અપૂર્વ અનુભવ (પ્રવાસ નિબંધ) ~ સ્વામી આનંદ

ચોક્કસ મહાવિપદ્ ભરી પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક ખાસાપૂરા લોકો ભાંગી ભૂકો થાય છે, જ્યારે બીજા કેટલાક છેવટ લગણ અણનમ રહી અંતે તમામ વિઘ્નો વટાવી મૂઠી ઊંચા ઊભા રહે છે; એનો ખુલાસો શો ?
માનવીની સહનશક્તિને હદ છે. ચાહે તેવો તગડો કે ટ્રેન થયેલો માણસ પણ બાર ફૂટ હાઈ જંપ નહિ કરી શકે, કે પોતાને બાવડે આટલાંટિક તરી નહિ શકે. માનવીની સહનશક્તિનું માપ એકલા શરીરબળથી નહિ કાઢી શકાય. એમ હોત તો અંતરિયાળના ખેવણહારામાં એકવડિયા શરીરવાળો તીરો મૂઓ હોત, અને પઠ્ઠો એરિક બચ્યો હોત. પ્રસંગ પડ્યે એક માણસમાં બદલાતી પરિસ્થિતિને બંધબેસતા થવાની કે પહોંચી વળવાની સૂઝશક્તિ દેખાઈ આવે છે, જ્યારે બીજો બડો પહેલવાન હોય છતાં કટોકટીમાં ટકી શકતો નથી.
એકનું શરીર પરિસ્થિતિના ફેરફાર સાથે સાથે તેને બંધબેસતા થવાની શક્તિ ઝપાટાભેર કેળવી લે છે, જ્યારે બીજાનું તેમ કરવામાં નિષ્ફળ જાય છે. આ રીતે કદમ કદમ ગતિએ શક્તિ કેળવી લેનારો માણસ ૨૬,000 ફૂટની ઊંચાઈએ પણ પોતાનું કામ કર્યેં જશે, જ્યારે બીજાને તે જગાએ વિમાનમાં આણીને ઉતારી મૂકો તો તે તત્કાળ મરી રહેશે. તે જ પ્રમાણે ઇંગ્લિશ ચેનલનો તરવૈયો ધીમે ધીમે વધુ ને વધુ વખત પાણીની ઉપર રહેવાની શક્તિ કેળવશે અને ધ્રુવ પ્રદેશના સંશોધકનાં આંગળાં ૪૦ ડિગ્રીની ટાઢમાં ધાતુની ચીજો પકડીને જરૂર મુજબ તેની હેરફેર કરી શકશે.
મારું શરીર બરફપર્વતોની ઊંચાઈઓને બંધબેસતું થવાની શક્તિ ઠીક ઠીક ધરાવે છે. પણ પાણીમાં ટકવાની બાબતમાં સાવ નકામું. ચાહે તેટલો મથું તોયે એ શક્તિ મારા શરીરમાં નહિ આવે. વળી ઇગ્લેંડમાં ઘરઆંગણે મને હાલતાં ને ચાલતાં શરદી સળેખમ ઘડી ઘડી સતાવે, પણ હિમાલયની બરફની ટાઢમાં હોઉં ત્યારે ત્યાં મને કશું ન થાય !
શરીરની જેમ જ મન પણ પરિસ્થિતિ મુજબ બેસતું થવા કેળવાવું જોઈએ. તમે ખાડામાં દટાયા હો, બરફાની ખોને તળિયે ઝિકાયા હો, સમુદ્રનાં પારાવાર જળ ઉપર અંતરિયાળ ઘસડાઈ ગયા હો કે જીવલેણ દરદના પંજામાં સપડાયા હો – મનની એ શક્તિ તમને ઉગારી શકશે.
આવી સ્થિતિમાં ઘણી વાર મારવા માગનાર અને મરનાર બેઉ વચ્ચે જીવસટોસટની કુસ્તીમાં ભિડાયેલા બે જણની પેઠે એવી તો મડાગાંઠ પડી જાય છે કે ચડવૈયો અને પર્વત, તરવૈયો અને મહાસાગર, દરદી અને દરદ બેઉ એકબીજા જોડે અવિભાજ્ય બની જઈને કેમ જાણે એક જ જોડકું કે હોડકું બની જાય છે; અને એવી તમામ જદોઝદને અંતે જેમ પર્વત કે મહાસાગર જાણે કંઈ ન બન્યું હોય તેમ જેવો ને તેવો અવિચળ કે શાંત ગંભીર બની રહે છે, તેમ તેનો જોડીદાર બની ગયેલો માનવી પણ બચી ઊગરીને જાણે કશું જ ગર્જ્યું વીત્યું ન હોય તેવો અખંડ સાબૂત ટટ્ટાર ઊભો રહે છે !
