આપણી લોકસંસ્કૃતિનાં સાહિત્યમાં વૃક્ષોનું મહત્ત્વ (લેખ) ~ પૂર્વી મોદી મલ્કાણ

આપણાં લોકગીત અને લોકસંસ્કૃતિ એ વાતની સાક્ષી આપે છે કે, આમાનવના સમયથી કેવી રીતે વૃક્ષ, નદી, પશુ, પક્ષી, જીવ જંતુ સહિતની માતા પૃથ્વીનું પૂજન ઇષ્ટદેવ કે દેવીના રૂપમાં થતું રહ્યું છે. એક સમયે જંગલમાં રહેલી હરિયાળીની વનદેવી રૂપે પૂજા થતી હતી તો જળમાં વસેલ શક્તિની જળદેવી રૂપે પૂજા થતી હતી. પૃથ્વી અને ધરતી બંને માનવજીવનના એવા તત્ત્વો છે જેણે માનવ જીવનમાં પ્રગતિની અનેક આશાઓ સંચારિત કરી છે. પ્રકૃતિ અને ધરતીના આ ગુણથી પ્રભાવિત થઈ ઋષિમુનિઓએ આ બંને પરમ તત્ત્વની પૂજાનું ચલણ અપનાવેલું. પરંતુ ધરતી અને પ્રકૃતિ બંનેનું સ્વરૂપ અતિ વિશાળ છે આ વિશાળ ધરતી પર પહોંચવું મુશ્કેલ હોય ઋષિમુનિઓએ આ બંને દેવીના નાના નાના અંગ સમાન તત્ત્વોના પૂજન પર ભાર મૂક્યો. જે મનુષ્ય જ્યાં રહેતો હોય ત્યાં તે જગ્યામાં આવેલ નદી, પહાડ, જંગલ બધાને મહત્ત્વ આપ્યું. આ તત્ત્વોમાંથી એક વૃક્ષો પણ છે.

ઋષિમુનિઓએ કહ્યું કે, પહાડ, નદી, જંગલ બધા પાસે જવું પડે ત્યારે કેવળ પશુઓ અને વૃક્ષો જ એવા છે જેને ગૃહઆંગણે લાવી શકાય. આથી તેઓએ ગૃહસ્થજીવનની આસપાસ વિવિધ ગુણો ધરાવતાં વૃક્ષો ઉપર ભાર મૂક્યો, જેથી કરીને પાલન પોષણ મળે અને સ્વાસ્થ્ય માટે પણ સારું પડે. જ્યારથી વૃક્ષો માનવજીવન સાથે સંકળાયા ત્યારથી તેમનો ઉપકાર જનજીવન પર વધી ગયો, હોઈ ઋષિમુનિઓએ વૃક્ષોની ઉપાસના -પૂજનને મહત્ત્વ આપ્યું. એક સમય હતો કે યુગોથી સતત થતાં પૂજનથી વૃક્ષો સાથે આપણો સંબંધ ઘણો જ ઘનિષ્ઠ થઈ ગયો હતો. આ સમય દરમ્યાન વૃક્ષોને વડીલ ગણી તેમની આમાન્યા જાળવવાનું પણ શરૂ થયું. દા,ખ તરીકે સાંજના સમયે ઝાડ -પાન કાપવા નહીં, વૃક્ષો નીચે સ્ત્રી પુરુષે સહશયન કરવું નહીં વગેરે. ચાલો આજે જોઈએ કે, શ્રધ્ધા, ભાવનાથી જોડાઈ ગયેલ આ વૃક્ષોમાંથી એવા કેટલાં વૃક્ષો છે જે આપણે બહુ માનીએ છીએ.

