|

કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

અમારા ફ્રેન્ડ્સ, મિ. અને મિસીસ સરદેસાઈએ પોતાની દીકરી પ્રતીતિ માટે સરસ પાર્ટીનું આયોજન બે એરિયાના પોશ નેબરહુડમાં, હાલમાં જ નવી ખૂલેલી, “હાઈ-એન્ડ” ઈન્ડિયન ફ્યુઝન ફૂડની રેસ્ટોરન્ટના પ્લેટિનમ બેન્ક્વેટ હોલમાં કર્યું હતું. આ વાત ૨૦૧૩ના જૂન મહિનાની છે.

એમની દીકરી પ્રતીતિ સાયકોલોજી અને કમ્યુનિકેશનમાં પીએચડી પૂરું કરીને, પોતાની કંપની સ્થાપીને કેરિયર શરૂ કરવા જઈ રહી હતી. પણ ક્યાં, ક્યા ફિલ્ડમાં અને ક્યારે પોતાની કંપની શરૂ કરવાની હતી, એ સરપ્રાઈઝ પ્રતીતિ પોતે આ ફેરવેલ પાર્ટીમાં એના વક્તવ્યમાં ખોલવાની હતી. જ્યારે પાર્ટી માટેના ઈન્વાઈટ ઇન્વિટેશ્ન્સ સહુને મોકલવામાં આવ્યાં ત્યારે આ બાબતનો ઉલ્લેખ એમાં ખાસ કરવામાં આવ્યો હતો.

મિ. અને મિસીસ સરદેસાઈ, બન્ને કમ્પ્યુટર એન્જિનીયર્સ હતાં. ૧૯૮૧માં માસ્ટર્સ કરવા માટે અમેરિકા આવ્યાં હતાં અને અનેક ભારતીય સ્ટુડન્ટોની જેમ અહીંની માયામાં લપેટાઈને અમેરિકાને જ કર્મભૂમિ બનાવીને રહી પડ્યાં.  તેઓની ગણના બે એરિયાના એક નામી “પાવર-કપલ” માં થતી હતી. છેલ્લા ૨૦ વર્ષોમાં એમણે બે સોફ્ટવેર કંપની ઊભી કરી હતી. પોતાની આગવી બુદ્ધિમતા વડે આબરૂ, યશ, કીર્તિ, અને દોલત, બધું જ એમણે ઉપાર્જિત કર્યું હતું. એમની એકની એક દીકરી પ્રતીતિ પણ માતા-પિતાની કેળવણી અને પ્રતિષ્ઠાને આસમાની ઊંચાઈ પર લઈ જાય એટલી કાબિલ હતી.

પાર્ટી “ફુલ-સ્વિંગ” માં ચાલી રહી હતી. હું અને મારા પતિ વિનુ બે-ચાર મિત્રો સાથે ઊભાં ઊભાં વાતો કરી રહ્યાં હતાં. 

સહુ મિત્રો અંદરોઅંદર વાતો કરી રહ્યાં હતાં.

“યાર, બે એરિયાના તમામ નવા-જૂના મિત્રો અને “હુ ઈઝ હુ”ની લિગમાં આવતા સર્વ દેશીઓ આજે અહીં હાજર છે. ભાઈ, સરદેસાઈ જેવી પાર્ટી કોઈ આપી શકે નહીં!”

“એ વાતની ના નહીં. મારી દીકરી નાનપણથી જ પ્રતીતિની ‘બેસ્ટ ફ્રેન્ડ’ રહી છે. એણે કહ્યું કે આવતી કાલે સાંજે, પ્રતીતિ એના ઈન્ડિયન અને અમેરિકન ફ્રેન્ડ્સ સાથે આવી જ, “ઓવર ધ ટોપ” પાર્ટી રિટ્ઝ કાર્લટનમાં આપવાની છે.”