આનો અર્થ એ નથી કે આવા બચાવ ઉગારામાં તમારી ત્યાર સુધીની તાલીમ અથવા કારકિર્દીનો કશો ફાળો નથી હોતો. K2 નાં વીતકોમાં મળેલી તાલીમ અને અનુભવ ટૉની ટેથરને હારામોશની જીવલેણ વિપદ અને જદોઝદ દરમ્યાન જરૂર ખપ લાગ્યાં હશે. હજુ હાલમાં જ સને ૧૯૬૧માં ચાર ફરાંસી અને ત્રણ ઇટાલિયન આરોહી આલ્સનાં બરફાનોમાં ૧૪,૮00 ફૂટની ઊંચાઈએ ત્રણ દિવસ લગણ ભરાઈ પડેલા. એમાંનો એક જણ વીજળી કડાકામાં ઘવાયો ને ચિત્તભ્રમ થઈ ગયો. બીજા સાવ નાની ઉંમરના અને ખાસી તાલીમ લીધેલા ત્રણ જુવાનજોધ ફરાંસીજનો અને એક ઇટાલિયન મૂઆ, અને અનુભવે ઘડાયેલ મુખી જીવતો રહીને સાજોસમો થોડા જ અરસા બાદ પાછો પહાડોનાં આરોહણને કામે પહોંચી ગયો!
આર્કટિક ધ્રુવ પ્રદેશોનો મહાઅનુભવી આગેવાન વીવીઅન ફક પોતાના કામ માટે ૩૦થી ૩૫ ઉંમરના સાથીઓની પસંદગી કરતો, જે સ્થિર મગજના અને સમતોલ સ્વભાવવાળા હોય; અને જે મનને નિષ્ફળતાથી હારવા કે સફળતાની આશાથી કૂદવા ન દે; જે ગમે તેવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ મનની સમતુલાને તૂટવા ન દે. આવું સમતોલન કેળવવામાં માણસના અનુભવ તેમ જ સ્વભાવ કે પ્રકૃતિ બેઉનો ફાળો હોય છે.
કહે છે કે માનવી માત્રની ભીતર પડેલી જિજીવિષા ઉર્ફે જીવવાની અનિવાર અને ચિકટ તાલાવેલી પણ માણસમાં પરિસ્થિતિ સામે ટકી રહેવાની શક્તિ કેળવવામાં તેવો જ ધરખમ ભાગ ભજવતી હોય છે.
આ વાત અલબત્ત, સાચી છે અને છતાં એ પણ તેટલું જ સાચું છે કે જિજીવિષા પણ હંમેશાં કારગત નથી નીવડતી. જિજીવિષા તો જાનવરમાં પણ – પ્રાણીમાત્રમાં – છે. પણ ખાણિયા ભાભાના કે દરિયાખેડુ તીરાના દાખલામાં આપણે જોયું તેમ જેમ જિજીવિષા ઉપરાંત માનવીના બીજા ઘણા ગુણો સમુચ્ચય રૂપે એને ઉગારવામાં કારગત થાય છે. વળી બરફખેડુઓના દાખલામાં આપણે જોયું તેમ સાથીપણાની ભાવના આખા સમૂહની સલામતીને જોખમમાં મૂકીને પણ ઘણી વાર જિજીવિષા ઉપર સરસાઈ કરતી હોય છે. ઉપરાંત, સાથીઓમાં કે સમૂહમાં પરસ્પર સહકાર, સહિષ્ણુતા અને વિશ્વાસની ભાવના પણ તેવી જ બળવાન નીવડે છે.
