વિશ્વનું નુકસાન : તાલિબાન ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

શું તમે મધ્યકાલીન માહોલ જોયો નથી? વાંધો નહીં, તાલિબાન આ માહોલનો પરિચય આખી દુનિયાને કરાવી રહ્યું છે. ટાઈમ મશીનમાં સદીઓ પાછળ આખા દેશને ધકેલવાનો અપયશ તાલિબાનને ફાળે જાય છે. પરમાણુ શસ્ત્રો શેખી મારતા અને અત્યાધુનિક મિસાઈલોનો ખડકલો ધરાવતા રાષ્ટ્રો પણ અફઘાનિસ્તાનની વહારે આવી શક્યા નહીં. ભગવતીકુમાર શર્માની પંક્તિમાં મહાસત્તા અને પ્રજાની લાચારી વર્તી શકાશે…
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે

અનુભવ છે દરિયાના તોફાનનો પણ
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે

ચાંચિયાઓ વહાણનું અપહરણ કરતા હોય છે. આ તો આખો ને આખો દરિયો હડપ થઈ ગયો અને ગર્વિષ્ઠ આકાશ જોતું રહી ગયું. સમરથ કો નહીં દોષ ગુંસાઈ. માવજી મહેશ્વરીની પંક્તિમાં પણ બે પાસા વણાયેલા છે…
લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા

હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા

તાલિબાનના કર્મો વિશે લખવા બેસીએ તો બ્લૂ શાહીને બદલે લાલ લોહીથી લખવું પડે. તેમના કારનામા, કરતૂતો અગાઉ અફઘાન પ્રજાએ જોયેલા જ છે. બેહાલ લોકો અન્ય દેશમાં પલાયન થવા વલખા મારી રહ્યા છે. વર્ષો સુધી જે ઘરબાર, નાનીમોટી સંપત્તિ અર્જિત કરી એ બધું જ આતંકવાદી ઓછાયામાં એકઝાટકે છોડી હિજરત કરી જવાની મજબૂરી એકવીસમી સદીને કપાળે લાગેલું કાળું ટીલું છે. સુખની રેખા શોધવા માઈક્રોસકોપિક નજર પણ નિષ્ફળ નીવડે. કીર્તિકાન્ત પુરોહિત કહે છે એ આશાએ જીવવું રહ્યું…
ન મોહમ્મદ કે ના રાઘવ શોધવા છે
મળે તો બસ અહીં માનવ શોધવા છે
દવા છો ના મળી આતંકી દરદની
દુઆના શાશ્વતી આસવ શોધવા છે

કાબૂલ એરપોર્ટ પર મચેલી અફડાતફડી સામે દાદર સ્ટેશનની ભીડ પણ સારી લાગે. વિમાનના દેહ પર નાગરિકો સાથે લાચારી પણ લટકતી હતી. ઠાંસોઠાંસ ભરેલી ટ્રેનથી આપણે ટેવાયેલા છીએ, પણ ઠાંસોઠાંસ ભરેલું પ્લેન જોઈ વિરાર સ્ટેશનની આંખો પણ પહોળી થઈ જાય. રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રીજની જેમ વિમાનની સીડી પર ખડકાયેલા નાગરિકોને જોઈને મીનાક્ષી ચંદારણાની આ પંક્તિઓ યાદ કરવી પડે…
સિસકતા સાદ ના દેજો, અમારે દૂર જાવું છે
વતનની યાદ ના દેજો, અમારે દૂર જાવું છે
નથી કરવા ખુલાસા કોઇ, બસ પરિયાણ નક્કી છે
કશો સંવાદ ના દેજો અમારે દૂર જાવું છે
આપણને આપણા જ ઘરમાંથી આવીને કોઈ કાઢી મૂકે તો કેવું લાગે? આ પ્રકારની સાર્વજનિક ગુંડાગીરી જ્યારે આખા દેશને પરેશાન કરતી હોય ત્યારે કોઈ મસીહા તારવા આવે એવી દુઆ કરવી પડે. તાલિબાનો  સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચતુર ચીન અને કમઅક્કલ પાકિસ્તાન છે. ચીબી ચાઈનીસ નજર અફઘાનિસ્તાનની ખનીજ સંપત્તિ પર છે. પાકિસ્તાન માટે તો આતંક ધબકતો વેપાર જ છે. મુત્સદી રશિયા સોગઠાબાજી સાથે તૈયાર છે. આ બધાના પ્રતાપે આધુનિક હથિયારો સાથે ફરતા દાઢીધારી તાલિબાનો માત્ર અફઘાન પ્રજાને નહીં આખી દુનિયાને વિચલિત કરી રહ્યા છે. કિરણસિંહ ચૌહાણની વાત બંધબેસે છે…
જાતને પણ વેચવાની કેવી ખટપટ હોય છે
જીવવા કરતાં અહીં મરવાની ફાવટ હોય છે

