એક લીમડાની આત્મકથા ~ બ્રિન્દા ઠક્કર

(“થોડી ખાટી, થોડી મીઠી” કોલમ – ૧૭ )
(પઠન: દિપલ પટેલ) 
યુટ્યુબ લિંક : https://www.youtube.com/watch?v=XuTuaylDk9o

તમે ક્યારેય એકલા જીવ્યા છો?
એકલા એટલે આજુબાજુ વ્યક્તિઓ ન હોય,
એવું એકલા નહિ..
તમારી સાથે તમે ન હોવ, એવું એકલા!

આપણા પડછાયાએ ક્યારેય પોતાના ‘હોવા’ વિશે ચર્ચાઓ નથી કરી અને એ જ વાત ખરેખર સમજવા જેવી છે. મારા ઘરની બાલ્કનીમાં ઊભા ઊભા હું રોજ એ પોતાની મસ્તીમાં ઝૂમતા કડવા લીમડાને જોયા કરું છું. ત્યાં થોડે દૂર એક કન્સ્ટ્રકશન સાઇટ ચાલે છે. એમાં વપરાતા સળિયાનો અવાજ આખો દિવસ કાનને અથડાયા કરે છે ત્યારે મારા અને લીમડાના એક્સ્પ્રેશન્સ હું નોંધું છું. મને મજા આવે છે આમ કરવાની.

મને ક્યારેક એમ થાય કે લીમડાના બદલે હું એની આત્મકથા લખું.એ શું અનુભવે છે એ તો મને કેમનું સમજાય? પણ નરી આંખે જેટલું હું એની આસપાસ અને એની ઉપર જોઈ શકું છું એના વિશે તો લખી જ શકાય! લગભગ રોજ એક મોટો સાપ એ લીમડાની ફરતે આંટો મારવા આવે છે. ક્યારેક 3-4 એકભેગા આવે છે. હું એ દૃશ્ય જોઈ નથી શકતી એટલે એના વિશે વધારે કહી ન શકું. એક સાવ કાબરચિતરું પક્ષી સવાર સવારમાં લીમડાની ડાળ પર બખાળો કરી મૂકે છે. એને જોઈને મને રોજ એમ થાય કે એ કદાચ જિંદગીથી ત્રાસી ગયેલું હશે! રોજ શું એની એ જફામારી! પતાવો યાર વાત! પણ એમનામાં કદાચ આત્મહત્યાવાળો કન્સેપ્ટ નહીં હોય! સુખી છે એ બાબતમાં એ બધાં જ.

કોયલ પણ આવે છે. મારો બ્રશ કરવાનો અને એનો સુંદર ટહુકા કરીને સૂરજને વેલકમ કરવાનો ટાઈમ એક જ. સવારને હું એ કોયલની દૃષ્ટિથી જોઉં તો જાણે આખા દિવસની ખુશીઓનું ભાથું મળી ગયું એમ લાગે. જો મને આટલું બધું લાગતું હોય,તો એ લીમડો તો નાચી જ ઉઠતો હશે ને!

ખરા બપોરે હું અને એ બંને પોરો ખાવા બેસીએ છીએ. અમારી વચ્ચે એક દીવાલ અને લોખંડની ગ્રીલનું અંતર છે. બંને પોતપોતાની જગ્યાએ બેસીને પોતાની જિવાઈ ગયેલી ક્ષણો પર છૂટક નજર નાખીએ છીએ. પેલી કન્સ્ટ્રકશન સાઇટ પણ બપોરે એકાદ કલાક જંપે છે. આટલી ગરમીમાં પણ લૂ નથી વાતી, ઠંડો પવન આવે છે એના માટે હું રોજ એકવાર તો એ લીમડાને થેન્ક યુ કહું જ છું.

સાંજે પાંચેક વાગ્યે ત્યાં એક ગાય અને બે કૂતરા આવે છે. મેં અને મારા જેવા બીજાઓએ ફ્લેટમાંથી છૂટી ફેંકેલી રોટલીઓ કે અમુક ખાવાની વસ્તુઓ ખાવા માટે તેઓ ફિક્સ ટાઈમ પર આવી જાય છે. હું ને લીમડો, બંને જાણીએ છીએ કે તેઓ કેટલા ભૂખ્યા હોય છે. અમે તેઓની તીવ્ર ભૂખના સાક્ષી છીએ. પણ હા, એ ત્રણેય ક્યારેય એકબીજા સાથે બાખડતા નથી. જેના ભાગે જેટલું આવે, જે જેટલું શોધી શકે તેટલું ખાઈને જતા રહે છે.

વળી સાંજના સુમારે ઢળતા સૂરજની સાક્ષીએ હું એને છેલ્લી વાર જોઈ લઉં છું. પછી દરવાજા બંધ. ફક્ત મારા, કારણકે એની પાસે ન તો દરવાજા છે, ન તાળાં છે. એ તો એમજ અડીખમ, મંદ મંદ મુસ્કુરાયા કરતો ત્યાં જ સ્થિર છે.

કાલે સાંજે કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા માણસોના ટાબરીયા આવી ચડેલા. એમના ખુલ્લા – ચપ્પલ વગરના પગ જોઈને મારાથી નાની ચીસ નીકળી ગયેલી. ત્યાં જીવજંતુની સાથે સાથે તૂટેલી કાચની બોટલ અને તળિયા છોલી નાખે એવા કાંકરા પણ છે, એટલે. લીમડો તોયે સ્થિર હતો,અને ભૂલકાં જોઈને રાજી થયો હશે ફક્ત! એમ ને એમ થોડીને સ્થિતપ્રજ્ઞ કહેવાતો હશે?

ખૈર,અત્યારે જ્યાં કન્સ્ટ્રકશન ચાલુ છે, ત્યાં પણ પહેલા આવા જ વૃક્ષો અને અઢળક હરિયાળી હતી. જાણે અમે વાડીમાં રહેતા હોઈએ તેવો ભાસ થતો. પરંતુ થોડા જ મહિનાઓમાં ત્યાં વિકરાળ બિલ્ડીંગ બની ગયું છે. ત્યાંથી ઊડતી ધૂળ રોજ મારા ઘરમાં આવે છે. એને સાફ કરતી વખતે ક્યારેક એમ થાય કે આમાં કપાયેલા વૃક્ષોના અવશેષો પણ હશે જ!

હવે બીક એ વાતની લાગે છે કે અમુક મહિનાઓ પછી જ્યારે હું ફરીથી ઘરમાં ડસ્ટિંગ કરતી હોઈશ ત્યારે, એમાં અમુક રજકણો મારા આ લીમડાની પણ હશે જ ને?

***

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. એક લીમડાની આત્મકથા ~
    બ્રિન્દા ઠક્કરની સુંદર રચનાનૂ
    દિપલ પટેલ દ્વારા સ રસ પઠન