“પણ તમને ખબર છે, કાલે સવારના ભાગમાં સરદેસાઈ પોતાના બિઝનેસ કલીગસ માટે ‘બ્રંચ’ (બ્રેકફાસ્ટ અને લંચ સમયના સંધિકાળ માટે વપરાતો અમેરિકન શબ્દ) “ફોર સિઝન્સ” માં હોસ્ટ કરવાનાં છે. અમારે કાલે સવારના બ્રંચ માટે પણ જવાનું છે. યુ નો, મારી કંપની એમનું આઉટ સોર્સિંગનું કામ સંભાળે છે. એટલે અમારે તો સંબંધ જ એવો છે કે બેઉ પ્રસંગે જવું જ પડે!”

“મને ખાતરી છે કે સવારનું બ્રંચ પણ એટલું જ સરસ રીતે ગોઠવ્યું હશે. ખરેખર, એમની પાર્ટીઓ તો જોરદાર જ હોય છે.”

“અને સેલિબ્રેશન કરવાનો સમય હોય તો કેમ ન કરે? એકની એક લાયક દીકરી, આટલી નાની વયમાં માતા-પિતાના પગલે પોતાની કંપની લોંચ કરવા જઈ રહી છે. એ આપણા સહુ ભારતીયો માટે પણ ગર્વની વાત છે,”

ત્યાં હાજર રહેલાં સહુ પોતપોતાની રીતે સરદેસાઈ સાથેના એમના સંબંધોને વેલીડેટ- માન્યતા આપવા-અપાવવામાં અને બિરદાવવામાં મશગૂલ હતાં. લાઈવ ઓર્કેસ્ટ્રા નવા-જૂનાં હિંદી ગીતોની ધૂન બજાવી રહ્યું હતું. એક બાજુ હોલ વે માં યુનિફોર્મ પહેરેલાં વેઈટર્સ, અનોખા અને ખાસ વ્યંજનો- એપિટાઈઝર્સ લઈને આમંત્રિત મહેમાનોમાં ફરીને પીરસી રહ્યાં હતાં. તો બીજી બાજુ, ઓપન બાર પાસે ડ્રિંક્સ માટે રાહ જોતાં લોકો વાતો કરી રહ્યાં હતાં. અમે પણ સહુની સાથે વાતોમાં મશગૂલ હતાં.

ત્યાં જ ડીજેએ સહુને પોતપોતાના એસાઈન કરેલા ટેબલ પર બેસી જવાની વિનંતી કરી. સહુ હોલમાં આવીને પોતાને એસાઈન થયેલી સીટ પર ગોઠવાઈ ગયા. ડીજેએ અંગ્રેજીમાં ફરી એનાઉન્સ કર્યું, ‘આજનો પ્રોગ્રામ હવે શરૂ કરીએ છીએ. જેના મુખેથી સરપ્રાઈઝ જાણવા આપ સહુ આતુર છો, એ પ્રતીતિ સરદેસાઈ હવે આપ સમક્ષ એને પોતાના આ વક્તવ્યમાં રજુ કરે છે.” 

અને, પ્રતીતિએ અંગ્રેજીમાં આપેલા અદ્‍ભૂત વક્તવ્યનો સારાંશ અહીં મારા સ્મરણોની કેડીએથી ગુજરાતીમાં રજુ કરું છું.

“આપ સહુ અમારા આમંત્રણને માન આપીને, આપનો કિમતી સમય ફાળવીને અહીં, મારી આ માઈલસ્ટોન ઘટનાને મારા કુટુંબ સાથે ઉજવવા આવ્યાં, એ બદલ, હું અને મારા પેરન્ટ્સ, અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીને આપ સહુનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ.

