એ છેલ્લો દિવસ (સત્યઘટના) ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

“તમે શું કરી રહ્યાં છો જયુબેન ? હમણાં “સેવા”ની ઓફિસ પર આવી શકો છો? જેટલી જલદી બની શકે એટલે જલદી…”

શનિવારે સવારના લગભગ નવ વાગ્યે સામે છેડેથી અંગ્રેજીમાં ફોન પર ચિંતાજનક અવાજ આવ્યો. એ ફોન ડૉ. સુનંદા કાળેનો હતો. આ વાત ૧૯૯૦-૯૧ના જૂન – જુલાઈ મહિનાની છે. સેલફોન તો એ સમયે હતા નહીં. ત્યારે તો કોર્ડલેસ ફોન, આન્સરીંગ મશીન અને કોલ વેઈટીંગનો વખત હતો. સુનંદાનો ફોન આવ્યો ત્યારે હું હજી શનિવારની રજા હોવાથી બેડમાં અડધી-પડધી ઊંઘ સાથે આંખમિચોલી રમી રહી હતી. 

તેના અવાજમાં ઉતાવળ વર્તી હું સફાળી ઊભી થઈ ગઈ. “સુનંદા, બધું ઠીક છે ને? તું તો બરાબર છે ને?” 

“મારી વાત છોડો. હું તો બરાબર છું. પણ તમે ક્યારે આવી શકો છો એ કહો.”  

“વિનુ એમની ઓફિસમાં કંઈક તો ફાઈલ લેવા મૂકવા ગયા છે. ઘરમાં છોકરાંઓ એકલાં મૂકીને કેવી રીતે નીકળું? વિનુ બસ, પાંચ-દસ મિનિટમાં આવતા જ હશે. એ જેવા આવે કે નીકળું છું.”

“ઠીક છે. સી યુ ધેન.” કહીને ડૉ. સુનંદા કાળેએ ફોન મૂકી દીધો.

પીએચડી., એમબીએ ડૉ. સુનંદા કાળે, એક ખૂબ જાણીતી ફાર્માસ્યુટીકલ કંપનીમાં કોર્પોરેટ ડેવેલોપમેન્ટ વિભાગની સિનિયર વાઈસ પ્રેસિડન્ટ હતી. એ સમયે આવી કી પોઝીશન પર એક ભારતીય સ્ત્રીનું હોવું બહુ જ મોટી વાત હતી.

હું અને સુનંદા એની કંપનીની હાર્ટ એટેક માટેની નવી બેટા બ્લોકર ડ્રગની લોન્ચ સમયે યોજાયેલી કોન્ફરન્સમાં મળ્યાં હતાં. સુનંદાનું પ્રેઝન્ટેશન પત્યું પછી દસ મિનિટનો બ્રેક હતો ત્યારે હું એની પાસે ગઈ અને મને પોતાને ઈન્ટ્રોડ્યુસ કરતાં હિંદીમાં કહ્યું, “આપકી ઈસ ડ્રગ કી ફેઝ ૨ ઔર ૩ કી ક્લિનિકલ ટ્રાયલ હમને ટેમ્પલ યુનિવર્સીટી હોસ્પિટલ કી લેબ મેં કી થી ઈસ લિયે હમે ભી યહાં બુલાયા ગયા હૈ. ઈસ ગ્રાઉન્ડ બ્રેકિંગ ડ્રગ કે બારે મેં આપકા પ્રેઝન્ટેશન તો બહુત હી અચ્છા ઔર ઈન્ફોર્મેટીવ થા. કોન્ગ્રેચ્યુલેશનસ.”

સ્લીક-ચુસ્ત બિઝનેસ સ્યુટમાં અને બિલકુલ અમેરિકન અંદાજમાં એણે મીઠું હસીને અંગ્રેજીમાં કહ્યું, “મને હિંદી સમજાય છે પણ બોલતાં નથી આવડતું. પણ થેન્ક્સ ફોર ધ કોમ્પ્લીમેન્ટસ. હા, બટ વન મોર થીંગ, મારા આઈ-બાબાએ મને મરાઠી જરૂર શીખવ્યું છે. તુમ્હાલા ભેટૂન ખૂબ આનંદ ઝાલા.” પછી એણે મને પોતાનું કાર્ડ આપ્યું અને પાછળ ઘરનો નંબર લખીને કહ્યું, “પ્લીઝ, ડુ મેક યુઝ ઓફ ઈટ.”

