|

કુહુ.. કુહુ.. કુહુ..! (વાર્તા) ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

(સર્જકના દિલની વાત “જિંદગી ગુલઝાર હૈ” ની આ શ્રેણી જૂન મહિનામાં પ્રારંભ કરી અને આજ એનો ૧૩ અઠવાડિયા પછી વિરામ આવી રહ્યો છે. જીવનમાં અમુક એવા લોકો હોય છે કે જેઓ  સ્વાર્થ વિના જ સત્યન, પ્રામાણિકતા, કરૂણા અને નિષ્ઠાને વફાદાર રહીને જીવન જીવતાં હોય છે. આવા જ મુઠ્ઠીભર લોકોની સદ્‍ભાવના અને સત્કાર્યને કારણે જ જિંદગી ગુલઝાર બને છે.

મારા મનમાં વિચાર આવ્યો કે આવી સત્યઘટનાઓને આપ જેવા સહુ ગુણી વાચકો સમક્ષ મૂકું અને આમ આ શ્રેણીનો જન્મ થયો. પણ, આપ સહુ સુજ્ઞ સાહિત્યપ્રેમીઓએ દર અઠવાડિયે પ્રગટ થતી આ સત્યઘટનાઓને, મારી કલ્પનાની બહારનો ભરપૂર પ્રેમ આપ્યો છે. હું આપ સહુ વાચકોના આટલા ભાવ અને સ્નેહનું ૠણ વિનમ્રતાથી માથે ચડાવું છું. “આપણું આંગણું” ને આપ સહુ આમ જ સતત સહકાર આપતા રહેશો, એવી નમ્ર વિનંતી સાથે વિરમું છું. 

આ શ્રેણી આગળ ચાલુ રાખવાની અમારી નેમ છે. આ શ્રેણી અંતર્ગત બ્લોગ આયોજિત બે વાર્તાશિબિરમાં ભાલ લેનાર વિવિધ વયના સર્જકો સત્યઘટનાને વાર્તા સ્વરુપે આલેખી બ્લોગના આ Email id : aapnuaangnu@gmail.com પર મોકલી શકે છે. પસંદગી સંપાદક સમિતિની રહેશે. ~ જયશ્રી વિનુ મરચંટ)
*——*——-*

(“મમતા” -નારી ચેતના વિશેષાંક (૨) – ઓગષ્ટ ૨૦૨૧ ના સૌજન્યથી)

બુધિયા, ક્યાં ગયો? ભઈ- ભાભી હવે બે-તૈણ કલાકમાં આંઈ પોં’ચતા જ હઈશે! જરા બજારમાં જઈને પેલું કોકાકોલા અને લીમકા અને પેલું સંતરાંનું શરબત શું, હા, ગોલડ સપોટ, હડી કાઢીને લઈ આવ તો! ને પછી આંઈ આ ઠંડા કબાટમાં મૂકી દે! ત્યાંના માણહને હવે આંઈની ગરમી ક્યાં હદવાની? બુધિયા, બેટા હાંભળે છે કે? ક્યાં છે તું? એય બુધિયા!” લખીબાએ ઓસરીમાં આવીને બૂમ પાડી. બુધિયો આવીને હજુ જવાબ આપે એ પહેલાં તો લખીબાના ખોરડાની વાડીની ડાબી બાજુના આંબાવાડિયામાંથી કોયલ બે ત્રણ વાર ટહુકી ઊઠી. “કુહુ..કુહુ. ..કુહુ!” 

લખીબાએ ઓસરીમાંથી ડાબી બાજુના આંબાવાડિયા તરફ તડકાથી બચવા કપાળે હાથ દઈને જોયું અને મનોમન બોલ્યાં, “આવી ગઈ, લોહીપીણી કોયલડી, કાગડીના માળામાં ઈંડા મૂકવા! ઓણ સાલ પણ બે વરસથી આવે છે ઈ જ મૂઈ આવી છે એવું લાગે છે. ઈ મારી હાળી, એવી તો જબરી કે હું બુધિયાને એક બૂમ પાડું તો ઈ મૂઈ હામું મારા ચાળા પાડે! ને ઈ’યે પાછા બરોબર તૈણ વાર!” 

