અમાસનું અજવાળું ~ જયશ્રી પટેલ

(લઘુકથા)
દૂર દૂર સૂર્યાસ્ત થઈ રહ્યો છે, ડુંગરાઓની વચ્ચે ઢળતા સૂરજને જોતી વિશ્વા બેઠી હતી. ત્યાંથી થોડે દૂર એક વિકલાંગ બાળક કંઈક બન્ને હાથથી બતાવી રહ્યું હતું. તેની બાજુમાં જ એક અતિસુંદર યુવતી લગભગ પાંત્રીસ-છત્રીસ વર્ષની જ હશે તે પણ ફોન પર કોઈક સાથે વાર્તાલાપ કરી રહી હતી. તેનો એક હાથ ફોન પર હતો ને એક હાથ બાળકની વ્હીલચેર પર હતો. બાળક તેનો દુપ્પટો ખેંચી કંઈક બતાવી રહ્યો હતો. વિશ્વાને લાગ્યું એ કંઈક તો જરૂર કહે છે, પણ પેલી યુવતીના લક્ષ્યમાં નથી. ત્યાં જ તેની નજર ફરી પેલા ઢળતા સૂરજ તરફ ગઈ. પેલી યુવતી ચાલી ગઈ હતી એટલી વારમાં.

દિવાળી પણ નજીક હતી, તેથી ઘરનાં કામ અને ઓફિસમાં પણ રજાઓ પહેલા થોડું ઘણું કામ પતાવવાનું હતું. રોમેશે ઓફિસ માટે એક સારું પેઈન્ટિંગ ખરીદવાનું કહ્યું હતું. તે માટે એકાદ આર્ટગેલેરીમાં પણ ચક્કર લગાવવાનું હતું. તેણે નક્કી કર્યું કે આજે તો તે જઈ જ આવશે. તેથી તે બે-ત્રણ આર્ટગેલેરીના ચક્કર લગાવી આવી. જ્યાં જતી ત્યાં તેને ઢળતી સાંજે જોયેલું પેલું દ્રશ્ય યાદ આવી જતું.

ફોનમાં વોટ્સઅપની રીંગ ટ્રન ટ્રન કરતી હતી, તેણે એક સુંદર ચિત્ર જોયું, અરે! આજ તો હતું. તેણે તે ચિત્ર ખોલ્યું, કોઈ વિકલાંગ સ્કૂલમાંથી આવ્યું હતું અને તે સેલ માટે મુકાયું હતું, તેણે ડીટેલ લઈ તે ચિત્ર ઓનલાઈન ખરીદી લીધું. નીચે સરનામું હતું જ્યાંથી તે લેવાનું હતું. બીજે દિવસે નવ વાગ્યાનો સમય આપ્યો હતો. તેણે રોમેશને ચિત્ર જોવા માટે મોકલ્યું. તેને પણ ગમી ગયું. આમ તો રોમેશ ડિવોર્સી હતો, તેનો બોસ હતો અને તે તેને ડેટીંગ કરતી હતી. તે હજુ મનથી ઢચુપચુ હતી. રોમેશે ચિત્રની પસંદગી માટે તેના વખાણ કર્યા. 

બીજે દિવસે નવ વાગ્યે તે ચિત્ર માટે આપેલ સરનામે ગઈ. ડોરબેલ મારી, આજુબાજુ નજર કરી. સરસ ઘર હતું, અતિસુંદર યુવતીએ દરવાજો ખોલ્યો. વિશ્વા ઓળખ આપી કે તે ચિત્ર માટે આવી છે, ફોનમાં આવેલી રસીદ તેણે બતાવી. મન ગડમથલમાં પડ્યું. આ સૌંદર્યને જોયું છે, ન ભૂલાય તેવું હતું. ત્યાં વ્હીલચેર પર પેલું બાળક બહાર આવ્યું ને તેની આંખ સામે તે ક્ષિતિજ વેળાનું દ્રશ્ય ફરી વળ્યું.

ઓહ! આત્મીયતા વર્તાતી હતી તે ચિત્રમાં.

વિશ્વાથી રહેવાયું નહિ. તે બધી જ વાત પૂછી બેઠી. તે શું કહેતો હતો.. તે સાંજે.. યુવતીનું નામ પૂછ્યું તો તે ચમકી ગઈ… કારણ રોમેશના મોઢે ચિત્રાંગદાનું નામ કેટલીય વાર સાંભળી ચૂકી હતી. તેણે બાળકનાં બે હાથ પકડી આંખમાં આંસુ સાથે પૂછ્યું, ”રોમેશનું બાળક છે? હકારમાં માથું હાલ્યું. સમજી ગઈ કેમ બન્ને છૂટા પડ્યા હતા. તે વાતો કરી નીકળી ગઈ. દિવાળીને દિવસે મળવાનું કહી ચાલી ગઈ.

બરાબર પાંચમે દિવસે એટલે કે પૂજનને દિવસે વિશ્વાએ પેલા ચિત્રને ઓફિસની દિવાલ પર મૂક્યું. લોકો વિસ્મિત થઈ જોતા રહ્યા. પ્રશ્નભરી આંખો!! ચિત્ર ક્યાંથી આવ્યું? કોણ ચિત્રકાર..? તેની તરફ હતી. વિશ્વાએ એક ફોન કર્યો અને થોડીવારમાં ઓફિસના દરવાજામાં એક વ્હીલચેર પ્રવેશી. રોમેશના આશ્ચર્ય વચ્ચે વિશ્વાએ તે  ચિત્રના ચિત્રકારની ઓળખ આપી. આજના ચિત્ર ‘અમાસનું અજવાળું’ના વિકલાંગ ચિત્રકારમાં રોમેશનું લોહી છે કહી વિશ્વાએ ચિત્રાંગદાને પણ બોલાવી. રોમેશને તેણે હકીકતથી વાકેફ કરી આવા બાળકના પિતા હોવાનો ગર્વ લેવા સમજાવ્યો.

વિકલાંગ જન્મવું એ કાંઈ બાળકનો કે માનો વાંક નથી હોતો. ચિત્રાંગદાને બિરદાવી કે હકીકત જાણ્યા પછી પણ એબોર્શન ન કરાવી, હોનહાર બાળકને જન્મ આપ્યો. એની કળા ઓળખી એના જીવનમાં પણ દિવાળી જેવું  ‘અમાસનું અજવાળું’ પ્રગટાવ્યું.

~ જયશ્રી પટેલ

આપનો પ્રતિભાવ આપો..

12 Comments

  1. સુંદર નિરૂપણ. જીવનમાં આવું અનેકવાર બને છે 🙏🙏

  2. mother love for any childeren mentally dis order or bodily any kind of viklang. ‘ma te ma bija vagda na va’ nice story by jashrreben patel / ‘MA PREM’

  3. ‘વિકલાંગ જન્મવું એ કાંઈ બાળકનો કે માનો વાંક નથી હોતો. ચિત્રાંગદાને બિરદાવી કે હકીકત જાણ્યા પછી પણ એબોર્શન ન કરાવી, હોનહાર બાળકને જન્મ આપ્યો.’પ્રેરણાદાયી વાત અનેસંવેદનશીલ લઘુ કથા બદલસુ શ્રી જયશ્રી પટેલને ધન્યવાદ