ખરેખર શું હતું? (સત્યઘટના) ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટારઃ “જિંદગી ગુલઝાર હૈ”

(સત્યઘટના પર આધારિત – ગોપનીયતા જાળવવા પાત્રોના નામ, સંદર્ભ , સ્થળ, સમય અને ઘટનાક્રમમાં યથોચિત ફેરફાર કરવામાં આવ્યાં છે.)       

એપ્રિલ ૨૦૨૦, વિશ્વ સમસ્તમાં કોરોનાને નામે મોટો હાહાકાર મચી રહ્યો હતો. કોરોના નામના માનવભક્ષી રાક્ષસે પૃથ્વીના ખૂણેખૂણેથી માણસોને ‘ઓહિયા’ કરવાનું ચાલુ કર્યું હતું અને હજારોને રોજ ભક્ષી જતા એ રાક્ષસનું પેટ ભરાવાના કોઈ આસાર ૨૦૨૧માં પણ નજર નથી આવતા.

જૂન ૨૦૨૧ ના પહેલા વીકમાં મારી મિત્ર ભદ્રા એના પિયરમાં કંઈક ઈમરજન્સી આવતા ઓચિંતી જ મુંબઈ જવા નીકળી ગઈ. ભદ્રા અને અમે, છેલ્લા ૨૦ વર્ષોથી કેલિફોર્નિયાના ફ્રિમોન્ટમાં એક જ નેબરહુડમાં રહેતાં હતાં. ઈન્ડિયા જતાં પહેલાં અમને એના ઘરની ચાવી અને સિક્યોરીટી કોડ આપવા ભદ્રા અમારે ઘરે આવી હતી. ત્યારે ભદ્રાએ કહ્યું હતું કે, “જયુ, પરમ દિવસે રાતે મોટીબેનનો ફોન આવ્યો હતો અને એ ખૂબ જ અપસેટ છે.

મોટીબેને મને બને એટલી વહેલી તકે મુંબઈ બોલાવી છે. વધુ પૂછ્યું તો કહે, “ફોન પર વધુ વાત થાય એમ નથી.” એની દીકરી કેમિલા હોસ્પિટલમાં છે અને સિરીયસ છે. હું મોટીબેનના દીકરાની વાઈફને ફોન કરું છું તો એ પણ ઉપાડતી નથી.

મને ખૂબ બીક લાગે છે જયુ. મોટીબેનનો દીકરો પણ, ત્રણ વરસ પહેલાં ૩૭ વરસની જ ઉંમરે, એની વાઈફ અને ચાર વરસની એક દીકરીને રડતાં મૂકી હાર્ટ એટેકમાં ઓચિંતો મૃત્યુ પામ્યો હતો. કેમિલા તો પોતાના ભાઈ કરતાં છ વરસ નાની છે. મોટીબેનની જાન તો એની આ ‘પોપટી” જેવી દીકરી કેમિલામાં વસેલી છે.

મોટીબેનની ડોટર-ઈન-લોઆમ જુઓ તો ખૂબ પ્રેક્ટિકલ છે. “Brutally Practical”… નિર્દયપણાની હદ લાગે ત્યાં સુધીની વાસ્તવવાદી છે. એ આમ તો રહે છે મોટીબેન સાથે જ. હવે તેણે ઘરનો બિઝનેસ સંભાળી લીધો છે અને ઘરખર્ચ પણ એ જ ચલાવે છે. હોંશિયાર ખરી, પણ સ્વભાવ એવો કે બે મીઠા વેણ એના મોઢેથી ન નીકળે. કામ વિના કોઈ વાતચીત ન કરે. એકદમ રુક્ષ વર્તન લાગે. ક્યારેક તો એમ થાય કે ભગવાને આ બાઈને ઈમોશન્સ આપ્યાં છે કે નહીં!

પણ થાય શું? મોટીબેન આ ઉંમરે જવાની પણ ક્યાં હતી? પતિ અને પુત્ર બંનેએ હાર્ટ એટેકમાં જાન ગુમાવ્યો. હવે મોટીબેનનો જીવ માત્ર દીકરી કેમિલામાં છે. એને પણ શું ભગવાન છીનવી લેશે? અને કેમિલાના તો છ અને આઠ વરસના બે છોકરા પણ છે. જયુ, આ તે કેવો ન્યાય છે ઈશ્વરનો? જયુ, મને સાચે જ મોટીબેન માટે બહુ ચિંતા થાય છે. એ સંજોગો સામે ઝૂઝી શકે એવી નથી.

