ઓળખાણ (લેખ) ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

ઓળખાણ મોટી ખાણ છે એવું કહેવાય છે. ઓળખાણ, પરિચય, પહેચાન, પિછાણ કેટકેટલાં નામ વાપરીએ છીએ એને માટે. કોઈક મળે- એ વ્યક્તિ કોણ છે, શું કરે છે, નામઠામ બધી વિગતો ખબર પડે એટલે ઓળખાણ થઇ કહેવાય. કહેવાય? આ તો જે તે વ્યક્તિ વિશેની માહિતી મળી એમ ના કહેવાય? અને માત્ર વ્યક્તિ જ કેમ? સ્થળ કે કોઈ વસ્તુ માટે પણ એવું ના કહેવાય? 

મોટેભાગે સજીવ પાત્ર અને ખાસ તો મનુષ્યયોનિના પાત્ર સાથેના પરિચયને કે કશા જોડાણને આપણે ઓળખાણ કહીએ. એટલે જ ઓળખાણ એ માત્ર કશી જાણકારી કે માહિતી ન બની રહેતાં કશાક જોડાણનું દ્યોતક બની રહે છે. કોઈકના વિષે કંઈક જાણીને,અનુભવીને પછી એની સાથે એક સેતુ બાંધવાની કેડી કંડારી આપે છે ઓળખાણ. 

આપણે ઘણીવાર કોઈને માટે કહી નાખીએ છીએ કે હું એને ઓળખતી નથી અથવા તો હું તો એને બહુ સારી રીતે ઓળખું છું. કે પછી, અરે, હું તો એને ઓળખી જ ના શકી..! ત્યારે ઓળખાણ શબ્દના ધ્વન્યાર્થ બદલાઈ જાય છે! ઓળખાણ શબ્દની આસપાસ નવા શેડ્સ ઉમેરાઈ જાય છે.     

કોઈને ઓળખવું એટલે શું? એના વિષે શક્ય તેટલી બધી માહિતી હોવી તે? કે એના વ્યક્તિત્વ વિષે ઊંડાણથી જાણવું તે? કે પછી એનાં મનોસંચલનોથી અવગત હોવું તે? કોઈને ઓળખીએ છીએ ત્યારે બહારથી એ જે હોય છે તે જણ પણ હોય અને અંદરથી જે હોય તે પણ હોય જ ને? ઉપરછલ્લી કે આંખની ઓળખાણ જેવા શબ્દો પણ આપણે વાપરીએ છીએ એમ કહેવા માટે કે જે તે વ્યક્તિ વિષે આપણે વધુ જાણતા નથી. એમ જોવા જઈએ તો આપણે ક્યારેય કોઈને ય પૂરેપૂરું ઓળખી શકીએ ખરા?

કોઈક વ્યક્તિની આપણી સાથેની ઓળખાણનું પરિમાણ કોઈ અન્ય વ્યક્તિ સાથેની ઓળખાણના પરિમાણ કરતાં સાવ જ જુદું હોય એવું ય બને છે ને! પહેલાં કોઈકને વિષે જાણીએ,પછી કદાચ એને ઓળખીએ. ને પછી પણ ઓળખાણની કક્ષા દરેક સંબંધમાં અલગ જ રહેવાની. આપણે હંમેશા આપણી બે ઓળખાણ રાખીએ છીએ. એક સૌને માટેની અને બીજી માત્ર આપણને પોતાને જ ખબર હોય તેવી. આમાંની એક સાચી અને બીજી ખોટી એવું ય નથી. આ તો અન્ય સુધી આપણી અમુક પ્રકારની જ ઓળખાણ પહોંચે છે, અથવા તો આપણે પહોંચવા દઈએ છીએ એની વાત છે.

આમ તો સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી કે તાજમહેલ વિશે ભલે  હું ઘણુંય જાણતી હોઉં પણ એને માટે હું ઓળખાણ શબ્દ નથી વાપરતી. પણ તો ય ક્યારેક ક્યારેક નિર્જીવ વસ્તુઓમાં પણ સજીવારોપણ કરી દઈને આપણે એને ઓળખીએ છીએ એવું કહી તો નાખીએ છીએ. જેમ કે હું પોતે જ કહેતી હોઉં છું ને કે મારા તળાવને હું ઓળખું છું, કે મારું મુંબઈ મને ઓળખે છે એવું જ કઈંક. આવું કહીએ તે આમ તો કવિતા જેવું લાગે કે કાં તો  ફિલોસોફી જેવું. વાત તો પરિચયના પ્રથમ પગથિયાંથી ઘણે આગળ પહોંચી હોય એવી સ્થિતિની છે. ઓળખાણ એ આવે વખતે માહિતી નહીં પણ અંગત કક્ષાએ પહોંચે છે, સંબંધના સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે.  

જીવન છે ત્યાં સુધી ઓળખાણો તો થતી જ રહેશે. એમાંની કોઈક જાણવા સુધી, કોઈક પિછાણવા સુધી અને કોઈક સંબંધ રૂપે માણવા સુધી પહોંચશે. તો ય આ સઘળી પરિસ્થિતિમાં પણ એક પાતળું,અર્ધપારદર્શક આવરણ આપણી આગળ સતત ઝૂલતું જ રહે છે- જે યાદ અપાવ્યા કરે છે કે કોઈને ઓળખીએ છીએ કહીને ય આપણે કદાચ એ વ્યક્તિને કદાચ નથી જ ઓળખતા. આમ તો અમુક ધર્મ કે તત્વજ્ઞાન પણ કહે છે કે પહેલાં તો આપણે આપણને ઓળખતાં શીખવાનું છે. સ્વની ઓળખની એ ભૂમિકા બાહ્યાભ્યન્તર બંને કક્ષાની હોવી ઘટે. કદાચ એ પછી જ પરને ઓળખવાની વાત થઇ શકે. ત્યાં સુધી પરિચયના સઘળાં પગથિયાં માત્ર ઓળખાણ શબ્દની લાકડીને ટેકે ચડવા ઉતરવા રહ્યા.

હજુ તો હું સ્વને ઓળખવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરું છું. પણ એમ કરતાં કરતાં બહારની સઘળી ઓળખાણોને સંબંધના કોઈ પણ પ્રકારના હાથવગા બીબામાં ગોઠવતી જ રહું એમાંની હું તો નથી. તમે છો? 

– નંદિતા ઠાકોર

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. અત્યંત નિકટના લાગતા હાર્દિક સંબંધોમાં પણ કોણ જાણે કેમ ક્યાંક કશુંક પરિવર્તન આવે છે.ઓળખાણો મોટા પ્રમાણમાં વધતી જાય છે, પણ સંબંધો ક્યાંય જળવાતા નથી. સંબંધોનો આ અભાવ ઓળખાણોને પોતીકી માનીને અહંની આળપંપાળ કરે છે.ઓળખાણો હોવી એ કોઈ બૂરી વાત નથી, પણ આ ઓળખાણોમાં સંબંધ ઉમેરાય એ વધારે અગત્યની વાત છે. આજે માણસ-માણસ વચ્ચે સંબંધોની જરૂરત છે, નરી ઓળખાણોની નહીં.