બે ગઝલ ~ (ગઝલ શિબિરના ભાગ રૂપે) _ ભગવતીકુમાર શર્મા અને ચિનુ મોદી
ગઝલ – ૧
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.
અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.
લખ્યું’તું કદી નામ મારું તમે જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઝરી જાય જળ કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કૂવાકાંઠે ચઢી છે !
ઘણાં રૂપ લઈ લઈને જન્મે છે સીતા;
હવે લાગણી પણ ચિતાએ ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
~ ભગવતીકુમાર શર્મા
ગઝલ – ૨
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.
એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.
તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.
– ચિનુ મોદી
પ્રથમ ગઝલમાં વેદના-સંવેદનાનો સંગમ છે જ્યારે શ્રી ચીનુ મોદીજીની ગઝલમાં જીવન જીવવા બહાનુ જોઈએ કહીને સકારાત્મક વલણ આગવી છટાથી રજૂ કર્યું. બન્ને ગઝલ રસપ્રદ 👌💕