મારા મમ્મી-પપ્પાની ઈચ્છા મને ડોક્ટર બનાવવાની હતી. વિચારો, પોતે તો બેઉ કમ્પ્યુટર એન્જિનિયર બન્યાં એટલું જ નહીં, એન્ટ્રીપ્રેનોઈર – નવું સાહસ કરનારા ઉદ્યોગપતિ – અને એ પણ પરદેશની નવી ધરતી પર, પણ હું ડૉક્ટર બનીને નિઃસ્વાર્થભાવે લોકોની સેવા કરું એવું સપનું જોતાં હતાં.

સાચું કહું, તો મારે પણ નાનપણથી ડૉક્ટર બનીને લોકોની સેવા કરવી હતી. છેવટે આજે ડૉક્ટર તો બની પણ, મેડિકલ ડૉક્ટર નહિ. છતાં, લોકોની સેવા કરવાને, મારા સપનાંનો બીજો ભાગ તો હવે હું જે કરવા જઈ રહી છું એનાથી પૂરો થશે. કઈ રીતે એ આગળ કહીશ. પણ, ઓચિંતો જ પંદર-સોળ વર્ષની સંધિકાળની ઉંમરે મારા જીવનમાં એક એવો બનાવ બન્યો કે જેના કારણે મેં ડોક્ટર બનાવવાનું સપનું કોરે મૂકીને આજે જે કરવા જઈ રહી છું, એની નીંવ મૂકાઈ. મને એ બનાવ આજે ખાસ કરીને આપણા ભારતીય સમાજનાં આપ સહુ જેવા “ક્રીમ ઓફ ધ ક્રાઉડ” સામે કોઈ પણ છોછ વિના મૂકવો છે. 

મારી માસીના દીકરાના લગ્ન એટેન્ડ કરવા હું દસમા ધોરણના સમર વેકેશનમાં ઈન્ડિયા ગઈ હતી. મારા માસીનું ત્યારે કેન્સરમાં ત્રણ વરસ પહેલાં જ અકાળે અવસાન થયું હતું. એ સમયે પોતાની કંપનીના ફંડિગના ત્રીજા રાઉન્ડની ખૂબ અગત્યની મિટિંગ હોવાથી મારા મમ્મી-પપ્પા આવી શકે એમ નહોતાં. પણ, આ પ્રસંગે, મને ઈન્ડિયા મોકલીને મમ્મીને એવું લાગતું હતું કે એની બહેન પ્રત્યેની ફરજ એ લાગણીથી બજાવી રહી છે.

મારા માસીના દીકરાના લગ્ન ગોવામાં લેવાયા હતાં. મારી માસીની દીકરી પણ મારી જ ઉંમરની હતી. આથી મારી કઝીન સાથે મને ખૂબ મજા આવશે એ વિચારીને હું પણ ખૂબ એક્સાઈટેડ હતી. અમે સહુ ઘરનાં લોકોના રહેવા માટે માસાએ એમના બનેવીના ગોવામાં આવેલા પંદરેક રૂમના વિશાળ બંગલામાં વ્યવસ્થા કરી હતી. અમેરિકામાં સાવ ખુલ્લા વાતાવરણમાં ઉછરેલી હું, દરેક ઉંમરના સ્ત્રી અને પુરુષો સાથે મોકળા મને મળતી, હસતી, અને વાતો કરતી. ઉત્સવના એ વાતાવરણમાં દિવસો ખૂબ સરસ જઈ રહ્યાં હતાં. લગ્નનાં બે દિવસ પહેલાં, હું મારી જ ઉંમરની માસીની દીકરી સાથે, બપોરે, બીજા માળનાં અગાસી પછી આવેલા રૂમમાં સૂવા માટે ગઈ હતી. આગલી રાતે સંગીત હતું અને મોડે સુધી જાગ્યાં હતાં, મોજ-મસ્તી કરી હતી, એનો ખૂબ થાક હતો. અમે બારી બારણાં બંધ કર્યાં, પડદા પાડ્યા અને એરકન્ડિશન ચાલુ કર્યું. પછી બેઉ વાતો કરતાં કરતાં ક્યારે સૂઈ ગયાં એની ખબર પણ ન પડી. 

