સુરતમાં જન્મેલા કવિ નર્મદ મુંબઈના દરિયાનાં મોજાંમાં જાણે વિલીન થઈ ગયા (લેખ) ~ દીપક મહેતા ~

નર્મદ જન્મદિન: ૨૪ ઑગસ્ટ
(વિશ્વ ગુજરાતી દિન)
લેખ સૌજન્ય: ગુજરાતી મિડ-ડે

૧૯મી સદીની છોકરાઓ માટેની મુંબઈની એક સ્કૂલ ભજવવા માટે લખાયેલું નર્મદનું પહેલું નાટક

વર્ષ ૧૮૫૮. મહિનો નવેમ્બર. તારીખ ૨૩. મંગળવાર. પચીસ વર્ષની ઉંમરનો એક યુવક. આખો દિવસ સરકારી એલ્ફિન્સ્ટન સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી કર્યા પછી સાંજે ઘરે આવે છે. માથા પરની પાઘડી હાથમાં લઈને સીધો પોતાના લખવાના મેજ પાસે આવે છે. આ યુવક એ વખતે મૂર્તિપૂજામાં માનતો નહોતો એટલે ઘરમાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ નહોતી, ના, સરસ્વતીદેવીની પણ નહીં, પણ તેના મેજ પર કલમ પડી છે. આ એ જ કલમ છે જેના વડે તેણે નિબંધો અને ભાષણો લખ્યાં છે, પત્રો અને ડાયરી લખ્યાં છે, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ અને રસપ્રવેશ જેવા અભ્યાસગ્રંથ લખ્યા છે અને નર્મ કવિતાના પહેલા ત્રણ ભાગનાં કાવ્યો લખ્યાં છે. એ કલમ સામે યુવાન તાકી રહે છે. આંખમાં ઝળઝળિયાં છે. હાથ જોડતો નથી એ યુવક, પણ મનમાં પોતાની કલમ માટે પૂરેપૂરો આદરભાવ છે. એ કલમ સામે તાકીને મનોમન બોલે છે, ‘હવે આજથી હું તારે ખોળે છઉં.’ એ યુવાન એટલે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે વીર કવિ નર્મદ, અર્વાચીનોમાં આદ્ય નર્મદ, સુધારાની સેનાનો સૈનિક નર્મદ. સરકારી નોકરી એટલે તો આખી જિંદગીની નિરાંત. ‘ખરચે ન ખૂટે, વા કો ચોર ન લૂંટે’ એવી નોકરી અને પગાર હતો મહિને ૪૦ રૂપિયાનો જે એ જમાનામાં ઓછો તો ન જ ગણાય. પણ દિવસ દરમ્યાન એ નોકરીનું રાજીનામું આપી દીધું હતું, ઘરમાં કોઈનેય જણાવ્યા વગર, પણ કેમ? બે કારણ. પહેલું એ કે આખો દિવસ છોકરા ભણાવીને, તેમનાં તોફાન-મસ્તી સહન કરીને, રોજ સાડાછ કલાક સુધી ક્લાસરૂમમાં ગોંધાઈ રહીને એ યુવાન ત્રાસી ગયો હતો. જીવ કવિનો હતો એટલે આ વાત તેણે કવિતામાં પ્રગટ કરી છે ઃ

સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય
કરવી સક્ત તેમાં નોકરી નિશાળની
જોવી ઊઠબેઠ બહુ સહુ ભણનાર તણી
સાંભળવી વાત વળી માર ગાળ આળની
થાકી લોથ ભારી થયે બીજાં કામ થાય નહીં
બીજા જેવું માન નહીં, માથાફોડ બાળની.

પણ બીજું વધુ સાચું કારણ તો એ કે એ યુવાનને પ્રતીતિ થઈ ચૂકી હતી કે પોતાનો આજીવન સંબંધ શબ્દ સાથે, સર્જન સાથે, લેખન સાથે બંધાયેલો છે, પણ પછી કૉલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં ગોકુળદાસ તેજપાલ સ્કૂલમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તરની નોકરી લેવી પડી. એ સ્કૂલ છોડીને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનની સેન્ટ્રલ સ્કૂલમાં અસિસ્ટન્ટ માસ્તરની નોકરી લીધી હતી, પણ હવે એ નોકરી પણ છોડી દીધી. એ વાત પિતા લાલશંકરને કહી ત્યારે તેમણે મનનો ગુસ્સો મનમાં જ રાખ્યો અને માત્ર એટલું બોલ્યા: ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી?’ નર્મદ કાંઈ ગર્ભશ્રીમંત નહોતો. કોઈ એકાદ હિતેચ્છુ અમલદાર કે સંસ્થાની ઓથ પણ નહોતી તેને, અને છતાં તેણે આવો નિર્ધાર કર્યો, પણ પોતાની લગની ખાતર પોતાના બાપને શહીદ ન કરાય. ‘મારી હકીકત’ નામની આત્મકથામાં નર્મદ નોંધે છે: ‘જ્યારથી સ્કૂલની નોકરી મૂકી ત્યારથી મેં નિશ્ચય કર્યો હતો કે હવે બાપને ભારે પડવું જ નહીં, એ પડાય એમ હતું પણ નહીં.’