મોટીબેન બહુ લાગણીશીલ છે. મારા ડિવોર્સને આજે ૨૪ વરસ થઈ ગયાં, પણ આજેય એ વાતનો ઉલ્લેખ આવતાં જ એમની આંખમાં પાણી આવી જાય છે. મને અવારનવાર કહે કે; “ભગવાન જાણે કે ભદ્રા, તેં પારકા પરદેશમાં આમ ડિવોર્સ લઈને એકલે હાથે બેય સંતાનોને કઈ રીતે મોટાં કર્યાં, ભણાવ્યા અને પગભર પણ બનાવ્યા! હું તો રડી રડીને જ મરી જાત…!”

જયુ, મને સાચે જ પહેલી વખત ડર લાગે છે કે ન કરે નારાયણ ને કેમિલાને કશુંક થઈ જશે તો?” 

મેં ભદ્રાને ધીરજ બંધાવતાં કહ્યું, “નેગેટિવ વિચાર કર્યા વિના જા. કંઈ નહીં થાય. કંઈ કામ હોય તો મને જણાવજે. તને એરપોર્ટ પર જવા રાઈડ જોઈએ છે તો હું મૂકી જાઉં!” એણે ડોકું ધુણાવીને ના પાડી અને અમે “બાય” કહીને છૂટાં પડ્યાં.

ભદ્રા મુંબઈ પહોંચી એનો મને ઈમેલ મોકલ્યો અને પછી ભદ્રા બે-ત્રણ લીટી વોટસએપ પર રોજ લખતી.

“કેમિલા હવે ઘરે આવી ગઈ છે. કેમિલાના પતિએ એને ખૂબ મારી હતી. એને કારણે ખૂબ ઈન્ટરનલ બ્લીડિંગ થયું અને ૬-૭ યુનિટ બ્લડ આપવું પડ્યું હતું. હવે સારું છે.”

“કેમિલાની તબિયત હવે સારી થતી જાય છે. મોટીબેનની ડોટર-ઈન-લો માટે મારા વિચારો કેટલાં ખોટાં હતા એ વાતનો મને અફસોસ થાય છે. વધુ વાત પાછી આવીને કહીશ.”

“હું જુલાઈની પહેલી તારીખે સાન ફ્રાન્સિસ્કો પહોંચી રહી છું. તું હોસ્પિટલમાં મેજર સર્જરી પછી રિકવર થઈ રહી છે એ જાણ્યું. ગેટ વેલ સુન, જયુ. આવીને ખૂબ બધી વાતો કરવાની છે. ભલે, હું ફુલી વેક્સીનેટેડ છું પણ મુસાફરીથી આવીને ચૌદ દિવસ તો હું તને કે કોઈને નહીં મળું. ઈન્ડિયામાં કોરોનાનો ડેલ્ટા વાયરસનો સ્ટ્રેન ખૂબ ફેલાયો છે. મને ભલે ન થાય પણ મારા લીધે બીજા કોઈનેય ન જ થવો જોઈએ. પણ હા, તું જલદી સાજી થઈ જા, માય ફ્રેન્ડ. સી યુ સુન.”

અને થોડાક દિવસોમાં ભદ્રા પાછી આવી ગઈ. બે-ત્રણ દિવસમાં જેટ લેગ પૂરો થતાં એણે મને ફેસટાઈમ કર્યો. 

“અરે વાહ, ભદ્રા. ગઈ ત્યારે તને ખૂબ ચિંતા હતી પણ આજે તો તારા મોઢા પર નિરાંત દેખાય છે. બધું બરાબર ને?”

“હું તો ઠીક છું પણ તને ઓચિંતું આ શું થઈ ગયું? તને આ સર્જરી-બર્જરી સાથે બહુ બેનપણા લાગે છે.”

“શું કરું. સર્જરીઓને મારામાં અંતરંગ સખી દેખાય છે! આજે જ હોસ્પિટલથી ઘરે આવી. પણ તું કહે, કેવું રહ્યું બધું ઈન્ડિયામાં? કેમિલા ઓકે છે ને?”

“જયુ, તને જે કહીશ એ તને માનવામાં પણ નહીં આવે! અમારી કેમિલા એની મા જેવી જ નરમ અને સાદી, સીધી છોકરી છે. એના લગ્ન તો વીસ વર્ષની વયે કરી નાખ્યા હતા. કેમિલા ખૂબ જ સુંદર અને દેખાવડી. સ્વભાવે સાવ રાંક અને ઘરકામમાં એકદમ જ પ્રવીણ. પણ ભણવામાં એ બહુ જ એવરેજ હતી. માંડ-માંડ બીએ પતાવેલું.