જવાબમાં મેં પણ એટલા જ ઉમળકાથી મારા બિઝનેસ કાર્ડ પર મારા ઘરનો નંબર લખ્યો અને એ કાર્ડ એમને આપતાં કહ્યું, “તમે પણ જરૂરથી ટચમાં રહેજો.” બસ, તે દિવસથી અમારી દોસ્તી બંધાઈ ગઈ. અમે લંચમાં મળતાં અને ક્યારેક ક્યારેક એકમેકના ઘરે પણ આવતાં જતાં થયાં હતાં. સુનંદાના પતિ ડૉ. મોહન નારાયણ, ફિલાડેલ્ફિયાના યંગ અને ખૂબ પ્રસિદ્ધ એમડી., પીએચડી., એન્ડોક્રાઈનોલોજિસ્ટ હતા.

મને વિનુ મજાકમાં કહેતા કે, “સુનંદા તો અમેરિકામાં મોટી થઈ છે. તારા જેવી, એનાથી દસ-બાર વરસ મોટી, દેશી દેખાતી સ્ત્રી જોડે એ આટલી દોસ્તી કેમ રાખી શકે છે?” તો જવાબમાં હું પણ કૃત્રિમ રોષ સાથે કહેતી કે, “તમે તો જાણે પોતે યુરોપિયન છો એવી વાત કરો છો.” અને અમે હસી પડતાં.

સુનંદાએ “સેવા” નામની એક ચેરિટી સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા ડોમેસ્ટિક હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ન્યાય અપાવીને એને પગભર કરવામાં મદદ કરતી હતી. સુનંદા એટલી ધગશથી પોતાના તન, મન અને ધન ખર્ચીને એમાં કામ કરતી હતી કે એ જોઈને હું પણ એની સંસ્થા સાથે જોડાઈ હતી.

મને થયું નક્કી કોઈ નવો કેસ આવ્યો હશે, એટલે “સેવા” પર બોલાવે છે. વિનુ ઘરે આવ્યા એવી જ હું સુનંદાને મળવા નીકળી ગઈ. “સેવા”ની ઓફિસના પાર્કિંગ લોટમાં માત્ર સુનંદાની ગાડી હતી. એક મિનિટ તો મને થયું, ‘શું સુનંદા પર..! ના, ના, મોહન જેવો આટલો સફળ, ભણેલો, ગણેલો ડૉકટર અને ઈન્ડિયામાં સંસ્કારી, તામિલ બ્રાહ્મણ કુટુંબમાં ઉછરેલો માણસ એમ તે કંઈ સુનંદાને…!’ આ વિચારને દરવાજાની બહાર ખંખેરી હું સુનંદાની ઓફિસમાં પ્રવેશી.

સુનંદા ઓફિસમાં મૂકેલા સોફા પર બેઠી હતી. એનું મોઢું સાવ ઊતરી ગયું હતું. હું એની પાસે ગઈ અને મમતાથી એના માથે હાથ ફેરવીને કહ્યું, “શું થયું છે સુનંદા? જરા પણ મૂંઝાયા વિના મને કહે! કોઈ પણ અચકાટ ન રાખતી. હું મારાથી બનતી બધી જ મદદ કરીશ. ટ્રસ્ટ મી.”

સુનંદાના બધાં જ બંધ તૂટી ગયા. “ટ્રસ્ટ જ તો તૂટી ગયો છે જયુબેન.” અને મને વળગીને બે મિનિટ રડતી રહી. જરા શાંત પડી એટલે હું રેફ્રિજરેટરમાંથી પાણી લઈ આવી અને એને આપ્યું. એની બાજુમાં બેસીને પૂછ્યું, “હવે શાંતિથી કહે, થયું શું છે? મને “સેવા” ની ઓફિસમાં કેમ બોલાવી? શું મોહને.. તને..!”

