|

બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૧ ~ પ્રીતિ સેનગુપ્તા

ડૅડ અને મમ્મીની સાથે ઑસ્ટ્રિયામાં દિવસો બહુ આનંદમાં ગયા. વામા હ્દયની પીડા ભૂલી જવા પામી. એના મુખ પર એનું સહજ સ્મિત પાછું આવ્યું હતું.

ન્યૂયૉર્ક પાછાં આવીને, એક ફોન એણે કેતકીને કર્યો. કેમ છે? ઇન્ડિયામાં કેવી મઝા કરી?, વગેરે.

બંનેને મળવાની ઇચ્છા હતી. પ્લાન કરીને, વામા એક દિવસ, કેતકીની ઑફીસ પાસે જઈ શકી. લંચના સમયે બંને મળ્યાં. કેતકી, યાદ રાખીને, પેલો ડ્રેસ લેતી આવેલી. એને એમ, કે નવો જ છે, સરસ છે, તો વામાને કેમ ના આપી દેવો?

ડ્રેસ પરનું, સાઇઝનું લેબલ જોઈને, વામાએ તરત કહ્યું, કે આપણી સાઇઝ જુદી છે, કેતકી. મને તો આ ડ્રેસ ઘણો મોટો પડશે.

પણ ડ્રેસ નહીં પહેરવા વિષેની વાત સાંભળીને, વામાને બહુ જ નવાઇ લાગી, કે સુજીત આવી રીતે વર્ત્યો? એને પણ, સુજીતનું કોઈ ઢંકાયેલું પાસું આજે દેખાયું. એ તો હંમેશાં પોતાનું ધાર્યું જ કરે છે, કે ધાર્યું જ કરવા જતો હોય છે, તો વાઇફ પર આવાં નિયંત્રણ શા માટે?

જવાબમાં, કેતકીએ ફિક્કા મોઢે કહ્યું, ઇન્ડિયન મૅરૅજમાં બધે આમ જ ચાલતું હોય છે.

વાત ફેરવવા વામાએ એને, ન્યૂયૉર્ક શહેરની લાયબ્રેરીમાં ચાલુ થનારા, ઇન્ડિયન કૉન્ટૅમ્પૉરરિ પેઇન્ટિન્ગના પ્રદર્શન વિષે કહ્યું. તું અને સુજીત આવજો. શનિ-રવિમાં પણ ખુલ્લું રહેશે. તને બહુ ગમશે.

કયા ચિત્રકારો છે?, કેતકીને રસ પડ્યો હતો.

અત્યારે ન્યૂયૉર્કમાં રહીને કામ કરતા, જાણીતા ઇન્ડિયન ચિત્રકારોને લીધા છે. સૌથી મોટું નામ તો મોહન સામંતનું ગણાય. એ સિવાય ક્રિષ્ન રેડ્ડી, વિજય કુમાર, સુમતિમોહન વગેરે છે. તમે બંને જરૂર જજો જોવા.

તું સુજીતને કહેજે, તો કદાચ વળી, મને લઈ જશે.

સારું. જો તારું ના માને, તો મને કહેજે. હું એને ફોન કરીશ.

વામાએ સુજીતને ક્યારેય જાતે ફોન કર્યો નહતો. સુજીતને મળવામાં રસ છે, એવું લાગવા પણ શું કામ દેવું?

કેતકીની સાથે આ પ્રદર્શન વિષે વાત થઈ હશે, એટલે સુજીતનો જ ફોન આવ્યો. હા, હું આવીશ જોવા.

અરે, તમે બંને આવો, એમ કહું છું, વામા તરત બોલી.

વામા, હું એકલો આવું તો? તને કેટલાયે વખતથી જોઈ નથી, મળ્યો નથી. પ્લીઝ, વામા.

આહ, ફરી પાછું પ્લીઝ? વામાએ તાત્કાલિક કોઈ દિવસ નક્કી કર્યો નહીં.

યુરોપ જતાં પહેલાં વચન આપેલું તે પ્રમાણે, વામાએ જોહાન અને ત્સિવિયાને પણ ફોન કર્યો.

વાહ, બહુ સરસ. શનિવારે જ આવી જા. સાથે જમીશું. પણ વધારે તો, સાથે વાઇન પીશું. બરાબર ને?, ત્સિવિયાએ કહેલું.

એ સાંજે, વામાએ કાળા ચુડીદાર પર, રંગીન કાશ્મીરી ભરતવાળું કાળું કુરતું પહેર્યું હતું. એક ખભા પર છીંકણી કલરની, શાહતૂશ શાલ નાખેલી. એના છુટ્ટા વાળ કમ્મર સુધી પહોંચતા હતા.

