ઠંડી કોફી..! (સત્યઘટના) ~ – જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

(આ સત્યઘટના પર આધારિત વાત, મારા દિલની ખૂબ નજીકની એક વ્યક્તિના જીવનની છે. નામ, ઠામ, સમય, સ્થળ અને ઘટનાક્રમ વગેરે બધું જ ગોપનીયતા જાળવવા બદલી નાખવામાં આવ્યું છે. ~ લેખિકા)

“આજે સાચે જ ઘણા સમય પછી ખૂબ સારું પિકચર જોયું.” થિયેટર હોલમાંથી બહાર નીકળતાં સહાના બોલી, “કોણે વિચાર્યું હતું કે આપણે ત્રણ “એબીસીડી” – “અમેરિકન બોર્ન કન્ફ્યુઝ્ડ દેશી” છોકરાઓ હોંશે હોંશે બોલીવુડ મુવી જોવા આમ અમેરિકામાં થિયેટરમાં જઈશું? લાગે છે કે હિન્દી તો આપણી વચ્ચે બોલીવુડ મુવીને હિસાબે કાચું-પાકું પણ જીવશે ખરું! પણ સાચે જ, થેન્ક યુ સમર્થ. તેં જો ઈન્સિસ્ટ ન કર્યું હોત તો અમે બે તો ન જ આવત અને એક સારું દેશી મુવી ન જોઈ શકત!”

“નોટ અ પ્રોબ્લેમ. પણ મુવી ઠીક હતું, ઓકે હતું. યાર, તમે છોકરીઓ આજે, ૨૦૧૮માં પણ, થોડુંક ઈમોશનલ પિકચર હોય એટલે બસ ખુશ, ખુશ! યસ, થોડા સીન એવા હતાં કે જે ખૂબ જ સરસ રીતે ફિલ્મ કરાયાં હતાં અને સ્ટોરીલાઈન પણ થોડી અલગ હતી; પણ બાય એન્ડ લાર્જ, હોલીવુડ અને અન્ય દેશોની ફિલ્મોની કમ્પેરીઝનમાં હજુ તો બોલીવુડની રિયાલીટી બેઝ્ડ ફિલ્મો ‘પા, પા પગલી’ના જ સ્ટેટમાં છે.” સમર્થ બોલ્યો.

ઈસ્મત પણ સહાના અને સમર્થની સાથે હતી. થિયેટરમાંથી નીકળીને ત્રણેય મિત્રો સ્ટારબકમાં કોફી પીવાં બેઠાં પછી પણ એ કંઈ પણ બોલતી નહોતી. સમર્થ અને સહાના જ નોન-સ્ટોપ વાતો અને આરગ્યુમેન્ટ્સ કરવામાં મશગૂલ હતાં.

સહાના સમર્થને કહે, “સેમ, તું ટેમ્પલ યુનિવર્સિટીમાં ફિલ્મ મેકિંગની ડિગ્રી કરે છે એટલે તને આ બધું ટેકનીકલી અને ક્રિટીકલી જોવું હોય. પણ અમારે માટે એવું બધું સમજવું અઘરૂં છે. દિલને સ્પર્શી જાય એવી ઈમોશનલ સ્ટોરીલાઈન અને એટલી જ સેન્સીટિવ ફિલ્મની માવજત હોય તો અમારા જેવા કોમન લોકોને ગ્રેટ લાગે જ લાગે!”

સમર્થ એનો વિરોધ કરતાં મજાકના ટોનમાં બોલ્યો, “તમને છોકરીઓને પછી આ બધું જોઈને રડવાની અને પાછળથી આવા લાગણીવેડાને પોતાની જોડે સરખાવીને વળી પાછું રડવાની મજા આવતી હોય છે!”

સહાનાથી હવે રહેવાયું નહીં, “ઈનફ સેમ. આ તો તેં ખૂબ સેક્સીસ્ટ કોમેન્ટ કરી છે અને એ પણ અમારા જેવી ફેમિનિસ્ટ  છોકરીઓ સામે! આવું બોલીને તું હજુ જીવતો છે તો પાડ માન કે અમે અહિંસામાં માનનારી છોકરીઓ છીએ!”

