણખલાં લઈ એક ચલ્લી ઊડી
હવે કોણ મારા ઘરે આવશે?
*
હું નિસરણીથી ઊતરતું એક ટીપું ઝીલવા
બેય આંખો બંધ રાખી એકલો ઊભો હતો
*
કાફિયા પેઠે જીવન બદલી શકત
પણ જીવન નક્કી કરી શકતો નથી
*
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે
*
બાજ પેઠે આભ આખું આવરીને
આભ પેઠે એ બધેયે વિસ્તરે છે
*
મારા ઘરનું સરનામું?
રોજ મને હું પૂછું છું
*
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર
*
માર્ગમાં એકાદપળ રોકાણ છે
એ જ પળ જીવનસમી લાંબી હતી
*
ભીંત પરનાં નાગ ચીતરામણ અરે, વેરી બને
એટલાં માઠાં અને કપરાં વરસ હમણાં ગયાં
*
અંધજનની કોરી પાટી જેવી બે આંખો ઉપર
દૃશ્ય સૂરજના કિરણથી દોરવા ઈચ્છયું તમે
*
એક માણસ કેમ પડછાયો થયો
એ પગેરું કાઢવા ભટકો હવે
*
સ્વપ્ન જેમ જ સાચવ્યાં તમને છતાં
છે પથારીમાં સૂતેલા જાગરણ
*
એ કસોટી પર ચડાવે તે પ્રથમ
સ્વર્ગની ઈચ્છા જ કાઢી નાખીએ
*
હાથમાં તરતી થઈ છે માછલી
આંખ ! આપી દે તું આંસુ દાનમાં
*
એક બિલ્લી ટાંપીને ઊભી હતી દર્પણ કને
દૃશ્ય આ ન્હોરાતું જોવાનો મને અભિશાપ છે
*
જાવ, મારી લાગણીના જીર્ણ દરવાનો હવે
મારી એકલતાના મ્હેલો જ્યાં ત્યાં બંધાતા થયા
*
શક્યતાના કાચા કારાગારમાં
આપણું તો કોઈ દેખાતું નથી
*
એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું
*
ખર્ચવા માટે ખુશી છે એ જ મારી સાહ્યબી
બાકી મુઠ્ઠી વાળી પડછાયોય ભાંગ્યો છે, સનમ
*
દૃશ્યમાં દેખાય છે એ મોર મૂંગો થાય છે
ક્યાંકથી ટૌકા મળે ને, એ જ ખટપટમાં છું હું
*
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?
સાભારઃ “પર્વતને નામે પથ્થર” ગઝલસંગ્રહમાંથી
પ્રકાશકઃ વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ

(30 સપ્ટેમ્બર ૧૯૩૯
~ ૧૯ માર્ચ ૨૦૧૭)
–
-સ્વ ચિનુ મોદી “ઈર્શાદ”ની રચનાઓમાં જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન વ્યક્ત થાય છે.
“પર્વતને નામે પથ્થર” ગઝલસંગ્રહ-વાતે યાદ આવે
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
વાહ
વંદન વંદન
Great collection… Thank you… Put some more creation s of different literary figures…