બે ગીત ~ રમેશ પારેખ

૧. જળ જાજરમાન બની જાય
જે રીતે ઉનાળે આંબો ને ચોમાસે જળ
જાજરમાન બની જાય
એ રીતે પંખીના ઊડવાથી
ઘરડું આકાશ પણ જુવાન બની જાય

પાંદડાંઓ માથાં પર સૂરજને લૈ-લૈ
સોનેરી પરભાતિયાંઓ ગાય
પંખી જો ડાળી પર બોલે તો ઝાડવું તો
ટહુકાનો ઢગલો થઈ જાય
પાન ઉપર ઝાકળ જો બેસે
તો ઝાડવું ય આખ્ખું ધનવાન બની જાય

પાનની દુવારિકામાં મૂઠી એક કલરવ લઈ
પંખી સુદામો થઈ આવે
એ ટાણે ઝાડવું ય પંખીને સામે
શ્રીકૃષ્ણનો ઉમળકો બતાવે
આ જોઈ પટરાણીજી જેવી ડાળીયો ય
લાગણીપ્રધાન બની જાય
(25-4-1998)

૨. આવું હરહંમેશાં થાય
આવું હરહંમેશાં થાય…
આપણને ફાલતું જ લાગે એ ટહુકાઓ
ઝાડવાને પુષ્કળ સમજાય

આટલા જ કારણથી એની લીલાશ
હોય એનાથી બમણી થઈ જાય
પાંદડાઓ સામસામે તાળી પાડીને પછી
એ જ વાત સાગમટે ગાય

પંખીના ટહુકાઓ સીંચીસીંચીને જે
ઠેરઠેર દિવસ ઉગાડતો
એનું નામ સૂરજ, પણ આપણા જ ફળિયે
એ ચપટી પરભાતિયું ન પાડતો

કોઈ એક ખૂણામાં ઊભેલું ઘર
ક્યાંય ઊગ્યા વિના આથમી રે જાય
આવું હરહંમેશાં થાય…

ઝાડવાના પડછાયા ઘાસની પથારીમાં
રગદોળે ઝીંથરિયું શીશ
મ્હેકના રૂમાલ વડે વાયરો લૂછે છે
કોઈ રૂઠેલી ડાળખીની રીસ

આપણે આ જોવાનું બૂડથલ ચામડીઓને
બારી પર ટેકવીને, ભાઈ!
આવું હરહંમેશાં થાય…

(10-12-1995)
(કાવ્યસંગ્રહઃ છાતીમાં બારસાખ)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ખુબ જ સરસ પ્રકૃતિ ઝાડપાન સુરજ સુંદર વર્ણન અને કલ્પનાઓ