સમર્થ સરેન્ડર કરતો હોય એમ, હસતાં હસતાં બોલ્યો, “સોરી, મારી મા, સોરી!” પછી ઈસ્મત સામે ફરીને કહે, “લાગે છે કે ઈસ્મત ફિલ્મને હજુ મનોમન એન્જોય કરી રહી છે અથવા તો મારી જેમ, એ પણ ફિલ્મ જોઈને કંઈ બહુ ઈમ્પ્રેસ નથી થઈ! આથી પોતાની જ દુનિયામાં જ વિચરી રહી છે!”

સહાનાએ એક હાથે કોફીનો કપ ટેબલ પર મૂકતાં, બીજો હાથ ઈસ્મતના ખભે મૂકીને કહ્યું, “શું વાત છે ઈસ્મી? આટલી સિરીયસ કેમ છે? તેં આ કોફીનો હજુ એક ઘૂંટડો પણ પીધો નથી. તને તો મારી જેમ જ ગરમાગરમ કોફી પીવા જોઈએ છે! શું વાત છે, આર યુ ઓકે?”

ઈસ્મત જાણે ઊંઘમાંથી જાગી હોય એમ બોલી, “યસ. મને તો શું થવાનું હતું? પથ્થરા પણ નથી પડતા.” અને એકદમ એની આંખો ચૂઈ પડી.

સહાનાએ સમર્થ પર ગુસ્સો કર્યો, “તું પણ છે ને સેમ, ફિલ્મ – ફિલ્મ લઈને મંડી જ પડ્યો છે! એમાં કેટલાં બધાં સેન્સિટિવ દ્રશ્યો હતાં? ગનશોટ્સ અને વિખૂટા પડવાના સીન વગેરે, વગેરે! હું તને ક્યારનીયે કહી રહી છું. ઈટ વોઝ અ વેરી ઈમોશનલ મુવી, સો સ્ટોપ ટોકિંગ એબાઉટ ઈટ! પણ મારું સાંભળે એ બીજા!”

સમર્થ સહાના અને ઈસ્મતની સામેની ખુરશી પર બેઠો હતો. એણે પોતાની હાથનો કોફીનો કપ ટેબલ પર મૂક્યો. પછી નીચું વળીને એણે રડતી ઈસ્મતની સામે એ જોઈ શકે એમ ચપટી વગાડી અને ઈસ્મતનું મોઢું ઊંચું કર્યું. પછી બે હાથે પોતાના કાન પકડીને બોલ્યો, “સોરી. સોરી ઈસ્મી!”

ઈસ્મત આંસુ લૂછીને થોડી સ્વસ્થ થઈ. અને પછી સમર્થના બેઉ કાન પકડેલા હાથને પકડીને નીચા મૂક્યાં. સહાનાએ વાતનો દોર પકડી લીધો અને કહે, “આપણે ત્રણેય યુનિવર્સીટીના પહેલા વર્ષમાં ભણી રહ્યાં છીએ અને છેલ્લા છ-સાત મહિનાથી મિત્રો છીએ અને આગળ હજુ ત્રણ વર્ષ પણ સાથે કેમ્પસ પર રહીશું. ઈસ્મી, અમે જો કંઈ ખોટું કરતાં હોઈએ તો અમને માફ કરી દે પણ એ ખોટું શું કરી રહ્યાં છીએ એ જો નહીં કહે તો કેવી રીતે અમને ખબર પડશે? પ્લીઝ ટેલ અસ. અમે ફરી એવું નહીં કરીએ જેથી તને આવું દુઃખ થાય! અમારે ફેસબુકની પોસ્ટ પરથી નથી જાણવું કે અમે શું કર્યું છે. પ્લીઝ, અમને કહે!”

ઈસ્મત હવે પોતા પર કાબૂ મેળવીને બોલી, “તમે બેઉએ કંઈ નથી કર્યું માય ફ્રેન્ડસ! ફિલ્મમાં થતાં સ્કૂલના ગનશોટ્સના સીન મને એક એવી વિતી ગયેલી વાત યાદ અપાવી ગયા જેને ભૂલવાનો હું છેલ્લા ચાર વરસથી પ્રયત્ન કરી રહી છું. લેટ મી ટેલ યુ, શું થયું હતું.”

