મોં-કળા ~ મીનલ દવે

કોઈને છાપાંની કાપલીનું સરનામું પૂછીને ખાતરી કરી લીધી. પોતે યોગ્ય જગ્યાએ જ આવી છે. મોટર અને ટુ-વ્હીલરની લાઈન હતી. સ્કૂટર પાર્ક કરતી વખતે અનાયાસે જ સાઈડ મિરરમાં જોવાઈ ગયું. ચાંલ્લો કાઢી નાખ્યો હોત તો સારું હતું. આ જગ્યાએ આટલો મોટો ચાંલ્લો… એણે ઊખેડીને અરીસા પર ચોંટાડી દીધો. કપાળ સૂનું લાગવા માંડ્યું. ચાલશે, થોડી વાર જ છે ને!

એણે ધીરે ધીરે ચાલવા માંડ્યું. સોસાયટીના કોમનપ્લૉટને સફેદ કપડાંથી ઘેરી લઈને મોટો મંડપ તૈયાર કર્યો હતો. પ્રવેશદ્વારની બાજુમાં હારબંધ પગરખાંઓ પડ્યાં હતાં. કોઈ ભાઈ પ્રવેશદ્વારે હાથ જોડીને ઊભા હતા. આગળ ચાલતાં ચારપાંચ લોકોમાંથી એકની સાથે એમણે ધીમે અવાજે વાતો કરવા માંડી. એ એવામાં બે હાથ જોડવા જેવું કરીને અંદર પ્રવેશી ગઈ.

મંડપમાં એણે એક નજર નાખી. ડાબી બાજુ બહનોને જમણી બાજુ ભાઈઓને બેસવાની વ્યવસ્થા હતી. વચ્ચેથી આગળ સુધી જઈ શકાય તેવી જગ્યાએ સફેદ પાથરણું પાથરેલું હતું. બાકી બધે સફેદ ચાદર પાથરેલાં ગાદલાં હતાં. બાજુ પર મૂકેલી ખુરશીઓમાં લાકડીને ટેકે બેચાર વૃદ્ધો બેઠા હતા. મંડપમાં માત્ર બે જ રંગ દેખાતા હતા. સફેદ અને કાળો. પોતે તો કોઈને ઓળખતી નથી. જરા આગળ જઈને વચ્ચેની હરોળમાં છેડે બેઠી.

ભાઈ-બહેનના વિભાગને જુદું પાડતું પાથરણું જ્યાં પૂરું થતું હતું ત્યાં, બરોબર મધ્યમાં કોતરકામવાળા ટેબલ પર મોટો ફોટો મૂક્યો હતો. ગુલાબના હારથી ઢંકાઈ ગયેલા ફોટામાંનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. અગરબત્તીની રાખોડી રંગની સેર ઉપર ચંદરવાને અડતી હતી. પિત્તળના કલાત્મક દીવાની જ્યોત ઝળહળતી હતી. આગળ બેઠેલી પ્રાર્થનામંડળીનો સ્વર હાર્મોનિયમમાં દબાઈ જતો હતો. આ વાતાવરણમાં એ સ્વસ્થ થઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે હાર્મોનિયમના સૂરને દાબી દેતો ગણગણાટ પણ સંભળાય છે. ઉનાળાની ધોમ તડકાભરી સડક પર ફેંકી દેવાયેલા કેરીના ગોટલા પરના માખીના બણબણાટ જેવો ગણગણાટ બન્ને બાજુથી કાનમાં પેસવા માંડ્યો.

‘મને તો ખબર જ ન’તી. આ તો નીકળતી વેળા સવિતાબે’ને બૂમ પાડી ત્યારે ખબર પડી. તે જુઓને, મારી ભરેલી અવરગંડી તો ઈસ્ત્રી વિનાની હતી. તે આ વાયલ પહેરવું પડ્યું.’ એક તીણો અવાજ સંભળાયો.

‘તે આ સાડીમાં ખોટું શું છે? સફેદ તો છે.’ બીજા અવાજે આશ્વાસન પૂરું પાડ્યું.

‘કેમ, તમે છાપાં વાંચતાં નથી? ટી.વી.જોતાં નથી?’ ત્રીજા અવાજે ઊલટતપાસ આદરી.

‘છાપું વાંચવાનો તો સમય જ ક્યાં હોય છે? ને પિન્કી અમારે બારમામાં આવી. તે ટી.વી. તો સાવ બંધ.’ તીણા અવાજે બચાવનામું રજૂ કર્યું.

‘મને તો સવારમાં જ પેપર વાંચવાની ટેવ. બીજું કશું ન વંચાય તો ચાલે, પણ આ પાનું તો જોઈ જ લેવાનું.’ વચ્ચે કોઈ ગર્વભેર બોલી ઊઠ્યું.

