એક હતી ગુનગુન ~ રઝિયા મિર્ઝા ‘રાઝ’ (જેલ કારકિર્દીના અનુભવો આલેખતી સત્યકથા શ્રેણી)

(પઠન ~ રીવા રાચ્છ)
(લેખિકા )

પૂર્વભમિકા : દીવાલોને પણ દિલ હોય છે…. દીવાલોને પણ કાન હોય છે એ તો સાંભળ્યું છે, પરંતુ દીવાલોને પણ દિલ હોય છે…. એવું ક્યાંય સાંભળ્યું છે ખરું? આ સમજવા માટૈ સૌથી પહેલા તો આપણે દીવાલોની વ્યાખ્યા શું, એ સમજવું પડશે! એક ઘરની ચાર દીવાલ અને તેની વચ્ચેનો સંસાર, તથા મંદિર કે મસ્જિદની દીવાલ અને તેની વચ્ચેની આસ્થા; આ બધી દીવાલોની એક અલગ જ વાત હોય છે. પરંતુ કારાગારની દીવાલોની વચ્ચે શું? હા, આ વાત છે, જેની બન્ને તરફ જિંદગીઓ સમેટાઈ રહી જતી હોય છે – અંદર અને બહાર પણ, એ ‘કારાગાર’ની દીવાલોની! ~ લેખિકા : રઝિયા મિર્ઝા ‘રાઝ’

~ કેદી નંબર ૭ ~
એનો અવાજ, એની ચાલ, એની દ્રષ્ટિ, એનું હાસ્ય, બધું જ એના નામ પ્રમાણે હતું! સદાયે ગણગણતી રહેતી ગુનગુન!

સફેદ વસ્ત્રોમાં પણ સદાયે સ્મિત વેરતી રહેતી ગુનગુન! બેરેકની બહાર આવતી તો અજવાળું, બેરેકમાં રહેતી તો પણ અજવાળું! ઘણી બધી ખૂબીઓથી ભરપૂર હતી ગુનગુન!

એને જોઈને કોઈને લાગતું જ નહોતું કે તે એક ‘કેદી’ છે. વયસ્ક કેદીબહેનોને શિક્ષિત કરવાની એની જવાબદારી હતી. જેસલા દરેક સાંસ્કૃતિક કાર્યક્રતમાં એ ભાગ લેતી જ હોય. અને એ પાત્રમાં એટલી તો ગળાડૂબ થઈ જાય કે…

અરે હમણાં જ એક કાર્યક્રમમાં એણે ભાગ લીધો હતો! સ્ક્રિપ્ટ જાણે એના ભૂતકાળ પર જ લખાઈ હતી! એનો રોલ હતો એક દારૂડિયા પતિની પત્નીનો.

ઘરના કકળાટમાં પતિને ભૂલથી ધક્કો વાગી જતાં પતિ ટેબલ સાથે એથડાઈને મરી જાય છે, ત્યારે તેનો પડોશી કકળાટ સાંભળીને આવી પહોંચે છે. અને પતિના મોતના કેસમાં ગુનગુન સાથે પડોશી પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. ગુનગુનનાં નાનાં બાળકો અનાથાશ્રમમાં મૂકાઈ જાય છે. જેલમાં ગુનગુન ઘણા બધા ઉદ્યોગો શીખી જાય છે, ઓપન યુનિવર્સિટીથી બીએ પણ થઈ જાય છે. અને આ દરમ્યાન જ કોઈ કાર્યક્રમ તૈયાર થઈ જાય છે.