સતોપંથના સાધુનો દાખલો અપવાદ રૂપે કોરે રાખીએ તો આ બધામાંથી, એટલી વાત ચોક્કસ ફલિત થાય છે કે માનવી એ નકરો દરિયાના ટાપુ જેવો ન્યારો નથી. સાવ એકાકી એકલમલ તરીકે એ ન જીવી શકે, હજારો મણ માટી રોડાં તળે દટાયેલો અને ઝેરી બની ગયેલા વાયુમાં ગૂંગળાયેલો ખાણિયો ભાભો પણ પોતાના બચાવ માટે ખોદી રહેવા માણસોનો બોલાસ સાંભળીને કૉળાયો. ટૂંકમાં સાથીઓ કે બીજા લોકો પોતાના બચાવ ઉગારા માટે મથામણ કરી રહ્યા છે એ વિચાર માણસના ઉગારામાં ઓછેવત્તે ફાળો પૂરે જ છે.
છેલ્લે રહી પેલી કટોકટીને ટાંકણે જીવ પર આવીને જદોઝદ કરી રહેલા માનવીને પડખે રહીને ‘કોક’ બીજું ત્રીજું મદદ કરતું હોય છે એવા ઘણાને થતા આભાસ કે ગૂઢ અનુભવવાળી વાત. આવો અનુભવ આપણી આ પુસ્તકમાં આપેલી કથાઓમાં તીરાને, ટેથરને, બરફચીમનીમાં અંધારે ઊતરતી વેળાએ હાઉસ્ટનને થયો. મને પોતાને પણ વગર ઑક્સિજને એવરેસ્ટનાં ઊંચાણ ચડતાં થયેલો. જાણે. કોઈ અકળ અગમ પડછંદ માયાળુ ગરવી વ્યકિત મારે પડખે રહીને અપાર મમતા અને સહાનુભૂતિભરી આંખે મારી ચકલી જેવડી કાયાની જીવસટોસટની જહેમતને નિહાળી રહી હોય. અને પોતાની અમીદ્રષ્ટિ વડે મારામાં અનેરું હૈયાબળ સીંચી રહી હોય. આવા જ વિના બીજા દાખલા નંગા પર્વત ચડનારા હરમન ભલ, ધ્રુવસંશોધક શૅકલ્ટન અને પ્રસિદ્ધ પર્વત આરોહી સ્માઇથના છે.
બીજા પણ મળી આવશે. નાનાં બાળકો આવા અજાણ્યા મિત્રને પોતાનો રક્ષક, સાથી કે દોસ્ત ગણીને ન દેખવા છતાં હંમેશાં તેની જોડે વાતો કરતાં હોય છે. એને શું ગમે, શું ન ગમે, શું ભાવે, શું ન ભાવે, એ બધું પણ જાણતાં હોય છે. અને એ ‘અજાણ્યો’ એમને રમવામાં, જમવા ખાવામાં, ખુશાલીના કે અકળાવનારા તમામ સંજોગોમાં જિગરજાન ભેરુબંધ કે માયાળુ મોંઘેરો મહેમાન થઈને મમતાભર્યો સાથ આપે છે. એની સાથે બજારે જાય છે, રમકડાં અપાવે છે, વગેરે.
ટૂંકમાં આવા કોઈ અગમ અકળ સાથી, બેલી કે રક્ષણહારાની હાજરી પોતાને પડખે હોય એવો અનુભવ બાળકોને રોજની નિર્દોષ રમતગમતની જિંદગીમાં અને મોટાંને સંકટ વિપદ કટોકટીને અવસરે થતો હોય છે, જે એમને જીવલેણ જોખમો પાર ઊતરવામાં ઘણી વાર મોટી મદદરૂપ થઈ પડે છે.*
આને દૈવી કૃપા કહો, પ્રાર્થનામાંથી મળતું બળ કહો, ચાહે તે નામ આપો. આવો અનુભવ અસંખ્ય લોકોને મહાવિપદ્ કે કટોકટીની પળે થયો છે; અને એમાંથી મોટું હૈયાબળ મળીને તેઓ ઊગરી ગયા છે. ધાર્મિક વૃત્તિવાળા લોકો આને ઈશ્વરની કૃપા કે અનુગ્રહ કહે છે.