એ દરમિયાન જ નવી મુંબઈ, વાશીમાં રહેતાં અમારી જ ન્યાતના એક ખૂબ શ્રીમંત કુટુંબના એકના એક દીકરાનું માંગુ આવ્યું અને મોટીબેન તો કંઈ ખુશ, કંઈ ખુશ! એને તો માન્યામાં જ નહોતું આવતું કે આવા પૈસાદાર પરિવારના એકના એક, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી એમબીએ થયેલા છોકરાનું માંગુ પોતાની ગાય જેવી દીકરી કેમિલા માટે સામેથી આવ્યું હતું. મોટીબેન પાસે ત્યારે આર્થિક રીતે કોઈ સગવડ નહોતી. બનેવીને ગુજરી ગયે માંડ એક વરસ જ થયું હતું. એમના પ્રોવિડન્ટ ફંડની રકમ દીકરાને એન્જિનિયર બનાવવામાં અને એના લગ્નમાં વપરાઈ ગઈ હતી. એના દીકરાએ એની સાથે જ ભણતી છોકરી સાથે લવમેરેજ કર્યા હતા. આ પછી જે થોડા-ઘણાં પૈસા બચ્યા હતા એ એના દીકરાએ પોતાની એન્જિનિયર પત્ની સાથે કન્સલટિંગ કંપની ચાલુ કરી એમાં વપરાઈ ગયા હતા.

મોટીબેને કહ્યું કે કેમિલા માટે જ્યારે એ શ્રીમંત ઘરનું માંગુ આવ્યું ત્યારે સામા પક્ષને એમણે ચોખ્ખું કહ્યું હતું કે એમની ત્રેવડ નથી કે લગ્નમાં એમના સ્ટેટસ પ્રમાણે બધો વ્યવહાર કરી શકે. પણ ત્યારે તો મીઠી-મીઠી વાત કરીને સામેવાળાઓએ કહ્યું કે એમને તો કેમિલા જેવી, ઘરને સ્વર્ગ બનાવી શકે એવી જ છોકરી જોઈએ છે.

તને યાદ હોય તો હું એના લગ્નમાં ત્યારે અહીંથી ગઈ પણ હતી. લગ્ન તો પતી ગયા સારી રીતે. લગ્નના એક-બે વરસ તો બધું સારું રહ્યું. પણ કેમિલાને તો ઘર સંભાળવાવાળી નોકરાણીની જેમ જ રાખવામાં આવતી.

થોડો સમય ગયા પછી તો કેમિલા પર ખૂબ માનસિક અને શારિરીક ત્રાસ ગુજારવાનું શરુ થયું. એનો હસબન્ડ એના પર ક્યારેક, ક્યારેક હાથ ઉપાડવા માંડ્યો હતો. પછી તો સાસુ-સસરાનો જુલમ ચાલુ થયો કે લગ્નના બે વરસ થયાં પણ હજી બાળક નથી તો એમને વારસદાર જોઈએ છે. અમારી ગરીબ ગાય જેવી કેમિલા ચૂપચાપ સહન કરતી કારણ એને ખબર હતી કે એની મા પોતે ભાઈ-ભાભીની ઓશિયાળી થઈને જીવે છે, તો એના માટે કોઈ જગા જ નહોતી કે એ જઈ શકે.

આમ આવા ટોર્ચરમાં એણે થોડાંક વરસો કાઢ્યાં અને પછી પહેલો દીકરો આવ્યો તો સાસુ-સસરા થોડા મોળાં પડ્યા, પણ એના ભણેલા-ગણેલા, સફળ બિઝનેસમેન પતિની જોહુકમી એવી ને એવી જ રહી. બે વરસ રહીને બીજો દીકરો આવ્યો પણ કોઈ ફેર નહીં. એનો પતિ ગરીબ ગાય જેવી કેમિલા પર હવે તો રોજ હાથ ઉપાડતો. એનાં બૂટની પોલિશ પણ ઘરમાં કામ કરતા હેલ્પરે નહીં કરવાની, આવું બધું પણ કેમિલાએ જ કરવાનું. બે છોકરા સંભાળવામાં જો બૂટપોલિશમાં કશું આગળપાછળ થયું તો કેમિલાને એ જ જૂતાંથી ઢોર માર પડતો.

