સુદામાની વિમાસણ ~ રમેશ પારેખ
ઓડિયો સીડી : અપાર રમેશ પારેખ
(૨૭ નવેમ્બર – રમેશ પારેખનો જન્મદિન. એમનાં રમેશવંતા નામનું સ્મરણ કરવા, ચાર દિવસ સુધી તેમની જ વિવિધ કૃતિનો આનંદ માણીશું, જેમાં તેમના ગીત, ગઝલ, સ્વરાંકનો તથા વાર્તાનો સમાવેશ થશે. પહેલું સ્મરણ-પુષ્પ આ રહ્યું.)

હું ગુણપાટનું થીગડું ને તું મખમલનો ગાલીચો રે
મેળ આપણો કેમ શામળા, થાશે?
તારાં ઊંચા મંદિર એમાં ચોખ્ખાં લોક ફરે છે
મારા પગને બાઝેલા ઘડપણની ધૂળ ખરે છે
પગ સવળા પડશે તો મારું મન પારોઠું જાશે!
ઘડપણને હું બચપણનું વસ્તર પહેરાવી લાવ્યો
કેવું દુબળું સગપણ લઈ હું તારે મંદિર આવ્યો?
રેળાયા અક્ષર જેવો હું તું-થી ક્યમ વંચાશે?
મારી ઝાંખી આંખ લખે આંસુથી છેલ્લી લીટી
બેત્રણ મૂઠી ઊમળકો હું લાવ્યો ચીંથરે વીંટી
ક્હેને શું આ ઊમળકાથી મખમલ રગદોળાશે?
~ રમેશ પારેખ
(કાવ્યસંગ્રહઃ લે, તિમિરા! સૂર્ય…)
(રેકોર્ડિંગ માટે વિશેષ આભાર: નીરજ રમેશ પારેખ)
Lay no kamatur rajvi etle ર. પા.
રપાના જન્મદિને ખૂબ સુંદર સ્મરાંજલી
તેમના જ અવાજમા સુદામાની વિમાસણ માણવાની મજા આવી લાગ્યું કે રાજકોટમા તેમની સામે બેસીને માણીએ છીએ !
વાહ વા
વાહ વાહ
સુંદર 👌