ઘટ્ટ આંબાવાડિયામાં લખીબાને કોયલ દેખાતી તો નહોતી, પણ એના ટહુકા સાંભળીને એ મનોમન નક્કી કરી લેતા કે નવી કોયલ છે કે ગયા વરસે હતી એ જ આવી છે! બુધિયો દર સાલ લખીબાની મજાક પણ કરી લેતો. “કાકી, હર ફેરા, જેવા આંબાને મોર લાગવાના ચાલુ થયા નથી કે તમે કાગડોળે કોયલના ટહુકાની રાહ જુઓ! અને જેવી એ આવીને ટહુકા કરે કે પછી એને પાછાં ભાંડો!  આમ તો દર સાલ બિચારીનો રસ્તો જુઓ, પણ આવે એવી એની વાંહે પડી જાઓ છો!” 

બુધિયો પાછળ, વાડામાં ઢોલકી ગાયને અને એના વાછડાને નિરતો’તો. તે કાકીની બૂમ સાંભળીને હાથ ધોઈને બહાર ઓસરીમાં આવે એટલીવારમાં તો લખીબાએ ફરીને બૂમ પાડી “બુધિયા..!” અને સામે “કુહુ..કુહુ. ..કુહુ!”  બુધિયો બહાર આવ્યો અને હસતો હસતો બોલ્યો, “આ લ્યો! તમારી બેનપણી આવી ગઈ કાકી!” 

“આ? મારી બેનપણી? મારી વેરણ છે, મૂઈ! રે’ છે આપણા આંબાવાડિયામાં અને ચાળાયે પાછાં મારી એકલીના જ પાડે! પણ હાંભળ, શું કે’તી તી, પેલું? અરે હા, કોકાકોલા ને બળ્યું ગોલડ સપોટ – બધું લાવીને ઠંડા કબાટમાં મૂકી દે!”

“ક્યારનો લઈ આવ્યો કાકી! શું કાકી, ‘ઠંડુ થવાનું કબાટ.’ બોલો છો! કમ સે કમ ફ્રીજ તો બોલો! ભઈ તમને અમેરિકા લઈ જવા આવી રહ્યા છે. અમેરિકા જવાના છો એટલે તો તમે માસ્તરાણી રમણી પાંહેથી, ભઈને કીધા વિના, ત્રણ મહિનાથી અંગ્રેજી શીખો છો. જેથી એને પણ ચોંકાવી શકો! અને થોડું ઘણું અંગ્રેજી હવે તો સમજીયે શકો છો ને વાંચી પણ શકો છો ને બોલી પણ શકો છો! મને નથી સમજાતું કે તોય આવું ભેળસેળયું ગામઠી ગુજરાતી શેનાં બોલો છો?”

“ઈ જે હોય તે. આ તો મારી જનમથી મળેલી રોજની ભાસા. (ભાષા) તો ઈ હુ (શું) કામ ભૂલું? હું તો બળ્યું, પૂરી અંગ્રેજી શીખવાની અને બોલવાની હો ખરી. તુ જોજે ની..! પણ, આ તો મારી ભાસા, ઈ બોલવાનો લ્હેજો અંગ્રેજી હારૂ થઈને બદલે ઈ આ લખી ન’ઈં હોં! ને ભઈને ચોંકાવા અંગ્રેજી ની’ બોલતી, પણ મારે ઠેઠ ન્યાં લગ જાવું તો ન્યાંના લોકોને બરોબર જાણવા જોસે ને? જો ન્યાંની બોલી ના જાણું તો પાછી આવીને તમને બધાંને શું કે’ઉં કે હું ન્યાં સું મૂંડ મૂંડાવીને આવી, બોલ! પણ તુ યે તો મારી હારે રમણી પાંહેથી અંગ્રેજી હમજતો-બોલતો થ્યો કે ની, ઈ કે, હાવ હાચું કે’જે હોં !”

“કાકી, મારી મશ્કરી કાં કરો? હું તે વળી શું અંગ્રેજી બોલવાનો…! પણ હા, તમારા જેવી, બધી બાજુની મિક્સ ગુજરાતી બોલી તો નથી બોલતો. પણ કાકી તમે કયા કોરના ગુજરાતની બોલી બોલો છો ને એ તો ભગવાનને પણ નહિ ખબર!”.

