એક-એક કૂંપળમાં જંગલ ઉભરાય (લેખ) ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે ~ પર્યાવરણ દિન નિમિત્તે

પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૧૯૭૨માં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણ જાળવણી માટે એકત્રિત થયા અને તેનું જાહેરનામું પાંચમી જૂને બહાર પાડ્યું. ત્યારથી આ દિવસ  ઉજવવાનું નક્કી થયું. પ્રત્યેક વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. ૨૦૨૧ની થીમ છે ઈકોસિસ્ટમ રીસ્ટોરેશન. સૂફી પરમારના શેરથી પ્રથમ પ્રકૃતિવંદના અને ત્યાર પછી પ્રકૃતિવેદનાની પણ વાત કરીએ…
પહાડો જંગલો દરિયા સરોવર વાદળો રણમાં
નજારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

ઈશ્વર ક્યાં છે એમ પૂછનારાઓને ઈશ્વર ક્યાં નથી એ પ્રતિપ્રશ્ન જરૂર પૂછવો જોઈએ. પ્રભુ પીતાંબરધારી જ હોય એવું જરૂરી નથી એ પર્વતધારી પણ હોઈ શકે. અચેતનમાં પણ ચેતન સમાયેલું છે. પ્રાણીસૃષ્ટિ, જળસૃષ્ટિ, વનસ્પતિ અને પંખીઓ તથા પાણી, ધરતી, પ્રકાશ, ખડકો અને હવાનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. કરસનદાસ લુહાર હવામાંથી ભેજ તારવે છે…
એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે
જે જગાથી આપણે લઈને તરસ છૂટા પડ્યાં
એ જગા જોવા પછી કોઈ ઝરણ આવ્યું હશે
કાશ્મીરની છ વર્ષની માસૂમ માહિરાએ મોદીસાહેબને નામે વિડિયો તરતો મૂકી શિક્ષણવિભાગની આંખ ખોલી નાખી, એમ કોઈ મસ્ત મજાનું ઝરણું પેતાની માસૂમિયતથી આપણને કોઈ સનાતન ભાવની ઝાંખી કરાવતું હોય છે. રસ્તે પડેલી ઈયળને પાંદડાં ઉપર આસનસ્થ કરી સલામત જગ્યાએ મૂકવાની ચીવટ આમ તો નાની ઘટના કહેવાય, પણ એ નિસબત એવરેસ્ટથી ઊંચી ગણાય. હેલ્પર ક્રિસ્ટી કહે છે એમ પ્રવાસમાં નાની-નાની બાબતો આપણને શીખવતી જાય છે…
રાહમાં તો આવવાના જંગલો
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો
બસ, હવે બેસીએ લીલા ઘાસમાં
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો
અમરપટ્ટો અશ્વત્થામાં પાસે હોઈ શકે, આપણી પાસે નથી. આપણે તો જે જિંદગી મળી એને પ્રેમથી પુરવાર કરવાની હોય અને સંવેદનથી સાકારવાની હોય. ગણતરીઓની પારનું પણ એક વિશ્વ છે જે પ્રકૃતિની ગોદમાં સમાયેલું છે. એકવીસમી સદીનું વિશ્વ પર્યાવરણની પાયમાલી નિહાળી રહ્યું છે. કુદરતનું સંતુલન ખોરવાતાં પૂર, હિમસ્ખલન, વાવાઝોડા જેવી આફતો વારંવાર સ્પૅમ મેસેજની જેમ ટપલી મારતી રહે છે. ડૉ. જગદીપ નાણાવટી કહે છે એ સવાલનો જવાબ નાના-મોટા શહેરોએ ગોતવો પડશે…  
જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર
જંગલે કૉન્ક્રીટ, ટિટોડી ઝૂરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર
કુદરતના વિનાશ વગર વિકાસ અસંભવ લાગે છે. હજારો વૃક્ષોને ધરાશાયી કર્યા વગર ને ખેતરની જમીન સંપાદિત કર્યા વગર લાંબા હાઈવે, રેલવેનું બાંધકામ, મોટી ટાઉનશીપનું પ્લાનિંગ વગેરે  સંભવિત નથી બનતું. પ્રકૃતિ પણ જરૂરી છે અને વિકાસ પણ જરૂરી છે. દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખવો કઈ રીતે? કુલદીપ કારિયાનો હતાશ ઉત્તર અપનાવ્યા વિના છૂટકો નથી…
તારી આંખોની અંદર આવીને કરવું શું?
કે એમાં દરિયાનું હોવું બીચ વગરનું છે
જન્મ્યા પહેલા જંગલ આખું મરી ગયું, કુલદીપ
ઊગી ગયું છે ઝાડ પરંતુ બીજ વગરનું છે
સંતુલન સાધ્યા વગરની પ્રગતિ રિટર્ન ગિફ્ટમાં અનેક સણકા આપે છે. ભારતમાં ૧.૩૨ લાખ કિલોમીટર લાંબા હાઈવે છે જેની બંને બાજુ મળીને અબજો વૃક્ષો વાવી શકાય.