ઈસ્મતે કોફીનો ઘૂંટ લીધો અને એણે પણ કોફીનો કપ ટેબલ પર મૂક્યો. પછી બહાર બારીમાં જોઈને બોલી, “હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ પ્રીતિ ત્યારે હાઈસ્કૂલના બીજા વર્ષમાં, દસમા ગ્રેડમાં (ધોરણમાં) હતાં. અમે નેબ્રાસ્કાના એક નાના ટાઉનમાં ત્યારે રહેતાં હતાં. સરસ મજાનાં નાના વીસથી પચીસ હજારની વસ્તીવાળા અમારા એ ટાઉનમાં ક્રાઈમરેટ તો લગભગ નહીં જેવો જ હતો. અમારા ટાઉનમાં અમે લગભગ ૧૨૫-૧૪૦ જેટલાં દેશી કુટુંબો હતાં. ધરમ અને જાતિનાં કોઈ ટંટા કે ઝઘડા નહોતાં.

અમારા ટાઉનની હોસ્પિટલમાં મારા પપ્પા એટેન્ડિંગ ઓન્કોલોજીસ્ટ અને પ્રીતિના પપ્પા રેડિયોલોજીસ્ટ હતા. બેઉ એક જ મેડિકલ ગ્રુપમાં કામ કરતા હતા. અમારા બેઉ કુટુંબ વચ્ચે બહુ જ સારો, ઘર જેવો સંબંધ હતો. ન દેશ, ન ધરમ, ન જાતિ – કંઈ પણ અમારી વચ્ચે કદી ન હતું. મારો નાનો ભાઈ અને પ્રીતિનો ભાઈ ત્યારે છઠ્ઠા સ્ટાન્ડર્ડમાં ભણતા હતા. મારી અમ્મીનો અને પ્રીતિની મમ્મી રોજ મિડલ સ્કૂલમાંથી અમારા નાના ભાઈઓને પીક અપ કરીને અમને લેવા સવા ત્રણ વાગ્યે હાઈસ્કૂલ પર આવે.

રોજની જેમ તે દિવસે પણ અમારા બેઉની મમ્મી અમારા ભાઈઓને પીક અપ કરીને અમને પીક અપ કરવા આવી હતી. મને હજી એ દિવસ અને એ ઘડી બરાબર યાદ છે. બુધવાર, ૨૦૧૪, મે મહિનો હતો. બરાબર ત્રણ પંદરે અમારી સ્કૂલ છૂટી અને અમે બધાં સ્ટુડન્ટ્સ પોતપોતાના મિત્રો સાથે હસતાં-બોલતાં ક્લાસરૂમમાંથી બહાર આવી રહ્યાં હતાં. હું પણ પ્રીતિ સાથે વાતો કરતી કરતી બહાર આવી.

મારી અમ્મી અને પ્રીતિની મમ્મીની કાર બેઉ બાજુબાજુમાં જ પાર્ક કરેલી હતી. એ બેય જણાં કારમાંથી નીચે ઊતરીને વાતો કરી રહ્યાં હતાં. અમારા ભાઈઓ પણ પાર્કિંગ લોટમાં બહાર પેવમેન્ટ પર ઊભા રહીને વાતો કરતા હતા. તો આ બાજુ, મને અને પ્રીતિને આવતી જોઈ અમારા બેઉના ભાઈઓ “આપા” અને “દીદી” બોલીને અમારી તરફ દોડતા આવી ગયા.