એને ખબર જ નહતી, કે બીજાં કેટલાંક મિત્રોને પણ બોલાવ્યાં હશે. ત્સિવિયાએ એવું કાંઈ એને કહ્યું નહતું. બેએક જણને વામા ઓળખતી હતી. બીજાં બેએક સાથે જોહાને ઓળખાણ કરાવી.

છેક પેલી બાજુ, એક અમેરિકન કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ટૉલ, હૅન્ડસમ, સોફિસ્ટિકેટેડ, વામાએ એક નજરે નોંધી લીધું. એની આંખો ભૂરી છે, પણ વાળ કાળા છે. બહુ જલદી આવું જોવા ના મળે. વધારે તો ભૂરી આંખો હોય તો વાળ સોનેરી હોય. જેમકે જોહાનના.

જોહાન ગણાય દેખાવડો, પણ વામા હંમેશાં મનમાં કહેતી હોય, કઈ ઇન્ડિયન છોકરીને સોનેરી વાળવાળો પુરુષ ગમે?

હૅન્ડસમ છે ને?, પાછળથી આવીને ત્સિવિયા બોલી. એણે વામાની નજરને એ તરફ જતી જોઈ હતી.

નૉટ બૅડ, વામાએ મજાકમાં કહ્યું. પછી કહે, હાફ ઍન્ડ હાફ લાગે છે. અડધો ગ્રીક હશે, અને અડધો આઇરીશ હોવો જોઈએ.

ત્સિવિયાનું મોઢું પહોળું રહી ગયું. તું- તને ખબર પડી ગઈ? તું ઇન્ડિયન છે, ને છતાં, યુરોપની જુદી જુદી પ્રજાને ઓળખી શકે છે? ને તે પણ, રૂમમાં આટલે દૂરથી?

અરે, એમ જ. ન્યૂયૉર્કમાં આટલાં વર્ષોમાં જે બધું જોતાં હોઈએ, તેમાંનું કેટલુંક, અભાન રીતે બ્રેઇનમાં પહોંચતું ગયું હોય, વામાએ સ્વાભાવિક ભાવે કહ્યું.

ચાલ, તારી ઓળખાણ કરાવું. ને હવે તો મારે રૉબર્ટને કહેવું જ પડશે, તું કેટલી જિનિઅસ છે.

ના ભઇ ના. એવું કશું કહેતી નહીં. મને શરમાવતી નહીં.

રૉબર્ટની નજરમાં વામા આવી, ને એને લાયબ્રેરીમાં જોયેલી, લૉર્ડ બાયરનની કવિતામાંની નાયિકા યાદ આવી ગઈ. કેટલો બધો વખત થઈ ગયો હતો, ને આ છોકરી તો એ સાંજે લાગી હતી એનાથી પણ વધારે સુંદર થઈ ગઈ લાગે છે, એણે વિચાર્યું.

ત્સિવિયાએ બંનેની ઓળખાણ કરાવી.

ઓળખાણ થઈ એટલે, શબ્દનો અર્થ નહતી ખબર તોયે, વામાના નામ માટે પણ, રૉબર્ટને આકર્ષણ થયું. બંને જરા સભાન રહ્યાં, કારણકે બંનેએ એકબીજાની નોંધ લીધી હતી.

જતી વખતે રૉબર્ટે, અમેરિકી વિવેકપૂર્વક, વામાને કહ્યું, ચાલો, તમને મૂકી જાઉં.

જોહાન બાજુમાં હતો. તે હસ્યો, અરે, એ તને મૂકી જશે. તને ક્યાં ખબર છે? એ તો પોતાની ગાડી લઈને આવી હશે.

સંકોચ પામીને વામાએ, જોહાન તરફ ભવાં ચઢાવ્યાં. જોહાન મિત્રભાવે, ફરીથી, હસ્યો.

સોફિસ્ટિકેટેડ વ્યક્તિની સહજ મૅનર્સ પ્રમાણે, રૉબર્ટે વામાને કોટ પહેરવામાં મદદ કરી, ને પછી, એના વાળને સાચવીને કોટમાંથી બહાર કાઢી આપ્યા. એક તો, આવો મૃદુ વ્યવહાર, આવી મૅનર્સ, અને બીજું, એનાં ટેરવાં વાળને જ જરાક અડક્યાં હતાં, ને વામાના ગળા પર થઈ આવેલું, સુખદ સ્પર્શનું સંવેદન. આ રોમાંચ નહીં તો બીજું શું? વામાને થયું, કે રૉબર્ટનું આ ડૅલિકૅટ જૅશ્ચર એને હંમેશાં યાદ રહેશે.