‘અમારે તો બાપુજી છે, ત્યાં લગી નિરાંત છે. રાત્રે લોકલ ન્યૂઝ પણ જુએ, ને સવારે છાપું પણ વાંચે. ને કોઈ ઓળખીતું ગયું હોય તો સાત વાર યાદ કરાવે.’

‘ડોસા ડગરાંને બીજાં કામ પણ શું છે? વાંચે તો એમનો વખત વીતે ને આપણો વેવાર સચવાય.’ કોઈના અવાજમાં ટીકા ઊભરાઈ ગઈ.

‘પણ ટી.વી.માં તો જરાય વિગતે લખતા નથી. મરનારનું નામ, સરનામું ને બેસણાંના સમય-વાર લખ્યો હોય, હવે બધાંને તો કેમ ખબર પડે કે આ આપણું સગુંવહાલું છે?’ તીણા અવાજે ફરિયાદ કરી.

‘મારાં સાસુજી વખતે અમે તો બધાંના નામ લખેલાં. અરે, મારા હરેશની છ મહિનાની બકુડીનું નામ પણ ભૂલ્યાં ન હતાં.’ ગર્વભર્યો અવાજ સંભળાયો.

‘પણ અલા, મને એ તો કો’ કે આને થયું’તું શું?’ તીણો અવાજ જરા મોટો થયો ને બધાં માથાં પરથી પસાર થતો થતો આગલી હરોળ લગી પહોંચ્યો. ત્યાંથી કોઈ માથું ઊંચું થયુંને પાછળ ફર્યું. ડાબી બાજુનો ગણગણાટ ધીરો થવા લાગ્યો.

ફોટાની બાજુમાં તડકાની ધાર પડતી હતી. આગમાંથી નીકળતા ધુમાડાની જેમ રજકણની હાર તડકાની દીવાલે દીવાલે ઉપર ચડતી હતી. કોઈએ ઊઠીને દીવામાં ઘી પૂર્યું. ખૂણામાંથી એક આછું ડૂસકું સંભળાયું. બધાંની નજર ત્યાં ગઈ. આગળ બેઠેલાંમાંથી બેત્રણ સ્ત્રીઓ ઊઠી. ફોટા પાસે જઈ, બાજુની ટોપલીમાં પડેલાં બેત્રણ ગુલાબ ફોટા પાસે મૂકી, પગે લાગી, પાછી વળી. જમણી બાજુ બેઠેલાં તરફ હાથ જોડી, બધાની નજરનો બોજ ઊંચકીને મંડપની બહાર નીકળી ગઈ.

‘સારું છે, ઉપર પણ ચંદરવો બાંધ્યો છે. આ ગરમીમાં…’ હવે જમણી બાજુ ગણગણાટ શરૂ થયો હતો.

‘અરે, આ મંડપ-સર્વિસવાળો તો લાલ-લીલાં તોરણિયાં લેઈને આવી ગેઈલો. ટૅમ્પો મારે ઓટલે જ ઊભો રાઈખો. તેવામાં વાઈફનું ધિયાન ગીયું.’

‘પછી શું થયું?’

‘તે વાઈફે મને બૂમ માઈરી. આ દેહાઈને તાં માંડવો રોપવાવાળા આવી ગેયલા છે. તે મેં તો દેહાઈને પૂઈછાપાઈછા વિના જ પેલાને ખખડાવી જ નાઈખો. વિવાહ માંઈડાં છે તે લાલ વાવટા ફરકાવતો આવી ગીયો? જુવાન મરણ છે, તને ધોરો માદરપાટ ની મળે? તે બબડતો ગીયો ને આ લાઈવો.’

‘દેસાઈભાઈ બિચારા અત્યારે કેટલા ડિસ્ટર્બ હોય. ત્યારે આપણે નેબરમાં રહીને હૅલ્પ ન કરીએ, તો બીજું કોઈ કરે?’

‘ગરમી બહુ છે નહીં? પંખો આ તરફ હોત તો સારું હતું.’

‘દેહાઈનું તો કંઈ પ્રમોશન આવવાનું ને? દેહાઈની બૈરીએ વાઈફને કીધેલું તે મેં જાણેલું.’

‘હવે તો શું પ્રમોશન લેવાના બિચારા? જિંદગી બગડી ગઈ.’ ‘માણસ એકદમ સીધો. કોઈ દિવસ મોટે અવાજે બોલતા સાંભળ્યો નથી.’