એટલામાં જ, કોણ જાણે ક્યાંથી, અંધાધૂંધ ગોળીબાર ચાલુ થયો. ને અચાનક જ અફડાતફડી ચારે બાજુ મચી ગઈ. જેને જ્યાં જવા મળ્યું ત્યાં દોડવા માંડ્યા. ચારે બાજુ બૂમાબૂમ અને કારમી ચીસો અને રડારોળ મચી ગઈ હતી. કોઈને કંઈ સમજ પડે એ પહેલાં તો કેટલીયે ગોળીઓ છૂટી ચૂકી હતી. અમારા પ્રિન્સિપાલ, ટીચર્સ અને સિક્યોરીટી ગાર્ડ બધાં વહેંચાઈ ગયાં હતાં, જેથી વધુમાં વધુ સ્ટુડન્ટ્સને બચાવી શકાય. સહુ ગોળીઓથી વિપરીત દિશામાં જવાનો પ્રયાસ કરતાં હતાં, ભાગદોડ કરતાં હતાં પણ અફડાતફડીમાં કોણ ક્યાં ભાગી રહ્યું છે એની કોઈ ખબર ન રહી.

અમે પણ અમારા બેઉના ભાઈઓ, જે અમારી પાસે આવી ગયા હતા, એમના હાથ પકડીને ગાડી તરફ દોડવાનું ચાલુ કર્યું. અમે ગાડીથી માત્ર પંદર-વીસ ફૂટ જ દૂર હતાં. આખા પાર્કિંગ લોટમાં ચીસો પડી રહી હતી. કોઈને કોઈની ખબર ન હતી. અમે જેમતેમ ગાડીમાં દરવાજો ખોલીને નીચે સીટ પાસે સંતાઈને બેસી રહ્યાં. ગાડીમાં આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે મેં પ્રીતિના ભાઈનો હાથ પકડ્યો હતો. મારી મમ્મી પણ એકદમ ડરી ગઈ હતી. એ પણ અમને લઈને પાછળની સીટ નીચે બેસી ગઈ હતી. એટલીવારમાં પોલીસની ગાડીઓની સાઈરનો સંભળાઈ.

“જસ્ટ સરન્ડર. નહીં તો અમે ફાયર કરીશું તો તું નહીં બચે!” પોલિસ મેગાફોન પર હુમલાખોરને કહી રહી હતી. આ બાજુ, જે સંતાઈ ગયા હતાં એ બધાંનું સ્મશાનની શાંતિ સમું મૌન, બહાર પડી ગયેલી લાશો પર ગીધ જેમ ઘૂમરાતું મૌન અને પોલીસ ને હુમલાખોરના ગોળીબારના સામસામા ભયાનક અવાજો….! આ ડરામણાં અવાજો અને ખૂંખાર મૌનનું આવું કોમ્બિનેશન મેં કે મારી અમ્મીએ તો કદી અમારા વાઈલેડેસ્ટ ડ્રીમમાં પણ કલ્પ્યું નહોતું.

હું અને પ્રીતિનો ભાઈ એકમેકના હાથ પકડી મારી અમ્મીને વળગીને અવાજ ન થાય એમ રડી રહ્યાં હતાં. આમ ને આમ અમે બેઠાં હતાં ત્યાં તો બહારના અવાજો શમવા લાગ્યાં. અચાનક મેગાફોન પર પોલિસની એનાઉન્સમેન્ટ સાંભળી. “ઈટ લુક્સ લાઈક ઓલ ઈઝ વેલ એન્ડ સેઈફ નાઉ! અમે હુમલાવરને પકડી લીધો છે. છતાં પણ તમે સહુ જ્યાં છો, ત્યાં જ હજુ રહો. અમે જ્યાં સુધી આખી પ્રોપર્ટીનું પરીક્ષણ ન કરી લઈએ, ત્યાં સુધી હજુ બહાર ન આવશો.”

જ્યારે બહાર આવવાની રજા મળી ત્યારે સવા ચાર થયા હતા. અમ્મીનો જીવ મારા નાના ભાઈમાં હતો. એણે હાંફળી-ફાંફળી થઈને કારનો દરવાજો ખોલ્યો. હું અને પ્રીતિનો ભાઈ પણ બહાર નીકળ્યાં. એટલામાં બાજુની કારનો દરવાજો પણ ખૂલ્યો. પ્રીતિની મમ્મીએ મારા ભાઈને મારી મમ્મીને સોંપ્યો. મારો ભાઈ અમ્મીને વળગીને ડૂસકાં ભરીને રડવા માંડ્યો. એનો પગ છોલાઈ ગયો હતો અને એ જખમને પ્રીતિના મમ્મીએ પોતાના ટી શર્ટથી દાબી રાખ્યું હતું એથી લોહી હવે નહોતું નીકળતું. તો આ બાજુ, પ્રીતિનો ભાઈ પણ નીચે ઊતરીને એની મમ્મીને બેઉ હાથે બાઝી પડ્યો અને જોરથી રડતો હતો. એકાદ મિનિટમાં કળ વળી પછી મારી અમ્મીએ પૂછ્યું, “પ્રીતિ અંદર કારમાં છે હજી? ખૂબ ડરી ગઈ છે? પ્રીતિ બેટા, બહાર આવ. જો બધું જ બરાબર થઈ જશે, બહાર નીકળ.”