“ચાલ, હવે, મારી મસકરી કરતો, મારો ભત્રીજો મુઓ છે તુ, એટલે તને મારવા ધોડતી નથી, હમજ્યો ને! મારી બોલીનું તારે સેનું સાક વઘારવું છે કે મારી વાંહે પડ્યો? તારા કાકા છેલ્લે લગણ હસતા રે’તા ને કે’તા કે ‘ફરી કદી આફ્રિકાના પટેલની દીકરી વેરે ન’ઈ પૈ’ણું! ન્યાં આપણી બોલીનો ખિચડો ભગવાન જાણે ઈ લોકો એવો કરે છે કે ન પૂછો વાત!’ ને, હું એમને કે’તી, હાત (સાત) જનમના આ તો ફેરા..! એમ કેમના છટકવાના? પણ, જો, ઈ તો છટકીને એય ને.. વયા ગ્યાં, વે’લા, વે’લા!” પછી જરા આંખે હાથ ફેરવ્યો ને આંખ લૂછતાં બોલ્યાં “આ મૂવો પરસેવો આંખે બાઝ્યો..! લે, હાંઉ થ્યું તારું, હવે? તો વાતુંના વડા મૂક બાજુ. ભઈનો આવવાનો વખત થવા જ આવ્યો છે. ઉપરના માળિયાનો રૂમ અને બાથરૂમ સાફ તો કરી દીધો છે ને?”

“કાકી, ગઈ કાલથી આ જ વાત તમે મને ૧૦૦ વખત પૂછી ચૂક્યા છો! હજુ કેટલીવાર પૂછવાના છો ઈ કહી દો તો…! સાચું કહું તો ભઈ આવવાના એટલે તમારા પગ તો કાકી, જમીન પર નથી પડતાં આજે હોં!”

“સોટી લઉં કે હવે..! ક્યારનો લોહી પીવે, બેઠો બેઠો…! એક તો આ મૂઈ “કુહુ, કુહુ” કરીને ચાળા પાડતી છે અને હવે તુ ય તે એના ચાળે ચઈડો..! હવે ક્યાં હાઈલો, બુધિયા, ઓ બુધિયા…! ”

લખીબા મરક, મરક હસતાં, બુધિયાની પાછળ, પાછળ ઓસરીમાંથી અંદર ગયા અને “બુધિયા” નામ સાથે જ, “કુહુ… કુહુ. ..કુહુ!” ના ટહુકાથી ડેલીમાં વાતાવરણ કેફી થઈ ગયું.
****
લખીબા અંદર જઈને હાથમાં આરતીની થાળી સાથે બહાર આવ્યાં. બુધિયો હવે ઓસરીમાંની ટ્યુબલાઈટ સરખી કરતો હતો. લખીબાને પાછાં આવેલા જોઈને બુધિયો બોલ્યો, “કાકી, ભઈની હવે રાહ નથી જોઈ શકતાં ને?”

“નહીં દીકરા, એવું નથી પણ, આવડા ટાઈમથી એને ભાઈળો નથી! ઈ દાક્તરીનું આગળ ભણીને અમેરિકાથી મોટો દાક્તર થઈને આવ્યો. પછી મુંબઈમાં જ્યાં ભણતો હતો, ઈ  જ  કોલેજમાં નરસનું (નર્સનું) ભણતી છોકરી વેરે લગન કઈરા ને વળી પાછો અમેરિકા વયો ગ્યો. એના પછી આજે હાત (સાત) વરહે આવી રહ્યો છે. એના છોકરાંવ પણ હવે તો પાંચ અને તૈણના થઈ ગ્યાં છે. આ વેરે તો વહુ કે’તી તી કે ભઈએ મારા ન્યાં અમેરિકા જવાના બધાં કાગળિયાં કરી લીધાં છે. મને ન્યાં લઈ જવા હારુ જ બધાં ખાસ આવતા છે.”

“કાકી, ત્યાં કેટલું રહેવાના?”