ચારેક દિવસ પછી વામાની ઑફીસના બારણે ટકોરા પડ્યા. એણે ઊંચું જોયું, તો રૉબર્ટ હતો. કહે, કે એક પુસ્તક શોધવા આવ્યો હતો, ને થયું, કે તમને હલો કહેતો જાઉં.

બે મિનિટ વાત થઈ પછી કહે, મને એમ, કે આપણે નજીકમાં ક્યાંક લંચ લઈએ.

વામાએ ઘડિયાળ જોઈ. હજી મને વીસેક મિનિટ થશે. સાડા બારે નીચે મળું?

લાયબ્રેરીની ઇમારતની પાછળ આવેલા બ્રાયન્ટ પાર્કમાં જ એક સરસ રૅસ્ટૉરાઁ હતી. બંને ત્યાં જ ગયાં. આમ તો બહુ ભીડ હોય, ને ટેબલ મળે પણ નહીં, પણ રૉબર્ટ ત્યાં જાણીતો લાગ્યો.

બંને બેઠાં, કંઇક ખાવાનું મંગાવ્યું, પછી રૉબર્ટે કહ્યું, મારું આખું નામ તમને ખબર નહીં હોય. મારી અટક થિયોડૉરાકીસ છે. ગ્રીક અટક છે.

આ અટક ગ્રીક હોય તે તો ખબર છે. પણ માય ગૉડ. વિખ્યાત બની ગયેલી ‘ઝી’ ફિલ્મ જોઈ ત્યારથી એનું મ્યુઝીક અને એના કૉમ્પૉઝરનું નામ- મિકિસ થિયોડૉરાકીસ, હું ક્યારેય ભૂલી નથી. એ શું તમારા કુટુંબી થાય? વામાનું વિસ્મય અછતું ના રહ્યું.

સામે, અનહદ આશ્ચર્ય પામીને, રૉબર્ટ ખાતો અટકી ગયો. આટલી હદ સુધી ખબર છે આ છોકરીને? પાણીના ઘુંટડા સાથે એ અમેઝમેન્ટને ગળે ઉતારીને પછી કહે, મિકિસ મારા અન્કલ થાય. આમ તો પાપાના કઝીન છે.

વધારે અમેઝિન્ગ તો જાણે વામાને લાગ્યું હતું. આ રૉબર્ટ આટલી ટૅલૅન્ટૅડ ઍન્ડ ફેમસ ગ્રીક વ્યક્તિના કુટુંબમાંથી છે? માય ગૉડ, એણે ફરીથી કહ્યું.

પછીના અઠવાડિયે, રૉબર્ટ પાછો લાયબ્રેરી પર આવેલો. પણ આ વખતે એણે કોઈ ચોપડીનું, કે રીસર્ચનું, બહાનું ના કાઢ્યું. સીધું જ કહ્યું, વામા, મારે તને મળવું છે. વારંવાર મળવું છે. આજથી, અત્યારથી જ એ શરૂ કરવા માગું છું.

એણે હાથ લંબાવ્યો, જઈશું?

આ તદ્દન અનપેક્શિત હતું, તે છતાં, વામાનો ચહેરો, વિસ્તરી ગયેલા સ્મિતને લીધે, ગુલાબી તેજથી છવાઈ ગયો. રૉબર્ટની ભૂરી આંખોનું તેજ એમાં ભળી જતું હતું.

વામાએ ટેવ પ્રમાણે કાંડા-ઘડિયાળ તરફ જોયું, પણ એ હાથ ના લંબાવે ત્યાં સુધી રૉબર્ટ પોતાનો હાથ પાછો લેવાનો નહતો. શરમાઇને એ ઊભી થઈ, ને રૉબર્ટે એના બંને હાથ પકડી લીધા. જઈશું?, ફરી કહ્યું.

આ પછી મળવાનું ચાલતું રહ્યું, અને વાતો. જોકે વાતોથી પણ વધારે ક્વાએટ ટાઇમ. કશું જ કહ્યા વગરની નિકટતા, કોઈ શબ્દો વગરનો સંવાદ. બસ, સાથોસાથ ચાલવાનું – સૅન્ટ્રલ પાર્કમાં, હડસન નદીને કિનારે, કે ફિફ્થ ઍવન્યૂની ભીડમાં પણ. કેવળ સાથે હોવાથી જ એમનો સમય સંપૂર્ણ બનતો હતો. કમ્પ્લિટ ટુગેધરનેસ, એક વાર રૉબર્ટે કહ્યું હતું.

