પાંચ કાવ્યો ~ પન્ના નાયક (જન્મદિન: ૨૮ ડિસેમ્બર (૮૮માં વર્ષમાં પ્રવેશ)

ગીત: પાંદડી વાયરાને વળગી શું કામ?
(વાદ્યસંગીત નિયોજન-નિર્દેશન)
અમિત ઠક્કર
સ્વર: ગાર્ગી વોરા

૧. ગીત
પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી,
આમ એકાએક ડાળીથી અળગી શું કામ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી.
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ?

૨.
બે પગમાંથી
કયો પગ
ઊકળતા પાણીમાં મૂકવો
અને કયો
બરફના ચોસલામાં
એનો
સ્વતંત્ર નિર્ણય લેવા
અપાયેલો અધિકાર
એટલે સ્ત્રી-સ્વાતંત્ર્ય

૩. લિફ્ટ
આપણી જિંદગી:
ભોંયતળિયેથી પાંચમે મજલે
જતી લિફ્ટમાં
બે અપરિચિતોનો અકસ્માત.

માળ દાખવતા
આંકડા ઉપર નજર
ને વચમાંનજર મિલાવતું
ક્વચિત્  સ્મિત.

અને પાંચમે મજલે
ખબર નથી પડતી
કે
આપણે મળીએ છીએ
કે
છૂટાં પડીએ છીએ.

૪. ઘાસમાં
ઘાસમાં
ઢળેલી
શાંત, અણજાણ સંધ્યાના
ખોળામાંથી
એક આગિયો
પ્રકાશ પ્રસારવા
દોડ્યો…
મેં
સ્તબ્ધ આંખે
એને જોયો
ત્યારે જ
મારી
વૃદ્ધાવસ્થાનું
મને ભાન થયું.

૫. મારી કવિતા
મારી કવિતા
એટલે
એક છોકરમત દોરડાં કુદાવતી રમતી
કલ્લોલતી અલ્લડ કિશોરી!
પોતાના પાંચ પાંચીકા માટે
સાગરનાં રત્નોનેય રવડતાં મેલી દે!
એના છુટ્ટા વણઓળેલા વાળ પરની હવામાં
થોડે દૂર રહી ગયેલો માતાનો હેતભર્યો હાથ વરતાશે!
વારંવાર પોતાની જીભથી ચાટેલા
એના રતુંબડા હોઠ પર
કોઈ સવાર સતત ઊગી રહી છે
જે ને સંધ્યા જ ન હોય!
એની છાતી પર પ્રતિપળ મ્હોરતાંફૂલ—
પૃથ્વી આવી પણ હોઈ શકે

એવી પ્રતીતિ કરાવે છે …
સપનાં અને વેદના
સાથે સૂઈ શકે એવું એ એક જ સ્થાન!
પથ સીધો કે ખડકાળ
એ ચાલી શકતી જ નથી
દોડ્યે જાય છે —ઝરણાની જેમ
એનાંપગલાંનેય  છે પાંખો!
એને તમે નહીં પકડી શકો;
એ તો દોડ્યે જાય છે એક હરણની પાછળ
ગહન વનમાં એ પોતે જ થઈ જાય છે
એક રણ…
એક હરણ…!

~ પન્નાનાયક

આપનો પ્રતિભાવ આપો..

11 Comments

 1. પન્નાબેન, આપની જેમ જ આપના કાવ્યો પણ સદાબહાર છે, દેશકાળથી પર.

 2. It is written: 2 comments.
  My comment is 3rd.
  Friend says he has’nt received mine, and received only 2 comments.
  Just check.

 3. સુ શ્રી પન્ના નાયકને જન્મદિનના અભિનંદન
  પાંચેય સુંદર કાવ્યો તેમા ગાર્ગી વોરાના મધુરા સ્વરે ગીત માણવાની મઝા આવી

 4. ખૂબ સુંદર કવિતાઓ રજૂ થઈ. પાંદડી વાયરાને વળગી શું કામ?આ ગીતનું કોરસ રૂપે ગાન પણ મનમોહક છે. સર્જક,સ્વરકાર અને ગાયક-બધાને અભિનંદન.

  1. જન્મ દીવસની મુબારકબાદ કબુલ કરશો, કાવ્યો ગમ્યાં

 5. પન્ના બેનની બધીજ રચનાઓ હરેક ક્ષણે માણવા ગમે . લાજવાબ 👌

 6. ઉકળતું પાણી નહીં,
  બરફનું ચોસલું નહીં
  પન્નાબેન આપે છે ‘પંચામૃત’

  અને આપે છે અધિકાર
  એકલા પીવું કે સાથે પીવું
  એનો સ્વતંત્ર નિર્ણય લેવાનો !

  એટલે પુરુષ-સ્વાતંત્ર્ય પણ
  અને સ્ત્રી-સ્વાતંત્ર્ય પણ ! !