નજરાણું (વાર્તા) ~ જયશ્રી પટેલ

આજે રવીન્દ્ર નાટ્યમંદિરમાં સંગીત કાર્યક્રમમાં જવા તૈયાર થયેલા મોહિનદા વિચારમાં પડી ગયાં કે ધણાં સમય પછી તે આજે બેંગોલી સંગીત સાંભળશે. મનોમન ખુશ હતાં. મુંબઈમાં આવ્યાને પંદર વર્ષ વીતી ગયાં. ક્યારેક બેંગોલી સોસાયટીમાં ઉઠકબેઠક હતી. ત્યાં અનુરાધાદેવી, માહેશ્વરીદેવી સુંદર કંઠને લીધે એકબે મિત્રોનાં આગ્રહને લીધે ગાતાં ત્યારે તેને બોન્દુદીદી ને વિશાદીદી યાદ આવી જતાં. કેવું સરસ તાલીમસભર સંગીત હતું તેમની પાસે.

વર્ષો પછી આજે સંમોહિનીનો કાર્યક્રમ હતો. જેવું સુંદર ગાતી તેવું તેનું રૂપ હતું. કહેવાય છેને દરેક નરમાં એક રામ તો એક રાવણ પણ છુપાયેલો હોય છે. તેવું જ થયું. મોહિનદા ક્યારેય આડુંઅવળું ન વિચારતા, પણ સૌંદર્ય સામે હારી ગયાં ને પેલો રાવણ સળવળ્યો. જો મળાય તો મંચ પાછળ મળી આવીશ.સુભાષદાની ઓળખાણ ક્યારે કામ આવવાની છે! મોંઘામાનું અત્તર ને પેલો કૂરતો પાયજામો કાઢ્યા ને ટાપટીપ પૂર્ણ કરી ત્યાં સુભાષદાની ભોંપું વાગી ઉઠ્યું. મોહિનદાને એટલો કર્કશ અવાજ લાગતો પણ દફ્તરમાં એ એમના બોસ છે એમ માની ચલાવી લેતાં.

હોલમાં જઈને પોતપોતાની જગ્યા પર બેઠાં. જ્યાં શોની શરૂઆત થવા માટે પરદા ખૂલ્યા કે સામે એક રૂપરૂપના અંબાર સમી સ્ત્રી દેખાઈ. તેજ આંખો ને ધારદાર હોઠનાં ખૂણાં, કપાળ પર સરકી આવેલી એ કાળી લટ… જાણે સુંદરતાને હરાવી દે તેવો સૂર, હાર્મોનિયમ પર થરકતી લાંબી આંગળીઓ, મધ્યમિકામાં ચમકતો હીરો…

મોહિનદાના હાથની મુઠ્ઠી સજ્જડ બંધ થઈ ગઈ. એમને એવો ભાસ થયો કે સંમોહિની એમને જોઈ રહી છે. તેની આંખો જોઈ તેમને લાગ્યું વિજુ જ જોઈ લો. હા વિજુ. પણ તે તો ગંગા પાર કરતાં તણાઈ ગઈ હતી. કેટલા વર્ષોના વહાણાં વહી ગયાં. તેમની નજર સામે એ દ્રશ્ય તરવા માંડ્યું. આંખો બંધ થઈ ગઈ. એકદમ તાળીઓનાં ગડગડાટથી ઝબકીને આંખો ખોલી. કાર્યક્રમ પત્યો કે તે ઊભા થઈ જવાની તૈયારી કરે ત્યાં જ, માહેશ્વરી તેની પાસે આવ્યા અને નમસ્તે કરી કહ્યું,”સંમોહિની બોલાવે છે, ચલો.”

મને ! મનોમન આશ્ચર્ય થયું, પણ મોહિનદા ખરેખર જ આકર્ષાયા હતાં.એક ચુંબકીય તત્વ ખેંચી ગયું. મંચ પાછળ પહોંચતાં જ બેંગોલી પાલવ જમીન પર પાથરી સંમોહિનીએ મોહિનદાને દડંવત કર્યા. બોલી ઉઠી, “હું વિજુ… ન ઓળખી?”

આંખમાં આંનદાશ્ચર્ય સહિત હર્ષાશું ઢળી પડ્યા. બેઉ ખભા પકડી ઊભી કરી તેને જોતાં જ રહ્યાં મોહિનદા. આજ વર્ષો પછી સ્વજન મળ્યું હતું દૂર દેશમાં. તેને ઘરે લઈ જવાનો પ્રસ્તાવ તેના મેનેજર પાસે મૂકી જવાબની રાહ જોતા ઊભા રહ્યા. મેનેજરનાં હાવભાવ પરથી લાગ્યું કે તેને પસંદ નથી, પણ માહેશ્વરીદેવીએ તેની સાથે વાત કરી. મંજૂરી મળતાં મોહિનદા તો અધીરા જ થઈ ગયાં.

બન્ને ઘરે પહોંચ્યા કે મોહિનદાએ ઘર ખોલ્યું. વિજુ પ્રવેશતા જ મોહિનદાના પગમાં ઢળી પડી. બન્ને કેટલાય કલાકો અંધારામાં આંસુ સારતાં બેસી રહ્યાં. સ્વસ્થ થયાં પછી લાઈટ ચાલુ કરી મોહિનદાએ તેને પાણી આપ્યું અને વિજુએ વાત શરુ કરી…

“મોહિનદા, હોડી ઊંધી પડી તો મારો હાથ માના હાથમાં જ હતો, ક્યાંય સુધી તણાતા રહ્યાં અમે બન્ને. બધાં જ વિખરાઈ ગયાં હતાં. આંખ ખુલી તો હું એક ખાટલામાં પડી હતી. મારી આસપાસ ચાર પાંચ સ્ત્રીઓનું ટોળું જમા હતું. તેમાં જ આ મેનેજરની માતા પણ હતી. તેએ મારી ખૂબ દેખભાળ રાખી. તમે જાણો છો કે મને આપણાં ગામનું નામ જ યાદ હતું તે હું રટ્યા કરતી. ત્યાં આવવા કે મૂકી જવા જિદ કરતી. કોઈ જ સાંભળતું નહિ. મારો પગ જળચર પ્રાણીઓએ ખાઈ કાઢી ખોખલો કરી દીધો હતો. મા મારી સંભાળ ખૂબ જ કરતાં. જેમ જેમ સાજી થતી ગઈ તેમ તેમ હું વિચારતી ગઈ કે હવે ગામમાં કોણ હશે? કોઈ નહિ! અહીં આટલો પ્રેમ મળ્યો છે તો હવે રહી જાઉં. મનોમન તમને ચાહતી હતી, તેથી ઘણીવાર યાદ કરી રડી લેતી. શું તમે મારી શોધ નહોતી કરી?” આટલું બોલી વિજુ જોઈ રહી.

મોહિનદાએ બોલવા માંડ્યું, “તારી હોડીનાં ડૂબવાનાં સમાચાર આવ્યા, તે જ ક્ષણે હું કોલેજથી ભાગ્યો, કિનારે પહોંચ્યા પછી નદી ખૂંદી નાખી મેં મારા મિત્રો સાથે. પોલીસને કેટલીક લાશો મળી પણ તું કે માસીમા ન મળ્યા. અમે આશ છોડી દીધી હતી. પછી તો મારું મન જ ન લાગતું. અભ્યાસ પૂર્ણ કરી, હું તને ભૂલવા મુંબઈ તરફ જ આવી ગયો. ફક્ત એક વાર માનાં મૃત્યુ પર ક્રિયા કરવા ગયો પછી… કલકત્તા જવાનું મન જ ન થયું.”