“આ તો બૌ કે’તો કે, એની પાહેં રે’વા આવું.  મેં તો ચોખ્ખું ક’ઈ દીધું કે હું હેંડીશ પણ થોડા દા’ડા ન્યાં ર’ઈને પાછી આવી જઈસ.. થોડા દા’ડા ઠીક છે, પ ણ લાંબુ તો મને મારા ઘર અને ખેતર વિના નો’ સોરવે! બુધિયા, હું ન્યાં તો જતાં જઈસ પણ આજે તો મારું ઘર આ છોકરાંઉથી ફરી ભરાઈ જવાનું હોં!” લખીબાનું અડધું બોખું મોઢું હસુ હસુ થઈ ગયું હતું છતાં એમની આંખોની ભીનાશમાં દીકરાનો સાત વરસોનો વિરહ તરતો હતો. 

લખીબા વળી પાછા અંદર ગયાં અને વળી પાછું એમને કંઈક યાદ આવ્યું ને એમણે ઓસરી લગી આવીને બૂમ પાડી, “બુધિયા. એ બુધિયા…!” બુધિયો જવાબ આપે એ પહેલાં ઉપરા ઉપરી ન જાણે પાંચ થી સાત વારના “કુહુ..કુહુ. ..કુહુ!” ના ટહુકાથી લખીબાની ઓસરી છલકાઈ ગઈ!
******
બુધિયો લખીબાનો જમણો હાથ ને પગ બધું જ હતો. લખીબાના પતિ, એમની દસ એકર, ફળદ્રુપ જમીનની ખેતીમાં વપરાતા ટ્રેક્ટરના પાર્ટ્સ લેવા બહારગામ ગયા હતા. પાછા વળતાં બસનો એક્સીડન્ટ થયો અને બસમાંના બધા જ પેસેન્જરો માર્યા ગયા હતાં. ગામના વડીલો અને ન્યાતના બધાં જ્યારે ચૂડી તોડવા અને માથું મૂડાવવાની વિધી કરવા હજામને લઈને આવ્યા ત્યારે લખીબાએ માથા પરની લાજ ફગાવીને, પોતાના આઠ-દસ વરસના દીકરા રમણીકને માથે હાથ મૂકીને હિંમતભેર કહ્યું હતું, “મારા ખેતરમાં ઘણુંય કામ પઈડું છે. અને હા, ક’ઈ દઉં છું, હું તો કાલથી જ ખેતરે જાઈસ. આના બાપા મોટા ગામતરે ગયા પણ અમારા માટે ઘણું મૂકીને ગયા છે, ઈ મારે હાચવી લેવાનું છે. હું ન તો ચૂડી તોડીશ કે ન તો માથું મૂંડાવીશ..” અને તે દિવસથી લખીબા માથું ઊંચું કરીને, ન્યાતબહાર મૂકાવાની ધમકી હોવા છતાંયે કોઈનીયે સાડીબાર રાખ્યા વિના, ગામમાં પોતાના ખેતર અને ખોરડું, બેઉને કુશળતાથી સંભાળી રહ્યાં હતાં. ટીવીમાં ખેતીવાડીના શો જોઈ જોઈને, હવે તો લખીબાએ ખોરડાની લગોલગ આવેલી એમની વાડીમાં પણ સ્ટ્રોબેરીઝ, રાસબેરીઝ અને કીવી જેવા ફળોની ખેતી કરવી શરૂ કરી દીધી હતી. આ બધા ફળો અમદાવાદ અને રાજકોટ શહેરોની ફાઈવ સ્ટાર હોટલોમાં વેચાતા અને એનો સારો ભાવ પણ મળતો. એમના પતિના અકાળ અવસાન પછી, ઘર સાથેની લગોલગ વાડીમાં એમણે આંબા, જાંબુ, પપૈયા, ચીકુ, જમરૂખ વગેરેના પણ અનેક ઝાડ વાવ્યાં હતાં. આજે તો લખીબાની મહેનત અને સૂઝબૂઝને કારણે વાડી અને ખેતરમાં મબલખ પાક થતો હતો અને એમનું ખોરડું હતું એનાથી પણ વધુ મોટું ગણાવા માંડ્યું હતું.
*****
લખીબાની અધીરાઈ હવે સાત વરસે પાછા આવતા દીકરા, વહુ અને એનાં કુટુંબને જોવા માટે વધતી જતી હતી.  

“બુધિયા..” બૂમ પાડી તેવી જ “કુહુ.. કુહુ..કુહુ..!”નો પડઘો સામે પડ્યો. 

