નાટકના તખ્તા પર સ્ત્રીઓનું આગમન ~ ઉત્કર્ષ મઝુમદાર

ચાલો મારી સાથે (ભાગ: ૧૧)

ગયા વખતે આપણે જોયું કે સ્ત્રી કલાકારોનું ઇંગ્લેન્ડના તખ્તા પર કેવી રીતે આગમન થયું. આટલું બધું મોડું આગમન કયા કારણોસર થયું હશે ભલા? માત્ર ઇંગ્લેન્ડ જ નહિ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓનું તખ્તા પર આગમન બહુ જ મોડું થયું. આપણે ત્યાંતો છેક વીસમી સદીના બીજા દાયકા એમનું આગમન થયું.

સુજ્ઞ વાચકોના ધ્યાન પર કોઈ કારણો આવે છે? ન યાદ આવે તો કોઈ વાંધો નહિ ને જો યાદ આવે તો અહીં જે કારણો આપવાનો છું એથી જુદા કે વધારાના હોય તો મને જણાવી શકો છો.

નાટકો તો પુરાણા સમયથી ભજવાતા આવ્યા છે. સૌથી પુરાતન નાટકો આપણને ગ્રીસથી મળી આવે છે.  જૂનામાં જૂની નાટકની પ્રત  જે મળી આવી છે તે છે  ધ પર્શિયન્સ જે સૌ પ્રથમ 472 બી.સી.માં ભજવાયું. એથેન્સ નામનું  પ્રાચીન નગર રાજ્ય લોકશાહી ઢબે ભલે ચાલતું હતું પરંતુ તેમાં સ્ત્રીઓને કોઈ હક્ક ન હતા. તેમને ના તો મતાધિકાર હતો કે તેઓ મિલકત ધરાવી શકતા હતા. પિતૃસત્તાક સમાજને આ માફક આવે તેમ ના હતું. તેમણે  માત્ર છોકરા જણવાના, ઉછેરવાના ને ઘર સાંભળવાનું. એ ખુદ કોઈની મિલકત હતી. તેમને જો બરાબરીના હક્કો અપાય તો સત્તામાં પણ ભાગીદારી માંગે જે પુરુષોને ખૂંચે. આ માન્યતા હજી પણ કેટલેય ઠેકાણે પ્રવર્તમાન છે. પુરુષોને અબાધિત સત્તા જોઈતી હતી. આથી રીતે એ સ્વતંત્ર ન હોય એટલે એણે  પુરુષોને આધીન રહેવું જ પડે. શિક્ષણથી પણ વંચિત રખાતી. અલબત્ત સમય જતા સ્ત્રીઓ ચોંટે ચકલે થતા ખેલમાં હિસ્સા લેવા લાગી હતી પણ એમાં સામાજિક મોભો જરાય નહિ અને દ્રવ્ય પ્રાપ્તિ તો પતિદેવ લઇ લેતા, જો હોય તો. આવી સ્ત્રીઓ હલકી લેખાતી વેશ્યાની કક્ષામાં મુકાતી. તેઓ જો નાટકોમાં ભાગ લે તો એની બીજી સંભ્રાંત સ્ત્રીઓ પર ખરાબ અસર પડે એવી જડ માન્યતા પણ હતી. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓને આ તેમની માન્યતાથી વિરુદ્ધનું પગલું લાગતું. સમાજ પર નૈતિક અને ધાર્મિક બેઉ રીતે ખરાબ અસર પડે. ટૂંકમાં સ્ત્રી જો આર્થિક અને સામાજિક રીતે પગભર થઇ જાય તો પોતાના અંકુશમાં ન રહે એ દરે પણ તેમનો નાટકમાં ભાગ લેવા બાબતે વિરોધ થતો.

વિશ્વની સૌ પ્રથમ ખ્યાતનામ તખ્તાની અભિનેત્રીઓમાની એક હતી ઇટાલીની ઈઝબેલા એન્ડ્રેઈની (1562-1604).  કમનસીબે આઠમા બાળકની પ્રસુતિ દરમ્યાન 42 વર્ષની ઉંમરે એનું અવસાન થયું (બાળક જણવાનું  કે નહિ એ અધિકાર પણ એની પાસે નહિ.) એને રાષ્ટ્રીય સન્માન સાથે દફનાવવામાં આવી. એના માનમાં સિક્કાઓ બહાર પડ્યા.  

ઈંગ્લેન્ડમાં સૌ પ્રથમ નાટકના તખ્તા પર આવનારી મહિલા કોણ હતી? કાયદેસર રીતે જે મહિલા પ્રથમ વાર નાટકમાં સ્ત્રી પાત્ર ભજવે છે તેનું નામ હતું માર્ગારેટ હ્યુજીસ (1645- 1719). એણે જયારે રંગભૂમિ પર પદાર્પણ કર્યું ત્યારે એની ઉમર હતી માત્ર સોળ વરસ.  નાટકનું નામ હતું ‘મુર ઓફ વેનિસ’. શેક્સપિયરના નાટક ઓથેલોનું નવ સંસ્કરણ હતું. એણે ડેસદીમોના  એટલે કે ઓથેલોની પત્નીનું પાત્ર ભજવ્યું. તારીખ 8 ડિસેમ્બર 1660ના રોજ આ નાટક ભજવાયું. લંડનના વેરે સ્ટ્રીટ થિયેટરમાં આ ભજવાયું અને જાહેરાતના પાટિયા પર લખાયેલું, “પ્રથમ વાર તખ્તા પર એક મહિલાને સ્ત્રી પાત્ર ભજવતી જુઓ. પ્રેક્ષકોનો પ્રતિસાદ કેવો મળ્યો એ ખબર નથી પરંતુ સારો જ મળ્યો હશે કારણ એણે નાટકોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું. 