ક્યારેક, જાણે બંને જણ એકમેકથી ચડિયાતાં બનતાં. જેમકે, જ્યારે ઇન્ડિયન કૉન્ટૅમ્પૉરરિ પેઇન્ટિન્ગનું પ્રદર્શન ખુલ્યું, ત્યારે રૉબર્ટ એ બધા ચિત્રકારોનું કામ જાણતો હતો. મોહન સામંત અને ક્રિષ્ન રેડ્ડી જેવા બે સિનિયર આર્ટિસ્ટને તો એ ઓળખતો પણ હતો.

ને એ વામાને જ્યારે ગુગિનહાઇમ મ્યુઝિયમમાં એક ખાસ પ્રદર્શન જોવા લઈ જતો હતો, ત્યારે તરત વામાએ કહેલું, ઝાહા હદિદનું વર્લ્ડ આર્કિટૅક્ચરનું કામ જોવા જઈએ છીએ?

બંનેના સંસ્કાર, બુદ્ધિ, વ્યક્તિત્વ સરખી કક્શાનાં હતાં. પરસ્પરની કંપનીમાં બંને તત્ક્શણ વિકસતાં જતાં.

તું મારો ‘સોલ મેટ’ છે, રૉબૅર્તો. મારાં મન, બુદ્ધિ, ને હૃદયની સાથે તારું સંધાન છે.

વામા રમતિયાળ બનતી ત્યારે રૉબર્ટને જુદાં જુદાં નામે બોલાવતી. રૉબૅર, રૉબૅર્તો, રૉબ. એને વામા પર ખૂબ વહાલ આવતું, એ માથું હલાવતો, વામા, વામા, સુંદર રમણી. ને ક્યારેક એ ફરિયાદ કરતો, તારું નામ એટલું ટૂંકું છે, કે બીજાં કોઈ નામ એમાંથી બનાવી જ નથી શકાતાં.

એક વાર વામાએ કહ્યું, હા, મારું નામ ઇફિજૅનાયા હોત, તો તને વધારે ગમત, ખરું?

ફરી રૉબર્ટનો નવાઇ પામવાનો વારો આવ્યો હતો. તું ઇફિજૅનાયા પણ જાણે છે?

કેમ, તારો ગ્રીક નાટ્કાર થયો, એટલે મને યુરિપિડિસની ખબર ના હોય? અરે, મને તારા આઇરીશ નાટ્યકાર શૉન ઓ’કાસીની પણ ખબર છે. જોકે, એ પછીથી ઇંગ્લંડમાં જઈને વસ્યા હતા.

નૉલૅજમાં, સ્માર્ટનૅસમાં, જાણે વામા આગળ નીકળી ગઈ હતી, રૉબર્ટના હાથમાં હાથ રાખીને. ને હરિફાઇ તો હતી પણ ક્યાં. જે હતું તે પરમ સામીપ્ય હતું.

થોડાક મહિના પછી, રૉબર્ટનો આગ્રહ હતો, કે વામા એના ન્યૂયૉર્ક શહેરના અપાર્ટમૅન્ટમાં સાથે રહેવા આવી જાય. વામાના ફ્લૅટની લીઝ પૂરી થવાને હજી ઘણો ટાઇમ બાકી હતો, અને એને હજી, ફ્લૅટ પર રહેવું પણ હતું.

સંમતિ એમ થઈ, કે રૉબર્ટ અઠવાડિયાના બે-ત્રણ દિવસ વામાને ત્યાં રહેશે, અને વીક-ઍન્ડ વામા રૉબર્ટની સાથે શહેરમાં ગાળશે. એ ગોઠવણ સરસ હતી. બંનેને સાથે સમય ગાળવો હતો, એ જ મુખ્ય વાત હતી.

સામાન્ય આલિંગન, અને ક્યારેક ચુંબન સિવાય, વધારે નજીક હજી એ બંને ગયાં નહતાં. મનથી નક્કી જ હતું, કે  સાથે જ છીએ, ને હંમેશાં રહીશું.

આખું ચણતર ઊંડા સ્નેહ અને મૈત્રી પર આધારિત હતું. દૈહિક વર્તન શરૂ કરે તે પહેલાં, એકબીજા પાસેથી ઘણું પામવું હતું એમને.

બંને એકબીજાનાં દરેક શ્વાસથી, વિચારથી, સ્મિતથી, ચલનથી પરિચિત થવા ઇચ્છતાં હતાં. મૅટ્રૉપૉલિટન મ્યુઝિયમમાં અર્ધનારીશ્વરના પ્રાચીન શિલ્પને જોયું હતું એમણે – અડોઅડ ઊભાં રહીને.

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..