ક્યાંક મળો તો રોકી લેજો (ગઝલ) – ખલીલ ધનતેજવી ~ સ્વરાંકન , સ્વર – આલાપ દેસાઈ
ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?
માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?
વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?
પરસેવા ની સોડમ લઇને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?
આજે અમને દાદ ન આપી કાઈ નહિ,
આજે આમને સાંખી લેજો બીજું શું?
@ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી (ખલીલ ઈસ્માઈલ મકરાણી)
મત્લા : 12 ડિસેમ્બર 1935, ધનતેજ જિ. વડોદરા
મક્તા : 4 એપ્રિલ 2021 વડોદરા
સ્વ.ખલીલ ધનતેજવીની મજાની ગઝલ ~ ક્યાંક મળો તો રોકી લેજો
આલાપ દેસાઈના સ્વરમા માનવાની મજા આવી