૧૮૬૫માં પ્રગટ થયેલ ‘નર્મગદ્ય’ના પહેલા ભાગમાં નર્મદે છપાવેલો પોતાનો ફોટો

૧૮૬૧થી અમેરિકામાં સિવિલ વૉર શરૂ થઈ એને પ્રતાપે મુંબઈમાં અસાધારણ સમૃદ્ધિ આવી. સમૃદ્ધિને પગલે મોજ-શોખ વધ્યાં. લોકોને નાટકની ઘેલછા લાગી. એ વખતે બે પારસીઓએ તેમની કવિતા નાટ્યગૃહમાં ગાવા માટે નર્મદની પરવાનગી માગી. પહેલાં તો નર્મદે કહ્યું કે ‘મારી કવિતા ગાયાથી લોક ખુશી થાય એવી લોકની સમજ નથી.’ પણ પેલા પારસીઓએ આગ્રહ કર્યો એટલે ‘એક બેઠક’ના ૧૦૦ રૂપિયા આપવાની શરતે નર્મદે મંજૂરી આપી. એટલે આ કામ માટે ‘નર્મગીતગાયક મંડળી’ શરૂ થઈ. તેની બે બેઠકો થઈ, પણ નર્મદે કહ્યું હતું એમ લોકોને આ પ્રયોગ પસંદ ન પડ્યો અને આયોજકોને ખોટ ગઈ. એટલે એ મંડળી ભાંગી પડી. નર્મદે પોતાને મળેલા ૨૦૦ રૂપિયા એ મંડળીની ‘દયા જાણી’ને પાછા આપી દીધા! તો બીજી બાજુ ફ્રેયર લૅન્ડ રેક્લેમેશન’ નામની એક નવી કંપની નીકળી હતી એનો એક શૅર નર્મદના ખાસ મિત્ર કરસનદાસ માધવદાસે ભેટ આપ્યો એ વેચી નાખતાં ૫૭૦૦ રૂપિયાનો નફો થયો એમાંથી નર્મદે અગાઉનું બધું દેવું ચૂકવી દીધું.

અમાસ નિશ ઘનઘોરમાં, ચોરી ધાડનો ભોય,
ઘરમાં વસ્તી દીપની, બ્હાર ડાંડીની હોય.

મુંબઈની અને પછી ગુજરાતની ભૂમિ પર આ શબ્દોના પડઘા પહેલી વાર પડ્યા એ ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે. બીજા કેટલાક મિત્રો સાથે મળીને એ દિવસે નર્મદે મુંબઈથી ‘ડાંડિયો’ નામનું પખવાડિક શરૂ કર્યું અને એના અંકો છપાતા હતા નર્મદના પારસી મિત્ર નાનાભાઈ રુસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. એ જમાનામાં કોઈ આફત પ્રસંગે કે કોઈ સારા-માઠા પ્રસંગે એના ખબર લોકો સુધી પહોંચાડવા માટે શહેરમાં ડાંડી પીટીને જાહેરાત કરવામાં આવતી. નર્મદે આ પાક્ષિક દ્વારા લોકોને, સમાજને, સત્તાવાળાઓને જાગતા રાખવાનો અને એ રીતે સમાજને સાચે માર્ગે વાળવાનો ઇરાદો રાખ્યો હતો. મિત્રો જ નહીં, આર્થિક મદદ કરનાર પણ કશું ખોટું કરે તો એ વિશે ‘ડાંડિયો’માં લખવામાં નર્મદ શરમ-સંકોચ રાખતા નહીં. આ વિશે કેટલાક હિતેચ્છુઓએ ફરિયાદ કરી ત્યારે નર્મદે લખેલું કે નાણાંના બદલામાં હું સત્ય બાબતે સમાધાન ક્યારેય કરીશ નહીં. ‘ડાંડિયો‍’નાં લખાણોમાં નર્મદનું ગદ્ય સોળે કળાએ ખીલેલું જોવા મળે છે. જો નર્મદ સમયમૂર્તિ હતા તો ‘ડાંડિયો’ આ સમયનું મુખપત્ર હતું. જો નર્મદ યુગપુરુષ હતો તો ‘ડાંડિયો’ નવા યુગની આહલેક પોકારનારું બ્યૂગલ હતું, જેમાં ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ના પડઘમ સદા પડઘાતા રહ્યા હતા. આવું એક અનોખું સામયિક કાઢવાની તક નર્મદને મળી એ મુંબઈમાં. એ વખતના ગુજરાતમાંથી આવું આખાબોલું સામયિક કદાચ કાઢી અને ચલાવી શકાયું ન હોત.