આ ઉપરથી એમ પણ માનવાનું આપણને મન થાય કે પોતાના સાથી સોબતી પાડોશીને પોતાનું અંગ ગણીને ચાલવા માણસને પ્રેરનારી શ્રદ્ધા કે વિશ્વાસ જ માણસમાં વિપદ્ વેળાએ પોતાની પડખે ચાલનારા આવા ‘કોક બીજા’ અકળ અગમ સાથી જોડીદાર બેલી કે રક્ષણહારાનું રૂપ લઈ માણસમાં અનેરું બળ અને હિંમત સીંચે છે.
અને હિંમત અથવા અભયવૃત્તિ એ જ તમામ ભયસંકટ સામે માનવીનું રામબાણ ઓસડ છે. સાથી, ભેરુબંધ કે પાડોશી માટેનો આવો વિશ્વાસ વ્યક્તિગત તેવો જ સામુદાયિક કે પ્રજાકીય પાયા પર પણ હોઈ શકે. અને વ્યક્તિની જેમ જ પ્રજાઓને પણ આજનાં સંગઠિત હિંસાબળો સામે, -વિશ્વયુદ્ધ, બોમ્બ તેમજ અણુઅસ્ત્રોના કારમા ભય સામે ટકાવીને ઉગારી લેનારું રક્ષાકવચ સાબિત થઈ શકે.
આ યાત્રાના સૌથી મહત્ત્વના ગાળામાં મૂળે નક્કી કરેલા સમયપત્રક મુજબ કૈલાસ પહોંચવા અને તેની પરકમ્મા કરવા સારુ, થાકેલી ભોટિયા વણજારનો સંગાથ છોડી, પંડ ઉપર કુમળાં લવારાંના ચામડાનો રૂંવાદાર અંચળો અને ખભે તેવા જ બ્લાંકિટ ભેર અને ગજવામાં ફક્ત સેતુબંધ રામેશ્વરથી કૈલાસપતિને ચડાવવા સારુ લીધેલી સેતુની માટીના ટચૂકડા પડીકા સાથે ટિબેટના ચૌદપંદર હજાર ફૂટ ઊંચાં વેરાનોમાં સાવ ભૂખ્યોતરસ્યો હું પૂરા સાડા પાંચ દિવસ ને રાત ચાલતો રહેલો.
આ કટોકટી દરમ્યાન કૈલાસ પરિક્રમાના બીજા દિવસની રાતે વળતી સવારે એક ડગલું પણ અગાડી જવાનું અશક્ય એવી મારી આરિયાં હાલતમાં પરકમ્મા પૂરી થવાની તમામ આશાઉમેદને સમેટીસંકેલીને મનમગજથી સાવ બ્લૅન્ક બનીને હું મરવા સૂતો; અને જાણે મારો જીવ ઊંડે ઊંડાણે ઊતરી ગયો.
મળસકે જાગ્યો ત્યારે જોયું કે મારાં થાકભૂખ તમામ અલોપ થઈ ગયાં હતાં. અને હું ઊઠીને ઊભો થઈ શક્યો એ વાતનું જ મને પારાવાર અચરજ થયું.
આ પછી સૌ પ્રથમ વિચાર જે મારા મગજમાં ઊઠ્યો તે હું આગલી સાંજે આવેલો તે જ પગવાટ પકડીને પાછા વળવાનો હતો. કેમ કે હું લગભગ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ જ્યાં હતો, ત્યાંથી આશરે હજાર ફૂટ જેટલી બરફ ચડાઈ મારી સામે હતી તે ચડીને ઉપર ગૌરીકુંડે પહોંચવાની તો કલ્પના પણ તે ઘડીનું મારું તમામ શરીરબળ તેમ જ સંકલ્પ શક્તિ તળિયાઝાટક થઈ ગયા પછી મારે માટે નરદમ અશક્ય વાત હતી.
મારા પગ આગળ જ લાદી જેવા ચપટા લાંબા પથરાથી બનેલા કુદરતી પુલવાળું એક ટચૂકડું ઝરણ હતું. જે ઓળંગીને આગલી સાંજે હું આવેલો. હવે એ જ લાદીપથરા ઉપર પગલું દઈને એ થીજેલું ઝરણ મેં ઓળંગ્યું.
પણ એક ને બીજું ડગલું મેલ્યું ન મેલ્યું ને ત્રીજે જ ડગલે હું અટક્યો કેમ જાણે કોઈએ મારું બાવડું પકડ્યું. જાણે કોક મારા હૈયાંની ભીતર મોં ઘાલીને બોલ્યું :
‘‘બાવળા ! આટલે આવીને પાછાં તે કંઈ વળાય ? ચાલ. ફેરવ મોં !’’