પ્રીતિની મમ્મીના આંસુ હજુ રોકાતા નહોતાં. હવે આ સાંભળીને તેઓ પાર્કિંગ લોટમાં જ જમીન પર જ ફસડાઈ પડ્યાં. એમની એ આંસુભરી શુષ્ક નજર મને એ ડરામણા અવાજ કરતાં પણ વધુ ભયાનક લાગી હતી. મારી અમ્મી ફરી એમની કાર પાસે વધુ નજીક જઈને બોલી, “પ્રીતિ બેટા, બહાર નીકળ!” ત્યારે સાવ  કોરા અવાજે પ્રીતિના મમ્મી બોલ્યાં, “પ્રીતિ બહાર જ છે.” અને એમણે ગાડી સામેના યલો અને રેડ ટેપથી કવર થયેલા પેવમેન્ટ તરફ ઈશારો કર્યો.

ગાડીની સહેજ જમણી બાજુએ પ્રીતિની લાશ ઊંધે માથે પડી હતી, લોહીથી નીંગળતી. હું ચીસ પાડીને એની પાસે જવા ગઈ તો પોલીસે રોકી દીધી.

મારો ભાઈ ત્યારે બોલ્યો, “આપા, જ્યારે પ્રીતિદીદી પડી ગઈ તો એણે મને જોરથી ધક્કો મારીને ગાડીના દરવાજા પાસે ધકેલી દીધો અને આન્ટીએ દરવાજો ખોલીને મને અંદર લઈ લીધો!”

“સહાના, સેમ, બસ, આટલું જ…!”

અને ઈસ્મત ફરી રડી પડી. આ વખતે એની સાથે સહાના અને સમર્થ બેઉના પણ આંસુ વહી રહ્યાં હતાં. ત્રણેયની કોફી સાવ ઠંડી થઈ ચૂકી હતી.

***

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

 1. ખૂબ સંવેદનશીલ વાર્તા.
  અહી માત્ર એક વ્યક્તિ અને બીજી વ્યક્તિની વચ્ચે માનવતાના સંબંધની વાત છે. કે નથી કોઈ હિંદુ, મુસ્લિમ કે શીખ, ઈસાઇની વાત…
  બસ જે વાત છે એ માત્ર અને માત્ર માનવી અને માનવીયની વાત છે.

 2. ખૂબ સંવેદનશીલ વાર્તા.
  અહી માત્ર એક વ્યક્તિ અને બીજી વ્યક્તિની વચ્ચે માનવતાના સંબંધની વાત છે. કે નથી કોઈ હિંદુ, મુસ્લિમ કે શીખ, ઈસાઇની વાત…
  બસ જે વાત છે એ માત્ર અને માત્ર માનવી અને માનવીયની વાત છે.

 3. સત્યઘટના પર આધારિત સંવેદનશીલ ઘટના
  અમેરિકામાં વીકએન્ડમાં સામૂહિક ગોળીબારની ૧૨ ઘટના સામે આવી હોવાનું જણાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ઈલિયોનાઈ, ન્યૂ જર્સી, ઓહાયો, ઈન્ડિયાના, સાઉથ કેલિફોર્નિયા, વર્જિનિયા, ટેક્સાસ અને મિનેસોટ્ટામાં વીકએન્ડમાં ફાયરિંગની ઘટના નોંધાઈ હતી
  છતા ગન લોબી ગાંઠતી નથી .