બારી (કવિતા) ~ માના વ્યાસ


એ ઘરનાં ભાયગ તો ગયેલાં ફૂટી
પણ સઘળાં અરીસા અકબંધ
પ્રતિબિંબોએ મોં ફેરવી લીધા
બાકી ચહેરાઓની આંખોમાં ધૂંદ
બે વૃદ્ધ ખોડંગાતી જિંદગીને
ધક્કો મારી ખેસવે રોજ રાતે
દર્પણને થાય ફોડી નાંખે દિવાલોને
થરથરતી કરચિયાળી ચામડીમાં
રુધિર હાંફતું હાંફતું થાકે
પવન રોજ પડતું મૂકે બારીએથી
ઘટ્ટ મીણ જેવા ઉદાસ દિવસોમાં
હવાયેલી વાટ સરખું બંને થીજે
કિચૂડાટે કાટ ખાધેલી
ખૂલી આજે એક બારી
વૃદ્ધાના વિસ્મયે ધસી આવી
ગુલમ્હોરની લચકંતી  ડાળી
સદા અંધારા ઉલેચતી આંખોએ દીઠી
વસંતની સવારી
કૂદીને અંદર આવતી
ઝળકી જરા દર્પણમાં
મહેકી અહીં તહીં
કંઈ બોખા મોં પરની ઝાટકી ધૂળ
ખેરવી પાંદડી સાથે
ઉદાસી ધરમૂળ..

~ માના વ્યાસ

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

 1. સુ શ્રી માના વ્યાસની સ રસ કવિતા
  ખૂલી આજે એક બારી
  વૃદ્ધાના વિસ્મયે ધસી આવી
  ગુલમ્હોરની લચકંતી ડાળી
  સદા અંધારા ઉલેચતી આંખોએ દીઠી
  વાહ્

 2. એક બંધ બારી ખોલી નાખતું સુંદર કાવ્ય..
  અભિનંદન..