ટૂંકું પડ્યું (ગઝલ) ~ ભાવિન ગોપાણી

પઠન ~ કવિના અવાજમાં

આંગણું, પાદર, ગલી ને ગામડું ટૂંકું પડ્યું
સ્હેજ પાંખો વિસ્તરી ને પાંજરું ટૂંકું પડ્યું

ક્યાંક હું કોરો રહ્યો ને ક્યાંક તું કોરી રહી
આપણા માથે હતું એ વાદળું ટૂંકું પડ્યું

તું હતી ને તું નથી-નો ફર્ક છે બસ આટલો
એ પછી જે કંઈ હતું તે સામટું ટૂંકું પડ્યું

એક સિક્કા સાથે કોઈ વ્હાલ પણ નાખી ગયું
હાથમાં યાચકના આજે તાંસળું ટૂંકું પડ્યું

આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું

(કાવ્યસંગ્રહઃ અગાશી)
પ્રથમ આવૃત્તિઃ ડિસે. 2020, કિંમત રૂ. 150
પ્રાપ્તિસ્થાનઃ Zen Opus
Hinglaj Mata Compound, B/h Manmohan Complex, Navrangpura Police Station Lane, Navrangppura, Ahmedabad – 380 009. Tel: 079 – 2656 1112 / 4008 1112
Email: zenopusmail@gmail.com | www.zenopus.inઆપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ભાવિન ગોપાણીની ટૂંકું પડ્યું સુંદર ગઝલનુ કવિના અવાજમાં ભાવાનુભૂતિ કરતુ સ રસ પઠન

    1. જેટલું સારું કહું એટલું શબ્દગુચ્છ ટૂંકું પડે