આવામાં આજથી બે-અઢી વર્ષ પહેલાં કોને ખબર ક્યાંથી, પણ કેમિલાના વરને હાર્ડ ડ્રગ્સની લત લાગી. પછી તો રોજ જ એ ઓફિસથી ડ્રગ્સ અને ડ્રિન્ક્સ લઈને આવતો અને કેમિલાને મારતો. ક્યારેક ક્યારેક તો મારના આ એપિસોડ બેઉ છોકરાઓની સામે બનતાં અને તેઓ ડરીને દાદા-દાદીને બોલાવવા જતા, પણ એ લોકો પણ પોતાના આ બગડેલા અમીરજાદાને રોકતાં નહીં.

અને હમણાં, છેલ્લે તો હદ થઈ ગઈ! એના મનમાં ડ્રગ્સની અસરને કારણે એવું ઘૂસી ગયું કે આ છોકરાઓ પોતાના નથી પણ, પોતાના જ બે ખાસ દોસ્તાર જે એની ભેગા ડ્રગ્સ પણ લેતા હતા, એમના છે. પેલા બેઉ પણ ડ્રગી હતા અને નશામાં કંઈક તો બોલી ગયા હશે એટલે આના મનમાં શકનો કીડો ઘૂસી ગયો.

એક દિવસ આમ જ નશાની હાલતમાં ઘરે આવ્યો અને કેમિલાને એલફેલ બોલવા માંડ્યો કે આજે એ ફેસલો કરશે કે ક્યો છોકરો કોનો છે. આ વખતે તો બેઉ છોકરાંઓને પણ કેમિલાની સાથે ઘસડીને ગાડીમાં લઈ ગયો. છોકરાંઓ તો બિચારા અડધી ઊંઘમાં હતા અને હોટલ સુધી પહોંચતા ગાડીમાં જ ઊંઘી ગયા. એમને ત્યાં ગાડીમાં મૂકીને એ રાક્ષસ પતિ એક હોટલના રૂમમાં કેમિલાને લઈ ગયો. ત્યાં એ બેઉ ડ્રગી પણ હાજર હતા.

આટલા વર્ષો જુલમ સહેવાં છતાંએ કેમિલા હજુયે સુંદર તો લાગતી જ હતી. જયુ, હોટલમાં જે થયું એ કહેવા નારી જીભ નથી ઉપડતી. કયા શબ્દોમાં કહું? શું ગુજાર્યું એના પતિ અને ડ્રગી દોસ્તોએ કેમિલા પર!

દોસ્તોએ કરેલા બળાત્કારને એણે રેકોર્ડ કર્યા અને પછી ગાડીમાં લઈ જઈને પોતાના પટ્ટાથી કેમિલાને ખૂબ મારી. ત્યાં જ પાર્કિંગ લોટમાં ઊંઘતા છોકરાઓ સાથે ફેંકીને ચાલ્યો ગયો.

કેમિલાની હાલત બહુ ખરાબ હતી. એણે હોટલના મેનેજરને મોટીબેનનો નંબર આપ્યો. જ્યારે હોટલ મેનેજરનો ફોન મોટીબેન પર ગયો ત્યારે મોટીબેને જે અસહાયતા અનુભવી છે, એ તો એ જાણે અને ભગવાન જાણે! ભલુ થાય એ હોટલવાળાઓનું કે જેણે એને હોસ્પિટલ ભેગી કરી. કેમિલા હજી હોશમાં હતી.

પણ, મારે વાત જે કરવી છે તે કંઈક જુદી જ છે જયુ. ખબર છે મેં તને મોટીબેનની ડોટર-ઈન-લો માટે કહ્યું હતું કે એ બિલકુલ ઈમોશનલેસ છે અને બ્રુટલી પ્રેક્ટિક્લ છે? હોટલમાંથી મોટીબેનને જ્યારે રાતના ફોન ગયો ત્યારે તેમણે ડોટર-ઈન-લોને ડરતાં ડરતાં જગાડી.

તું માનીશ નહિ, એનામાં ત્યારે એક જુદી જ સ્ત્રી જોવા મળી. ઘરમાં બેબીનું ધ્યાન રાખવા માટે એક બહેન રહેતાં હતાં એને બેબી સોંપી. પછી એ મારતી ગાડીએ મોટીબેન સાથે હોસ્પિટલ પહોંચી. મોટીબેનને કેમિલા પાસે મૂકી એ હોટલવાળા પાસે રહેલા બેઉ છોકરાઓ પાસે ગઈ. બંનેને શાંત પડી, સાચવીને ઘરે મૂકી આવી. ત્યાં તેમને સેટલ કરી ફરી પાછી હોસ્પિટલ દોડતી આવી.