વટવૃક્ષ:- વટવૃક્ષને ગામ પરિવારમાં દાદાનું સ્થાન મળેલું છે. અંજીર જેવા વર્ગમાં સ્થાન પામનાર વટવૃક્ષને સંસ્કૃતિનું સૌથી જૂનું કલ્પવૃક્ષ માનવામાં આવ્યું છે. ઋગ્વેદની કારિકાઓમાં વટવૃક્ષને અક્ષત વૃક્ષ કહી તેની સ્તુતિ કરવામાં આવી છે, તો અર્થવવેદમાં અનેક સૂકતો વટવૃક્ષને સંબોધીને લખવામાં આવ્યાં છે. ( ૪-૧૧-૫ ) જેમાં કહ્યું છે કે, જે ગ્રામમાં વટ, પિપ્પલ, આમ્ર, અશોક, નીમ જેવા વૃક્ષોનો સમૂહ જોવા મળે છે તે ગ્રામ્યની ભૂમિ ઈશ્વરીય શક્તિથી યુક્ત હોવાને કારણે અત્યંત સુખકારી અને સ્વાસ્થ્યવર્ધક છે. ( ૨-૩૧-૩૨-૩૩ ) ભગવાન બુધ્ધના બોધિગયામાં જે બોધિ વૃક્ષની પૂજા કરવામાં આવે છે તે બોધિવૃક્ષ પણ મૂળે વટવૃક્ષ જ છે. તે જ રીતે ભગવાન કૃષ્ણ અંતિમ સમયમાં જે વૃક્ષની છાવમાં બેસી નિર્વાણ પામ્યાં હતાં તે પણ વટવૃક્ષ હતું. સતી સાવિત્રીનું પૂજન દરમ્યાન આ વડીલ દાદા વટની આસપાસ ફરતાં ફરતાં સૌભાગ્યની કામના કરતાં કરતાં સ્ત્રીઓ ગાય છે કે,

बरगद बाबा कै फेरी लगावौँ ।
पहिले फेरा मेँ माँगोँ, माँगी के सेन्हुरा, दूसरे मेँ चूरी भरि बाँह बाबा

નીમવૃક્ષ:– નીમના વૃક્ષમાં દેવી શીતળાનો વાસ માનવામાં આવ્યો છે, આથી કહે છે કે જે જન નીમના વૃક્ષમાં જલ રેડી તેની તૃષા દૂર કરે છે તેની પર દેવી શીતળાના આશિષ વરસે છે.  ઉત્તરભારતના લોકસાહિત્યમાં નીમ વૃક્ષ પર અનેક ગીતો રચવામાં આવ્યાં છે. જેમાં કહ્યું છે કે નીમની ડાળીઓમાં મૈયાએ હિંડોળો બનાવ્યો છે જેથી તેમાં ઝૂલી શકાય.

निमिया की डरियाँ मेँ मैया डारी है हिंडोलवा, कि झूलि झूलि ना,  
   मैया गावैं गितिया, कि झूलि झूलि ना ॥ “

બીજા ગીતમાં કહ્યું છે કે, નીમના વૃક્ષની ઉપાસના કરવાથી, તેના મજબૂત સ્કંધ સમાન હસ્તમાં ( ડાળીઓમાં ) સ્ત્રી -પુરુષના એકસાથે ઝૂલવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

“ घर की मारी निमिया तरे ठाढ़ीं, डोलै निबियवा कै लच्छा,
गरभ रहि जाय मोरी ननदा दुलारी “

ત્રીજા ગીતમાં કહ્યું છે કે, “निमियाँ के पेड़ तले जिनि काट्या ए बाबा, निमियाँ चिरैया बसेर हो ।“ નીમનું વૃક્ષમાં ચિડિયાનો બસેરો છે, તેથી તેને કાપવો નહીં. કારણ કે આ દીકરી અને ચિડિયા બંનેમાં કોઈ ફર્ક નથી. આ બંને એવા છે કે જેઓ થોડા સમય તમારા આંગણે રહી ઊડી જવાના છે.

પિપ્પલ વૃક્ષ:- પિપ્પલ એટ્લે કે પિપળો. જેમાં પિતૃઓનો વાસ છે તે પીપળાને ભગવાન વાસુદેવને અર્પિત કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં પ્રભુ કહે છે કે,

“अश्वत्थ: सर्ववृक्षाणां, देवर्षिणां च नारद: ।
गन्धर्वाणां चित्ररथ: सिध्धानां कपिलो मुनि: ॥

હું સર્વે વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું, દેવર્ષીઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિધ્ધોમાં કપિલ મુનિ છું. લોકગીતોમાં પીપળાને પિતાનું સ્થાન મળ્યું છે તો લોક સાહિત્યમાં ભગવાન શાલિગ્રામનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે.

