તૂટી પડેલાં વૃક્ષો… અને ધરતી માની વેદના (કવિતા) ~ ડૉ. ભૂમા વશી (૧૯/૦૫/૨૧)
(૨૧ વર્ષ પહેલા મેં વાવેલું ગુલમહોરનું વૃક્ષ વાવાઝોડામાં ઊખડી ગયું. એને વળગીને હું રોઈ. માર્ગમાં આવા અનેક વૃક્ષો ધરાશાયી થયેલાં. એમને જોઇને મધર અર્થની વેદના મેં અનુભવી. ~ કવયિત્રી )

જ્યારે,
તમે
મારે ખોળે વિકસતાં હતાં,
ત્યારથી તમને ખૂબ
વહાલ કરેલું….
તમારાં સંઘર્ષની
હું સાક્ષી હતી.
ધીરે-ધીરે ખસતાં તમારાં
કોમળ પગની પાનીને
પસવારતાં પસવારતાં,
તમારાં પગરવ…..
મારા હૃદયનાં ઊંડાણમાં
સાચવી રાખેલા.
અળસિયાં, કીડી, મંકોડા, ખિસકોલી
કાચિંડા અને કાબર
સાથેની તમારી દોસ્તી ખૂબ મઝાની હતી
ડાળીઓ વચ્ચેની જગ્યામાંથી
માળામાંથી વરસતા ટહુકા,
તડકાનાં ચાંદરણા…
ખરતાં ફૂલ….
અને
સુગંધ….
વરુણદેવની સામે
વંટોળની સામે
તમે જ્યારે ઝઝૂમતા હતાં
ત્યારે
મારા સઘળાયે પ્રયત્નો…..
મારાં બાળકોને જકડીને સાચવી રાખવાના…..
નિષ્ફળ થઈ હું…..
તમે બધાં અચાનક તૂટી પડ્યાં…
કડેડાટ….. ધડામ… ધડામ…
મારી કુખ ઉજડી ગઈ..
સાવ લોહીલુહાણ-
સ્તબ્ધ થઈને ઊભી છું…
વરસાદના પાણીમાં મારાં આંસુ…
પોચી, ખુલ્લી છાતી…
ડૂસકાં… ડૂમા…
તૂટેલાં થડ, ડાળીઓ, માળા, ટહુકા,
વિખરાયેલા પાનમાં
સાવ વિખરાયેલી હું…
પેલાં મશીન,
હવે તમને કાપે છે,
તમારાં પગને…
મૂળને…
મારાથી છૂટા કરે છે
રસ્તા સાફ કરે છે
આંસુભરી નજરે
મૂંગીમંતર
જોયાં કરું છું!!
બાળકો વગરની,
મારાં વૃક્ષો વગરની ….
તમારી મા….
મારી ચીસો,
આક્રંદ,
પીડા,
ઉઝરડા….
કોણ સાંભળશે????
~ ડૉ. ભૂમા વશી (૧૯/૦૫/૨૧)
મુંબઈ
વૃક્ષ-વનસ્પતિ પર આપણા પૂર્વજોનો અને ઋષિઓનો અલૌકિક પ્રેમ હતો.
તે પ્રેમભર્યા,કુમાશભર્યા અંતઃકરણનો અછાંદસ દ્વારા અનુભવ થયો
નિર્જીવ લાગતી કુદરતની આ કૃતિઓ આપણા જીવન સાથે કેવા જોડાયેલા હોય છે. તેની અણદીઠી પીડા આપણી બની જાય છે.