વિરગિલિયો પિણારાની ત્રણ લઘુકથાઓ ~ બાબુ સુથાર
“વારતા રે વારતા”- (૧૯)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )
ક્યુબાના લેખક વિરગિલિયો પિણારા (Virgilio Piñera) મારા ગમતા વાર્તાકારોમાંના એક છે. એમણે કેટલીક લઘુકથાઓ પણ લખી છે.
એમાંની એક લઘુકથા છે: Graphomania. આ લઘુકથામાં જગતના તમામ સર્જકોને સહરાના રણમાં બોલાવવામાં આવ્યા છે. એ લેખકોમાં મહાન લેખકોનો પણ સમાવેશ થાય છે અને તફડંચી કરતા લેખકોનો પણ સમાવેશ થાય છે. આ લેખકો પર એક કેસ ચલાવવાનો છે: લખ લખ કરવાનો. બધા લેખકો રણમાં બેઠા છે. અંદરોઅંદર ગૂસપૂસ કરી રહ્યા છે. ત્યાં જ રણમાં તાણેલા એક તંબુમાંથી એક પોપટ બહાર આવે છે અને લેખકો પર આરોપ મૂકે છે: “આથી તમારા બધા પર લખ લખ કરવાનો આરોપ મૂકવામાં આવે છે.” એમ કહીને પોપટ તરત જ પાછો તંબુમાં ચાલ્યો જાય છે.
લેખકો તો વિચારમાં પડી જાય છે. લેખકો પર લખ લખ કરવાનો આરોપ! બધા અંદરોઅંદર મસલત કરે છે. પછી એમાંનો એક ઉત્તમ લેખક તંબુ પાસે આવે છે ને પોપટને કહે છે: “મહારાજાધિરાજ, મારા સાથીદારો વતી હું એક પ્રશ્ન પૂછવા માગું છું: અમે લખવાનું ચાલુ રાખી શકીએ કે નહીં?
પોપટ કહે છે: “કેમ નહીં? અમે એવું માની જ લીધું છે કે તમે લખતા જ રહેશો.”
લેખકો તો આ સાંભળતાં જ આનંદમાં આવી જાય છે. કેટલાક તો ઉત્સાહના માર્યા રણની રેતીને ચૂમવા લાગે છે તો કેટલાક તો કાગળ પેન્સિલ લઈને લખવા બેસી જાય છે. એટલું જ નહીં, કેટલાક તો કહે છે કે આજની ઘડી રે રળિયામણી. આ ઘટનાને સોનાના અક્ષરથી લખી રાખવી જોઈએ.
એટલામાં પેલો પોપટ તંબુમાંથી બહાર આવે છે. એ ખોંખારો ખાતાં કહે છે:, “લખો, જેટલું લખવું હોય એટલું લખો. પણ એનાથી તમારા પર મૂકવામાં આવેલો લખ લખ કરવાનો આરોપ યતાવત્ જ રહે છે. એમાં કોઈ ફરક પડતો નથી.”
કોઈને પ્રશ્ન થશે કે શું છે આ વાર્તામાં? જરાક વિચારો. એક બાજુ આખા જગતના લેખકો છે અને બીજી બાજુ એક પોપટ છે. આપણે વાત વાતમાં કહેતા હોઈએ છીએ કે આ માણસ તો બસ, પોપટની જેમ બોલ બોલ કરે છે. હવે આ ‘બોલ બોલ કરતા પોપટની’ સામે ‘લખ લખ કરતા લેખકોને’ મૂકો. વાર્તા થોડીક તો સમજાઈ જશે.
બીજું, કોણ છે આ પોપટ? એના માટે લેખકે ‘મહારાજાધિરાજ’ શબ્દ વાપર્યો છે. આપણે આ પોપટને ‘રાજ્ય’ કે ‘સત્તા’ તરીકે જોઈ શકીએ ખરા? વિચાર કરજો.
ત્રીજું, આ સત્તા લેખકોને લખવાની પરવાનગી આપે છે પણ લખ લખ કરવાના ગુનામાંથી મુક્ત કરતી નથી. આ સત્તાના સ્વરૂપ વિશે વિચારો હવે.
છેલ્લે, અને મને લાગે છે કે આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે: લેખકો પોપટ પાસે પરવાનગી માગવા જાય છે. અર્થાત્, એ લોકો સત્તા પાસે પરવાનગી માગવા જાય છે: મહારાજાધિરાજ, અમે લખવાનું ચાલુ રાખીએ કે નહીં? અહીં ‘પરવાનગી’ શબ્દ મહત્ત્વનો છે.
પિણેરા સત્તાની પરવાનગીથી લખતા લેખકોની મશ્કરી તો નહીં કરતા હોય ને?
વિચારજો.
એવી જ એક બીજી લઘુકથા છે: The Mountain. એમાં એક પર્વત છે. ત્રણ હજાર ફૂટ ઊંચો. કથક કહે છે કે મેં એ પર્વતને ટુકડે ટુકડે ખાઈ જવાનું નક્કી કર્યું છે. આ પર્વત પણ બીજા પર્વતો જેવો જ છે. એના પર વૃક્ષો છે, છોડ છે, પથ્થરો છે, કાંકરા છે. બીજા બધા પર્વતોની જેમ આ પર્વત પર લોકો લોકો ચડે છે ને ઊતરે છે.
કથક કહે છે કે હું રોજ સવારે એ પર્વતની તળેટીમાં પટલિયે પડું અને મોંઢેથી પર્વત ખાવાનું શરૂ કરું. પછી મારું મોંઢું થાકી જાય. મારાં જડબાં અસ્તવ્યસ્ત થઈ જાય ત્યાર બાદ હું ઘેર આવું. પછી થોડોક વિરામ કરું અને પાછો પર્વત ખાવા જાઉં.