અચાનક જ મારા શરીર પર કોઈ ભારે હાથ ફરતો મહેસૂસ થતાં સફાળી જાગી ગઈ અને ઊભી થવા જાઉં તો મને એક હાથથી મને જોરથી પકડી રાખીને, બીજો હાથ મારા મોઢા પર જોરથી દાબી રાખવામાં આવ્યો હતો. મેં એ પકડમાંથી છૂટવા માટે છટપટાત કરતાં બાજુમાં જોયું તો મારી માસીની દીકરી સાથે પણ એક જુવાન દુષ્કર્મ કરવાની કોશિશ કરી રહ્યો હતો. રૂમમાં અંધારૂં સારું એવું હતું પણ બધું જોઈ શકાતું હતું. ત્યાં હાજર રહેનારા એ બેઉ જણાંના ચહેરા જોઈને હું તો હબકી જ ગઈ. મને મોલેસ્ટ કરવાની કોશિશ જે કરી રહ્યો હતો એ માણસ બીજો કોઈ નહીં, પણ મારી માસીની દીકરીનો, સાઈઠ વર્ષની પણ કદાચ વધુ ઉંમરનો હેવાન જેવો સગો ફુઓ હતો. મારી માસીની દીકરી પર બળાત્કાર કરવાની કોશિશ કરનાર પણ એના ફુઆનો જ ૨૨ વર્ષનો શેતાન દીકરો હતો. માફ કરજો, હું અપમાનજનક ભાષા વાપરી રહી છું પણ આજે આટલા વર્ષે પણ એ ઘડી યાદ આવતાં હું ક્રોધથી સળગી ઊઠું છું. 

એની વે, મેં જોરથી એક ઝટકો માર્યો. એ સાઈઠ વર્ષનો બુઢ્ઢો પલંગ પરથી નીચે પડી ગયો. મારા કપડાં સરખા કરતાં હું સફાળી ઊભી થઈ અને મારી કઝીનને મોલેસ્ટ કરવાની કોશિશ કરતાં છોકરાને પણ મેં ધક્કો માર્યો અને મારી કઝીનને ખેંચીને ઊભી કરી. તો પેલો જુવાન મારી કઝીનને છોડીને, નીચે પોતાના પિતાને ઊભો કરવા આવ્યો અને પછી બેશરમીથી કહે; “તું અમેરિકાથી આવી છે તો તને શું લાગે છે કે તું બૂમો પાડશે અને બધાને બોલાવશે તો સહુ તારું કહ્યું માની જશે? તને ખબર છે, આ બંગલો જેમાં તમે બેઉ આરામ ફરમાવી રહ્યાં છો ને, એ અમારો છે. ભારતના જુદા જુદા શહેરોમાં અમારા આવા અઢાર બંગલાઓ છે. અમે તો ખાનદાની કરોડપતિ છીએ.”

પછી સહેજ થોભીને વરવું હસીને મારી કઝીન સામે હાથ કરીને કહે, “અને તને એવું થતું હશે કે તેં આને બચાવી લીધી છે! અરે, એની સાથે, એની મા મરી ગઈ પછી તો છેલ્લા બે વર્ષોમાં આવું હું અનેકવાર કરી ચૂક્યો છું. જા, પાડ બૂમો. તને શું લાગે છે કે આનો બાપ, મારો મામો, જેના ખર્ચા અમે ઉપાડી રહ્યાં છીએ એ અમારું માનશે કે આ છોકરીનું? હું આ છોકરીને એક મિનિટમાં જ બદચલન સાબિત કરી દઈશ.”