“હા અને ના, બેઉ જવાબ છે એનાં. ‘હા’ એટલા માટે કે માનસિક રીતે એણે એક પ્રકારે હિંસા કરી છે અને ‘ના’ એટલા માટે કે દેખીતી રીતે શારીરિક કોઈ હિંસા નથી કરી.” અને પછી એણે વાત શરૂ કરી.

“જયુબેન, હું પાંચ-છ વરસની હતી ત્યારે મારા આઈ-બાબા સાથે અમેરિકા આવી હતી અને મિડલ ક્લાસ સામાન્ય મહારાષ્ટ્રિયન કુટુંબમાં મોટી થઈ છું. મારા બાબા એન્જિનિયર હતા. આઈએ તો પોતાને મારા ઉછેર પાછળ ભૂલાવી જ દીધી હતી. મારા બાબા મુંબઈમાં મહારાષ્ટ્રના સિવિલ કન્સ્ટ્રકશન બોર્ડમાં ચીફ એન્જિનિયર હતા. ત્યાં એમના પર લાંચ લઈને કોન્ટ્રેક્ટ પાસ કરવાનું ખૂબ પ્રેશર રહેતું. એમને લાંચ લેવાનું અને પોતાના આત્મા સાથે કોમ્પ્રોમાઈઝ કરવાનું મંજૂર નહોતું એટલે એમણે અમેરિકા આવવાનું નક્કી કર્યું. સીક્સ્ટીઝમાં ચાલતા નિયમ પ્રમાણે એમને થર્ડ પ્રેફરન્સમાં ગ્રીન કાર્ડની એપ્રુવલ મળતાં અમે અમેરિકા આવી ગયાં હતાં. નાનપણથી આવા વાતાવરણમાં હું મોટી થઈ છું એથી મારાથી પણ ખોટું કામ સહન નથી થતું.” 

સુનંદા શ્વાસ લેવા જરા રોકાઈ અને પછી થોડું પાણી પીને વાત આગળ ચલાવી. “હું અને મોહન લગ્ન પહેલાં ચાર વરસથી એકમેકને ઓળખતાં હતાં. મોહનના આદર્શો અને એની વિચારધારા મને તો ખૂબ આકર્ષી ગઈ હતી. મારા આઈ-બાબા પણ એના વ્યક્તિત્વ અને એના વિચારોથી ખૂબ પ્રભાવિત થયાં હતાં.

મોહન ઈન્ડિયાથી મેડિસીન કરીને અહીં આવ્યો હતો અને હું મળી ત્યારે એ એન્ડોક્રાઈનોલોજિની રેસિડેન્સી કરતો હતો. મોહન અવારનવાર એની ઈચ્છા કહેતો કે, “અમેરિકાના જ નહીં, ઈન્ડિયા જેવા વિકાસ પામતા દેશોના રુરલ એરિયામાં ડાયાબિટીસ મોટી સમસ્યા છે. તો આવા પેશન્ટો માટે એક નોન-પ્રોફિટ સંસ્થા ઊભી કરવી છે જે સામાજિક અને આર્થિક રીતે સશક્ત ન હોય એવા પેશન્ટોનો ફ્રી ઓફ ચાર્જ ઈલાજ કરી શકે.”

હું આવા મોહનને પરણી હતી. પણ આજે મારા પગ નીચેની જમીન ખસી ગઈ છે. આ વાંચો જયુબેન.” અને એણે મારી સામે એ દિવસનું “ફિલાડેલ્ફિયા ઈન્ક્વાયર” છાપું ધર્યું. 

મેં જરા નવાઈ પામીને કહ્યું, “આ છાપું મને કેમ આપે છે?”

“વાંચો તમે.” 