આ વાર્તાકારની આ વિશેષતા છે: અસંભવ ઘટનાઓને એ આપણી આગળ સંભવિત ઘટનાઓ તરીકે રજુ કરે છે. અને એની રજુઆત કરવાની રીત એવી છે કે આપણે એ ઘટનાઓ બની હોય એવું ન માનવું હોય તો પણ માનવું પડે.
પછી કથક કહે છે કે જો હું મારા પાડોશીને આ વાત કહું તો એ માનશે નહીં અને મારા પર હસશે. પણ, હકીકત એ છે કે મેં હવે ઘણો પર્વત ખાઈ નાખ્યો છે. હવે ટૂંક સમયમાં મેં આખો પર્વત ખાઈ નાખ્યો હશે.
આગળ કથક કહે છે: હું આખો પર્વત ખાઈ જઈશ પછી લોકો કહેશે કે અહીં એક પર્વત હતો પણ ભૌગોલિક ઉથલપાથલને કારણે એ અદૃશ્ય થઈ ગયો. પછી એ ઉમેરે છે: અને આ છે મારી કરૂણતા. કોઈ કહેશે કે નહીં કે હું આ પર્વત ખાઈ ગયેલો.
આ છે માણસજાતની કરૂણતા: એક માણસ આખો પર્વત ખાઈ જાય. અસંભવિત ઘટનાને સંભવિત બનાવે. પણ, એ ઘટનાને કોઈ યાદ પણ ન કરે. લોકો એમાં કુદરતનો હાથ જુએ. આટલી બધી human agony આટલી નાની વાર્તામાં વ્યક્ત કરવાનું કામ સાચે જ ખૂબ અઘરું હોય છે. પિણેરા એ કરી શકે છે.
પિણેરાની એવી જ એક ત્રીજી લઘુકથા છે: Swimming. એમાં પણ એ અશક્યને શક્ય બનાવવાની વાત છે.
એમાં કથક કહે છે કે મેં સૂકી ભૂમિમાં તરવાનું શીખી લીધું છે. પછી એ કહે છે: તમે નહીં માનો પણ પાણીમાં તરવા કરતાં સૂકી ભૂમિમાં તરવાનું કામ સહેલું હોય છે! સૌથી પહેલાં તો એમાં ડૂબી જવાનો તો ડર જ ન લાગે. કેમ કે એમાં તરતાં શીખનાર માણસ હંમેશાં તળિયે જ હોય છે! લેખક આવા બીજા પણ બેત્રણ ફાયદા પણ ગણી બતાવે છે. એ કહે છે કે પાણી નહીં હોવાથી સૂકી ભૂમિમાં ડૂબાય નહીં અને ડૂબાય નહીં એથી આપણા પેટમાં પાણી પણ ભરાય નહીં!
જો કે, સૂકી ભૂમિ પર તરતાં શીખવાનો અનુભવ જરા જુદા જ પ્રકારનો હોય છે. કથક કહે છે કે સૂકી ભૂમિમાં તરતી વખતે મરણ વખતે થતી હોય એવી પીડા થતી હોય છે. જો કે, એને આ બન્ને પ્રક્રિયાઓ જુદી લાગે છે. એ કહે છે કે તમે સંગીત સાંભળતાં સાંભળતાં પણ મરી શકો. પણ તરતાં કે ડૂબતાં એવું ન કરાય કે એવું ન થાય.
આવી વાર્તાઓ લખતી વખતે વાર્તાકારે અસંભવિત ઘટનાને સંભવિત ઘટના તરીકે રજુ કરવા માટે ભાત ભાતની કળા કરવી પડતી હોય છે. જેમ The Mountain વાર્તામાં લેખક પાડોશીને લઈ આવે છે એમ અહીં એ મિત્રોને લઈ આવે છે. એ કહે છે: મેં મિત્રોને કહ્યું કે મને સૂકી ધરતી પર તરતાં આવડે છે તો એ લોકો શરૂઆતમાં તો મારી વાત માનતા જ ન હતા. જો કે, હવે એ માનતા થઈ ગયા છે. એમ કહીને એ ઉમેરે છે: ક્યારેક હું ખુરશીમાં બેઠો બેઠો મારા આરસપહાણની ટાઈલ્સમાં હાથ બોળીને એમાં તરતી નાનકડી માછલી પકડતો હોઉં છું. અલબત્ત, મિત્રોની હાજરીમાં.
હવે તો આપણે લેખકની વાત માનવી પડે. જો આપણે એના મિત્રો હોત તો કદાચ આપણે પણ એને આરસપહાણની ટાઈલ્સમાં હાથ બોળીને માછલી પકડતાં જોઈ શક્યા હોત!
~ બાબુ સુથાર
અફલાતુન વાર્તાઓન્ મા બાબુ સુથાર દ્વારા સ રસ આસ્વાદ સાથે રજુઆત
shakya ne ashkay ane ashkya ne shkya batvati katha . shri babubhai nu latest invention. janva jevu
બાબુભાઇ આજે જે વાર્તાઓ લાવ્યા છે તે સરરિયલ-પરાવાસ્તવ-નો અંચળો ઓઢીને આવે છે અને અનેક અર્થઘટનો માટે અવકાશ આપે છે. બાબુભાઇ પડદો ઊંચકીને લેખકના હેતુ માટે પ્રશ્ન કરે છે. પણ સાથે સાથે આપણને પણ વિચારતાં કરી દે છે.
અદ્ભૂત લઘુકથાઓ
બહુ સરસ 👌