‘પણ છોકરી કેવી નીકળી? પેટ્રોલનું આખું કેન રેડી દીધું પોતાની પર, ને ચાંપી દીધી કાંડી. હોળીના વાંસડાની જેમ ભડભડ બળી ગઈ, પણ એક ઊંહકારો નથી કર્યો’

‘કંઈ દવા-બવા ખાઈને પછી બળી હશે, બાકી આવી લાહ્ય બળતી હોય ને કોઈ મૂંગું રહે?’

‘દવાની ક્યાં વાત કરો છો? પોતાની જગ્યાએથી ચસકી નહોતી. અમે જ બારણું તોડેલું ને! ભીંતને બાઝીને હાડમાંસનો લોચો જ પડેલો. પલંગ બે જ ફૂટ દૂર હતો, પણ જરીકે આંચ નથી લાગી પથારીને.’

‘જબરી છોકરી કહેવાય.’

આંખમાં આંસુ ક્યારે આવી ગયાં, ખબર ન પડી. સવારે જ કઢી વઘારતાં તડતડતું લવિંગ ગાલે ચોંટેલું તે પોતે દસ મિનિટ લગી મલાઈ ઘસઘસ કરેલી. હાથ અનાયાસે જ ગાલ પર ફરી ગયો. ચશ્માં કાઢીને એણે આંખ લૂછી.

‘તે આ તમારે શું સગા થાય?’ એ ચમકી. શું જવાબ આપવો તે સૂઝ્યું નહીં. પોતે જેને કદી મળી નથી, જેને જોઈ ન હતી. બસમાં બાજુમાં બેઠી હોત તોપણ ઓળખી ન હોત. અત્યારે પણ જેનો ચહેરો દેખાતો નથી, એની સાથે કયા સગપણની ઓળખ આપે? એણે જવાબ આપતાં જરા વાર લગાડી ને પ્રશ્ન પૂછનાર તરફ જોયું. ત્યાં તો જેને પ્રશ્ન પુછાયો હતો એણે જવાબ આપવા માંડ્યો.

‘સગા તો કંઈ નથી. અમારા જૂના પાડોશી. દેસાઈભાઈએ બીજાં લગ્ન કર્યાં ત્યારે અમારી બાજુમાં રહેવા આવેલા.’

‘દેસાઈભાઈનાં આ બીજાં લગ્ન હતાં? અમને તો ખબર જ નહીં!’

‘હાસ્તો. એમને તો પહેલી વારની બૈરીને પણ એક છોકરી હતી. અત્યારે હશે આ ચશ્માંવાળાં બહેન જેટલી.’

બધી આંખો એના તરફ મંડાઈ. એ સંકોચાઈ. ત્યાં તો વાત આગળ ચાલી.

‘કોઈ સગાંવહાલાં બોલાવતા નહીં. આ છોકરીનાં જન્મ વખતે અમે જ દોડાદોડી કરેલી.’

‘છોકરી હતી સીધી લાઈનની, નહીં?’

‘એકદમ સીધી. એની મા જેવી જ, પણ બાપ ભારે હરામી. સગી બહેનનેય…’

અવાજ ધીરો થતો ગયો. સાંભળવાવાળાં માથં ઝૂકતાં ગયાં. જાણે કાળાં માથાં ને ધોળાં લૂગડાં સિવાય મંડપમાં કંઈ છે જ નહીં. પંખાની ઘરઘરાટી લૂને રોકી શકતી ન હતી.

તો એ બળીને મરી ગઈ. એકદમ સીધીસાદી હતી. પણ… એનો બાપ… એનો બાપ એટલે…

‘આ હડતાલ ચાલે છે ને તે આગલે દહાડે જ દેસાઈસાહેબે મને કહેલું કે શંકર પેટ્રોલ ભરાવીને કેન ઘેર પહોંચાડી દેજે ને. આપણા રામને શું ખબર કે આવું થશે?’

‘હશે ભાઈ, જે થવાનું હતું તે થયું. આમાં તારો શું વાંક?’ કોઈએ આશ્વાસન આપ્યું.

‘મોટા ઘરની બધી વાતો મોટી. અમારામાં તો છોકરીને આટલી મોટી થવા જ ન દે. મેટ્રિક ભણી કે પરણાવી જ દેવાની. માથે બોજ કોણ રાખે? જે કરવું હોય તે સાસરે જઈને કરે. ફરવું હોય તો ફરે ને મરવું હોય તો મરે.’

ચાર છોકરીઓ બાજુમાં આવીને બેઠી. કૉલેજબૅગ ખભેથી ઉતારીને બાજુમાં મૂકી. એકે લાલ થઈ ગયેલાં નાક-આંખ રૂમાલથી લૂછ્યાં.