અને સાચે જ હું પાછો ફર્યો !
આ પછીને બે-ત્રણ કલાક કશી સૂધબૂધ વગર બહેરે હૈયે ને અધભાન બેભાન જેવી હાલતમાં અકેક કદમ કરીને એ ગૌરીકુંડવાળી બરફ ચડાઈ હું ચડ્યે ગયો, જેમાં પેલું ‘કોક’ કેમ જાણે મારે પડખે ને પડખે રહી મારો હાથ ઝાલીને મને ચડાવતું હોય એવી પ્રતીતિ મને થઈ. આ અનુભવ એટલો બધો હાજરાહજૂર હતો કે એ વાતને લગભગ છ દાયકા વિત્યા છતાં હજુ આજે પણ એનું સ્મરણ મને જેવું ને તેવું તાદ્રશ છે.
આ ‘કોક’ને મારી ત્યારની જુવાન શ્રદ્ધાએ દેવાધિદેવ કૈલાસપતિ પોતે, કે પછી મારા ઓળખીતા ચિત્રમાંના ચહેરાવાળા એમના ડેપ્યુટી ઠાકુર રામકૃષ્ણ માન્યા, અને ગૌરીકુંડ પર પહોંચીને પૂરા હોશમાં આવ્યા પછી જે ધન્યતા, કૃતાર્થતા, કૃતજ્ઞતા મેં અનુભવી તેનું વર્ણન આજે શબ્દસામગ્રીનો મોટી કે કડિયો કારીગર બન્યા પછી પણ હું કોઈ રીતે કરી શકું એમ નથી.
આ જાત અનુભવ મેં મારા (હજુ અપ્રગટ) ‘અવનિ પર અતુલ’ પુસ્તકમાં વિગતે નોંધ્યો છે.
***
* સિંધી, કચ્છી, કાઠિયાવાડી મુસલમાનોમાં કે દરિયાખેડુ ખલાસી ખારવામાં બે મિત્રો કે સાથી સંબંધીઓ છૂટાં પડતી વખતે વિદાયની ખેરિયત ઇચ્છતાં એકબીજાંને ‘અલ્લા બેલી’ કહીને છૂટા પડે એવો રિવાજ છે. આ ‘અલ્લા બેલી’નો અર્થ એવો છે કે ‘ઈશ્વર તારા સાથી મદદગાર કે રક્ષક તરીકે હંમેશાં તારી પડખે રહો.’ ‘બેલી’નો મૂળ અર્થ સાથી કે જોડીદાર એવો છે. આમાંથી પછી રક્ષક કે ઉગારી લેનારો એવો અર્થ રૂઢ થયો હશે. – રજૂઆતદાર
***
પૂ. સ્વામી આનંદ એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતો વાળુ સાહીત્ય ખૂબ માણતા.
તેમનો અનુભવ–”માનવી માત્રની ભીતર પડેલી જિજીવિષા ઉર્ફે જીવવાની અનિવાર અને ચિકટ તાલાવેલી પણ માણસમાં પરિસ્થિતિ સામે ટકી રહેવાની શક્તિ કેળવવામાં તેવો જ ધરખમ ભાગ ભજવતી હોય છે.’
‘ પ્રાર્થનામાંથી મળતું બળ કહો, ચાહે તે નામ આપો. આવો અનુભવ અસંખ્ય લોકોને મહાવિપદ્ કે કટોકટીની પળે થયો છે; અને એમાંથી મોટું હૈયાબળ મળીને તેઓ ઊગરી ગયા છે. ધાર્મિક વૃત્તિવાળા લોકો આને ઈશ્વરની કૃપા કે અનુગ્રહ કહે છે.’
ચિતમા મઢી રાખવા પ્રેરણાદાયી વાતો
.’જે ધન્યતા, કૃતાર્થતા, કૃતજ્ઞતા મેં અનુભવી તેનું વર્ણન આજે શબ્દસામગ્રીનો મોટી કે કડિયો કારીગર બન્યા પછી પણ હું કોઈ રીતે કરી શકું એમ નથી.’ અમારા મનની વાત