बाबा दुअरवाँ पिपरवा कै पेड्वा, हहर करै पात,
तेहि तर मोरे बाबा गोनरी बिछावै, पूजथैं सालिग्राम ।“

પીપળાના મૂળમાં સૃષ્ટિકર્તા બ્રહ્માજી, થડમાં પાલનકર્તા વિષ્ણુ, શાખાઓમાં સંહારકર્તા રૂદ્ર અને પાન -પાનમાં દેવત્ત્વને પામનારા પિતૃઓનો વાસ માનવામાં આવ્યો હોવાથી આ વૃક્ષની નીચે ભોજન, જલ પાન, શયન, કથા, હવન વગેરે કરાય છે, પણ રાતવાસો કરવો અને આ દળદાર વૃક્ષને કાપવું એ નિષેધ માનવામાં આવ્યું છે. એક માન્યતા એ પણ છે કે આ વૃક્ષમાં અસૂરી શક્તિ એટલે કે મોક્ષ ન પામેલા પ્રેતાત્માઓનો વાસ હોવાથી ગર્ભવાળી સ્ત્રીઓએ એ પીપળાને નકારવો જે શિવમંદિરના આંગણમાં ન હોય. જ્યાં શિવજીનો વાસ છે તે મંદિરના પ્રાંગણમાં પીપળો હોય તો તેને જલ રેડી, પ્રણામ કરી ત્યાંથી નીકળી જવું, પણ જે વ્યક્તિને સંસાર છોડી સાધુત્ત્વને માર્ગે જવું છે તેને માટે પીપળો અતિ ઉત્તમ છે, આવી વ્યક્તિઓ એ તો પીપળાને ખાસ પ્રાર્થના કરી પોતાની આત્મોઉન્નતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

“ निबिया से चलि के, पिपर तर ठाढी
डोले पिपरवा का पत्ता, गरभ गिरि जाय हो मोरी नंदा दुलारी “।

આંબળાનું વૃક્ષ:- આંબળાના વૃક્ષમાં દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવ્યો છે. કારતક માસના શુક્લ પક્ષની નવમીને દિવસે આંબળાના વૃક્ષનું પૂજન કરવાનો મહિમા રહેલો છે. અવધમાં જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તે આ દિવસે વ્રત કરે છે.

બેલ-બિલી વૃક્ષ:– બેલ કે બિલીવૃક્ષમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવ્યો હોવાથી આ વૃક્ષના પાન ભગવાન શિવને ચડાવવામાં આવે છે. વારાણસી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ફાગુન મહિનામાં બેલવૃક્ષને સંબોધીને સ્ત્રીઓ લોકગીત ગાતા કહે છે કે,

“अच्छत फूल बेल की पाती
शिव बाबा परिछन जायँ अंगिया रंग भरी ।“

વાંસ:- જન્મથી લઈ મૃત્યુ સુધી સાથે રહેનાર વાંસ એ આપણી સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ અંગ છે. વિવાહની વેદી દરમ્યાન ચારે ખૂણામાં અને વચ્ચે વાંસની લાકડીઓ લગાવવામાં આવે છે. જે નવ દંપતીને શુભકામના આપે છે. વાંસને વંશનું પ્રતિક પણ માનવામાં આવે છે. જેમ વાંસ વધે તેમ પુત્ર પણ વધે અને જેમ વાંસ વધીને પોતાનો યશ વધારે છે તે જ રીતે પુત્રને પણ સારા કર્મોથી પોતાનો યશ વધારવાનું કહેવામાં આવે છે. 

“ बँसवा की नइयाँ तुम बाढो मोरे लालना,
 दुबिया यस छैलाव हमेसा ।“

પલાશ:- બિહારમાં પલાશને મનુષ્ય અને પ્રકૃતિની વરદાયીની શક્તિ સ્વરૂપે ઓળખતા હોઈ તેનો ઉપયોગ છઠ્ઠમાતાના તહેવારમાં, નવગ્રહ પૂજનમાં, બાળકના પ્રથમ અન્નપ્રાસનમાં કે અન્ય શુભ અને મંગલ કાર્યમાં થાય છે. વિવાહ વખતે કન્યાના માતપિતા તેના હાથમાં પલાશની ટેહની મૂકી તેના જીવનને પલાશની જેમ મહોરવાના આશિષ આપે છે.

સોપારી:- ઔષધિય ગુણોવાળી સોપારી એ વિવિધ દેવી -દેવતાઓના પ્રતિકરૂપ  હોવાથી દરેક પૂજન અને સંસ્કારમાં આવશ્યક છે. પારસી લોકો લીલી સોપારીને દ્રવ્ય આપનાર શુભ સંકેત તરીકે ઓળખે છે. શાસ્ત્રોક્ત વ્યાખ્યાં છે કે, જે મંગલ કાર્યોમાં સૂકી સોપારી વહેંચે છે તેને ભેંટ આપવી જોઈએ કારણ કે તે મંગલ સમાચારની વહેંચણી કરે છે. પણ આજના સમયે સોપારી લેવી એ શબ્દ બહુ નકારાત્મક અને અમંગલ શબ્દ હોવાથી આ શબ્દનો પ્રયોગ થતો નથી. કેવળ પૂજન વખતે સોપારીને યાદ કરી લેવાય છે બસ.