આ સાંભળતાં જ હું તો સ્તબ્ધ થઈ ગઈ! આટલું કહીને એણે એના પિતાને હાથ આપીને ઊભો તો કર્યો પણ ઓચિંતા જ પલંગ પરથી પડી જવાથી એ બુઢ્ઢાને પીઠમાં સારું એવું વાગ્યું હતું. એ જોઈને જો કે મને એટલો તો સંતોષ થયો કે એ સાવ હાનિ વિના અહીંથી નહોતો જઈ રહ્યો. એ બેઉ ત્યારે તો ગયા, અમે બેઉએ અમારી જાતને સરખી કરી. મારી કઝીન મને વળગીને રડતી રહી અને એના પર એની માતાના મૃત્યુ બાદ આ અત્યાચાર કેવી રીતે અને કઈ રીતે થઈ રહ્યો હતો એની વાત કરી.

મેં એને ત્યારે પુછ્યું કે એણે એના ભાઈને (જેના લગ્ન થતા હતા) કે એના પિતાને આ વાત કેમ ન કરી? તો એ બોલી કે એમનું ઘર એના ફુઆ જ ચલાવે છે અને માસા અને એનો ભાઈ પણ ફુઆના જ બિઝનેસમાં છે. કોણ એનું સાંભળવાનું હતું? અને, હવે જે વાત કહી એનાથી હું આખી જ હચમચી ગઈ. એણે કહ્યું કે, એની દસમાંથી ૫-૬ બહેનપણીઓ સાથે પણ આવા જ બનાવ બન્યા છે અથવા બનતા રહે છે. એની કોઈ પણ બહેનપણી ઘરનાં લોકોને આવા બનાવો વિષે કહી નથી શકતી, કારણ, આવા અત્યાચાર કરનારા વગદાર અને વખામાં મદદગાર થનારા કુટુંબીજનો અથવા જાણીતા માંથી જ હોય છે.

આ સાંભળીને મને ત્યારે જ થયું કે આવા જુલ્મોથી પીડાતી છોકરીઓ અને સ્ત્રીઓની તકલીફોને તથા એમની શરમ, સામાજિક બહિષ્કાર ને બદનામીના ડરને જડમૂળમાંથી ઉખાડવા કંઈક તો કરવું જ જોઈએ. અને ત્યારે જ મેં નિર્ણય કર્યો કે હું એક નોન-પ્રોફીટ સંસ્થા સ્થાપીને આવી પીડિતાઓની મદદ કરીશ. ત્યારે એવી તો કંઈ ખબર નહોતી કે આ કઈ રીતે થશે. પણ, આજે, આવું કાઉન્સિલિંગ કરવાનું ક્વોલિફિકેશન્સ મેં મેળવી લીધું છે. અને આજીવન સહુની સેવા કરીને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવા મેં એક એનજીઓની સ્થાપના કરી છે. મેં આપ સહુ વિદ્વાનો સામે મારી આ વાત એટલે મૂકી કે કદાચ આવા શોષણનો શિકાર બનેલાઓને તમે મળો તો કોઈ છોછ કે સૂગ વિના અપનાવજો અને માનસિક રીતે સધિયારો આપજો.

હવે તમને થશે કે આ તો બધી સુફિયાણી વાતો થઈ. એ શોષિત, પીડિત, મા વિનાની મારી એ કઝીનનું શું થયું? હવે અહીં એન્ટ્રી થાય છે મારા મમ્મી-પપ્પાની. મેં તે દિવસે જ મારા પેરેન્ટસને ફોન કર્યો અને બધી જ વાત કરી. તો એમણે મને સલાહ આપી કે લગ્ન સમયે હાલ કંઈ પણ ન કરતી. ખૂબ જ સાવધાન રહેજો બેઉ, જેથી પેલા રાક્ષસો ફરી કંઈ આવું ન કરે.