‘બસ, ટીના, તું આમ રડ્યા ન કર.’

‘હું જાણવા છતાં કશું ન કરી શકી. એના પપ્પા…’

‘તું ત્રણ દિવસથી એના પપ્પા, એના પપ્પા કરીને અટકી જાય છે, પણ આગળ તો કંઈક બોલ.’

‘શું કર્યું હતું એના પપ્પાએ? એ તો ઘેર પણ ન હતા.’

‘મને એણે કહેલું. એના પપ્પાએ…’ ત્યાં બેત્રણ લોકો આગળથી ઊઠીને દોડ્યા. કોઈ બેભાન થઈ ગયું હતું. ‘હવા આવવા દો’, ‘પાણી લાવો’, ‘ડૉક્ટરને બોલાવો’ની બૂમો સંભળાવા લાગી. પંખો એ બાજુ ફેરવાયો. ધીરે ધીરે બધું શાંત થયું. ત્યાં એણે બાજુમાં જોયું તો ચારે છોકરીઓના ચહેરા પર આતંક હતો. ટીનાનો હાથ પકડીને બીજી છોકરી બોલતી હતી, ‘આપણે કોઈને વાત કરવી છે?’

‘ના, હં. મારી મમ્મી તો મને આવાં લફરાંમાં પડવા જ ન દે.’

‘મારી મમ્મી પણ.’

છોકરીઓ જરા સળવળી. ‘આપણે એની બહેનને મળવું જોઈએ?’ એ ચમકી. એણે છોકરીઓ તરફ જોયું. એમની નજર તો ક્યાંક આગળ હતી. ટીનાએ ના પાડી. અને ચારેય આગળ ગયા વિના જ બહાર જતી રહી.

ધીમે ધીમે મંડપમાંથી લોકો ઊઠવા માંડ્યા. સફેદ સાડી પહેરેલી, હીરાના કાપ ઝગમગાવતી સ્ત્રીઓ અને સફેદ કે આછા રંગના ઝભ્ભા પહેરેલા પુરુષો ઊઠતા, આગળ જઈને ગુલાબ ચડાવીને, હાથ જોડીને પાછા વળતાં હતાં.

એ પણ ઊઠી. પગે ખાલી ચડવા જેવું થયું હતું. ચાલતાં જરા વાર લાગી. ધીરે ધીરે આગળ ગઈ. ફોટો તો ગુલાબના ઝગલા પાછળ ઢંકાઈ ગયો હતો. ગુલાબ ખસેડીને ફોટામાંના ચહેરાને જોવાની, એના પર હાથ ફેરવવાની ઈચ્છા થઈ. જીવતાં તો એને જોઈ ન શકી… પણ… પાછળ ઊભેલા લોકોની આંખમાંની ઊતાવળે એને એમ કરતાં રોકી. ફૂલ ચડાવતાં ચડાવતાં જરાક દેખાઈ ગયેલી ફ્રેમ પર એણે આંગળી ફેરવી લીધી. પાછી વળી. સામે સફેદ સાડીમાં ઢગલો થઈ ગયેલી સ્ત્રી તરફ હાથ જોડીને બાજુમાં બેઠેલા જાડા કાચના ચશ્માવાળા પુરુષની ઝાંખમાં પરિચિતતા ખોળવા નજર માંડી. ક્યાંય ઓળખાણની લકીર સળવળી નહીં. પછી એ ઊભી ન રહી.

બહાર નીકળી, ચપ્પલ શોધી, એ સ્કૂટર પાસે આવી. ચાંલ્લો લઈને ચોંટાડવા જતાં અરીસામાં દેખાતા પોતાના ચહેરામાં હમણાં જ જોયેલાં પુરુષની મોં-કળા શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. ક્યાંય અણસાર ન મળ્યો. ચાવી ભરાવીને, કિક મારીને સ્કૂટર ચાલું કર્યું. એ પોતાના ઘર તરફ પાછી વળી.

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. કોઈના દુ:ખમાં ભાગ લેવા જઈએ તો હૃદયની શુદ્ધ લાગણી સાથે પાંચ મિનિટ મૌન બેસી સદ્દગત આત્મા માટે મૌન રાખી એ જ સાચી શ્રદ્ધાંજલિ. ત્યારે શોક્સભાઓ ધીમે ધીમે શક્તિ પ્રદર્શનો થાતાં જાય છે. વ્હાઇટ અને હાઈટ શમિયાણો, સ્ટાર્ચ કરેલા વ્હાઇટ કપડાં અને ક્યાંકથી માંગેલી ગાંધી ટોપી પરાણે પહેરીને -.મીનલ દવેનો બેસણા અંગે સંવેદનાત્મક લેખ