ક્યાં શું? (લઘુકથા) ~ ગોપાલી બુચ

મુઠ્ઠી ભરેલી આ જારમાં
મન કેટલાં ઠારવા

ચાની લારી પર એક દૂધ માટે કરગરતા એક વૃદ્ધને જોઈને મને દયા આવી. એના મેલાં અને જીર્ણ થઈ ચુકેલાં કપડાં, કાળી દૂબળી કાયા, વિખરાયેલા સફેદ ગંદા વાળ, ખભે લટકતો કાળો થેલો – જે જોતાં એમ લાગે કે, એ ક્યારેક સફેદ હશે – અને જિંદગી અને ગરીબાઈના બેવડા મારથી વાંકું વળી ગયેલું એનું વ્યક્તિત્વ..!

ભારત દેશમાં ગરીબથી પણ ગરીબની ગરીબરેખામાં તદ્દન ફીટ બેસે એવો એ પુરુષનામે માણસ! હાથમાં તૂટેલો કપ લઈને ચાવાળા પાસે દૂધ માટે કરગરતો હતો. એની આંખમાં ભારોભાર લાચારી હતી.

‘‘કાકા, રોજ ક્યાંથી તમને દૂધ આપું? મારે પણ શેઠિયાને હિસાબ આપવો પડે છે.’’ ચાવાળાએ મસોતાથી હાથ લૂછતાં કહ્યું. એને દૂધ આપવાની ઇચ્છા ન હોય એવું એના અવાજની નારાજગી પરથી લાગ્યું.

‘‘આજે કંઈ જ પાસે નથી નહીંતર તને હું પૈસા આલું જ. મારે ચા નહીં જોઈતી, પણ થોડું દૂધ આલ ભઈલા’’ ફરી તૂટેલો કપ આગળ થયો.

હું ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. ચાવાળાને મેં કીધું કે, ‘‘ભાઈ, આપી દે એને દૂધ. હું પૈસા આપી દઈશ તને.’’ હું મારી ચા સાથેના દૂધના પૈસા આપવા લાગી.

ચાવાળાએ બહુ નમ્રતાથી એનો અસ્વીકાર કર્યો. ‘‘મૅડમ, હમારા તો રોજ કા મામલા હૈ.’’ એમ કહી, એણે પેલા વૃદ્ધના કપમાં દૂધ ભરી આપ્યું. મને જરા ચાવાળા પર હસવું આવ્યું કે, આપણે ત્યાં કેમ આ પ્રથા થતી જાય છે, કે હું ગુજરાતી હોવા છતાં એણે મને હિન્દીમાં જવાબ આપ્યો. જ્યારે મેં તો એને શુદ્ધ ગુજરાતીમાં જ પૂછ્યું હતું. જરા વિચારવા જેવું ખરું.

હાથમાં દૂધનો કપ લઈ, સાથે હતી એ પાણીની બૉટલ ભરી વૃદ્ધ જરા દૂર એક ખૂણામાં જઈને બેઠા. હું એમને મદદ કરવાના આશયથી ત્યાં ગઈ.

એ માણસે થેલામાંથી સુકાઈ ગયેલી રોટલીઓ કાઢી. ત્યાંજ પાસે એક કૂતરું આવીને એના પગમાં આળોટવા લાગ્યું. વૃદ્ધ કાકાએ થેલામાંથી વાડકો કાઢ્યો, એમાં દૂધ ભર્યું અને બે રોટલીના કટકા કરી એમાં પલાળ્યા.

‘‘કાકા, રહેવાનું ક્યાં?’’ મેં પૂછ્યું.

‘‘અહીં જ.’’ મેં જોયું કે બાજુમાં જ એક જૂની ગોદડી ને ફાટેલી ચાદર, સાથે એક નાની પેટી અને બે-ચાર વાસણ પડ્યા હતાં. મને જવાબ આપતાં-આપતાં કાકાએ પેલો વાડકો કૂતરા તરફ ધર્યો. કૂતરું ફટાફટ ખાવા લાગ્યું.

‘‘અરે, કાકા…’’ હું આગળ બોલું, એ પહેલાં જ એણે કીધું કે ‘‘બેન હું તો પાણી સાથે જ ખાઈ લઈશ. પણ આ મુઆ મૂંગા પશુને ખબર નથી પડતી કે દૂધ માટે પૈસા જોઈએ! ઈને આદત છે બેન. મારી બૈરી હતી ત્યારે રોજ મજૂરીના પૈસામાંથી એને દૂધ રોટલી આપતી.’’ એમ બોલતાં તો એણએ રોટલીનો ટુકડો મોઢામાં મૂકી પાણીનો ઘૂંટકો ભર્યો.

મને જરા ક્ષોભ થયો. આવી ખબર હોત તો દૂધ સાથે ચા પણ… એની દિલાવરી જોઈ મને એના વિશે વધુ જાણવાની ઇચ્છા થઈ.

‘‘પહેલેથી અહીં જ રહેવાનું?’’ મેં પૂછ્યું.

‘‘હા બેન, આ સામેનું મોટું બૉર્ડ યાદ રાખવાનું.’’

મેં સામે બૉર્ડ તરફ જોયું. ઝળહળતાં બૉર્ડ પર એક બહુ મોટા, નામી નેતાનો ફોટો હતો. અને ત્યાં લખ્યું હતું, ‘‘0 % ગરીબી, 0 %બેકારી – એજ મારું એક માત્ર ધ્યેય.’’

મારું ધ્યાન ગયું કે રોટલી ને દૂધ ખાઈને ગયેલું કૂતરું એજ બૉર્ડના એક થાંભલે એક પગ ઊંચો કરી તૈયાર જ ઊભું હતું.

મને વિચાર આવ્યો કે કૂતરાને પણ પાક્કી ખબર છે કે, ક્યાં… શું…!!!

~ ગોપાલી બુચ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments