જાત સાથે વાતમાં વીતી ગઈ ~ મેગી આસનાની

સ્વરકાર  રિષભ મહેતા,  સંગીત : ઝલક પંડયા
સ્વર :  રાગ મહેતા  આલ્બમ : જાત સાથે વાત 

જાત સાથે વાતમાં વીતી ગઈ.
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.

પ્રેમ, પીડા, લાગણી કંઇ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.

જે મળ્યા આઘાત દિવસે એ વિશે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.

ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.

આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.

–    મેગી આસનાની

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

 1. કવયિત્રી સુ. શ્રી મેગી આસનાની ની ગઝલોના આલ્બમ ” જાત સાથે વાત ” સાથે હું એક સ્વરકાર – ગાયક તરીકે સંકળાયેલો છું . આ આલ્બમ.ની આઠે આઠ રચનાઓ અલગ તરી આવે એવી કોશિશ એક સ્વરકારે મેં કરી તો એને યોગ્ય અને જરૂરી શણગાર પહેરાવવાનું અતિ મુશ્કેલ કામ યુવાન અને ખૂબ જ પ્રતિભાશાળી સંગીત નિર્દેશક શ્રી ઝલક પંડ્યાએ કર્યું. એક સજ્જ અને સુરીલા ગાયક તરીકે રાગ મહેતા એણે અલગ અલગ ચાર તાલમાં ગાયેલ ચાર ગઝલોને પૂરેપૂરો ન્યાય આપવામાં સફળ રહયા . આ ગઝલ આલ્બમની TITLE ગઝલ છે અને એને એજદામ અલગ રીતે તૈયાર કરાવી હતી .તેથી એનું બાહ્ય કલેવર WESTERN MUSIC અને WESTERN BEATS થઈ સજાવ્યું છે અને ગાયનમાં ગઝલની ગાયકી જળવાય એવી કોશિશ કરી છે . રાગ ભૈરવીની છાયામાં વિલસતું આ સ્વરાંકન HEAD PHONE ધારણ કરીને સાંભળશો તો ખરેખર ખૂબ જ મઝા પડશે . ગુજરાતી ગઝલ આવી પણ હોઈ શકે છે એનો અનુભવ આપણે જરૂર થશે .

 2. જાત સાથે વાતમાં વીતી ગઈ ~ મેગી આસનાની રચના
  સ્વરકાર રિષભ મહેતા,
  સંગીત : ઝલક પંડયા
  સ્વર : રાગ મહેતા આલ્બમ : જાત સાથે વાત
  જાત સાથે વાતમાં વીતી ગઈ.
  માણી મઝા જ મઝા

  1. દિવસને – તહેવારને અનુલક્ષીને પોસ્ટ નથી.સાહિત્યને લગતી પોસ્ટ આ બ્લોગમાં મુકાતી રહેશે. દિવાળીને સંબધિત પોસ્ટ ગઈકાલે જ મૂકી છે. એટલે પુનરાવર્તન ટાળ્યું છે.