બુધિયો થોડો ચિડાયો. “કાકી, શું છે? કેમ આમ આજે આટલા અધીરા થાવ છો? આમેય આપણે દર બીજે દા’ડે ફેસટાઈમ તો ભાઈ હારે કરીએ છીએ. ને વાતો પણ કરીએ છીએ..! આજે કેમના આટલાં આકળા થાવ છો?” 

“ભઈ પાહે દાક્તરી કરવામાંથી વખત ક્યાં છે? હા,આવે મોઢું બતાવવા ફેસ ટાઈમ પર પણ માંડ વરસે તણેક વાર જ થોડુંક બોલે, એક તો એના જનમદિ’નો, બીજો મારા જનમદિ’નો અને પછી તીજો દિવાળીનો. હાંઉ, પઈતું!  આમેય રમણીક પે’લેથી જ ઓછું બોલતો. ફેસટાઈમ પર તો વળી એથીયે ઓછું બોલે! “તમારી તબિયત સાચવજો! ધ્યાન રાખજો. બહુ મે’નત હવે ઘર ને ખેતરમાં ન કરતાં.” ને બસ.. થ્યું! આટલું બોલીને આગળ ઈ ની બોલવાનો..! બાકી, હું છોકરાઉંના મોઢા જોવા ફેસ ટાઈમ કરું, તંયે વહુ પણ કે’શે કે અમેરિકામાં પૈહા મળે પણ કોઈ પાંહે ટાઈમ નો મળે!” 

લખીબા બોલતાં અટક્યાં અને ઘડીક પછી કહે, “પણ, આજે કોને ખબર, કંઈ સોરવતું નથી, હોં,  બુધિયા!” 

“બેસી જાવ, થોડીકવાર કાકી. ક્યારનાં આગળપાછળ, આગળપાછળ થાવ છો તે થાક લાગ્યો હશે. ભાઈ રસ્તામાં જ હશે, બસ, આવતા જ હશે.” 

લખીબા બેઠાં. ત્યાં તો ડેલીએ ટકોરા પડ્યા. લખીબા તરત સફાળા ઊભાં થઈ ગયાં અને મરકમરક મોઢે આરતીની થાળી લેવા પાછાં વળ્યાં. બુધિયો તો હરખનો માર્યો લગભગ ચાર ચાર પગલાં એક સાથે ઠેકતો ઠેકતો દરવાજો ખોલવા ગયો. આંગણાંમાં મસમોટી મોટર ઊભી હતી અને ડેલીના દરવાજે ચારેક સૂટેડ-બૂટેડ સજ્જનો ઊભા હતાં. 

લખીબા આગળ આવ્યાં અને પૂછ્યું, “કોનું કામ છે ભઈ?’

“ડો. રમણીકનું ઘર આ જ? એમણે અમને બોલાવ્યા છે.” 

“જે શ્રી રામ. આવો અંદર.” લખીબાએ ઓસરીમાં મૂકેલા ઢોલિયા પર એમને બેસાડ્યા. એટલામાં બુધિયો પાણી લઈ આવ્યો. 

“રમણીક રસ્તામાં જ હશે. આવતો જ હશે. કંઈ કામ હતું દાક્તરીનું?” લખીબાએ પૂછ્યું. 

એમાંના એક આગંતુક પોતાનું કાર્ડ આપતાં અને પાણીનો ગ્લાસ લેતાં બોલ્યાં, “અરે, ના, ના બા. અમે ગુડવીલ બિલ્ડર્સ તરફથી આવ્યા છીએ. આ તો ડો. રમણીકે અમને અમેરિકાથી ફોન કરીને આજે જ મળવા આવવાનું કહ્યું હતું. એમને એમનું દસ એકરનું ફાર્મ એટલે કે ખેતર અને આ ઘર વેચવું છે. તમે તો જાણો જ છો કે આ કામ પતાવવા જ તેઓ ખાસ અમેરિકાથી માત્ર એક અઠવાડીયા માટે આવી રહ્યા છે. એમણે જ અમને આજનો આ ટાઈમ આપ્યો હતો પણ અમારે રસ્તામાં ટ્રાફિક નહોતો તો કલાક-એક વહેલા આવી જવાયું. તો પછી અમને થયું કે ચાલો, વહેલાં છીએ તો, ડો. રમણીક આવે ત્યાં સુધીમાં અમે ખેતર અને ઘર જોઈ લઈએ તો ઘણો સમય બચે. પછી સોદાની રકમ અને સોદો જલદી નક્કી થઈ જાય તો કાગળિયાં કરવા માટે પણ વધુ વખત રહે.” પછી પાણી પીને એમણે ગ્લાસ બુધિયાને પાછાં આપ્યા. 