શું છે સંવેદન વિનાના આ શરીરની હેસિયત?
માત્ર આ થોડાક સ્નાયુની સજાવટ હોય છે

મરવા કે મારવાની માનસિકતા ધરાવતા તાલિબાનો સેકન્ડ ઈનિંગમાં પોતાનો ચહેરો ઉજળો ચિતરવાની કોશિશ કરી રહ્યા છે. તેમની જાહેરાતો પર કોઈને વિશ્વાસ નથી. કાળી શાલ નીચે કાળી ચાલ ચાલે એવું શાતિર દિલ એમની પાસે છે. બે દાયકા સુધી અફઘાનિસ્તાનની પડખે રહેનાર અમેરિકા સહિત બધાની આશા ઠગારી નીવડી. ખલીલ ધનતેજવી કહે છે એવું કશુંક કાચું કપાઈ ગયું છે…
ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી

ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા
રણ વિષેની ધારણા હંમેશ ક્યાં સાચી પડી?

ક્યા બાત હૈ

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે

તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધા છે માણસ પર?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે

~ ડૉ. રઈશ મનીઆર

આપનો પ્રતિભાવ આપો..

16 Comments

  1. અફઘાનિસ્તાનની કરુણતા અને દુર્દશાનો બહુ ઓછા શબ્દોમાં આપે કવિતા કરતાં કરતાં ચિતાર આપી દીધો. સૌથી મોટી કરુણતા તો એ છે કે વિશ્વ આખું ચૂપ થઈને બેઠું છે.

  2. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઊંડા ન ઉતરતા સામાન્ય માણસને પણ આ માનવસર્જિત વિભીષિકાનો ખ્યાલ આવે તે માટે આવા પ્લેટફોર્મ પર એક સારા લેખની જરૂર હતી. સરસ લેખ થયો છે અને કંડિકાઓ પણ યથાયોગ્ય.

  3. ભયાનક પરિસ્થિતિનો ચિતાર, શબ્દે શબ્દે સત્ય ટપકે છે

  4. એક એક શેર, ગઝલ અને હિતેનભાઈના શબ્દ શબ્દમાંથી સત્ય જ સાંપડે છે.
    હૃદયસ્પર્શી લેખ..

  5. ખરેખર એવો લેખ છે કે જે આ પરિસ્થિતિ થી અજાણ હશે એને પણ પૂરી માહિતી મેળવવા માટે જિજ્ઞાસા જાગશે . વૈશ્વિક ચિત્રને ગઝલ દ્વારા અને ગઝલના શેર દ્વારા દોરવાની આપની રીત બહુ જ અનોખી છે .

  6. દારુણ પરિસ્થિતિ નો સટિક ચિતાર
    બેહાલ લોકો અન્ય દેશમાં પલાયન થવા વલખા મારી રહ્યા છે.
    ज़े-हाल-ए-मिस्कीं, मकुन-ब-रन्जिश,
    बहाल-ए-हिज्र बेचारा दिल है
    ડૉ. રઈશ મનીઆર ની અદભુત ગઝલ

  7. વાહ ખુબ સરસ કેઝ અને યોગ્ય શેર્નું ચયન…. !!

  8. હિતેન ભાઈ, તમારા શબ્દે શબ્દે સત્ય ટપકે છે.

  9. ભયાનક પરિસ્થિતિ નો દારુણ પણ કાવ્યાત્મક ચિતાર !