અને, મેં એ પાનું વાંચવું શરૂ કર્યું. એમાં એક બહુ નામી ફાર્માસ્યુટીકલ કંપની એમની ખૂબ જાણીતી ડાયાબિટીસની ડ્રગ પ્રમોટ કરવા માટે એન્ડોક્રાઈનોલોજિની પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને છેલ્લા ત્રણ-ચાર વરસોથી કેશ અને કાઈન્ડમાં લાંચ આપતી હતી એનું આખું કૌભાંડ પકડાયું હતું. એમાં દરેક ડોક્ટરને અપાયેલી લાંચની રકમ પણ લખેલી હતી. આવા ૪૭ ડોક્ટરોએ આ લાંચ કબૂલ કરીને, કંપનીની ડ્રગને બેફામ પ્રિસ્ક્રાઈબ કરીને કંપનીને ખૂબ ફાયદો પણ કરાવ્યો હતો. આ ડોક્ટરોના નામોમાં એક નામ ડો. મોહન નારાયણનું પણ હતું. મોહનને કેશ અને કાઈન્ડમાં લગભગ ૧૭૦,૦૦૦ ડોલર્સ અપાયા હતાં. મેં વાંચીને છાપું એક બાજુ મૂક્યું. મને સમજાયું નહીં કે હું શું બોલું. 

સુનંદાએ જ બોલવું ચાલુ કર્યું. “જયુબેન, મેં આજે સવારે જ્યારે આ વાંચીને મોહનને પૂછ્યું તો એના જવાબે મને અંદરથી જ સેંકડો ટુકડામાં વિખેરી નાખી.

જવાબમાં એણે જરાયે શરમ વગર હસીને કહ્યું, “ડિયર, તું બહુ જ આદર્શવાદી બને છે. હું એકલો જ ડોક્ટર તો નથી કે જે આ પ્રમોશનલ ગિફ્ટસ સ્વીકારતો હતો! મેં સામેથી લાંચ માગી નથી અને જો એ લોકો આપે છે તો કેમ ના લઉં? આપણે ત્રણ વર્ષોથી જે ક્રુઝ અને યુરોપના વેકેશનો ફાઈવ સ્ટાર હોટલમાં લઈએ છીએ તે આ ડ્રગ પ્રમોશનને લીધે જ શક્ય છે. મેં આમાં કંઈ પણ ઈલલિગલ નથી કર્યું.”

મેં આવા નફ્ફટ જવાબની અપેક્ષા નહોતી રાખી. છતાં પણ મેં એને સમજાવવા કોશિશ કરતાં કહ્યું, “મોહન, તારા સિવાય એવા પણ ડોક્ટરો હશે જેમણે આવી લાંચ લેવાની ના પાડી હશે. કારણ, આખા અમેરિકામાં ખાલી ૪૭ એન્ડોક્રાઈનોલોજિસ્ટ તો નથી ને? અને બિસાઈડ્સ, જેને તુ પ્રમોશનલ ગિફ્ટ કહે છે, એ લાંચ છે. આ લાંચ લેવા કરતાં અમેરિકામાં ખૂબ મોંઘી મળતી આ દવાને સસ્તી કરવાની તુ જો ઝુંબેશ ચલાવે તો વિચાર કર, કેટલાં બધા પેશન્ટોને લાભ થાય?”

જયુબેન, તમે માનશો, મારો એ મોહન જેના આદર્શો પર હું અને મારા આઈ-બાબા ફિદા હતાં એ બેશરમ બનીને, હસીને વ્યંગમાં કહે, “તારા બાબા તો આવા વેદિયાવેડામાં જ એશોઆરામની સરકારી નોકરી છોડીને અહીં અમેરિકામાં એક સામાન્ય એન્જિનિયર તરીકે મર્યા ત્યાં સુધી કામ કરતા રહ્યાં. શું કાંદો કાઢ્યો આવા આદર્શોમાં જીવીને? ગયા વરસે જ્યારે આઈને કેન્સર થયું હતું ત્યારે એમને અપાતી મોંઘી કિમોના જે પૈસા આપણે આપ્યાં હતાં એમાં માય ડાર્લિંગ, જેને તું લાંચ કહે છે ને એના ડોલર્સ પણ હતા! હવે એ ન કહેતી કે હરામના પૈસા હતાં એટલે જ આઈ બચ્યા નહીં! અને હા, હવે આગળ મારે આ ટોપિક પર કંઈ સાંભળવું નથી ને કંઈ કહેવું નથી, ઓકે? મેં સારામાં સારો વકીલ કરી લીધો છે. બધું જ બરબર થઈ જશે. નકામી આવી વાતમાં પંદરેક મિનિટ બગાડી. મને મોડું થાય છે, હું ક્લબ પર ગોલ્ફ રમવા જાઉં છું.” પાછો હસીને કહે, “આ મોંઘી કન્ટ્રી ક્લબની મેમ્બરશીપ પણ આવા પ્રમોશનની જ દેન છે. તારી ઈચ્છા હોય અને ‘સમાજ કો બદલ ડાલો’નું ભૂત ઊતરી જાય તો તું લંચ માટે મને જોઈન કરી શકે છે. અધરવાઈઝ, સી યુ આફ્ટર લંચ.”