૧૮૬૫માં નર્મદે ‘નર્મગદ્ય’નો પહેલો ભાગ પ્રગટ કર્યો. આજે તો પુસ્તકના આગલા-પાછલા પૂઠા પર કે પુસ્તકની અંદર, એના લેખકનો ફોટો છાપવાનું સાવ સામાન્ય બની ગયું છે, પણ ૧૮૬૫ સુધીમાં બીજા કોઈ ગુજરાતી પુસ્તકમાં લેખકનો ફોટો છાપ્યો હોય એવું બન્યું નહોતું. એ પહેલ કરી નર્મદે. ‘નર્મગદ્ય’ના પહેલા ભાગમાં તેમણે પોતાનો ફોટો મૂક્યો. એ વખતે હજી આપણે ત્યાં હાફ ટોન બ્લૉક વડે ફોટો છાપવાની સગવડ થઈ નહોતી એટલે નર્મદે પોતાનો ફોટો પડાવીને જર્મની મોકલ્યો હતો અને ત્યાં બનાવેલા ‘એન્ગ્રેવિંગ’ વડે ફોટો છપાવ્યો હતો. એની નીચે નોંધ મૂકી હતી: ‘અહીંના ને જિલ્લાના ઘણાએક લોકોની ઇચ્છા અને કેટલાએક મિત્રોની વિનંતી એ ઉપરથી મેં મારું ચાડું (જર્મનીથી કોતરાવી અણાવી) ગ્રંથને આરંભે મૂકવાનો અવિવેક કર્યો છે.’

મુંબઈમાં નર્મદના હિતેચ્છુઓ ઘણા હતા. તેમને કવિની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ હતો. કવિને લેખનમાંથી થોડી પણ નિયમિત આવક થાય એવું કશુંક કરવાના પ્રયત્ન આ હિતેચ્છુઓ કરવા લાગ્યા. એ વખતે મુંબઈમાં કેખશરુ કાબરાજીની પારસી નાટક મંડળીની બોલબાલા હતી. તે પારસી-ગુજરાતી નાટકો ઉપરાંત ‘શુદ્ધ’ ગુજરાતી નાટકો પણ ભજવતી. કાબરાજી સાથે અમુક બાબતમાં મતભેદ થતાં મુંબઈની નિશાળોના કેટલાક માસ્તરોએ ભેગા મળીને ‘ગુજરાતી નાટક મંડળી’ કાઢી અને પહેલવહેલું રણછોડભાઈ ઉદયરામનું ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવ્યું જેને અસાધારણ સફળતા મળી. એટલે નર્મદના બે-ત્રણ હિતેચ્છુએ વિચાર્યું કે કવિ જો નાટકો લખે તો એનાથી નિયમિત આવકનું એક સાધન ઊભું થાય. એટલે તેમણે એક નવી નાટક મંડળી કાઢી અને એને માટે નર્મદ પાસે નાટકની માગણી કરી. હવે આ વાતની ખબર પડી કાબરાજીને એટલે તેઓ સીધા પહોંચ્યા નર્મદ પાસે અને પોતાની મંડળી માટે એક ધાર્મિક-પૌરાણિક નાટક લખી આપવાની વિનંતી કરી. એ માટે કવિને કેટલી રકમ આપવી એ નક્કી કરવાનું કામ કેટલાક ‘મધ્યસ્થો’ને સોંપ્યું અને નર્મદે લખ્યું ‘શ્રી રામજાનકી દર્શન.’ એ નાટક ભજવાયું, વખણાયું. આ નાટકમાં લોકોએ એક નવો જ રંગ જોયો અને એને ઉત્સાહથી વધાવી લીધો. પછી તો નર્મદનાં નાટકોની ‘ડિમાન્ડ’ વધવા લાગી. ‘આર્યસુબોધ મંડળી’ માટે ‘શ્રી દ્રૌપદીદર્શન’ અને ‘સાર-શાકુન્તલ’ જેવાં નાટકો લખ્યાં,  બીજી એક નાટક મંડળી માટે ‘શ્રી બાળકૃષ્ણવિજય’ નાટક લખ્યું. આ નાટકોએ કવિને ઠીક-ઠીક કમાણી કરાવી. ‘શ્રી દ્રૌપદીદર્શન’ દ્વારા નર્મદે એક બીજી પહેલ કરી. એ નાટક ભજવવાનું શરૂ થયું એની સાથે જ તેને પુસ્તકરૂપે પણ નર્મદે પ્રગટ કર્યું અને એ નાટકની ભજવણી વિશેની કેટલીક વિગતો પણ એમાં નોંધી.