લખીબાના મોઢા પર હવે એકદમ જ સખ્તાઈ આવી ગઈ. “તમે ખોટા ઘરમાં આવ્યા છો, ભઈ. તમને ખોટી માહિતી રમણીકે આપી છે તો માફ કરજો. આ ઘર અને ખેતર તો લખી પટેલના છે. અને એ લખી પટેલ હું છું. મારે ન તો આ ખેતર વેચવાનું છે કે ન તો ઘર. તમને ઠેઠ શ્હેરથી આંઈ લગણ નકામો ધક્કો પડ્યો. જે શ્રી રામ.” લખીબાએ હાથ જોડ્યાં અને ડેલીનું કમાડ ખોલીને ઊભાં રહ્યાં.  

પેલા ચારેય જણાં આ જોઈ ઊભા તો થયા પણ જરાક છોભીલા પડી ગયા હતા. “અરે પણ, અમારે ડો. રમણીક સાથે બધી વાત થઈ ગઈ છે. તેઓ તમને એમની ભેગા અમેરિકા લઈ જવાના છે તો એ પહેલાં આ બધું વેચી નાખવા માગે છે. એમણે તમને કીધું તો હશેને જ? બા, નકી તમારી કંઈક ગેરસમજ થાય છે.  પણ, કંઈ વાંધો નહિ. શું તેમના આવવા સુધી અમે….!” 

“રમણીક આવે ત્યાં લગણ તમે બહાર રસ્તા પર ઊભા રહી શકો છો, મારા આંગણાંમાં પણ ઊભા ન રે’તા. અને હા, મારા આંગણામાંથી તમારી મોટર પણ દૂર લઈ ઊભી રાખજો. તમે આ ઘરના ખરીદાર તરીકે આવ્યા છો તો આ ઘરમાં કે આંગણાંમાં તો ન’ઈ રાહ જોઈ શકો.” પછી ગૌરવભેર મક્કમ અવાજે અંગ્રેજીમાં લખીબા કહે, “ધીસ હાઉસ એન્ડ માય ફાર્મ.. …! નોટ ફોર સેલ. જે શ્રી રામ.” અને, ડેલીના ખોલેલા કમાડ પાસે જ મક્કમતાથી લખીબા હાથ જોડીને ઊભાં જ રહ્યાં. 

ડઘાઈ ગયેલા ચારેય આગંતુક, બિલકુલ અવાચક થઈને બહાર નીકળીને મોટર તરફ જવા માંડ્યા. લખીબા ડેલીના દરવાજેથી પાછાં વળ્યાં અને એમની ટેવ મુજબ, એમનાં આંબાવાડિયાની પેલી વેરણ કોયલ પણ સાંભળે એમ બૂમ પાડી, “બુધિયા, ઓ બુધિયા… મોટર આંગણાંમાંથી વઈ જાય એની ખાતરી કર્યા પછી જ ડેલી વાંહી દેજે! હાંભળે છે ને, બુધિયા….! અને હા, પેલો રમણીક આવે ને, – આમ બાઘા જેવો મારી હામું હું જોતો સે, અરે, પેલો અમેરિકાવાળો મોટો દાક્તર, રમણીક પટેલ… ઈ આવે ને, તો ય કમાડ ખોલતો ન’ઈ.  કે’જે કે આ ઘરની ‘લખીબા’ મરી પરવારી! આંઈ હવે લખી પટેલ રે’ છે! હાલ, જલદી ડેલી વાહીને અંદર આવી જાજે હોં….! સાંભળે છે ને બુધિયા..”

… અને, કોયલની “કુહુ.. કુહુ.. કુહુ..!” ની દસ બાર ચિચયારીથી લખીબાના ઘર અને ડેલીની હવા તરબતર થઈ ગઈ.

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. આ સત્યઘટના જુદા નામો સ્થળ સાથે અમે જોયેલી અનુભવેલી છે !
    વાહ્