જયુબેન, આ સાંભળીને હું જડવ‌ત બની ગઈ અને કંઈ પણ ન કહી શકી. મોહન તો જાણે કશું જ નથી બન્યું એ રીતે જતો રહ્યો કન્ટ્રી ક્લબ પર અને આ બાજુ મારી અંદરનો જ્વાળામુખી આંસુ બનીને વહેતો રહ્યો.”

હું અને એ બેઉ એક પ્રકારના જાણે હિમ-આવરણથી ઢંકાઈ ગયા હતાં. મેં જ આ આવરણ ભેદતો એકાક્ષરી સવાલ કર્યો. “તો, હવે?”

સુનંદાના મુખ પર દ્રઢતા હતી. એ ઊભી થઈ અને કહે, “જયુબેન, હું મોહનને ડિવોર્સ આપીને મારી પોસ્ટિંગ યુકેની ઓફિસમાં હાલ તો કરાવી લઈશ. મારા સદગત્‌ માતા-પિતાનો તો એણે એક રીતે Mocking- ઉપહાસ તો કર્યો પણ સાથે Ridicule – રીસ ચડે એવી ઠેકડી ઉડાડીને મેણાં-ટોણાં પણ માર્યાં. હું આ બધું જ સહન કરી લેત જો એકવાર પણ એને પોતાના કર્યા પર અફસોસ હોત. મોહન માટે ઘરે હું લેટર મૂકીને આવી છું. મારા કપડાં અને જરૂરી સામાન હું લઈ આવી છું. “સેવા” નું આ મકાન મેં મારા પૈસાથી જ લીધું છે અને જ્યાં સુધી મારી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી હું અહીં રહીશ. ડિવોર્સ માટે તો મારો વકીલ બધું ફોડી લેશે. પણ મેં જે ખાસ કામ માટે તમને બોલાવ્યા છે તે એ પૂછવા કે મારા ગયા પછી જયુબેન, તમે શું આ “સેવા” સંસ્થાને ચલાવશો? કોઈ પ્રેશર નથી. જો તમારાથી નહીં બને તો કોઈ ચર્ચને આ સંસ્થા સોંપી દઈશ. મારું મન આપણા લોકો પરથી એકદમ જ ઊઠી ગયું છે. સાચા અર્થમાં મારો એક પ્રકારે મોહભંગ થઈ ગયો છે. કોને ખબર પણ, મારી અંદર પાંગરેલું વિશ્વાસનું ઘટાદાર વૃક્ષ જાણે જમીનદોસ્ત થઈ ગયું છે.” સુનંદા પાછી રડી પડી.

હું એના પીઠ પર હાથ પ્રસારતી રહી અને સાથે વિચારતી રહી કે “સેવા”ની સંસ્થા હું કોઈ રીતે પણ સંભાળી શકું એવા મારા હાલાત પણ નથી એ વાત ક્યા શબ્દોમાં સુનંદાને કહું. મેં એને સત્ય જ કહ્યું, “સુનંદા, હું ફાઈનાન્સિયલી કે સોશ્યલી હજી એ પોઝિશનમાં નથી કે આ પાંગરતી અને સુંદર કામ કરતી સંસ્થાને સરખી રીતે સંભાળી શકું. આ વાતનો મને જિંદગી આખી અફસોસ રહેશે.”

સુનંદા મારો હાથ પકડીને બોલી, “જયુબેન, હું સમજી શકું છું કે તમારી જીવનની પ્રાયોરિટી હમણાં જુદી છે. તમે મને સાફ શબ્દોમાં કહ્યું એ ખૂબ ગમ્યું.”

