બે ગઝલ ~ બરકત વિરાણી ‘બેફામ’
એમની બે ગઝલ
૧.
મળ્યો છે પ્રાપ્ત સ્વયંભૂ વિકાસ ફૂલોને
નથી જ કરવો પડ્યો કંઈ પ્રયાસ ફૂલોને
સુખી બધાં જ કંઈ હોતા નથી બગીચામાં
નિહાળ્યા છે મેં ઘણાયે ઉદાસ ફૂલોને
તમે જે જોઈ રહ્યાં છો તે ફૂલછાબ નથી
મળ્યો છે એ તો કોઈ કારાવાસ ફૂલોને
સદા એક પીતાં રહે છે તુષારના બિંદુ
ભલા એ કોણે લગાડી છે પ્યાસ ફૂલોને?
ઘણાને એટલે બળવું પડે છે અગ્નિમાં
બહુ જ ભારે પડી છે સુવાસ ફૂલોને
વિચારું છું કે બીજે જાય ક્યાં ચમન મૂકી?
મળ્યો જો હોત કદાચિત પ્રવાસ ફૂલોને
ફૂલો કપાસના યે અન્ય કાજ ઊગે છે
નથી જરૂરી કોઈ પણ લિબાસ ફૂલોને
કોઈના કેશકલાપો હમાં જોઈ લાગે છે
મળ્યો છે કેટલો સુંદર નિવાસ ફૂલોને
સૂરજની પહેલી નજરનો પ્રેમ હો જાણે
મળે છે એમ ઉષાનો ઉજાસ ફૂલોને
ખુદા તુને ને મનુષ્યોનું રૂપ આપી દે
કે મેં પસંદ કર્યા છે જે ખાસ ફૂલોને
નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને
૨.
થાય સરખામણી તો ઉતરતાં છીએ,
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,
તો જરા દોષ એમાં અમારો ય છે.
એક તો કંઇ સિતારા જ ન હોતા ઊગ્યા,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે,
ક્યાંક પહોંચી ન જઇએ બુંલદી ઉપર,
કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઇએ જાળ પંથે બિછાવી દીધી.
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા,
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.
જોઇને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,
અમને આવી ગઇ કંઇ દયા એટલી,
કે નદીઓ હતી જેટલી અંતરે
આંખ વાટે બધીયે વહાવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તન્તહાઈની,
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઇના હાથમાં,
દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઇ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,
એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં.
લાશ મારી પરંતુ તરાવી દીધી.
– બરકત વીરાણી ‘બેફામ’
US માં આજે
બેફામના જન્મદિને બેફામની ગઝલ બેફામના તરનનુમમાં આપણે
(ઘર) આંગણે ! જાણે હિતેન Yઆનંદપરા બધાને કહે છે ‘આનંદકરા’ !
એ તમારી નવી અટક હિતેનભાઈ ! (મહારાષ્ટ્ર પ્રમાણે – ગુજરાતી આનંદકરો) !
બેફામ સાહેબ ના અવાજ માં ગઝલ માણવાની મજા આવી
વાહ વાહ…બેફામ સાહેબ ના અવાજ માં ગઝલ સાંભળી આંખ ઊભરાઈ ગઈ….બહોત ખૂબ!!!