કદમ:- જ્યાં કૃષ્ણ છે ત્યાં કદમનું વૃક્ષ છે, અને કદમનું વૃક્ષ છે ત્યાં કૃષ્ણ છે. એમાં યે જ્યારે કદમની ડાળ ઉપર ઝુલો બંધાય અને કૃષ્ણ તેમાં બેઠા હોય તો તે દ્રશ્ય ગોપીઓ માટે કેટલું સોહામણું હશે તેની કલ્પના આપણે કરવી રહી, પણ ગોપીઓને ત્યાં કૃષ્ણ છે તેની ખાતરી છે તેથી અહીં તેઓએ “દર્શન” શબ્દનો પ્રયોગ કર્યો છે.

झूला परौं कदम की डार सखी री, चलौ तों दरसन करि आयें ।

આંબલી:- આંબલીએ ભૂત રહે તેવી માન્યતા આપણે ત્યાં સદૈવ રહી છે. પણ આંબલી છાયો કેટલો આપે તે વિષે પ્રશ્ન હંમેશ રહ્યો છે માટે લોકગીતમાં કહ્યું છે કે,

बिरछन इमली बड़ी रे, बाकी सीतल छाँह ।

હળદર:- હળદર વગર રસોઈ અને શુભ કાર્યો બેરંગ બની જાય છે. પોતાને પીસીને રંગ, સ્વાદ અને શીતળતા આપતી હલ્દી એ કર્તવ્ય બોધનું જ્ઞાન કરાવી પૂજનીય બની જાય છે અને જીવનને રંગમય બનાવે છે.

દૂર્વા:- હરિયાળીનું પ્રતિક એવી દૂર્વા ભગવાન ગણપતિને બહુ પ્રિય છે. હલ્દી અને દૂર્વા વડે નવયુગલને આર્શિવાદ આપવામાં આવે છે કે, હલ્દીનો રંગ તારા જીવન પર ચઢી તમારા જીવનને રંગમય બનાવે અને દૂર્વા સમાન તમારું જીવન હરિયાળીથી ભરાઈ જાય. ઉ.ભાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે બાળકોના પ્રથમ દાંત તૂટે ત્યારે તે તૂટેલો દાંત ઘાસમાં દાટીને ગાવામાં આવે છે કે – “जैसे-जैसे दूब उगे, बढे वैसे -वैसे दाँत ।“

તુલસી:- રામ -શ્યામની પ્રિય એવી તુલસીને એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે,

“तुलसी महारानी कहौ तो एक बतिया, कौन तोहरा बाप और कौन है तोहरी महतारी ?

જવાબમાં તુલસી મહારાની કહે છે કે,

मेह मोरा बाबा। धरनि मोरी महतारी पर हरि की बात न्यारी, क्योंकी वौह मोरा स्वामी ।। “

હરિપ્રિયા તુલસીની પૂજા ફલદાયિની માનવામાં આવી છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. એક માન્ય કથા છે કે, તુલસીએ હરિ સાથે વિવાહ તો કર્યા પણ પોતાને  રાધા રાણી જેવુ ભાગ્ય મળ્યું નથી તે માટે તેને હંમેશા પીડા રહી છે. તુલસીની આ પીડા એક અવધિ ગીતમાં પ્રગટ કરતાં કહ્યું છે કે,

“काहें के राधा रानी जरि से ऊखरबिउ, काहें के देबू गंगा म बहाय ।
कृस्न की सेजियाँ परग नाहीं दैबै, ना होइबै राधा रानी ! सवति तुहारि ।“

આમ્ર: લોકસાહિત્યમાં કહ્યું છે કે, તુલસી ગૃહની કન્યા છે અને આમ્ર એ પુત્ર છે. જે ઘરમાં શુભકાર્યો થવાના હોય તે ગૃહમાં જો પુત્ર ન હોય તો આમ્રના વૃક્ષના કોઈપણ એક તત્ત્વની (ફળ, ફૂલ, થડ, ડાળી કે પાંદડા ) હાજરી હોય તો એ ગૃહને પુત્રવાળા ગૃહ રૂપે જ માનવું. પરંતુ કન્યાને બીજું ગૃહ લેવા માટે સદૈવ તત્ત્પર હોય છે જ્યારે પુત્ર એકલો રહી જાય છે.

