કૃષ્ણ એટલે કૃષ્ણ એટલે કૃષ્ણ ~ નંદિતા ઠાકોર ~કટાર : ફિલ્ટર કૉફી

મને કૃષ્ણ ગમે છે. ભગવાન તરીકે નહીં- એક વ્યક્તિત્વની રીતે. કૃષ્ણને હું ધર્મ સાથે નથી જોડી શકતી. કેટલીક અદ્દભૂત સંકલ્પનાઓથી પૂર્ણ હોવા છતાંય મને ધર્મ ઘણીવાર ભયપ્રદ લાગ્યો છે. આમ કરાય, આમ ના કરાય. આમ જ કરાય, આમ ના કરીએ તો પાપ લાગે.

આ dos and dont’s ના લિસ્ટમાં ભગવાન ક્યાંક ખોવાઈ જાય છે. આપણે ત્યાં તો પાછા ભગવાનો પણ અઢળક. કોઈ ભય પમાડે, કોઈ માન ઉપજાવે , કોઈ નવાઈ પમાડે અને કોઈ જન્માવે સખાભાવ. કૃષ્ણ સખા હોઈ શકે. ભગવાનવાળી ભૂમિકામાં એ બહુ બંધબેસતો નથી. એટલા બધા શેડ્સ છે એના વ્યક્તિત્વના કે કોઈને પણ એ પોતાનો અંગત લાગી શકે.  કદાચ એ મનુષ્યથી, માનવભાવથી બહુ નજીક લાગે છે એટલે ય એવું બનતું હશે કે લોકો એની સાથે સરળતાથી ‘રિલેટ’ કરી શકે છે.  

ધર્મ એ માનવજાતને ક્યાંક કશોક આધાર, સધિયારો, સહારો આપે છે અને એ દ્રષ્ટિએ લોકોની ધાર્મિકતા મને સમજાય છે. પણ એ ધાર્મિકતા કૃષ્ણને ઈશ્વર તરીકે સ્થાપે છે ત્યારે મઝા નથી આવતી. જાણે આપણો કોઈ અંગત મિત્ર કોઈ બહુ મોટો, અગત્યનો માણસ બની ગયો હોય અને આપણે એની સાથે સહજ મૈત્રીને બદલે જરાક ફોર્મલ સંબંધ રાખવાનો હોય એવું લાગે. જોકે કૃષ્ણનું  વ્યક્તિત્વ એવું છે જ નહીં કે એ અંગત સખા, વહાલા મિત્ર કે પ્રિયજન સિવાય બીજું કૈં લાગી શકે.

ગીતાનો ઉપદેશ આપતા કૃષ્ણ ખોટા નથી, નહોતા, પણ એ સાંભળતા, સમજતાં પણ મનને ખબર હોય છે કે આ બધું પતશે એટલે એ આપણી સાથે ગપ્પાં મારવા ગલીને નાકે આવીને બેસવાનો જ છે. ખભે હાથ મૂકીને હાહાહીહી કરવાનો જ છે. અહીં એ અર્થ અભિપ્રેત નથી કે કૃષ્ણનું વ્યક્તિત્વ કોઈ સપાટી પરનું છીછરું વ્યક્તિત્વ છે. કૃષ્ણ પરમ જ્ઞાની છે જ, પણ જ્ઞાનનો ભાર માથે  મેલીને ફર્યા કરે અને એના ભારથી એનું આખું હોવાપણું કચડાઈ જાય એ કૃષ્ણ નથી.  

કૃષ્ણ ભારેખમ ઉપદેશ નથી આપતા. પ્રેક્ટિકલ કરી બતાવે છે. એટલે જ તો માખણની ચોરી કરતો કૃષ્ણ કે ગોપીઓના વસ્ત્રોનું હરણ કરતો કૃષ્ણ “હાય હાય આવું કરાય?’ નો ભાવ નથી જન્માવતો.  આ ક્રિયાઓ ફરીફરીને બન્યા કરે એની પ્રતીક્ષા કરવા પ્રેરે છે.

વાંસળી વગાડતો કૃષ્ણ વખત આવે સુદર્શન ઊંચકી શકે અને માખણની ચોરી કરતો કૃષ્ણ સુદામાને સઘળા વૈભવથી ન્યાલ કરી શકે. કૃષ્ણ આપણી સાથે આપણા જેવું પણ જીવે અને પરમાત્મા સ્વરૂપે જીવન જીવવાની રાહ પણ બતાવે. રાજરમત અને રણનીતિ આચરી શકનાર કૃષ્ણ સીધાસાદા ગોપ ગોપીઓનો સીધોસાદો મિત્ર હોઈ શકે છે.    

કૃષ્ણના વ્યક્તિત્વના રંગો મેઘધનુષી છે. બહુઆયામી છે. જે જન્મ મરણથી પર છે એનો જન્મોત્સવ વર્ષોવર્ષ ઉજવતાં આપણે એના સ્વરૂપ વૈવિધ્યની દરેક લીલાને ઉત્સવમાં પલટીને એને પોતપોતાની રીતે પોતાનો કરી રાખ્યો છે. એટલે જ એના બાલસ્વરૂપથી માંડીને પ્રત્યેક સ્વરૂપની વિશેષતાઓ આપણને ભાવે છે, વહાલી લાગે છે, પોતીકી લાગે છે.  

કૃષ્ણને ઈશ્વર તરીકે હું આરાધી નથી શકતી છતાં કૃષ્ણ મને પરમના પ્રદેશની એક વિશિષ્ટ ભૂમિકા સુધી લઇ જઈ  શકે છે.  કૃષ્ણ સહજ છે, સંસારી છતાં ઈશ્વર છે, અજન્મા છતાં જન્મે છે અને અમર્ત્ય છતાં પારધિના બાણથી મૃત્યુ પામે છે. પોતે જે છીએ તે હોવા, તે જ રહેવા અને તેને ઉજવવાની વાત કૃષ્ણ ઉપદેશ કે આદેશથી નહીં, સ્નેહ અને આનંદની અનુભૂતિથી શીખવે છે.   

એક એવો અનાહત નાદ છે કૃષ્ણ કે એ જેની ભીતર પ્રગટે તે ધાર્મિક બંધનોથી પર થઈ, પાર જઈ એનામાં સરળતાથી ભળી જઈ  શકે. એને ઈશ્વર તરીકે ના સ્વીકારીને પણ એનામાં લીન થવા અને પછી વિલીન થવાનું ભાગ્ય પ્રાપ્ત થાય એવી ઝંખના ઉછેરવાનું છોડી દઉં એવી હું તો નથી. તમે છો? 

– નંદિતા ઠાકોર 

તસવીર સૌજન્ય : https://www.samacharjustclick.com/

આપનો પ્રતિભાવ આપો..

2 Comments