અને છેલ્લે ૧૮૮૬ના ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની એક સવાર. બધા કુટુંબીજનોને પોતાની પાસે બેસાડ્યા નર્મદે. છેલ્લા કેટલાક વખતથી કવિની તબિયત કથળતી જતી હતી અને તેઓ પથારીવશ હતા, પણ એ વખતે હાજર હતા એવા કવિના એક અંતેવાસી રાજારામ રામશંકર શાસ્ત્રીએ લખ્યું છે કે એ દિવસે બેઠા પછી તપ્ત સુવર્ણ જેવી કાંતિવાળી મુખમુદ્રા પર સૂર્યચંદ્ર સરખાં બે તેજસ્વી નેત્રો પૂરાં ઉઘાડીને કવિએ કહ્યું: ‘ત્રેપન વર્ષની વયમાં મેં ઘણું જોયું, અનુભવ્યું ને જગતના અનેક રંગ દીઠા. એમ જગતે મારા પણ જોયા. હવે આ દેહ બે-ચાર દિવસ રહેવાનો છે એમ હું જાણું છું, પણ તમારે કોઈએ એ સંબંધે જરા પણ ખેદ નથી કરવાનો. તમે બધા સુખી રહેવાના છો એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે. જય સાંબ સચ્ચિદાનંદ!’ અને ૧૩૪ વર્ષ પહેલાં ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મીએ માત્ર લગભગ મધ્યાહ્‍ને ૫૩ વર્ષની વયે કવિ નર્મદે દેહ છોડ્યો. એ વખતે અરબી સમુદ્રના કાંઠાથી થોડે દૂર આવેલી સોનાપુરની સ્મશાનભૂમિમાં એ દેહ વિલીન થઈ ગયો. ગંગા, યમુના, નર્મદા કે તાપી કોઈ પણ નદી છેવટે તો સાગરમાં વિલીન થઈ જતી હોય છે. તાપીને કિનારે સુરતમાં જેનો જન્મ થયો હતો એ કવિ નર્મદ પણ જાણે મુંબઈના સમુદ્રનાં મોજાંઓમાં વિલીન થઈ ગયા. ત્યારે તેમણે વર્ષો અગાઉ લખેલી એક કાવ્યની પંક્તિઓ હવામાં ગુંજતી હતી…

નવ કરશો કોઈ શોક,
રસિકડાં નવ કરશો કોઈ શોક. 
યથાશક્તિ રસપાન કરાવ્યું,
સેવા કીધી બનતી,
રસિકડાં નવ કરશો કોઈ શોક.
વીર સત્ય ને રસિક ટેકીપણું,
અરિ પણ ગાશે દિલથી,
રસિકડાં નવ કરશો કોઈ શોક.   

~ લેખક : દીપક મહેતા
~ સૌજન્ય: ગુજરાતી મિડ-ડે

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. shri Dipik bhai is king for old sangralaya. kavi shri Nramad vise old phota sathe saras mahiti api badal abhar. temno lekh old bombay pan sars mmahiti apti hati juni mumbai vishe. Great.

  2. મહાકવિ, વીરકવિ ને અંજલિ આપતો મનનીય લેખ.. દીપકભાઈને અભિનંદન દિલ સે..

  3. કવિ શ્રી નર્મદની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતી ભાષા-સાહિત્યપ્રેમી મિત્રોને ‘જય જય ગરવી ગુજરાત” ના નારા સાથે હાર્દિક શુભેચ્છાઓ.
    ચાલો, સૌ સાથે મળી ગુજરાતી ભાષાનું ગૌરવ વિશ્વ સ્તરે વધારીએ.

  4. ખૂબ વિગતસભર અને નર્મદના વ્યતિત્વને ઉઘાઙનાર લેખ

  5. મહાકવિ, મહા યોધ્ધા, મહાપરાક્રમી નર્મદને આ લેખથી વધારે કોઈ શ્રેષ્ઠ અંજલિ હોઈ ન શકે તેવી પ્રતીતિ કરાવતો સુંદર મનનીય લેખ ! શ્રી દીપકભાઈ , હાર્દિક અભિનંદન અને વંદન ! નર્મદને કે નર્મદ વિશે હું જ્યારે પણ વાંચુ કે વિચારું છું ત્યારે આંખો ભીની થયાં વિના રહેતી નથી.તમારા લેખની પણ આવી જ ઈફેકટસ આવી છે.સત્યના એ પરમ ઉપાસકને પુનઃ પુનઃ નમું નમું !
    પ્રફુલ્લ પંડ્યા