ત્રણ કાવ્ય ~ મહીસાગરનો શબ્દ ~ સંપાદન: મહીસાગર સાહિત્ય સભા

1. .. / જગદીશ ખાંટ
હરિવર બેઠા પાળે
લખચોરાસી મત્સ્યો જળના એક ટીપે સંભાળે

જળ ખોદીને રોપ્યા કોણે
અહીં જીવણ પરપોટા?
પરમી ઉઠયા ઉષર ધરામાં
બારમાસી ગલગોટા
ના મળી ના વાડ ને સઘળા
ઝૂલે ચાડિયા ડાળે

અડાબીડ આ વાંસવનમાં
જળનાં આવ્યાં પૂર…
તમે ફૂંકી દો હળવેથી તો
જંગલ થાએ સૂર
જીવ ફકીરો કાંઠે બેસી
જળના ઈંધણ બાળે

પથ્થરના વહાણોમાં બેસી
જળમાં ક્યાં લગ જાશું?
ઉપરથી આ ઢળી રહી છે
કૂવાથંભની લાશું
સમયસર છે બધું જ
તોયે કેમ લાગે અકાળે?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2. .. / જીબીશા પરમાર ‘શમા’
ઝાડ કાપ્યાની વ્યથાના ભારથી
બારણું ખખડી રહ્યું છે બ્હારથી

લાગણીની ચીસ કોણે સાંભળી!
કોણ મારે છે કુહાડી પ્યારથી?

છોડ સાથે છોકરા મોટા થયા
બીજ બન્નેના અલગ આકારથી

ડાળખીની ડોક વાંકી થઈ ગઈ
ધાર નીકળી છે છરીને જ્યારથી

પાંદડાના પ્રાણ લેતા પથ્થરો
સ્હેજ પણ ઓછા નથી હથિયારથી

ટોચનું પણ મૂળ ગાયબ થઈ ગયું
વૃક્ષ વાઢ્યું છે તમે વિચારથી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

3.  .. / પારુલ પ્રધાન
આખેઆખું પુસ્તક હું
દરેક પાન પરની વાર્તા છું
મને વાંચવી એટલે
સામા પવને ચાલવું
વાંચી શકીશ તું મને?
પાનેપાન ઉકેલાતાં હશે
લાગણીઓના લીરે-લીરા ઊડતા જણાશે
લોહી નિગળતી અપેક્ષાઓ
મળી આવશે તને!
ક્યારેક
મારી મૃગજળ પાછળની દોડ હશે
ને ધોધમાર માવઠા વરસી ગયાની વાતો હશે
તારા મઢ્યા  આકાશની જીદ હશે
પણ અમાસની રાત જેવી
મળી આવીશ તને
છેલ્લા પાન પર તારું નામ પણ હશે
તું મને શોધીશ
ને હું માત્ર વિખરાયેલી તને મળી આવીશ!

(દીપોત્સવી વિશેષાંક)
સંપાદન – પાપ્તિસ્થાનઃ
મહીસાગર સાહિત્ય સભા, લુણાવાડા
સંપર્કઃ નરેન્દ્ર જોશી – 98259 99797

આપનો પ્રતિભાવ આપો..

5 Comments