કન્યાવિદાય ~ રમેશ પારેખ

પઠન: રમેશ પારેખના અવાજમાં
ઓડિયો સીડી: અપાર રમેશ પારેખ

વાડીએથી પાછા આવીને
કાકા કૉચમાં આડા પડ્યા.
ફક્ત જીભની કાતર ચાલતી હતી.
ચપટી વગાડીને કહ્યું છોકરાનેઃ
ઝટ કર!
અભિનંદનના તારની ફાઈલ કરી નાખ.
ક્યારેક કામ આવે.
એમાં વાર શું લાગે?
ચાંદલાનો હિસાબ પછી,
આજકાલ ઉતાવળ નથી.
માંડવાવાળાને પતાવી દીધા,
‘વાડીએ જ, તાબડતોબ,
પછી પાછળથી ખટખટ નહીંને?
ત્રણ ટ્યુબલાઈટો
ઠેઠ સુધી સળગેલી નહીં પેલે ખૂણે,
તેનું ભાડું કાપી લીધેલું, હોં…’

દૂધવાળો આવ્યો.
ત્યારે માએ તપેલી ધરતાં કહ્યું:
‘એક પળી ઓછું.’

ત્યારે બધું આટોપાઈ ગયેલું.

પછી મા ઘરમાં અમથી અમથી
આંટા મારી લેતી હતી વારેવારે.
દરેક ચીજને શંકાને જોતી.
અભેરાઈ ઉપર ઊંધી વાળેલી વાટકીઓ નીચે ય.
ને દરેક ચીજ ઠેબે ચડતી હતી.
ને તે દરેક વખતે
સાડલાના છેડાથી આંખો લૂછતી.
નક્કી,
એને શંકા હતી કે,
ક્યાંક કશુંક ખૂટતું હતું.
ગાભરી ગાભરી
બબડતી, પણ શું.
તેની સમજણ પડતી નથી.

ત્યારે બાપ તો બેસી રહેલ.
પલંગ પર.
જાણે કશું બન્યું નથી.
ને એ તો આમ ક્યારનો બેસી રહ્યો છે.
તેની આંખમાં
સામી ભીંતના શૉ-કેસના કાચ ફરી વળેલા.
તે ઢીંગલી જોવા કોશિશ કરતો હતો.
જથરપથર માથા સાથે,
ને એને તે દેખાતી નહોતી.

એકાએક ઓરડાઓ
કેટલા બધા પહોળા, ઊંચા, ઊંડા
થઈ ગયા હતા.
ને ઘર ગાયબ હતું.

એક વાર તો ઊભાં
બેઉ
એકબીજાંની સામે, ટેકવાયેલાં,
એકલાં પડી ગયેલાં.
સામસામે ફંફોસતા એકમેકને
અને કોઈને કોઈ જડતું નહોતું!

એને વળાવ્યાને માંડ એકાદ કલાક જ થયો 
ત્યાં આ બેઉ જણ
પગથી માથાં સુધી
સાવ બૂઢાં બની ગયાં…

~ રમેશ પારેખ
(કાવ્યસંગ્રહઃ લે, તિમિરા! સૂર્ય…)
(રેકોર્ડિંગ માટે વિશેષ આભાર: નીરજ રમેશ પારેખ)

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. રપાની આંખ નમ કરતી કન્યાવિદાય ~ રચના તેમના અવાજમા માણવાની મજા આવી
    અમે ચારે ય દિકરીઓને વિદાય કરતી વખતે અનુભવાયલી વાત વીગલીત થઇ આન્ંદની લાગણી અનુભવાઇ

  2. દીકરી વિદાય પછીનો પ્રસંગ બહુ જ સરસ રીતે મૂક્યો છે દીકરીનો બાપ સમજી શકે જય શ્રી કૃષ્ણ