એ પ્રિન્સ રુપર્ટ ડ્યૂક ઓફ કમ્બરલેન્ડ જે  ‘રુપર્ટ ઓફ  રાહીન’  તરીકે પણ ઓળખાતો હતો તેના સંપર્કમાં આવી ને તેની પ્રેમિકા બની. આથી એની ઝડપભેર ઉન્નતિ થઇ. એ કિંગ્સ કંપનીની (રાજાની નાટ્ય કંપની) સદસ્ય બની ને એના નાટકોમાં કામ કરવા લાગી. સદસ્ય બનવાથી એને મોટો લાભ એ થયો કે એનો મોભો વધ્યો, દેવાને લીધે જેલમાં જવામાંથી મુક્તિ મળે. મૂળ ડચ ચિત્રકાર જેને પોતાની કારકિર્દી ઇંગ્લેન્ડમાં પસાર કરી ને જે મશહૂર પોર્ટ્રેઇટ ચિત્રકાર હતો એણે ચાર વાર એના પોર્ટ્રેટ બનાવ્યા. રુપેર્ટે એની સાથે લગ્ન ભલે ન કર્યા પણ એમની દીકરી રૂપેરતાનો સ્વીકાર કર્યો અને એના મૃત્યુ પછી પોતાની સઘળી મિલકત દીકરીમાં વહેંચી ગયો.

હવે એક આડવાત. સન 1660માં ગાદીએ આવેલા ચાર્લ્સ દ્વિતીયને નાટકનો પુષ્કળ શોખ હતો અને એનો સમય જે રેસ્ટોરેશન પિરિયડ ગણાય છે તેની સાથે સંકળાયેલી એક વાત. રાજા એક વાર નાટક જોઈ રહ્યો હતો ને અચાનક નાટક ભજવાતું બંધ થઇ ગયું. રાજા અકળાયો. રસક્ષતિ થાય તે કેમ ચાલે? તેણે પોતાના માણસો દ્વારા પૃચ્છા કરાવી તો ખબર પડી કે જે પુરુષ અભિનેતા સ્ત્રી પાત્ર ભજવી રહ્યો હતો તે હજી દાઢી મૂછ ને અન્ય વાળ કાઢી રહ્યો હતો. આથી એ રોષે ભરાયો ને સ્ત્રીઓને જ સ્ત્રી પાત્રોમાં લાવવી જોઈએ એવા દ્રઢ મતનો થયો. એક અન્ય કારણ પણ હતું. જુવાન છોકરાઓ સ્ત્રી પાત્રો બજાવે એનાથી એક ‘અકુદરતી સંબંધ’ – સમલૈંગિક સંબંધ પુરુષ અદાકારોમાં ફેલાતો જતો હતો. આથી એણે સન 1662માં હુકમનામું બહાર પાડ્યું કે ‘આજ પછી નાટકોમાં સ્ત્રી પાત્રો ફરજિયાત સ્ત્રી કલાકારો જ ભજવશે.’  સર થોમસ કિલ્લિંગ નામના  નાટ્યકારે તો સન 1664 અને 1672માં એમ બે વાર એણે લખેલું નાટક ‘ ધ પારસન્સ વેડિંગ’ યાને કે પાદરીનું લગન ભજવ્યું. આ નાટકની વિશેષતા એ હતી કે એમાં બધા જ સ્ત્રી પાત્રો હતા ને બધા જ સ્ત્રી કલાકારોએ જ ભજવેલા.

લેખક સંપર્ક: utkarshmazumdar@gmail.com
(આ શ્રેણીના અગાઉના લેખો નીચેની લિંક પર વાંચવા મળી શકશે.)
https://davdanuangnu.com/category/%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ae%e0%aa%9d%e0%ab%81%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0/

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. નાટકના તખ્તા પર સ્ત્રીઓનું આગમન ~ ઉત્કર્ષ મઝુમદારના ચાલો મારી સાથે (ભાગ: ૧૧)મા આ વાત જાણી આશ્ચર્યાનંદ
    ‘નાટક ‘ ધ પારસન્સ વેડિંગ’ યાને કે પાદરીનું લગન ભજવ્યું. આ નાટકની વિશેષતા એ હતી કે એમાં બધા જ સ્ત્રી પાત્રો હતા ને બધા જ સ્ત્રી કલાકારોએ જ ભજવેલા’
    વાહ બાકી એ જમાનામા સ્ત્રીના પાત્રો પુરુષોએ ભજવવા પ્ડતા !