એમણે કહ્યું કે તેઓ મને પાછી લઈ જવા એક અઠવાડિયામાં જ ભારત આવશે. ત્યાં સુધી એમની એ જરૂરી મિટિંગ પણ પતી જવાની હતી. મારી સાથે, મારી કઝીનને પણ તેઓ અમેરિકા લઈ જશે. મને ગર્વ છે કે મારા માતા-પિતાએ જે કહ્યું તે કર્યું. મારી સાથે મારી એ કઝીનને પણ અમેરિકા લઈ આવ્યાં. મારી કઝીન અહીં રહી શકે એટલે એના વિઝાની વ્યવસ્થા કરી. અને તમે માનશો, એમણે એને ભણાવીને ડૉક્ટર બનાવી એટલું જ નહીં, પોતાનું નામ પણ આપ્યું. આપ સહુ એને અમારા ઘરમાં મળ્યાં છો જ.

જી હા, આ વાત જાહેરમાં કરવાની એણે પોતે ખાસ રજા આપી છે, જેથી અનેક પીડિતાઓને સચ્ચાઈને સામે લાવવાની હિંમત મળે. ગીવ અ બીગ હેન્ડ ટુ માય બોલ્ડ સિસ્ટર, ડૉ. અદિતિ સરદેસાઈ.  

સાચા અર્થમાં તો, હું આજે રજુ કરી રહી છું, મારા માતાપિતાનું એ સ્વરૂપ કે જેના થકી મને મારા જીવનનો અર્થ મળ્યો અને મારી કઝીનને એની ગિલ્ટ વિના જીવી શકાય એવી જિંદગી. હું જે પણ કરવા જઈ રહી છું એ આવા ઉદાત્ત માબાપ વિના શક્ય ન હોત, એની પ્રતીતિ મને થઈ ચૂકી છે. શું મારા આ પ્રયાસથી આવનારા સમયમાં, લોકો આવા શોષણ સામે જાગૃત થશે? આનો જવાબ તો સમય જ આપશે.

કોઈને એ સવાલ થાય કે આજે આટલો મોટો શો કરવાનો અર્થ શો છે? મારી અલ્પમતિ એટલું જ કહે છે કે આ કામ કરવા માટે જે સાધન અને પૈસાની જરૂર પડે છે એને આપ સહુ અહીં હાજર રહેલાઓ સહેલાઈથી એફોર્ડ કરી શકો એમ છો. તમારી સહાયથી વધુ પ્રતીતિઓ સામે આવશે અને આવા અનેક સામાજિક કામોમાં નિસ્વાર્થ ભાવે પોતાની જાતને હોમી દેશે, તો જ આ સમાજ અને આ દુનિયા બદલાશે. બસ, આ જ એક હેતુ હતો આ આખો સમારંભ કરવાનો. સહુનો ખૂબ ખૂબ આભાર.”

તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી રહ્યો હતો. પ્રતીતિ સ્ટેજ પરથી નીચે ઊતરી. અમે સહુ એને વારાફરતી અભિનંદન આપી રહ્યાં હતાં. ડીજે ગીત વગાડી રહ્યો હતો; “કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલમેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ!”

~ જયશ્રી વિનુ મરચંટ
(સત્યઘટના પર આધારિત)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ‘આ કામ કરવા માટે જે સાધન અને પૈસાની જરૂર પડે છે એને આપ સહુ અહીં હાજર રહેલાઓ સહેલાઈથી એફોર્ડ કરી શકો એમ છો. તમારી સહાયથી વધુ પ્રતીતિઓ સામે આવશે અને આવા અનેક સામાજિક કામોમાં નિસ્વાર્થ ભાવે પોતાની જાતને હોમી દેશે, તો જ આ સમાજ અને આ દુનિયા બદલાશે. બસ, આ જ એક હેતુ હતો
    ધન્ય હેતુ.
    પ્રેરણાદાયી લેખ
    ધન્યવાદ

  2. સમાજની વિકૃતિઓ સામે પડકાર કરી હિંમત અને ધૈર્યથી યોગ્ય નિર્ણયો લેનારની આ કથા માર્ગદર્શક છે.