“उमडि झुमडि बाबा तुलसी लगावैँ, अमवा लगावैँ अकेल ।
जेकर तुलसी हो ते लै जइहैं, जैहैँ अमवा अकेल !!”

નાગવલ્લી પાન:- આપણાં દરેક સંસ્કારમાં એક સાક્ષી કાયમ હોય છે, જે દર્શાવે છે કે આપણે કોઈક સંસ્કાર કર્મની વિધિ પૂર્ણ કરી છે. આ સાક્ષી છે નાગવલ્લીના પાન, નાગર વેલના પાન, તાંબૂલ. દાંતોની વચ્ચે પીસાઈને પાન જીવન સંઘર્ષના ઉદાત્ત ભાવને પ્રગટ કરે છે. ભગવતી તુલસીની જેમ પાનને પણ કન્યાનું રૂપ માનવામાં આવ્યું છે. વિવાહના પ્રસંગે પાન રાખવાનો અર્થ એ છે કે અમે પાન જેવી સુકોમળ અને હરિયાળી એટ્લે કે આનંદથી છલકાતી દીકરીનું માન-પાન આપના હાથમાં  સોંપીએ છીએ, હવે એ આપની જવાબદારી છે કે અમારી આ કન્યાનું માન -પાન આપને આંગણે જળવાઈ રહે અને એ આપના આંગણે ક્યારેય ન મૂરઝાય. સામે પક્ષે પાન પણ કહે છે કે આપના જીવનમાં વિવિધ રંગ ભરવા માટે હું એકલી સક્ષમ નથી, તેથી કથ્થા, સોપારી, ગુલકંદ અને અન્ય મુખવાસ દ્વારા આપનો પણ મને સાથ મળે જેથી કરી આપણે આપણાં જીવનમાં અનુરાગ ભરી શકીએ.

कोने सार बेसाहल पान गे माइ, किनका बहिन के बड़ैबा नेने जाइ
अपन सार बेसाहल पान गे माइ

અક્ષત:- અક્ષત એટ્લે કે ચોખા.ચોખા એ અક્ષયતા, અખંડતાના પ્રતિક માનવામાં આવ્યાં હોવાથી દરેક પૂજન અનુષ્ઠાનમાં ચોખાની હાજરી અનિવાર્ય ગણાય છે. અક્ષતની વાત ખાસ કરીને કન્યા અને દુલ્હન સાથે સંકળાયેલ છે. જો કન્યા વિદાય થાય તો પોતાની પાછળ ચોખા વેરતી જાય છે એનો અર્થ એ છે કે તે પોતાની પાછળ લક્ષ્મી રૂપી ધન મૂકતી જાય છે, જ્યારે દુલ્હન ચોખાથી ભરેલ કુંભને ઘરની અંદરની તરફ ઢોળતી આવે છે તે દર્શાવે છે હું તમારા ઘરની સુખ સમૃધ્ધિનું કારણ બનીશ. કેટલાક ગૃહોમાં ઘર આંગણમાં ચોખાના લોટની રંગોળી કરવામાં આવે છે. આ રંગોળી કેવળ અન્નદાન કરવાનું એકમાત્ર સાધન છે. મારું એકનું પેટ ભરાય તેનાં કરતાં ઘર આંગણે રહેલાં જીવજંતુઓનું પેટ પણ ભરાય તેવી મંગલ કામના આ રંગોળીની સાથે રહેલી છે.

અક્ષત, નાગવલ્લી, આમ્ર વગેરેની જેમ આપણે ત્યાં જવ, જુવાર, કપાસ, મગ, ખજૂર, નાળિયેર વગેરે જેવા અન્ય અનેક ધાન્ય છે જે આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલ હોઈ લોકસાહિત્યમાં કહ્યું છે કે ઘર આંગણે રહેલું એક વૃક્ષ એ દસ પુત્ર સમાન છે.

~ પૂર્વી મોદી મલ્કાણ

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલ હોઈ લોકસાહિત્યમાં કહ્યું છે કે
    ઘર આંગણે રહેલું એક વૃક્ષ એ દસ પુત્ર સમાન છે.
    ધન્યવાદ