બિલકુલ ભૂતકાળ જ ભજવવાનો હતો ગુનગુને સ્ક્રિપ્ટ મુજબ! નાટક આગળ વધી રહ્યું હતું. એક પછી એક દ્રશ્યો ભજવાતાં રહ્યાં. છેલ્લો સીન હતો જેલમાં ગુજારેલાં વર્ષો બાદ આઝાદ થવાનો!બાળકો સાથે રહેવાના ભવિષ્યનાં સપનાં જોતી ગુનગુને આ સીન એવી રીતે ભજવવાનો હતો કે, પોતે જેલમાંથી છૂટીને પોતાને ઘરે આવે છે, અને ઘરમાં પ્રવેશતાં જ તે જુએ છે કે પોતે જે હાલતમાં છોડીને ઘરમાંથી ગઈ હતી, ઘર તો એ જ હાલતમાં પડ્યું હતું! પડી ગયેલું ટેબલ, બાળકોનાં દફ્તર, વોટરબેગ, વગેરે-વગેરે… દીવાલ પર લટકતું ઘડિયાળ પણ એ જ સમય પર અટકી ગયેલું હતું, જ્યાંથી ગુનગુનની જિંદગી અટકી ગઈ હતી! મંચ પર એ જોરથી રડી છે. એના કલ્પાંતથી સામે બેઠેલા બંદી પ્રેક્ષકો પણ રડી પડે છે. ગુનગુન બેસી પડે છે! નાટકના અંતમાં દરેક પાત્ર ગુનગુન પાસે આવીને તેને હિંમત આપે છે. ગુનગુન ઊભી થાય છે. પરદા પાછળ ગીત વાગે છે ‘‘રુક જાના નહીં… તૂ કહીં હાર કે…’’ અને નાટકનો પરદો પડી જાય છે.

નાટક પૂરું કરીને બેરેકમાં ગયા બાદ ગુનગુન થાકીને સૂઈ જાય છે. છેક મોડેથી તેની આંખ ખૂલે છે, ત્યારે તેને અહેસાસ થાય છે કે પોતે તો એક નાટકનું પાત્ર જ હતી! ગુનગુન ખૂબ જ રડે છે. નાટકના પાત્રમાં ગુનગુન એટલી તો ઓતપ્રોત થઈ ગઈ હતી કે પોતાની અસલી જિંદગીમાં જેલમાંથી આઝાદી મળી ગઈ હોય તેવું તેને લાગવા માંડ્યું હતું!

થોડાક જ મહિનાઓ બાદ ગુનગુનની સારી કામગીરી અને ચાલચલગતને લઈને જેલ-અધિકારીઓએ તેને ૪૦ દિવસની માફી આપી દીધી, અને ગુનગુન પોતાનાં બાળકો પાસે પહોંચી જાય છે… સ્ટેજ પર ભજવેલા નાટકને અસલી જિંદગીમાં ભજવવા!

(નવી સત્યકથા આવતા અઠવાડિયે)

પ્રાપ્તિસ્થાન: મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા સાયુજ્ય પ્રકાશન, A-૨૨૮, સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા – 390023. સંપર્ક: 99980 03128 / 96012 57543, કિંમત: રૂ. ૧૫૦/- (પૃષ્ઠ: ૬૮)

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. આભાર હિતેનભાઈ મારી વાર્તા ને આપણું આંગણું માં સમાવેશ કરવા બદલ… રીવા રાચ્છ આપના અવાજે મારી ગુન ગુન ની વાર્તા ને એક નવો જ ઓપ આપ્યો છે..આભાર

    1. વાહ, ખરેખર ગુનગુનની વાર્તા હૃદય ને સ્પર્શી ગઈ 🙏🙏🙏

  2. રઝિયા મિર્ઝા ‘રાઝ’ -જેલ કારકિર્દીના અનુભવો આલેખતી સત્યકથા એક હતી ગુનગુન ~ નુ રીવા રાચ્છ દ્વારા સ રસ પઠન

  3. આપણું આંગણું. . આભાર. મારી વાર્તા ને ખૂબ સુંદર રીતે રજૂ કરવા બદલ.. રીવા બહેન રાચ્છ ના સુંદર અવાજે ગુનગુન ની વાત ખૂબ સરસ રીતે રજૂ કરી. આભાર..🙏🙏🙏🙏🙏