વિજુ ભાવવિભોર થઈ ગઈ, તે મોહિનદાને હૃદયપૂર્વક ચાહતી હતી. મનોભાવ હોય તો જ વ્યક્તિ ફરી જીવનમાં પાછું આવે એવું તે માનતી. તે બે ક્ષણ માટે મોહિનદાને જોતી રહી, પછી એટલું જ બોલી, “શું તમે મને અપનાવશો?”

આ વાક્ય સાંભળી મોહિનદાએ તેને નજીક લઈ તેના હોઠ પર મધુર મિલનનું એક નજરાણું ભેટ રૂપે આપ્યું. પછી બન્ને એકબીજાની બાંહોમાં ગાઢ આલિંગન આપી સૂઈ ગયાં. સવાર પડતાં જ મોહિનદા તેણે લઈ પેલા મેનેજર પાસે પહોંચ્યા. અંત:કરણથી તેનો આભાર માન્યો અને વિજુ સાથે પોતે લગ્ન કરવા માગે છે તે જણાવ્યું.

મેનેજર સોહનલાલ વિફરી પડ્યો, તેની તો ધીકતી કમાણી હતી સંમોહિની! તે લાલચુ માણસે પોલીસની ધમકી સાથે ગુંડાઓ ઊભા કરી દીધાં. માહેશ્વરીદેવી, જેમણે આ કાર્યક્રમ ગોઠવ્યો હતો તેમણે અને તેમના પતિદેવે જ્યારે વિગત જાણી ત્યારે મામલો સંભાળ્યો.

મેનેજર પાસે કોઈ કાગળ, પત્ર કે કરારપત્ર નહોતું કે તે સંમોહિની સાથે જબરજસ્તી કરી શકે! છતાં આ રીતે સંમોહિનીનો ગેરઉપયોગ કરવા માટે, તેની પર આ રીતે જબરજસ્તી કરવા માટે તેને પોલીસ અને કલકત્તા કોર્ટમાં ચાલતા તેના બીજા કેસ માટે મોટી સજા થઈ. વિજુને જોઈ માહેશ્વરીદેવીએ તેને સરસ બેંગોલી સંગીતની તાલીમ આપી. મોહિનદાએ તેને ખૂબ જ પ્રેમથી સ્વીકારી. તેના પગની સરસ રીતે ટ્રીટમેન્ટ કરાવી તેને ચાલતી ફરતી કરી.

એક સવારે મોહિનદાએ તેની સામે સરસ પરબીડિયું મૂક્યું. ખોલતાં જ તે ખુશ થઈ ગઈ. કલકત્તાની બે એર ટિકિટ હતી. તે પ્રેમસભર આંખોએ એટલું જ બોલી શકી, “આભાર, મારા મનની વાત સમજવા માટે.”

લગ્નને છ મહિના વીતી ગયા હતાં, મુંબઈની એ જ બેંગોલી સોસાયટીનો આજે દુર્ગાપૂજાનો કાર્યક્રમ હતો. ત્યાં આજે સંમોહિનીદેવીનો સંગીત કાર્યક્રમ હતો. મંચ પર જતાં સંમોહિનીદેવીએ મોહિનદા પાસે પાલવ પાથરી નમન કરતાં એક નજરાણું માંગ્યું , “આ મારો અંતિમ કાર્યક્રમ હશે,એવું વચન આપો.”

મોહિનદાએ તેની આંખોમાં જોઈ વચન સ્વીકૃત કર્યુ. સંમોહિની તે જ ક્ષણે મૃત્યુ પામી અને વિજુનો ફરી જન્મ થયો.

~ જયશ્રી પટેલ
Mobile.no: 9833105184

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ‘સંમોહિની તે જ ક્ષણે મૃત્યુ પામી અને વિજુનો ફરી જન્મ થયો.’
    સંવેદનશીલ સ રસ વાર્તાનો અણકલ્પ્યો અંત