મેં સુનંદાને કહ્યું, “તું મારી સાથે ઘરે આવ. ચાલ. જ્યાં સુધી તારી બધી જ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારે ત્યાં રહેજે.”

“નહીં જયુબેન, આઈ-બાબા કાયમ કહેતાં કે આપણા આત્મા પર લદાયેલો બોજ આપણે જ વેંઢારવાનો છે અને તો જ એ બોજો હલકો પણ થાય છે. હું હવે અહીંથી “એકલો જાને રે”ની મુસાફરી શરૂ કરવાની છું. આગળ મારી જિંદગીમાં શું છે એ તો ખબર નથી પણ હું શું છું એની મને હવે ખબર પડી ગઈ છે. હા, એ દુઃખ કાયમ રહેશે કે મોહન કોણ છે એ જાણવામાં હું થાપ ખાઈ ગઈ. પણ મને મારી જાત સાથે મેળવવા બદલ અને આઈ-બાબાએ આપેલા મૂલ્યોની ફરી કિમત સમજાવવા માટે હું મોહનની કાયમ ૠણી રહીશ.”

“સુનંદા, તું ક્યાંય પણ હોય, મને તારી ખબર મોકલતી રહીશ ને?”

એ થોડીક વિચારમાં પડીને બોલી, “ખબર નથી જયુબેન. સારું કહો કે ખરાબ, હું સોશ્યલી બધાં સાથે સંપર્કમાં નથી રહી શકતી એ મારી મોટી વિકનેસ છે પણ તમે મને કાયમ જ યાદ રહેશો, એ હું તમને દિલથી કહું છું.” 

હું સુનંદાને ભેટી પડી. મારાથી અનાયસે બોલાઈ જવાયું, “દિકરા, શું હું તારા માટે કંઈ કરી શકું?”

અચાનક મને એ પગે લાગી અને કહ્યું, “મોટાબેન, બસ મારા માટે પ્રાર્થના કરજો કે હું ક્યારેય મારા સાચના માર્ગ પરથી ચળું નહીં.”

અમે “બાય” કહીને છૂટાં પડ્યાં. એ છેલ્લો દિવસ હતો જ્યારે મેં સુનંદાને જોઈ હતી. સત્યનું તેજ તેની ભીની આંખોમાંથી વિસ્તરી રહ્યું હતું.   

~ જયશ્રી વિનુ મરચંટ

(સત્યઘટના પર આધારિત – ગોપનીયતા જાળવવા પાત્રોના નામ, સ્થળ, સમય અને ઘટનાક્રમમાં યથોચિત ફેરફાર કરવામાં આવ્યાં છે.)

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

 1. સુંદર હ્રદયસ્પર્શી વાર્તા. શું આવું ખરેખર બની શકે? કહ્યું છે ને, truth is stranger than fiction.

 2. દુનિયામાં અનિષ્ઠ તત્વો છે તો સાથે નિષ્ઠાવાન લોકોય છે જેનાથી આશા અને વિશ્વાસ ટકી રહ્યાં છે.

 3. દુનિયામાં અનિષ્ટ તત્વ છે તો સામે એટલાં જ શિષ્ટ લોકો પણ છે જે હજુય માનવજાતમાં વિશ્વાસ ટકાવી રાખવાનું નિમિત્ત બને છે.

 4. બહુ સરસ લેખ છે. સુનંદા જેવાં અનેક વ્યક્તિત્વો આપણી આસપાસ હોય છે અને આપણને ખબર પણ નથી હોતી.

 5. સિધ્ધાંત અને મૂલ્ય-નિષ્ઠા માટેના સંઘર્ષની સરસ વાત

  1. સિધ્ધાંત માટે સર્વસ્વ ત્યજી દેનાર સુનંદાજી ધન્ય છે. ખૂબ સુંદર રજુઆત આવા ડોક્ટરોને આપણે સૌ જાણીએ છીએ છતાં કરી શું શકીએ? એ યક્ષપ્રશ્ન છે!

 6. સિધ્ધાંત અને નિષ્ઠાવાન ની વાત સરસ રીતે રજુઆત કરાઈ છે.
  અભિનંદન 🌹🌹😊

 7. મૂલ્ય-નિષ્ઠા માટેના સંઘર્ષની વાત