ઑક્સિજનથી ફાટફાટ તથા ફળાઉ વૃક્ષોની વાવણી અને જાળવણીનું કામ મનરેગા હેઠળ જે-તે રાજ્યની સ્થાનિક પ્રજાને આપી રોજગારીનું સર્જન પણ કરી શકાય. વિઝનરી મંત્રી નીતિન ગડકરી ૨૨ નવા ગ્રીન હાઈવેને કાગળ પરથી જમીન પર લાવવા પ્રવૃત્ત થયા છે. આ કન્સેપ્ટ ધીરે-ધીરે સમગ્ર ભારતમાં લાગુ થાય તો શીતળ પવનના સંગીત નિર્દેશનમાં પંખીઓ અચ્છે દિનનું કોરસગીત ગાવા સામેથી ઊડીને આવશે. અન્યથા ગૅસના બાટલાની જેમ ઑક્સિજનના સિલિન્ડર પણ ઘરે વસાવીને લલિત ત્રિવેદી કહે છે એવા કટાક્ષબાણ સહેવાં પડશે…
પાણી પણ વેચાય છે તે આ સડક
જે સડક નીચે પૂર્યો કૂવો તમે
જંગલોની ડાળને પિંજર ઊગ્યાં
કઈ જગાએ બાંધશો માળો તમે?
કોઈ પણ દેશ માટે ૩૩ ટકા ગ્રીન કવર આદર્શ છે. ભારતનું ગ્રીન કવર ૨૪ ટકા જેટલું છે. છેલ્લા બે દાયકામાં આપણા દેશમાં જે અબજોના મનહૂસ કૌભાંડો થયા તેનો એકાદ ટકા કટકો પણ જો વૃક્ષો-જંગલો માટે ફેંકાયો હોત તો કુદરતે આ પોર્ટફોલિયો દસ ગણો કરીને પાછો આપ્યો હોત. આશા રાખીએ કે કોસ્ટારિકાનું મૉન્ટેવર્ડે, ઑસ્ટ્રેલિયાનું ડેઈનટ્રી કે લેટિન અમેરિકાનું ઍમેઝોન જેવું જંગલ કોઈ વર્ડ-સમિટમાં ભારતના પ્રવાસે આવે અને ભારતની સિટિઝનશીપ સ્વીકારી લે તો અમે શાયરો રંગીન ઝભ્ભા પહેરી આ જંગલોમાં ગ્રીન મુશાયરાઓ યોજવા તત્પર છીએ.  

ક્યા બાત હૈ

આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી

એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તોય રોમ-રોમ ફૂટે પલાશ
એકાદી લ્હેરખી પવનની જ્યાં સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી બાજી

પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
એકાદી ક્ષણનો વિસ્તાર
એક-એક કૂંપળમાં જંગલ ઊભરાય
કોઈ પૂછે તો કહીએ કે હાજી

~ રમણીક સોમેશ્વર

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. ‘એક-એક કૂંપળમાં જંગલ ઉભરાય (લેખ) ~ હિતેન આનંદપરા નો ખૂબ સ રસ લેખ
  જેને ઝડપથી વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ વધી રહ્યો છે જેનાથી તમામ દેશ આજે ચિંતિત છે કારણ કે, તેનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ સાફ જોવા મળી રહ્યો છે.
  પાણીની એકાદી છાલકમાં હોય કદી
  રીમઝીમ રેલાતો મલહાર
  છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
  એકાદી ક્ષણનો વિસ્તાર
  એક-એક કૂંપળમાં જંગલ ઊભરાય
  કોઈ પૂછે તો કહીએ કે હાજી
  વાહ

 2. ખૂબ સુંદર લેખ..
  પ્રકૃતિની લીલાશ અને કવિ કલમની ભીનાશ અનુભવી..
  અભિનંદન..