જયુ, કટિંગ ધ લોંગ સ્ટોરી શોર્ટ, એણે જે કાબેલિયતથી નિર્ણયો લીધાં એની શું વાત કરું? કેમિલાની ટ્રીટમેન્ટ તો ચાલી રહી હતી પણ એની પાસેથી આખી વાત સાંભળ્યા પછી ડોટર-ઈન-લો બોલી, “તેં આટલા સમયમાં મમ્મીને પણ કંઈ કહ્યું કેમ નહિ કેમિલા?” પછી મમ્મી તરફ ફરીને કહે, “મમ્મી, ખબરદાર છે જો તમે કેમિલાને સાસરે પાછી મોકલી છે તો! તમારો દીકરો નથી, પણ હું હજુ જીવું છું અને સારું કમાઈ પણ શકું છું. કેમિલા અને એના બને છોકરાઓ આપણી સાથે જ રહેશે. પેલો નાલાયક શું વિડિયો બતાવીને ડિવોર્સ લેશે,? આપણે જ ડિવોર્સ માટે ફાઈલ કરીશું,”

પછી તેણે જે કહ્યું તે શબ્દોએ તો એના માટે મારું માન વધારી દીધું. “મમ્મી અને કેમિલા, મને બહુ સારું-સારું બોલતાં નથી આવડતું. પણ હું માનું છું કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન બનતી હોય છે. આપણે ત્રણેયે આ મીથ તોડીને એકબીજા માટે ઊભાં રહેવાનું છે. આપણે બધાં નારીશક્તિની વાતોના ખાલી વડા કરીએ છીએ. પણ એક સ્ત્રી ઉપર થયેલા જુલમ સામે અન્ય સ્ત્રીઓ જો સંગઠિત થાય તો મજાલ છે કે સમાજમાં આવા બનાવો બને?

જો કેમિલાની સાસુએ મા-દીકરાના સંબંધને બાજુ મૂકીને, પોતાના સગ્ગા દીકરાને વાર્યો હોત અથવા મમ્મીને ફોન કર્યો હોત કે તમારી દીકરીને લઈ જાઓ અહીંથી… તો શું વાત આજે આટલી હદે પહોંચત?

પુરુષોની વાત તો છોડો, પહેલાં તો આપણે સ્ત્રીઓ જ ઓબજેક્ટીવલી વિચારીને એકજૂટ નથી થતી. અને કેમિલા, ભૂલ તારી પણ છે. પહેલીવાર તારા પતિએ હાથ ઊપાડ્યો ત્યારે જ તારે અમને ઇન્ફોર્મ કરવું જોઈતું હતું. દુઃખને ઉછેરી-ઉછેરીને તમે પોતે જ એને મોટું થવા દીધું છે. જ્યાં સડો લાગેલો હોય એ મૂળિયાંને પંપાળવા નહીં, કાપી નાખવા જ સારાં!”

“જયુ, હું તો એ છોકરીની ફેન થઈ ગઈ છું. મેં તો અહીં બેસીને, એના કટ એન્ડ ડ્રાય નેચરને કારણે, એના વિષે શું ધાર્યું હતું અને ખરેખર તો શું હતું!”

મોટીબેનની ડોટર-ઈન-લોએ કરેલી એક વાત હું મનમાં ને મનમાં વિસ્તારતી રહી. સ્રીનું દુશ્મન કોણ? એના ઉપર જુલમ કરે છે તે? આ જુલમમાં જે લોકો સહભાગી થાય છે તે? કે પછી જે જુલમ સહે છે તે પોતે પણ?

~ જયશ્રી વિનુ મરચંટ

 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. You have obliged so called SABHYA SAMAJ by high lighting this story. Irrespective of judging who is at fault, what you decided and narrated facts will definitely OPEN the eyes of suffering daughters.

  2. હૃદયસ્પર્શી તો ખરાં જ પણ હૃદયને ખુશ કરનાર પોઝિટિવ વલણ જે દરેક સ્ત્રી માટે જરૂરી… ખૂબ સરસ કલમ

  3. જે ભગવાન ઠીક લાગે એની જ ઉપાસના કરો. …
    તેવો પ્રસંગ આવે તો એક અનંત સર્વવ્યાપી શકિત …
    લડવા માટે તૈયાર રહેવું પડશે.

  4. માણસમાં રહેલી રાક્ષસી વૃત્તિઓ સામે લડવા માટે શકિત ઉપાસના જ એકમેવ ઉપાય.